સહસ્રાર્જુન  : માળવામાં માહિષ્મતીનો રાજધાની બનાવી રાજ કરતો પ્રસિદ્ધ પૌરાણિક રાજા. તે હૈહય વંશના રાજા કૃતવીર્યનો પુત્ર હતો. એનું મૂળનામ અર્જુન હતું. દત્તાત્રેયની ઉગ્ર ઉપાસના કરવાથી તેને સહસ્ર ભુજાઓ તેમજ કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, આથી તે સહસ્રાર્જુનને નામે પ્રસિદ્ધ થયો. નર્મદા નદીમાં એ પોતાની રાણીઓ સાથે જલક્રીડા કરી રહ્યો હતો. ત્યાં નદીના તટ પર રાવણ તપ કરી રહ્યો હતો. પોતાની સિદ્ધિનો પ્રતાપ બતાવવા એણે પોતાની સહસ્રભુજા વડે નર્મદાનો પ્રવાહ રોકી દીધો. આથી નદીનો પ્રવાહ ઊલટી દિશામાં વહેલા લાગતાં પ્રસરેલા પૂરમાં રાવણનો શિબિર તણાઈ ગયો. આથી રાવણ સાથે સહસ્રાર્જુનને યુદ્ધ થયું જેમાં રાવણનો પરાજય થયો. નર્મદાતટે ભૃગુ આશ્રમમાં પરશુરામના પિતા જમદગ્નિ રહેતા હતા. જમદગ્નિ પાસે કપિલા નામની અદભુત ગાય હતી. સહસ્રાર્જુને આશ્રમ પર આક્રમણ કરી કપિલા ગાયને બળજબરીથી લઈ જવા મથામણ કરી. જમદગ્નિએ વિરોધ કરતાં સહસ્રાર્જુને જમદગ્નિનો વધ કરી નાખ્યો. પરશુરામે આથી સહસ્રાર્જુન પર આક્રમણ કરી તેની હજાર ભુજાઓને છેદી નાખી અને તેનો વધ કર્યો. પરશુરામે પૃથ્વીને ન-ક્ષત્રી અર્થાત્ ક્ષત્રિય રાજાઓની સત્તાથી રહિત કરવાનું પ્રણ લઈને પૃથ્વીને 24 વાર નક્ષત્રી કરી વિજય  મેળવ્યો. સહસ્રાર્જુન એનું બળ અને ઉદ્દંડતાને લઈને પંકાયો હતો.

પ્રવીણચંદ્ર પરીખ