સાઇલેજ : લીલા ચારાને હવારહિત પરિસ્થિતિમાં લાંબા સમય સુધી સાચવીને તૈયાર કરવામાં આવતો ઘાસચારો. તેને ‘લીલા ચારાનું અથાણું’ પણ કહી શકાય. ચોમાસામાં મળતા વધારાના લીલા ચારાનો સંગ્રહ કરવામાં આવે તો તેનો તંગીની ઋતુમાં પશુઓને ખવડાવવામાં ઉપયોગ કરી શકાય છે. વળી ચોમાસામાં આ વધારાના લીલા ચારાને સૂકવીને સંગ્રહ કરી શકાતો નથી. તેથી લીલા ચારાનો સાઇલેજ બનાવી સંગ્રહ કરવો એ સલાહભરેલું છે.
સાઇલેજ બનાવવા ધાન્ય વર્ગના જુવાર, મકાઈ, બાજરી અને ઓટ જેવા મોસમી પાકો તેમજ હાઇબ્રીડ નેપિયર અને ગીની ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે. આ વનસ્પતિઓમાં કાર્બોદિત પદાર્થો વધારે માત્રામાં હોય છે. ચોમાસામાં ગોચરના ઘાસનો પણ સાઇલેજ બનાવવામાં ઉપયોગ કરી શકાય છે. કઠોળવર્ગનો ચારો જેવો કે રજકો, બરસીમ, ગુવાર વગેરેમાં કાર્બોદિત પદાર્થોની માત્રા ઓછી હોવાથી તેને ધાન્ય વર્ગના ચારા સાથે મિશ્રણના રૂપમાં વાપરી સાઇલેજ બનાવી શકાય છે. સાઇલેજ બનાવવાના ઉપયોગમાં લેવાતો ઘાસચારો વધુ પડતો સૂકો કે ખૂબ પાણીવાળો ન હોવો જોઈએ. વધારે પડતો સૂકો ચારો હવાચુસ્ત રહેતો નથી, તેથી ફૂગ ઉત્પન્ન થવાની શક્યતા રહે છે. વધારે પાણીવાળા લીલા ચારાનું સાઇલેજ ખાટું થાય છે, તેથી બગડવાની શક્યતા રહે છે.
લીલો ચારો સંગ્રહવા માટેના ખાડાને ‘સાઇલો’ કહે છે. તેના પ્રકારો આ પ્રમાણે છે :
1. પિટ–સાઇલો : જમીનમાં જરૂરિયાત મુજબનો ગોળાકાર ખાડો બનાવવામાં આવે છે, તેને ‘પિટ-સાઇલો’ કહે છે. તે કાચો અથવા પાકા કૉંક્રીટનો બનાવી શકાય છે. ખાડો ગોળ રાખવાથી સાઇલેજ બરાબર દબાવીને હવારહિત રીતે ભરી શકાય છે. ચોરસ ખાડામાં ખૂણા પડતા હોવાથી તેમાં હવારહિત રીતે ભરી શકાતું નથી. કાચા ખાડાની દીવાલને લીંપણ કરવાથી વધુ સરખી અને સુંવાળી બનાવી શકાય છે; ખાડાનું તળિયું સમતલ રાખવામાં આવે છે. દીવાલમાં પાણી ન આવે તે માટે દીવાલ પર સિમેન્ટનું પ્લાસ્ટર કરવું વધારે હિતાવહ છે.
2. ટાવર સાઇલો : તે જમીન ઉપર ગોળાકાર બાંધવામાં આવે છે.
3. ટાવર કમ પિટ સાઇલો : અડધો જમીનની ઉપર અને અડધો જમીનમાં પાકો ‘સાઇલો’ બનાવવામાં આવે છે.
4. બંકર કે ખાઈ (trench) સાઇલો : તેમાં જમીનમાં લાંબી ખાઈ આકારનો ખાડો બનાવવામાં આવે છે.
ગોળાકાર સાઇલોનું માપ અને તેમાં સમાવી શકાતા સાઇલેજનો અંદાજિત જથ્થો (મૅટ્રિક ટનમાં)
સાઇલોનો વ્યાસ (મીટરમાં) | પિટ-સાઇલોની ઊંડાઈ/ટાવર સાઇલોની ઊંચાઈ મીટરમાં | ||||||
1.0 | 2.0 | 2.5 | 3.0 | 3.5 | 4.0 | 5.0 | |
3.0 | 4 | 7 | 11 | 15 | 18 | 21 | 26 |
3.5 | 6 | 10 | 15 | 20 | 26 | 30 | 37 |
4.0 | 8 | 13 | 20 | 27 | 35 | 40 | 50 |
5.0 | 12 | 18 | 28 | 37 | 46 | 55 | 66 |
5.5 | 14 | 22 | 37 | 40 | 70 | 72 | 85 |
6.0 | 17 | 29 | 45 | 60 | 74 | 89 | 100 |
સાઇલેજ બનાવવાની રીત : સૌપ્રથમ ઉપયોગમાં લેવાનો હોય તે ઘાસચારાની કાપણી કર્યા પછી તેને 46 કલાક સુધી તડકામાં સુકાવા દેવો જોઈએ, જેથી તેમાં રહેલા ભેજનું પ્રમાણ ઘટી જાય. સામાન્ય રીતે ધાન્ય વર્ગના લીલા ચારામાં ભેજનું પ્રમાણ 70 %થી 75 % અને કઠોળ વર્ગના ચારામાં 75 %થી 80 % હોવું જોઈએ.
પિટ-સાઇલો તૈયાર થયા પછી તેમાં જે લીલા ચારામાંથી સાઇલેજ બનાવવું હોય તેને સાફ કરીને હવાચુસ્ત રીતે ભરી શકાય છે. ટુકડા કરેલા લીલા ચારાને વ્યવસ્થિત ભરીને અડધો ખાડો ભરાય એટલે માણસોની મદદથી શક્ય તેટલું દબાવવામાં આવે છે. 100 કિગ્રા. લીલા ચારાના પ્રમાણમાં 1 % જેટલું મીઠું નાખવામાં આવે છે. 3 %થી 4 % ગોળની રસી (મોલાસિસ) અથવા ગોળ નાખવાથી ઉત્તમ કક્ષાનું સાઇલેજ બને છે. કુમળા ઘાસચારામાં ગોળની રસીનો જથ્થો વધારે વાપરવામાં આવે છે. ગોળની રસીની જગાએ 5 %થી 6 % ભરડેલું અનાજ પણ વાપરવામાં આવે છે. પિટ-સાઇલો પૂરેપૂરો ભરાયા પછી તેની ઉપર વધુ પડતું ઘાસ નાખવામાં આવે છે, જેથી તે ખાડાની અંદર બેસી જાય. બીજે દિવસે થોડું વધારે ઘાસ નાખી ઘુમ્મટ જેવો આકાર રાખવાથી તેની અંદર વરસાદનું પાણી ઊતરવાની શક્યતા રહેતી નથી. તેના ઉપરના ભાગને પ્લાસ્ટિકની ચાદરથી ઢાંકી તેના પર આશરે 30 સેમી. માટીનો થર પાથરવામાં આવે છે. ત્યારબાદ લીંપણ કરી દેવામાં આવે છે, જેથી બહારની હવા અંદર પ્રવેશી શકતી નથી. જો લીંપણમાં તિરાડો પડે તો વારંવાર લીંપણ કરી બંધ કરવામાં આવે છે.
આ રીતે સંગ્રહાયેલ લીલા ચારાનું 4થી 6 અઠવાડિયાંમાં સાઇલેજ તૈયાર થાય છે. લીલા ચારાની અછત હોય ત્યારે માટીના થરને હઠાવી જરૂરિયાત મુજબનું સાઇલેજ કાઢી પશુને ખવડાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આમ, સાઇલેજ અછત દરમિયાન લીલા ચારાની ગરજ સારે છે.
ઉત્તમ સાઇલેજના ગુણધર્મો : ઘાસચારાના પ્રકાર, કાર્બોદિત પદાર્થની માત્રા, ભેજનું પ્રમાણ તેમજ પિટ-સાઇલો ભરતી વખતે રાખવામાં આવતી કાળજી પર ઉત્તમ સાઇલેજ બનવાનો આધાર છે.
ઉત્તમ સાઇલેજ લીલાશ પડતા ભૂરા કે પીળા રંગનું, ફૂગરહિત, દુર્ગંધરહિત, સરકા જેવી ગંધયુક્ત, પશુઓને ભાવતું એ રુચિકર હોય છે. તેનો pH આંક 4.2થી ઓછો, એસિટિક ઍસિડનું પ્રમાણ લૅક્ટિક ઍસિડ કરતાં ઓછું, ઍમોનિયાનું પ્રમાણ ઓછું અને બ્યુટિરિક ઍસિડનું પ્રમાણ નહિવત્ (0.2 % કરતાં પણ ઓછું) હોય છે.
સાઇલેજના લાભ : સાઇલેજના ફાયદા આ પ્રમાણે છે :
1. પશુઓને ખવડાવતાં વધેલા લીલા ચારાને સાઇલેજ રૂપે સંગ્રહી શકાય છે.
2. એકસાથે લીલો ચારો કાપી સાઇલેજ બનાવવાના ઉપયોગમાં લેવાથી તે જમીનને ચુસ્ત કરી વધુ પાક મેળવી શકાય છે. એકરદીઠ વધારે ઘાસચારો મળે છે અને વધારે પશુઓ નિભાવી શકાય છે.
3. સાઇલેજ પશુઓને વધારે ભાવે છે.
4. તેમાં પોષકતત્ત્વોનો ખાસ નાશ થતો નથી. કૅરોટિનનું પ્રમાણ સૂકા ચારા કરતાં વધારે જળવાઈ રહે છે.
5. લીલા ચારાને લાંબા સમય સુધી સંગ્રહી અછતની ઋતુમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
6. નિંદણ ઘાસનું સાઇલેજ બનાવી શકાય છે. તેથી નિંદણનાં બીજનો નાશ થાય છે અને ખેતરમાં થતા નિંદણનું નિયંત્રણ કરી શકાય છે.
7. સાઇલેજનો સૂકા ઘાસની સરખામણીમાં ઓછી જગામાં સંગ્રહ થઈ શકે છે. આગનો ભય રહેતો નથી.
8. અગ્રચલિત પશુઆહાર જેવાં કે કુંવાડિયા, જે પશુઓ સામાન્ય સ્થિતિમાં ખાતા નથી, પરંતુ જો તેનું સાઇલેજ બનાવવામાં આવે તો જાનવરો તે હોંશે હોંશે ખાય છે.
આમ, લીલા ઘાસચારાના સાઇલેજનો બધા જ અનુકૂળ સંજોગોમાં અને હવાચુસ્ત જગામાં સંગ્રહ કરવામાં આવે તો 10થી 12 વર્ષ સુધી તે સારી સ્થિતિમાં રાખી શકાય છે.
અન્નાસાહેબ ભાઉરાવ ફૂલસૌંદર
એમ. એ. કટારિયા