સહસંવેદન (synaesthesia) : સહસંવેદન એક એવી અનૈચ્છિક પ્રક્રિયા, જેમાં એક ઇંદ્રિય ઉદ્દીપિત થવાથી ઉત્પન્ન થતા સંવેદન સાથે બીજી ઇંદ્રિયમાં પણ સંવેદન ઊપજે છે. તેના માટેના અંગ્રેજી શબ્દ ‘synaesthesia’માં ‘syn’ એટલે ‘એકસાથે’, અને ‘Aesthesia’ એટલે ‘સંવેદનોનું જોડાવું તે’. ગીટારનો ધ્વનિ સંભળાય ત્યારે વ્યક્તિને શ્રવણ-સંવેદન તો થાય જ, પરંતુ સાથે તેને કોઈક પ્રકાશનું  રંગનું પણ સંવેદન થાય તો તે સહસંવેદન કહેવાય. કોઈ પણ શબ્દ, ધ્વનિ કે વાતાવરણમાંથી ઊપજતા અવાજોથી થતા શ્રવણસંવેદન સાથે જે પ્રકાશ-રંગનું સંવેદન ઊપજે તે શરીરની બહાર હોય છે. તે સમયે આંખમાં કોઈ પ્રક્રિયા હોવાનો સંભવ નથી. સહસંવેદન અનુભવતી વ્યક્તિ માટે તો આ વધારાનું પ્રત્યક્ષીકરણ વાસ્તવિક અનુભવ હોય છે અને કલાત્મક સૂઝ કરતાં તે ભિન્નતા ધરાવે છે. આવા અનુભવમાં પરંપરાગત પ્રત્યક્ષીકરણના સ્વરૂપનું ઉલ્લંઘન થાય છે.

સહસંવેદનનો પ્રાથમિક ઉલ્લેખ ઍરિસ્ટૉટલ તેમજ પાયથાગોરાસે કર્યો છે. જ્હૉન લૉકે 1690માં એક દૃષ્ટાંત ટાંક્યું છે; જેમાં એક અંધ વ્યક્તિએ કહ્યું કે ‘હવે મને સમજાય છે કે એક ચળકતો તારો બ્યૂગલના અવાજ જેવો હોય છે’. સહસંવેદન એ માણસની બીજા પ્રકારના અનુભવને સમજવા માટે એક પ્રકારના અનુભવમાંથી પ્રેરણા મેળવવાની એક પ્રકારની શક્તિનો આવિષ્કાર છે.

એક ઇંદ્રિયની ઉત્તેજનાથી બીજી ઇંદ્રિયનું સંવેદન થાય એવાં કુલ 31 જોડાણો સંશોધકો જણાવે છે; પરંતુ આમાંથી 20 જોડાણો વધારે નોંધાયાં છે. સહસંવેદનની વિશેષતા એ છે કે તે એકમાર્ગી છે. એટલે કે ધ્વનિસંવેદન સાથે પ્રકાશ-રંગનું સંવેદન અનુભવાય, પરંતુ પ્રકાશ-રંગ-સંવેદન સાથે ધ્વનિસંવેદન ન અનુભવાય. વળી બેના બદલે ત્રણ ઇંદ્રિયસંવેદનોનું જોડાણ પણ સંભવી શકે છે. મિન્ટની ગોળી મોંમાં મૂકવાથી સ્વાદ અને સ્પર્શસંવેદનો તો ઊપજે જ, પરંતુ સાથે કોઈક વક્ર ભૌમિતિક આકારનું સંવેદન પણ અનુભવાય. ધ્વનિ સાથે રંગસંવેદનના કિસ્સા પણ નોંધાયા છે; પરંતુ ગંધ સાથે રંગ, સ્વાદ સાથે રંગ, ધ્વનિ સાથે ગંધ, દૃદૃષ્ટિ સાથે ગંધ, આકાર સાથે સ્વાદ વગેરે પ્રકારનાં સહસંવેદનો પણ સંભવે છે.

સહસંવેદનનો અનુભવ એ ચિત્તભ્રમ (Hallucination) નથી, તેમજ તે કોઈ મનોરોગ કે મનોવિકૃતિ પણ નથી. અલબત્ત, આવા અનુભવો સર્વસામાન્ય નથી અને અનૈચ્છિક છે. તેમનું સ્વચ્છાએ પુનરાવર્તન પણ થઈ શકતું નથી. દર 25,000 વ્યક્તિઓમાં એક વ્યક્તિ સહસંવેદનશીલ હોય છે. સ્ત્રીઓમાં સહસંવેદનશીલતાનું પ્રમાણ પુરુષોમાં હોય તે કરતાં વધારે  3 : 1નું હોય છે. સહસંવેદન મહદંશે ડાબોડી તેમજ બંને હાથનો ઉપયોગ કરી શકનારાઓમાં વધારે સંભવે છે.

સહસંવેદન કેટલેક અંશે જનીનિક લક્ષણ છે. મનોભૌતિકી પ્રયોગો, ઔષધીય પરીક્ષણો, મગજમાં થતી ચયાપચય ક્રિયાઓનું માપન વગેરે સૂચવે છે કે સહસંવેદન ઊપજવામાં મગજના ડાબા ગોળાર્ધમાં થતી પ્રક્રિયાઓ સાથે સંબંધ હોવા ઉપરાંત તેમાં મગજમાંના લિમ્બિક વિસ્તાર તેમજ હીપોકૅમ્પસમાં થતી પ્રક્રિયાઓ પણ સંકળાયેલી હોય છે. મગજના ડાબા વિસ્તારમાંથી મસ્તિષ્ક ત્વચા પ્રતિ જતા લોહીના પ્રવાહમાં ઘટાડો થતાં આવો અનુભવ થવા સંભવ છે; જ્યારે શબ્દસંવેદન સાથે રંગ દેખાય છે ત્યારે મગજમાંના જે કોષોમાંથી રંગસંવેદન ઊપજે છે ત્યાં લોહીનો પ્રવાહ વધે છે. સર ફ્રાન્સિસ ગોલ્ટને 1833માં સહસંવેદનનો ધ્વનિ સાથે રંગસંવેદનનો પહેલવહેલો અભ્યાસ કર્યો છે.

સહસંવેદનના નોંધાયેલા કિસ્સાઓમાં એક ફ્રેન્ચ સંગીતકાર ઑલિવર મેસીએનનો છે. તેણે કહ્યું કે જ્યારે હું સંગીત સાંભળું છું કે ધ્વનિ-અંકનો જોઉં છું ત્યારે મને રંગ દેખાય છે. ઍલેક્ઝાન્ડર સ્ક્રીઆબીન નામના રશિયન પિયાનોવાદકને સંગીત સાથે રંગસંવેદનનો અનુભવ થતો હતો. તેને તો વળી જુદા જુદા ધ્વનિ-અંકનો સાથે જુદા જુદા રંગો દેખાતા હતા. હશીશ, અફીણ, એલ.એસ.ડી. જેવાં માદક દ્રવ્યોના સેવનમાં મગજમાં થતી ઉત્તેજનામાં વ્યક્તિને રંગીન પ્રવાહોના, સહસંવેદનના અનુભવો થાય છે; પરંતુ માદક દ્રવ્યોની અસર નીચે થતા આ અનુભવો વાસ્તવિક નહિ; કૃતક (pseudo) હોય છે.

ભાનુપ્રસાદ અમૃતલાલ પરીખ