સાંખ્યદર્શન : સૌથી પ્રાચીન ભારતીય દર્શન. આ દર્શનના પ્રવર્તક કપિલ મુનિ હતા. તેઓ શ્રેષ્ઠ સિદ્ધ અને ભગવાનની વિભૂતિ હતા એમ ભગવદગીતા કહે છે. આ દર્શનનાં સૂત્રો પાછળથી રચાયેલાં છે તેથી કપિલે ‘તત્વસમાસ’ જેવા ગ્રંથની રચના કરી હશે અને તેમણે આ દર્શનને પ્રવર્તાવેલું એમ કહી શકાય. પ્રસ્તુત દર્શનનું નામ સાંખ્ય પડવાનું કારણ તેમાં સૌથી વધુ 25 તત્વોની ગણના કરવામાં આવી છે એમ કેટલાક વિદ્વાનો માને છે. બીજા વિદ્વાનો સાંખ્ય શબ્દનો અર્થ ‘શુદ્ધ આત્મતત્વની જાણકારી’ એવો કરી, આવી જાણકારી આપનાર શાસ્ત્ર કે દર્શનને ‘સાંખ્ય’ નામ આપવામાં આવ્યું છે તેમ માને છે. ઉપનિષદોના જ્ઞાનમાર્ગના તત્વજ્ઞાનનો સમન્વય સર્વપ્રથમ સાંખ્યદર્શનમાં કરવામાં આવ્યો છે. સાંખ્યદર્શનની આચાર્યપરંપરામાં કપિલ, આસુરિ, પંચશિખ, વાર્ષગણ્ય, પતંજલિ, વિંધ્યવાસ વગેરે જાણીતા છે. વળી ‘ષષ્ટિતંત્ર’, ‘તત્વસમાસ’, ‘સાંખ્યપ્રવચનભાષ્ય’, ‘યુક્તિદીપિકા’ વગેરે સાંખ્યદર્શનના ગ્રંથો છે; છતાં ઈશ્વરકૃષ્ણે રચેલી ‘સાંખ્યકારિકા’ કે ‘હિરણ્યસપ્તતિ’ કે ‘સુવર્ણસપ્તતિ’ (1લી સદી) પ્રાચીનતમ અને મહત્વનો ગ્રંથ છે. સાંખ્યદર્શન અન્ય દર્શનોથી પ્રાચીન છે તેથી ઘણા સિદ્ધાન્તો સ્થાપવાની પહેલ તેમાં થઈ છે.

સાંખ્યદર્શનમાં ચાર પ્રકારનાં તત્વો છે કે જેની સંખ્યા પચીસની છે. (1) પ્રકૃતિ (કારણ), (2) વિકૃતિ (કાર્ય), (3) પ્રકૃતિવિકૃતિ-ઉભય (કારણ-કાર્ય) અને (4) અપ્રકૃતિ-અવિકૃતિ-અનુભય (ન કાર્ય – ન કારણ). પ્રકૃતિ જગતનું મૂળ કારણ અથવા કારણના કારણનું કારણ છે. એ અચેતન પ્રકૃતિને પ્રવૃત્તિ કરાવનાર ચેતન તત્વ પુરુષ છે. પ્રકૃતિ અને પુરુષ બંનેને માનનારું સાંખ્ય દ્વૈતવાદી દર્શન છે. સર્વનું કારણ પ્રકૃતિ ત્રિગુણાત્મિકા એટલે સત્વ, રજસ્ અને તમસ્ – એ ત્રણેય ગુણોની બનેલી છે. એ ત્રણેય ગુણો સામ્યાવસ્થામાં હોય (એટલે સરખા પ્રમાણમાં રહેલા હોય) ત્યાં સુધી પ્રલય હોય છે, પરંતુ રજોગુણની ચંચળતાને લીધે ગુણોના પ્રમાણમાં વધઘટ થાય એટલે ક્રમે ક્રમે બીજાં 23 તત્વ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે. પ્રકૃતિમાંથી મહત્, તેમાંથી અહંકાર, તેમાંથી મન, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રાઓમાંથી પાંચ મહાભૂતો ઉત્પન્ન થાય છે. એમાં પ્રકૃતિ મૂળ કારણ છે, ઉભયેન્દ્રિય, મન, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ મહાભૂતો એ 16 તત્વો ફક્ત વિકૃતિ એટલે કાર્ય છે. મહત્, અહંકાર અને પાંચ તન્માત્રાઓ એ સાત પ્રકૃતિ અને વિકૃતિ બંને છે. કોઈક તત્વોનાં તે કારણો છે અને કોઈકનાં કાર્યો પણ છે. સંક્ષેપમાં 16 વિકૃતિ + 7 પ્રકૃતિવિકૃતિ મળીને કુલ 23 તત્વોનું કારણ 24મી પ્રકૃતિ છે અને 25મું તત્વ ચેતન પુરુષ એ પ્રકૃતિ કે વિકૃતિ નથી, એ અપ્રકૃતિ-અવિકૃતિ છે. આ 25 તત્વોના જ્ઞાનથી મુક્ત હોવા છતાં પોતાને બદ્ધ માનતો પુરુષ પ્રકૃતિના ખેલમાંથી નિવૃત્ત થાય છે અને પોતે મોક્ષ પામે છે. ચેતન પુરુષના સાંનિધ્યથી અચેતન પ્રકૃતિની સામ્યાવસ્થામાં ભંગ થઈ મહત્ વગેરે અચેતન 23 તત્વોનો વિકાસ થાય છે. પ્રકૃતિથી અનાસક્ત એવો પુરુષ મુક્ત હોવા છતાં પ્રકૃતિના લીધે તે પોતાની જાતને બદ્ધ માને છે. પ્રકૃતિ અને પુરુષના વિવેકજ્ઞાનથી પુરુષને પોતે મુક્ત છે એમ સમજાતાં તેનો મોક્ષ થાય છે. એમાં 23 તત્વો પોતપોતાનાં કારણમાં લય પામતાં જાય છે, અંતે પ્રકૃતિમાં લીન થાય છે. એ પછી પ્રકૃતિનું અસ્તિત્વ વૈરાગ્યથી લય પામી જઈ જે તે પુરુષ માટે રહેતું નથી એટલે પુરુષ મોક્ષ પ્રાપ્ત કરે છે. આવા પુરુષો અનેક છે એવી સાંખ્યોની માન્યતાને પુરુષબહુત્વનો સિદ્ધાંત કહે છે. વળી સાંખ્યદર્શન પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણો 25 તત્વોના જ્ઞાન માટે સ્વીકારે છે. 25 તત્વો ઉપરાંત 26મું ઈશ્વરનું તત્વ સાંખ્યદર્શનના પ્રાચીન ગ્રંથોમાં નથી. તેથી સાંખ્યદર્શન નિરીશ્વરવાદી છે એમ વિદ્વાનોનો એક પક્ષ માને છે. પાછળના ગ્રંથોમાં ઈશ્વરનું 26મું તત્વ મનાયું તેથી સાંખ્યદર્શન સર્વેશ્વરવાદી છે એમ વિદ્વાનોનો બીજો પક્ષ માને છે. કોઈક વિદ્વાનો સાંખ્યદર્શન અજ્ઞેયવાદી છે એમ પણ કહે છે. યોગદર્શન 26મું ઈશ્વરનું તત્વ સ્વીકારે છે તેથી સાંખ્ય અને યોગ બંને ગાઢ રીતે સંકળાયેલાં દર્શનો છે. સાંખ્યદર્શન યોગદર્શનનો સિદ્ધાંત પક્ષ છે અને યોગદર્શન સાંખ્યનો સાધનાપક્ષ છે. ઈશ્વરની બાબતમાં જેમ સાંખ્યદર્શનના પ્રાચીન અને અર્વાચીન પક્ષો છે તે રીતે પ્રકૃતિની બાબતમાં પણ સાંખ્યદર્શનમાં બે પક્ષો છે : એક પક્ષ પુરુષોની જેમ પ્રકૃતિ અનેક છે એમ માને છે. બીજા પક્ષવાળા પુરુષો અનેક હોવા છતાં પ્રકૃતિ એક જ છે એમ માને છે.

વળી કાર્ય કારણમાં અસ્તિત્વ ધરાવતું હોય છે માટે જ ચોક્કસ કારણમાંથી ચોક્કસ કાર્ય ઉત્પન્ન થાય છે. આ સાંખ્યદર્શનની માન્યતાને સત્કાર્યવાદ કહે છે. યોગદર્શનની જેમ આયુર્વેદ, પુરાણો અને મહાભારત તથા તેમાંની ભગવદગીતા સાંખ્યના તત્વજ્ઞાનને સ્વીકારે છે. આયુર્વેદ પોતાની ત્રિદોષની વિચારસરણી સાંખ્યના ત્રણ ગુણોના આધારે આગળ વધારી રોગ-ચિકિત્સાની વાત કરે છે. પુરાણો વગેરે ઈશ્વરને મુખ્ય તત્વ ગણી તેની પરા અને અપરા પ્રકૃતિ કે માયામાં સાંખ્યનાં 23 તત્વો ફાળવી આપે છે. તેમાં જ લિંગશરીર અને તેના સંસરણનો સિદ્ધાંત સમાવી લે છે. સંક્ષેપમાં, સાંખ્યદર્શન સૌથી પ્રાચીન દર્શન હોવાથી તેના ઘણા સિદ્ધાન્તો પાછળનાં દર્શનોએ સ્વીકાર્યા છે તથા કેટલાક સિદ્ધાન્તો પોતાના દર્શનને પ્રતિકૂળ હોય તો તેનો વિરોધ પણ કર્યો છે. બંને બાબતો સાંખ્યદર્શનને ગૌરવ અપાવે તેવી છે.

પ્ર. ઉ. શાસ્ત્રી