સહસ્રબુધ્યે, રમેશ કે. (. 8 સપ્ટેમ્બર 1938, પુણે, મહારાષ્ટ્ર) : મરાઠીના લોકપ્રિય વિજ્ઞાનલેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ.; અને બી.એસસી.; ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી બી.જે.; ડીસીઇની પદવી મેળવી. પછી તેમણે નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયામાં ફિલ્મ સંગ્રહાલયના ઑફિસર તરીકે કારકિર્દી શરૂ કરી. તેઓ મહારાષ્ટ્ર વિદ્યુત મંડળ માહિતી-પત્રિકાના સંપાદક; જર્નલ ઑવ્ મરાઠી વિજ્ઞાનપરિષદ ઍન્ડ વિજ્ઞાનયુગ – પુણેના સંપાદકમંડળના સભ્ય રહ્યા. સાથોસાથ પુણે યુનિવર્સિટી અને ભારતીય વિદ્યાભવનમાં પત્રકારત્વના અનુસ્નાતક વિદ્યાર્થીઓના તેઓ અધ્યાપક રહ્યા. તેઓ મુંબઈના મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત બૉર્ડ(MSEB)માંથી મુખ્ય જનસંપર્ક અધિકારી તરીકે સેવાનિવૃત્ત થયા અને ત્યારપછી લેખનકાર્ય તરફ વળ્યા.

તેમણે અત્યાર સુધીમાં મરાઠીમાં 24 ગ્રંથો આપ્યા છે. ‘ટેલિવિઝન’ (1972); ‘સૂર્યશક્તિ’ (1980) બંને તેમના લોકપ્રિય વિજ્ઞાનગ્રંથો છે. ‘વૈજ્ઞાનિકાંચ્યા નવલકથા’ (1987) (વૈજ્ઞાનિકોની વાર્તાઓ); ‘શોધા અસે લાગલે’ સંશોધનવાર્તાઓ અને ‘વિજ્ઞાનસાગરાતીલ દીપ-સ્તંભ’ (4 ભાગમાં) (1984) વૈજ્ઞાનિકોનાં ચરિત્રો છે; જ્યારે ‘પાઉલે ચાલતી’ તેમની પ્રવાસકથા છે.

વિજ્ઞાનમાં શ્રેષ્ઠ ગ્રંથ માટે તેમને બે વખત મહારાષ્ટ્ર રાજ્ય ઍવૉર્ડ; મરાઠી સાહિત્ય પરિષદ ઍવૉર્ડ એનાયત થયા છે તથા વિજ્ઞાનને વિવિધ માધ્યમો દ્વારા લોકપ્રિય બનાવવા બદલ મરાઠી વિજ્ઞાન પરિષદે તેમનું બહુમાન કર્યું છે.

બળદેવભાઈ કનીજિયા