સહાય, એસ. (જ. 1925; અ. 12 ડિસેમ્બર 1999, નવી દિલ્હી) : પીઢ પત્રકાર. તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1955માં આશરે 30 વર્ષની ઉંમરે દિલ્હીમાં અંગ્રેજી અખબાર ‘ધ સ્ટેટ્સમૅન’માં જોડાયા હતા. આ જ અખબારમાં તેમણે 20 વર્ષની દીર્ઘ કારકિર્દી દરમિયાન વિવિધ હોદ્દાઓ પર રહી ફરજ બજાવી હતી. 1975માં તેઓ તંત્રી બન્યા હતા. શ્રી સહાયે ‘ધ સ્ટેટ્સમૅન’ અખબારમાં 32 વર્ષ સુધી એક બાહોશ પત્રકાર અને તંત્રી તરીકે સેવા બજાવી હતી તેમજ 1987માં નિવૃત્ત થયા હતા. તેઓએ ‘યુનાઇટેડ ન્યૂઝ ઑવ્ ઇન્ડિયા’(યુએનઆઇ)ના ચૅરમૅન તેમજ એડિટર્સ ગિલ્ડના પ્રમુખ તરીકે પણ સેવા બજાવી હતી. પત્રકારત્વમાં શ્રેષ્ઠ કામગીરી બદલ જી. ડી. બિરલા તેમજ બિહાર રત્ન જેવા પુરસ્કારોથી સન્માનિત શ્રી સહાયે ઘણાં વર્ષ સુધી ‘ધ ટ્રિબ્યૂન’ અખબારમાં કૉલમ પણ લખી હતી.
અલકેશ પટેલ