સાક્રેમેન્ટો (નદી) : ઉત્તર કૅલિફૉર્નિયાના માઉન્ટ શાસ્તા નજીક ક્લૅમથ પર્વતોમાંથી નીકળતી નદી. ભૌગોલિક સ્થાન : 38° 03´ ઉ. અ. અને 121° 56´ પ. રે.. તે કાસ્કેડ પર્વતમાળા અને સિયેરા નેવાડા પર્વતમાળાની વચ્ચે સાક્રેમેન્ટોની ખીણ(મધ્યની ખીણ)માં થઈને 615 કિમી. જેટલી લંબાઈમાં વહે છે. આ નદી સાન ફ્રાન્સિસ્કોના અખાતના ઉત્તર ફાંટાને મળે છે, પરંતુ તે પહેલાં તેના મુખભાગ પર સાન જોઆક્વિન નદી સાથે સંયુક્ત ત્રિકોણપ્રદેશ રચે છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં પિટ, મૅક ક્લાઉડ, ફેધર અને અન્ય અમેરિકન નદીઓનો સમાવેશ થાય છે. તેનો કુલ સ્રાવવિસ્તાર આશરે 70,189 ચોકિમી. જેટલો છે. તેની વાર્ષિક જળવહનક્ષમતા સરેરાશ 2.7 x 1010 ઘનમીટર જેટલી છે. સાક્રેમેન્ટો ખીણ તથા ફેધર નદીકાંઠાના વિસ્તારો માટે શાસ્તા, કેસ્વિક અને ઑરોવિલે બંધ ઊર્જા તેમજ સિંચાઈની સુવિધા પૂરી પાડે છે. આ રીતે આ નદી રાજ્યના દક્ષિણ ભાગને ઉપયોગી બની રહી છે. કૅલિફૉર્નિયા રાજ્યની આ લાંબામાં લાંબી નદી છે. તેમાં 410 કિમી.ના અંતર સુધી નૌકાઓની અવરજવર થઈ શકે છે. તેને કારણે સાક્રેમેન્ટો શહેર સુધી, મહાસાગર તરફ જતાં વહાણોની સગવડ મળી રહે છે.
આ નદીનું ‘સાક્રેમેન્ટો’ નામ મૂળ તો ફેધર નદી માટે 1808માં અપાયેલું; તે પછીથી એ નામ તેના મુખ્ય ફાંટા(જેનું જૂનું નામ રિયો દ સાન ફ્રાન્સિસ્કો)ને અપાયું. આ નદી 1849માં અહીં થયેલા ‘સુવર્ણ ધસારા(Gold rush)’ની સાક્ષી રહી છે; એટલું જ નહિ, તે દુનિયાના સૌથી સમૃદ્ધ ગણાતા ફળદ્રૂપ વિસ્તારો પૈકીનો એક પ્રદેશ બનાવે છે.
સાક્રેમેન્ટો (પર્વતો) : દક્ષિણ રૉકીઝ પર્વતમાળાનો એક વિભાગ. ભૌગોલિક સ્થાન : 32° 45´ ઉ. અ. અને 105° 30´ પ. રે.. આ પર્વતો યુ.એસ.ના ઍન્કોથી દક્ષિણ મધ્ય ન્યૂ મેક્સિકો, પશ્ચિમ ટૅક્સાસ સુધી વિસ્તરેલા છે. આ પર્વત વિભાગમાં સરેરાશ 2400થી 3000 મીટર ઊંચા સિયેરા બ્લૅન્કા, ગ્વાડેલૂપ અને જિકારિલા પર્વતો આવેલા છે. સિથેરા બ્લૅન્કા શિખર અહીંનું ઊંચામાં ઊંચું (3600 મીટર) શિખર છે, ગ્વાડેલૂપ શિખર બીજા ક્રમે (2625 મીટર)
આવે છે.
આ પર્વત વિભાગમાંનાં જોવાલાયક સ્થળોમાં કાર્લ્સબાડની ગુફાઓ, ગ્વાડેલૂપ પર્વતોના રાષ્ટ્રીય ઉદ્યાનો, લિંકન રાષ્ટ્રીય વન અને મેસ્કૅલેરો અપાચી ઇન્ડિયન રિઝર્વેશન(અભયારણ્ય)નો સમાવેશ થાય છે. સામાન્ય રીતે તો આ પર્વત વિભાગ શુષ્ક છે. તેમાં પશુવાડાઓ તથા ખાણપ્રવૃત્તિઓ વિકસેલી છે.
સાક્રેમેન્ટો (શહેર) (Sacramento) : યુ.એસ.ના પશ્ચિમ ભાગમાં પૅસિફિક કાંઠે આવેલા કૅલિફૉર્નિયા રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 38° 35´ ઉ. અ. અને 121° 30´ પ. રે.. તે સાક્રેમેન્ટો ખીણમાં સાન ફ્રાન્સિસ્કોથી 130 કિમી. ઈશાનમાં સાક્રેમેન્ટો અને અમેરિકન નદીઓના સંગમસ્થાન પર સાક્રેમેન્ટો નદીના પૂર્વકાંઠે આવેલું છે. સાક્રેમેન્ટો નદી સાક્રેમેન્ટો ખીણમાં થઈને 615 કિમી. લંબાઈમાં વહે છે અને સાન ફ્રાન્સિસ્કો ઉપસાગરને મળે છે.
આ શહેર પાટનગર હોવા ઉપરાંત અહીંના સમૃદ્ધ ખેતપ્રદેશનું વાણિજ્યમથક પણ છે. તે ઔદ્યોગિક નદી-બંદર તરીકે પણ કાર્યરત છે. સાક્રેમેન્ટોનું અર્થતંત્ર ધમધમતી સરકારી પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. શહેરમાં 300થી વધુ ઉત્પાદકીય એકમો આવેલા છે. અહીંની અન્ય પેદાશોમાં બદામ, પીચ અને જામફળ પણ થાય છે. અહીં રૉકેટ-એન્જિનો બને છે તથા આ શહેર આજુબાજુના વિસ્તાર માટે ડીટરજન્ટ તેમજ જેટ હવાઈ યાનના ઉદ્યોગો પણ ધરાવે છે. ખાદ્યપ્રક્રમણ અહીંનો મુખ્ય ઉદ્યોગ ગણાય છે. વસ્તી : 4,07,000 (2000); મહાનગર : 1999 : 16,00,000.
આ શહેર 1839માં વસ્યું, 1848માં અહીં મળી આવેલી સુવર્ણખાણોને કારણે ઝડપથી વિકસ્યું અને 1854માં રાજ્યનું પાટનગર બન્યું. અહીં હવાઈ મથક, રેલમાર્ગ તથા યુનિવર્સિટી(1947)ની સુવિધા છે. બાસ્કેટબૉલની રમત માટે, રોમન કોરિંથિયન સ્ટેટ કૅપિટૉલ (1860), ક્રોકર આર્ટ ગૅલરી, સુટર્સ ફૉર્ટ (1840) (હવે તેનો ફરીથી જિર્ણોદ્ધાર થયો છે.) તથા ઇન્ડિયન કાળના અને અગાઉના અવશેષો માટે જાણીતું છે.
ગિરીશભાઈ પંડ્યા