સહસ્ફટિકીભવન (Eutectic) : બે અમિશ્રિત ઘટકોથી બનેલા દ્વિઅંગી મૅગ્માના સ્ફટિકીકરણમાં બે ઘટકોની એકસાથે તૈયાર થવાની પ્રક્રિયા. દ્વિઅંગી મૅગ્માના સ્ફટિકીકરણની આ પ્રકારની પ્રક્રિયા તાપમાન-બંધારણના આલેખની મદદથી સમજાવી શકાય. પરંતુ અહીં મહત્ત્વની બાબત એ છે કે જ્યારે મૅગ્મા બે ઘટકોનો બનેલો હોય ત્યારે તેમાં દરેક ઘટકના અમુક ચોક્કસ ગુણધર્મોમાં ફેરફાર થાય છે. નીચે આપેલા આલેખના ઉદાહરણમાં રજૂ કરેલા બંને ઘટકોનાં ઠારબિંદુ (freezing point) નીચાં જાય છે.
આ આલેખમાં આડી આધારરેખા (abscissa) મૅગ્માનું બંધારણ અને ઊભી આધારરેખા (ordinate) મૅગ્માનું તાપમાન દર્શાવે છે. આ આલેખ-ઉદાહરણમાં દર્શાવાયેલો દ્વિઅંગી મૅગ્મા ખનિજઘટક A (F.P.Ta°) અને ખનિજઘટક B (F.P.Tb°)ના મિશ્રણથી બનેલો છે. ઘટક Aથી સંપૂર્ણપણે બનેલા મૅગ્માની સ્ફટિકીકરણક્રિયા Ta° તાપમાને થાય, તેનું ઠારબિંદુ આલેખમાં P બિંદુથી દર્શાવેલું છે. એ જ પ્રમાણે ઘટક Bથી સંપૂર્ણપણે બનેલા મૅગ્માની સ્ફટિકીકરણક્રિયા Tb° તાપમાને થાય, તેનું ઠારબિંદુ આલેખમાં R બિંદુથી દર્શાવેલું છે.
આકૃતિ 2 : ગ્રાફિક કણરચના. ક્વાર્ટ્ઝ (રંગવિહીન) અને ઑર્થોક્લેઝ (ટપકાંવાળો) વચ્ચે અંતરવિકાસ જોવા મળે છે.
જો A મૅગ્મામાં 10 % B મૅગ્મા ઉમેરાય તો મિશ્ર મૅગ્માનું બંધારણ A90B10 થાય છે; પરિણામે ઘટક Aનું ઠારબિંદુ નીચે જાય છે, જે બિંદુ P1થી દર્શાવ્યું છે. આ જ પ્રમાણે, A મૅગ્મામાં જો 20 % B મૅગ્મા ઉમેરાય તો મિશ્ર મૅગ્માનું બંધારણ A80B20 થાય; પરિણામે Aનું ઠારબિંદુ વધુ નીચું જાય છે, જે બિંદુ P2થી દર્શાવ્યું છે. આ જ પ્રમાણે જો B મૅગ્મામાં A મૅગ્માનાં જુદાં જુદાં પ્રમાણ ઉમેરાય તો Bનાં ઠારબિંદુ નીચાં જાય છે, જે R1, R2 બિંદુઓથી દર્શાવ્યાં છે. આવાં બિંદુઓને જોડવામાં આવે તો PE અને RE જેવા વક્ર બને છે. તે બિંદુ Eમાં ભેગા થાય છે, જે A
અને Bના સંભવિત મિશ્રણનાં ઠારબિંદુ દર્શાવે છે. આ પ્રમાણે તૈયાર થતી વક્રરેખાઓ (curves) PE અને RE સંતૃપ્તિના વક્રો (saturated curves) રજૂ કરે છે. PE વક્રરેખા પરનાં બિંદુઓ Aથી સંતૃપ્ત બનેલા મૅગ્માનો નિર્દેશ કરે છે; એ જ રીતે RE વક્રરેખા પરનાં બિંદુઓ Bથી સંતૃપ્ત બનેલા મૅગ્માનો નિર્દેશ કરે છે. જ્યારે બિંદુ E પર A અને B મૅગ્માની સહસ્ફટિકીભવનની ક્રિયા અચલ તાપમાને અચલ પ્રમાણમાં બને છે. સહસ્ફટિકીભવનનું આ પ્રમાણેનું અચલ પ્રમાણ સહસ્ફટિકીભવન (Eutectic) તરીકે ઓળખાય છે. જે તાપમાને આ સહસ્ફટિકીભવનની ક્રિયા બને તેને સહસ્ફટિકીભવન-તાપમાન કહે છે. આકૃતિ 1માં તે Te બિંદુથી દર્શાવેલું છે; તે સંજોગનું મૅગ્માનું બંધારણ A70B30 છે.
આ પ્રકારના સંદર્ભમાં જોતાં, દ્વિઅંગી મૅગ્માની સ્ફટિકીભવનની ક્રિયા ત્રણ તબક્કામાં થાય છે :
(i) સ્ફટિકીભવન પહેલાં મૅગ્માનું ઠંડું પડવું, (ii) ઘટતા જતા તાપમાને એક ઘટક કે જે અમુક નિશ્ચિત પ્રમાણ (ઉપરના ઉદાહરણમાં A70B30) કરતાં વધારે છે તેની સ્ફટિકીભવનની ક્રિયા, (iii) બંને ઘટકોની અચલ તાપમાને સહસ્ફટિકીભવનની ક્રિયા.
સહસ્ફટિકીભવનની આ પ્રકારની ક્રિયાને કારણે ગ્રાફિક ગ્રૅનાઇટ અને પેગ્મેટાઇટ જેવા અગ્નિકૃત ખડકોમાં ગ્રાફિક કણરચના ઉદ્ભવે છે.
વ્રિજવિહારી દી. દવે