સહદેવી (સેદરડી)

January, 2007

સહદેવી (સેદરડી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vernonia cinerea Less. (સં. સહદેવી; હિ. સહદેઈ, સહદેવી; મ. સદોડી, ઓસાડી; બં. કાલાજીરા; અં. પર્પલ ફ્લિએબેન; એશ-કલર્ડ ફ્લિએબેન) છે. તે ટટ્ટાર, ભાગ્યે

સહદેવી(Vernonia cinerea)ની પુષ્પ સહિતની શાખા

જ અગ્રોન્નત અનુસર્પી (decumbent) શાકીય વનસ્પતિ છે અને ચોમાસામાં સમગ્ર ભારતમાં આશરે 1,800 મી.ની ઊંચાઈ સુધી મળી આવે છે. તે એક સૌથી સામાન્ય મળી આવતું ભારતીય અપતૃણ છે. પ્રકાંડ 15 સેમી. – 90 સેમી. ઊંચું અને ખાંચાવાળું હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, 2.5 સેમી. – 5.0 સેમી. કે વધારે 2.3 સેમી – 8.0 સેમી., આકારે પરિવર્તી (variable), રોમમય, પહોળાં ઉપવલયી (elliptic) કે ભાલાકાર, ત્વચામય (membranous) કે ચર્મિલ (coriaceous) હોય છે. પુષ્પવિન્યાસ સ્તબક (capitulum) પ્રકારનો જોવા મળે છે; જેમાં કિરણ-પુષ્પકો(ray florets)ની ગેરહાજરી હોય છે. તે માત્ર બિંબપુષ્પકો (disc florets) જ ધરાવે છે. બિંબપુષ્પકો ગુલાબી કે જાંબલી હોય છે. સ્તબક ગોળાકારમાં કે ટોચ પર એક જ સમતલમાં તોરા (corymb) સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. ફળ ચર્મફળ (achene) પ્રકારનું, 1.25 મિમી. લાંબું, લંબચોરસ, મુસળાકાર (terete) અને તલભાગેથી સાંકડું હોય છે. ફળ શિયાળામાં બેસે છે.

ક્વિનાઇન સાથે તેના આસવ(infusion)નું સંયોજન મલેરિયાના તાવમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તાવવાળી સ્થિતિમાં પરસેવો ઉત્પન્ન કરવા માટે તેના ક્વાથ(decoction)નો ઉપયોગ કરાય છે. બાળકોને મૂત્રની અસંયતિ(incontinence)માં અને ઢોરોના સૂજેલા ગળા માટે તથા અપચામાં વનસ્પતિનો રસ આપવામાં આવે છે.

છોડનો 50 % ઇથેનોલીય નિષ્કર્ષ ‘રાનીખેત’ નામના વાઇરસથી થતા રોગ સામે સક્રિયતા દાખવે છે. ઉંદરમાં સાકોલેમા 180 (sarcoma 180) સામે પ્રતિકૅન્સર (anticancer) ક્રિયાશીલતા દર્શાવે છે. તેની મહત્તમ સહ્ય માત્રા (tolerated dose) 500 મિગ્રા./કિગ્રા. રંગહીન (albino) ઉંદર માટે છે. વનસ્પતિમાં b-એમાયરિન, લ્યુપીઓલ અને તેમના એસિટેટ, b-સીટોસ્ટેરોલ, સ્ટિગ્મેસ્ટેરોલ, – a-સ્પીનેસ્ટેરોલ, ફિનોલીય રાળ અને પોટૅશિયમ ક્લોરાઇડ હોય છે.

પર્ણોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તેનો તાજો રસ અમીબીય મરડામાં આપવામાં આવે છે. પર્ણોની પોટીસ આર્દ્ર હર્પિસ, ખસ અને દાદરમાં ઉપયોગી છે. પોટીસ ગિનીકૃમિને કાઢવા માટે વપરાય છે. હાથીપગા(elephantiasis)માં તેનો રસ તેલમાં ઉકાળીને ઉપયોગમાં લેવાય છે. પર્ણોનો પ્રોલિયસ (prollius) નિષ્કર્ષ આલ્કેલૉઇડ માટે હકારાત્મક કસોટી આપે છે.

મૂળ કડવાં હોય છે અને તેમનો ઉપયોગ કૃમિહર તરીકે થાય છે. તેનો ક્વાથ અતિસાર (diarrhoea) અને જઠરના દુખાવામાં આપવામાં આવે છે. તેનો રસ કફ અને આંત્રશોથમાં ઉપયોગી છે. પુષ્પો નેત્રશ્લેષ્મલાશોથ (conjuctivitis), તાવ અને સંધિવામાં વપરાય છે.

બીજનો સામાન્યત: કૃમિહર અને વિષરોધી (alexipharmic) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેઓ સૂત્રકૃમિઓ સામે અસરકારક હોવાનું મનાય છે. તે કફ, આધ્માન (flatulence), આંત્રશોથ અને મૂત્રકૃચ્છ(dysuria)માં આપવામાં આવે છે. તેનો ઉપયોગ લ્યૂકોડર્મા (leucoderma), છાલરોગ (psoriasis) અને ત્વચાના અન્ય દીર્ઘકાલીન રોગોમાં થાય છે. બીજનો લીંબુના રસ સાથે મિશ્ર કરી મલમ બનાવાય છે અને પેડિક્યુલી(pediculi)નો નાશ કરવા વપરાય છે. ઘોડાને આપવામાં આવતા ‘મસાલા’નું તેઓ એક ઘટક બનાવે છે. બીજમાંથી મંદીય તેલ (38 %) ઉત્પન્ન થાય છે.

આયુર્વેદ અનુસાર સહદેવી સ્વાદે કડવી, ગુણમાં હળવી, લૂખી, કફ-વાતદોષશામક, રક્તશોધક, અનુલોમક, મૂત્રલ, પરસેવો જન્માવનાર, પીડાનાશક અને નિદ્રા લાવનારી છે. તે મલેરિયા, જીર્ણજ્વર, સોજા, શૂળ-પીડા, કૃમિ, રક્તવિકાર, પથરી, પેશાબની અલ્પતા કે અટકાયત, ગુદભ્રંશ, યોનિભ્રંશ, ગંડમાળા, કરોળિયા (સિધ્મકુષ્ઠ) તથા મુખરોગ, વાળાનું દર્દ, હરસ, હાથીપગું અને આંખ ઊઠવાનું દર્દ મટાડે છે.

સહદેવી ખાસ કરીને મલેરિયા અને જીર્ણજ્વરમાં વપરાય છે. તેના ગુણ બળદાણા જેવા જ છે. ઔષધરૂપે તેનાં પાન અને મૂળ વપરાય છે. તેની માત્રા રસ 10થી 20 મિલી., ચૂર્ણ 2 ગ્રા., ઉકાળો  50 મિલી. છે. ગુદ ભ્રંશ કે યોનિભ્રંશ(બહાર આવવાં)માં સહદેવીનાં પાનનો રસ ગુદા કે યોનિ ઉપર લગાવીને તે ધીરે ધીરે અંદર બેસાડવામાં આવે છે. કરોળિયામાં પીળાં ફૂલવાળી સહદેવીના પાનનો રસ રોજ ચોપડવામાં આવે છે. ઊંઘ લાવવા માટે તેના મૂળના ચૂર્ણનો કપાળે લેપ કરવામાં આવે છે. સોજો અને પીડામાં તેનાં પાન કે મૂળને વાટીને લેપ કરવામાં આવે છે. પથરી અને મૂત્રરોગોમાં સહદેવીનાં પાન કે મૂળનું ચૂર્ણ રોજ પાણી સાથે આપવામાં આવે છે. વાળાના દર્દ અને આંખ ઊઠવા પર તેનાં પાનને વાટીને લેપ કરવામાં આવે છે.

બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ