સાંકેતિક ભાષા અને લિપિ : સમાજમાં પ્રચલિત હોય તેવી ભાષા કે લિપિને સ્થાને પૂર્વનિર્ધારિત સંકેતો દ્વારા સંદેશ અથવા હુકમ મોકલવાની પદ્ધતિ. મહદ્અંશે તેનો ઉપયોગ સંદેશ અથવા હુકમની ગુપ્તતા જાળવવા માટે – થતો હોય છે. લશ્કરી અને રાજદ્વારી સંદેશ મોકલવા માટે આ પદ્ધતિનો ઉપયોગ વૈશ્ર્વિક સ્તરે વ્યાપક પ્રમાણમાં થતો હોય છે. આ પદ્ધતિમાં બધા જ પ્રચલિત શબ્દો, વાક્યો અને શબ્દસમૂહોના સ્થાને મરજી મુજબ પસંદ કરવામાં આવેલા પણ સમાનાર્થી હોય તેવા શબ્દો, શબ્દસમૂહો, ચિત્રો, આકૃતિઓ અથવા તેમનાં જૂથો મૂકવામાં આવે છે. તાર દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓમાં પણ એક પ્રકારની સાંકેતિક ભાષાનો જ ઉપયોગ થતો હોય છે. ‘કડ…..કટ’ જેવા માત્ર બે સાંકેતિક અવાજોની અદલ-બદલ અને જોડાણ દ્વારા યંત્ર મારફત સમગ્રપણે ટૂંકાક્ષરી ગણાય તેવા સંદેશા એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકાય છે. તારની લિપિની શોધ એક અમેરિકન નાગરિક સૅમ્યુઅલ ફિન્લે મોર્સ દ્વારા 1835માં કરવામાં આવી હતી અને તેથી જ તે ‘મોર્સ લિપિ’ના નામથી ઓળખાય છે. આ પદ્ધતિનો સર્વપ્રથમ પ્રયોગ ન્યૂયૉર્ક યુનિવર્સિટીના પ્રાંગણમાં સફળતાથી કરવામાં આવ્યો હતો અને 1844માં તે લિપિ દ્વારા વિશ્વનો પહેલો સંદેશ ‘વૉટ હૅથ ગૉડ રૉટ ?’ (What Hath God Wrought ?) મોકલવામાં આવ્યો અને ત્યારબાદ માત્ર એક જ સૈકામાં આ લિપિ સમગ્ર વિશ્વમાં સંદેશાવ્યવહારની સુગમ પદ્ધતિ તરીકે અપનાવવામાં આવી.
સામાન્ય રીતે પાંચ ઉદ્દેશોની પૂર્તિ માટે સાંકેતિક ભાષાનો અને લિપિનો ઉપયોગ થતો હોય છે : (1) સંદેશાની ગુપ્તતા જાળવવી. આ ઉદ્દેશ લશ્કરના સંદેશાઓ તથા રાજદ્વારી સંદેશાઓની બાબતમાં વધારે પ્રસ્તુત હોય છે. (2) ચોકસાઈ રાખવી જેથી સંદિગ્ધતા ટાળી શકાય. (3) ખર્ચમાં કરકસર કરવી. (4) સમય અને સાધનોની બચત કરવી. (5) સંક્ષિપ્તતા જાળવવી. આમાંથી પ્રથમ ત્રણ ઉદ્દેશો મુખ્ય અને બાકીના બે ઉદ્દેશો ગૌણ ગણવામાં આવે છે. ઉપરાંત, આ પાંચ ઉદ્દેશોમાંથી છેલ્લા ચાર ઉદ્દેશો એકબીજાના પૂરક છે.
સાંકેતિક ભાષાના મુખ્ય બે પ્રકાર છે : (1) વર્ણ પર આધારિત સાંકેતિક ભાષા અને (2) આકૃતિઓ કે ચિત્રો પર આધારિત સાંકેતિક ભાષા. તેની વિભિન્ન પદ્ધતિઓમાં કરપલ્લવી, ધ્વજ કે વાવટાઓ મારફત સાંકેતિક રીતે થતી સંદેશાની આપલે; દુંદુભિ, શંખનાદ, રણશિંગું, આધુનિક બ્યૂગલ, સીટીઓ, ઢોલ-નગારાં, નોબત, મશાલ જેવાં સાધનો મારફત સંદેશા મોકલવાની પદ્ધતિ વગેરે. આમાંથી ધ્વજ કે વાવટા મારફત થતા ઇશારા કે સંદેશની આપલે બાદ કરતાં બાકીની પ્રાચીન પદ્ધતિઓની સ્વરૂપગત મર્યાદાઓને કારણે અને વિજ્ઞાન તથા ટૅક્નૉલૉજીના વિકાસમાંથી સર્જાયેલ અવનવી પદ્ધતિઓના આવિષ્કારને કારણે પ્રાચીન પદ્ધતિઓ લુપ્ત થઈ ગઈ છે. ધ્વજ કે વાવટા દ્વારા સંકેત મોકલવાની પદ્ધતિની તાલીમ બૉય-સ્કાઉટ્સ જેવાં સંગઠનોમાં તેમાં જોડાયેલા યુવાનોને ભૂતકાળમાં અપાતી હતી. નૌકાદળમાં આજના જમાનામાં પણ ઓછાવત્તા પ્રમાણમાં ધ્વજ કે વાવટા દ્વારા સંદેશ મોકલવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે, જેની શરૂઆત આશરે 1800ની આસપાસ થઈ હતી. માત્ર લશ્કરી જહાજો કે નૌકાદળ જ નહિ; પરંતુ વ્યાપારી જહાજો, પ્રવાસી જહાજો અને નૌકાઓ પણ તેનો ઉપયોગ કરતી હોય છે. રણક્ષેત્રમાં થતી સૈનિકોની હેરફેર, હિલચાલ, ગોઠવણો (mobilisations) વગેરેથી પોતાના પક્ષના સૈનિકોને વાકેફ કરવા માટે નજીકની સૈનિક ટુકડીઓ વચ્ચે હાથના ઇશારાનો ઉપયોગ થતો હોય છે. વૉકીટૉકી કે સિગ્નલનાં અન્ય સાધનોનો ઉપયોગ કરતી વેળાએ પણ મોટાભાગે સાંકેતિક ભાષાનો જ ઉપયોગ કરવામાં આવે છે, જેથી શત્રુપક્ષ તે જાણી ન શકે. આ તો રણક્ષેત્રની વાત થઈ; પરંતુ બહેરા અને મૂંગા માણસો હાથની આંગળીઓ અને આંખોની હલનચલન દ્વારા એકબીજા સાથે આશ્ર્ચર્ય પમાડે તેવી દ્રુતગતિથી વાતચીત કરતા હોય છે. શૅરબજારમાં વ્યાપારી લેવડદેવડ કરનારાઓ પણ ઘણી વાર આંગળીઓના ઇશારાથી કરોડો રૂપિયાની લેવડદેવડ અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે. તે ઉપરાંત જુદા જુદા પ્રકારના હાવભાવ તથા અંગવિક્ષેપ દ્વારા પણ સંદેશાની આપલે થઈ શકતી હોય છે. બાળકો રમતાં હોય ત્યારે સાંકેતિક શબ્દો કે વાક્યો દ્વારા કેટલીક બાબતો પોતાની ટુકડીનાં બાળકોને જણાવવા માટે તેનો ઉપયોગ કરતાં હોય છે.
ઈ. સ. 1200ની આસપાસ ખ્રિસ્તી ધર્મગુરુઓનાં હસ્તકનાં રાજ્યો તથા ઇટાલીનાં તત્કાલીન નગરરાજ્યોમાં અરસપરસના સંદેશાઓની લેવડદેવડ માટે સાંકેતિક ભાષાની પદ્ધતિ હેઠળ તદ્દન સાદાં સાંકેતિક પ્રતીકચિહનો દાખલ કરવામાં આવ્યાં હતાં; જ્યારે ઈ. સ. 1300ની આસપાસ રાજદ્વારી સંદેશાવ્યવહાર માટે તેમનો ઉપયોગ થવા લાગ્યો. ઈ. સ. 1800 પછી લશ્કર દ્વારા તેમનો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો, જેમાં સંદેશાની ગુપ્તતા વિશેષ મહત્વ ધરાવતી હતી. ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઇબલમાં પણ કેટલાક ઉલ્લેખો સાંકેતિક લિપિમાં લખાયેલા છે. આ હકીકત નોંધપાત્ર છે.
સાંકેતિક ભાષાની જેમ સાંકેતિક લિપિ પણ હોય છે. તેના ઐતિહાસિક ક્રમની દૃષ્ટિએ વિચારીએ તો સર્વપ્રથમ ચિત્રાત્મક પદ્ધતિ, ત્યારબાદ કરપલ્લવી, પછી શબ્દાત્મક પદ્ધતિ અને પછી જ એકાક્ષરી પદ્ધતિનો આવિષ્કાર થયેલો જણાય છે. સાંકેતિક લિપિ તૈયાર કરવાનું કાર્ય તે ક્ષેત્રની વિશિષ્ટ તાલીમ ધરાવતા તજ્જ્ઞો દ્વારા કરવામાં આવે છે. તેવી જ રીતે સાંકેતિક ભાષામાંથી પ્રચલિત ભાષામાં સંદેશાની ફેરબદલી કરવાનું કાર્ય પણ તજ્જ્ઞો દ્વારા જ કરવામાં આવતું હોય છે. તે માટે દરેક દેશના વિદેશ વિભાગમાં અને લશ્કરની ત્રણેય પાંખમાં અલાયદા ગોપનીય વિભાગો હોય છે. તેમાં એક વાર ઉપયોગમાં લેવામાં આવેલી સાંકેતિક ભાષા અને લિપિ ફરીવાર ઉપયોગમાં લેવાતી નથી, આ બાબત પણ નોંધપાત્ર છે. અલબત્ત, હવે તો આ પ્રકારનું કાર્ય યાંત્રિક મગજ ધરાવતા રોબૉટ દ્વારા કરાવવામાં આવે છે, જેને ‘રોબૉટ સ્ક્રિપ્ટએનાલિસ્ટ’ નામથી ઓળખવામાં આવે છે. તેની કામ કરવાની ઝડપ અસાધારણ હોય છે. આ એક અત્યંત ખર્ચાળ કાર્ય હોય છે. અમેરિકાની ‘નૅશનલ સિક્યૉરિટી એજન્સી’(NSA)માં સાંકેતિક લિપિઓ માત્ર ઉકેલવાના કાર્ય માટે આશરે દસ હજાર તજ્જ્ઞો રોકવામાં આવેલા છે એવો અંદાજ છે. સાંકેતિક લિપિઓ તૈયાર કરનારા તજ્જ્ઞો તેમનાથી જુદા હોય છે. આ ઉપરથી આ કાર્ય કેટલું ખર્ચાળ છે એનો અંદાજ કરી શકાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે