સાઇમન્સટાઉન (Simonstown)

January, 2007

સાઇમન્સટાઉન (Simonstown) : દક્ષિણ આફ્રિકાના કેપટાઉન નજીકના ફૉલ્સ ઉપસાગરના ભાગરૂપ સાઇમનના અખાત પર આવેલું નગર તેમજ નૌકામથક. ભૌ. સ્થાન : 34° 14´ દ. અ. અને 18° 26´ પૂ. રે.. તે કેપટાઉનથી દક્ષિણે આશરે 40 કિમી.ને અંતરે કેપની ભૂશિરના પૂર્વ કાંઠા પર આવેલું છે. તે સાઇમનસ્ડૅડ નામથી પણ ઓળખાય છે. અહીંનાં જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 21° સે. અને 12° સે. જેટલાં રહે છે.

આ નગરમાં 150 વર્ષથી પણ વધુ જૂની 21 ઇમારતો આવેલી છે. આ પૈકીની ઘણીખરી તો ‘સેન્ટ જ્યૉર્જ્ઝ સ્ટ્રીટ’માં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાય છે. અહીંનાં બારાનો માછીમારીની હોડીઓ તેમજ ખાનગી નૌકાઓના મથક તરીકે ઉપયોગ થાય છે. પ્રવાસન અહીંનો મુખ્ય ઉદ્યોગ છે.

1691થી 1699 સુધી કેપ કૉલોનીના ગવર્નર અને કમાન્ડર રહી ચૂકેલા સાઇમન વાન ડર સ્ટેલના નામ પરથી આ નગરનું નામ અપાયેલું છે. 1814માં તે બ્રિટનની રૉયલ નૌસેનાના મુખ્ય મથક તરીકે રહેલું અને તેની દક્ષિણ ઍટલૅંટિક નૌસેનાની ટુકડીનું મથક બનેલું. 1957માં બ્રિટને તેને દક્ષિણ આફ્રિકાને સોંપી દીધું, જેથી તે દક્ષિણ આફ્રિકી નૌકાસૈન્યનું કાર્યરત મુખ્યમથક બની રહે.

ગિરીશભાઈ પંડ્યા