સાઇફર્ટ, જેરોસ્લાવ (Jaroslav Seifert)

સાઇફર્ટ, જેરોસ્લાવ (Jaroslav Seifert) (જ. 23 સપ્ટેમ્બર 1901, ઝિઝકોવ, પ્રાગ, ઑસ્ટ્રિયા-હંગેરી (હવે ઝેક રિપબ્લિક); અ. 10 જાન્યુઆરી 1986, પ્રાગ, ઝેક) : ઝેકોસ્લોવાક કવિ અને પત્રકાર. જેરોસ્લાવ સાઇફર્ટને તેમની ‘તાજગીપૂર્ણ, ઇન્દ્રિયજન્ય અનુભવ કરાવતી, નવીનતાથી સમૃદ્ધ કવિતાઓ માટે’ 1984નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. તેઓ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ઝેકોસ્લોવાક સાહિત્યકાર છે. વિષયવૈવિધ્ય ધરાવતી તેમની કવિતાઓમાં મુક્તિનો આનંદ અને વશીકરણની તાકાત છે.

જેરોસ્લાવ સાઇફર્ટ

શ્રમજીવી પરિવારમાં જન્મેલા જેરોસ્લાવે માત્ર માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું એ સાથે જ કવિતા લખવાની અને પત્રકારિત્વની શરૂઆત કરેલી. 1918માં તેમણે પ્રથમ કાવ્ય લખ્યું. 1921માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો. તેમાં સોવિયત યુનિયનમાં સામ્યવાદના ભવિષ્ય વિશે યુવાનોની અપેક્ષાઓ પ્રતિબિંબિત થાય છે.

1921માં તેમણે નવા રચાયેલા ઝકોસ્લોવાકિયામાં સામ્યવાદી પક્ષની સ્થાપના કરેલી. તેઓ કમ્યૂનિસ્ટ ન્યૂઝપેપર્સ અને મૅગેઝિન્સના સંપાદક હતા. તેઓ કમ્યૂનિસ્ટ પબ્લિશિંગ હાઉસ અને બુકસ્ટોર્સમાં કામ કરતા હતા. 1930થી તેમણે સોશિયલ ડેમોક્રૅટિક પ્રેસમાં વિવિધ સંપાદકીય હોદ્દાની રુએ સેવાઓ આપેલી. જર્મનીના તાબા દરમિયાન તેઓ ‘Národni práce’ દૈનિકના અને 1945 પછી તેમણે ટ્રેડ યુનિયનના દૈનિક ‘Práce’ના સંપાદક રહ્યા હતા. 1945-1948 દરમિયાન તેઓએ સાહિત્યિક માસિક ‘Kytice’નું સંપાદન કરેલું. 1949માં તેમને પત્રકારિત્વ છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા. તેમણે 1950થી પત્રકારત્વ છોડ્યું. માત્ર સાહિત્યને સમર્પિત થયા.

1925માં ‘On the Waves of T.S.F.’ અને 1926માં ‘The Nightingale sings Badly’ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા. જેમાં કવિતાનાં વિશેષ ભાવાત્મક તત્વો – શુદ્ધ કવિતા પ્રાપ્ત થાય છે. તેમની કવિતામાં સર્વસામાન્ય વિષય ઇતિહાસ અને ઝેકોસ્લોવાકિયાનાં વિવિધ પાસાંઓ જોવા મળે છે. 1938માં પ્રકાશિત ‘Put Out the Lights’માં તેમણે મ્યૂનિચ કરારને કાવ્યનો વિષય બનાવ્યો છે. જ્યારે ‘Robed in Light’ (1940) પ્રાગ શહેર તેનો વિષય છે. ‘A Helmetful of Earth’(1945)માં પ્રાગ શહેરની નવજાગૃતિ કેન્દ્ર સ્થાને છે.  જેરોસ્લાવના 30 જેટલા કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. આ ઉપરાંત તેમણે બાળસાહિત્ય પણ આપ્યું છે.

1966માં તેમને રાષ્ટ્રના કવિ તરીકે બિરદાવ્યા હતા. 1936, 1955 અને 1968માં તેમની કવિતાઓને રાજ્યકક્ષાનાં ઇનામોથી સન્માનિત કરવામાં આવી હતી. 1968માં તેઓ ઝેકોસ્લોવાકિઅન રાઇટર્સ યુનિયનના અધ્યક્ષપદે ચૂંટાયા હતા. તેમજ 1969-70 દરમિયાન તેના અધ્યક્ષ રહ્યા હતા.

ઊર્મિલા ઠાકર