સાકી, મોતીલાલ (જ. 1936, શ્રીનગર) : કાશ્મીરી કવિ અને પંડિત. તેમના ‘માનસર’ નામના કાવ્યસંગ્રહને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1964માં તેમણે જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાંથી વિનયન ઉપરાંત ઉર્દૂમાં ડિગ્રી મેળવી હતી. 1973થી તેઓ જમ્મુ અને કાશ્મીરની કલા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા ભાષાઓ અંગેના વિવિધ પ્રોજેક્ટો સાથે અકાદમી સાથે સંકળાયેલા રહ્યા; ત્યારબાદ ‘એન્સાઇક્લોપીડિયા કાશ્મીરિયાના’ નામની અકાદમીની પરિયોજનામાં સહાયક સંપાદક બન્યા. તેમણે 2 કાવ્યસંગ્રહો અને સાહિત્યિક સંશોધન તથા વિવેચનાના 2 ગ્રંથો પ્રગટ કર્યા. સાહિત્ય અકાદમીના આ પુરસ્કૃત કાવ્યસંગ્રહને 1980માં જમ્મુ અને કાશ્મીર અકાદમી તરફથી પ્રથમ ઇનામ મળ્યું હતું.
આધુનિક અસ્તિત્વની સમસ્યાઓ વિશેની તેમની ઊંડી સૂઝ, માનવ-પરિસ્થિતિઓને સમજવાની કોશિશ, ચિંતન સાથેની ઊર્મિશીલતા તથા સંયત શૈલી જેવાં કારણોસર આ કાવ્યસંગ્રહ ગણનાપાત્ર લેખાયો છે.
મહેશ ચોકસી