સાઇમન સંત (જ. 17 ઑક્ટોબર 1760, પૅરિસ; અં. 19 મે 1825, પૅરિસ) : ફ્રેંચ સમાજસુધારક અને સમાજવાદનો પિતા. ઉચ્ચ ખાનદાન કુટુંબમાં જન્મેલા આ વિચારક ફ્રેંચ રાજવી મંડળના લુઈ કુટુંબ સાથે સંબંધો ધરાવતા હતા. ખાનગી શિક્ષકો દ્વારા શાલેય શિક્ષણ મેળવ્યું. 17ની વયે લશ્કરી સેવામાં જોડાયા અને અમેરિકાની ક્રાંતિમાં મદદરૂપ થવા ફ્રાંસે મોકલેલી રેજિમૅન્ટમાં જોડાઈ, 1781માં અમેરિકા ગયા.
વર્ષો વીતતાં વિજ્ઞાનના અભ્યાસમાં જોડાયા અને સમાજવ્યવસ્થામાં વૈજ્ઞાનિક પાદરી જેવું આદરપાત્ર સ્થાન પામ્યા હતા. પોતે નવા યુગનું નિર્માણ કરવા સર્જાયા હોવાની અંગત માન્યતાને કારણે સમાજમાં પરિવર્તન કે બદલાવ લાવી નવી સમાજવ્યવસ્થા ઊભી કરવાનું તેમનું સ્વપ્ન હતું. ઉમરાવશાહી શૈલીથી જીવન જીવતા સાઇમન 1805માં નિર્ધન બનતાં જીવનનાં છેલ્લાં 20 વર્ષ તેમણે મિત્રોની સહાયથી નિર્વાહ કર્યો. 1823માં ભારે નિરાશાથી ઘેરાઈને તેમણે પિસ્તોલથી આત્મહત્યા કરવા પ્રયાસ કરેલો, જે નિષ્ફળ ગયેલો પણ તેથી તેઓ કાયમને માટે એક આંખ ગુમાવી બેઠા હતા.
ચિંતનના સંદર્ભે તેઓ તે સમયની સમાજવ્યવસ્થાથી અસંતુષ્ટ હતા. સમાજવ્યવસ્થાના નવા અને વૈજ્ઞાનિક નિયમો ઘડી તે દ્વારા બદલાયેલી સમાજવ્યવસ્થા ઊભી કરવાનું તેમનું સ્વપ્ન હતું. આ માટે વ્યક્તિ કરતાં સમાજને અગ્રતા આપી તેઓ દરિદ્રતા અને શોષણને નાબૂદ કરવા ઇચ્છતા હતા. ઉત્પાદનના ક્ષેત્રમાં કામ કરનાર કર્મચારી કે શ્રમિકને સેવા અને શ્રમના બદલામાં વળતર મળવું જોઈએ એમ તેઓ માનતા હતા. રોજગારીમાં શોષણને સ્થાન ન હોય, અને ઉત્પાદકો સમાજને જવાબદાર રહી વર્તે તેવી વ્યવસ્થાના તેઓ હિમાયતી હતા. આ માટે સામાજિક પ્રશ્નોને અગ્રતાક્રમે મૂકી, સામાન્ય માનવીનાં સુખ, કલ્યાણ અને વૃદ્ધિ પર તેઓ ભાર મૂકતા હતા. સાઇમન રાજ્યસત્તા કબજે કરી તે થકી સમાજવ્યવસ્થામાં આ પરિવર્તન દાખલ કરવા ચાહતા હતા. આ જ કારણોથી તેઓ જન્મ અને સંપત્તિના વિશેષાધિકારોનો ઇનકાર કરતા હતા. ઇન્ફાન્તી અને બઝાર્દે તેમના જાણીતા શિષ્યો હતા, જેઓ સાઇમનકથિત સમાજવ્યવસ્થા સ્થાપવા અંગે ઉત્સાહી હતા. સાઇમનની વિશ્વ-ઔદ્યોગિકીકરણની કલ્પના દ્વારા નૂતન સમાજવ્યવસ્થા રચાવાનો આશાવાદ આ અનુયાયીઓ સેવતા હતા.
સાઇમનના આ વિચારોએ એ જમાનામાં ઘેરા પ્રત્યાઘાત ઊભા કરેલા. ઍલેક્ઝાન્ડર ગ્રે જેવા અભ્યાસીઓ આટલા પ્રદાન બદલ સાઇમનને સમાજવાદના પિતા ગણવા તૈયાર નથી. બીજી તરફ ફેલિક્સ માર્ખમ માનતા કે સંત સાઇમનના વિચારો 20મી સદી સાથે વિશેષ પ્રસ્તુતતા ધરાવે છે. તો માર્ક્સ અને એન્જેલ્સ જેવા પાયાના સમાજવાદી વિચારકો સંત સાઇમનના સમાજવાદી વિચારોને ‘યુટોપિયન સમાજવાદ’ તરીકે ઓળખાવે છે. આમ સમાજવાદી વિચારોની નૂતન દિશા સાઇમનના વિચારો દ્વારા આરંભાઈ હતી. ઑગુસ્ત કામ્ત જેવા વિચારકો પર તેમનો ઘેરો પ્રભાવ હતો.
રક્ષા મ. વ્યાસ