સહઅસ્તિત્વ (શાંતિમય)

January, 2007

સહઅસ્તિત્વ (શાંતિમય) : વિશ્વના દેશો પરસ્પર શાંતિપૂર્વક જીવી શકે એવી આચારસંહિતાની વિભાવના. આજે વિશ્વમાં ‘શાંતિમય સહઅસ્તિત્વ’ શબ્દપ્રયોગ સ્વીકૃત બન્યો છે; કારણ કે આ વિશ્વના બધા દેશો અને લોકો વચ્ચે સંવાદપૂર્ણ અસ્તિત્વ હોય તે બિનઅણુપ્રસરણ સંધિના યુગની તાતી જરૂરિયાત છે.

‘શાંતિમય સહઅસ્તિત્વ’ના વિચારોનો આરંભ 1950ના દાયકામાં થયો. 29 એપ્રિલ 1954ના રોજ ભારત-ચીન વચ્ચે ઐતિહાસિક તિબેટ સંધિ થઈ, જેમાં ‘શાંતિમય સહઅસ્તિત્વના પાંચ સિદ્ધાંતો’ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. તેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થયો હતો :

1. રાજ્યોની ક્ષેત્રીય અખંડિતતા અને સાર્વભૌમત્વ પરત્વે આદર

2. પરસ્પર અનાક્રમણ

3. પરસ્પરની આંતરિક બાબતોમાં દરમિયાનગીરીનો અભાવ

4. સમાનતા અને પરસ્પરનો લાભ

5. શાંતિમય સહઅસ્તિત્વ

ભારત અને ચીન વચ્ચે આ સંધિ પર હસ્તાક્ષર થયા બાદ આ બંને દેશોના વડાપ્રધાનો  જવાહરલાલ નહેરુ અને ચાઉ-એન-લાઈએ એવી લાગણી દર્શાવી કે એશિયાના અને વિશ્વના અન્ય દેશો પણ આ સિદ્ધાંતો સ્વીકારે તેમજ શાંતિ અને સલામતીનો મજબૂત પાયો રચે તો યુદ્ધ નિવારી શાંતિમય વિશ્વ રચવા માટે સાનુકૂળ વાતાવરણ ઊભું થાય. આ સિદ્ધાંતો ‘પંચશીલ’ તરીકે ઓળખાવાયા હતા.

1954માં ભારત-ચીનની તિબેટ સંધિ પર કરાર કરતાં ‘શાંતિમય સહઅસ્તિત્વ’ શબ્દનો વારંવાર ઉપયોગ થયો, જેમાં ચીન સરકારે જાહેર કર્યું કે એશિયા અને વિશ્વના બીજા દેશો સાથેના ચીનના સંબંધોમાં આ પાંચ સિદ્ધાંતોને લાગુ કરવામાં આવે. એપ્રિલ, 1955માં ઇન્ડોનેશિયાની પરિષદમાં આ દેશોએ આ વ્યૂહરચનાની નક્કરતા પુરવાર કરી. દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સહકાર માટે ચર્ચા-વિચારણા બાદ કુલ દસ સિદ્ધાંતોને સ્વીકારવામાં આવ્યા, જેને પાકિસ્તાની વડાપ્રધાન મોહમદઅલીએ શાંતિના સાત સ્તંભો તરીકે વર્ણવ્યા. હકીકતમાં મૂળ વિચારાયેલા પાંચ સિદ્ધાંતોના વિસ્તરણ માત્રથી આ દસ સિદ્ધાંતો બન્યા છે. વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાની ઘોષણા માટે કહેવાયું કે અવિશ્વાસ અને ભયથી મુક્ત થઈને, પરસ્પરમાં વિશ્વાસ અને પરસ્પરની શુભેચ્છા સાથે દરેક દેશે સહિષ્ણુતા દાખવીને શાંતિથી સારા પાડોશી તરીકે રહેવાનું છે અને નીચેના દસ સિદ્ધાંતોના પાયા પર મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાના છે :

1. માનવઅધિકારના સિદ્ધાંતો અને સંયુક્ત રાષ્ટ્રસંઘની ઉદ્ઘોષણાના હેતુ અને સિદ્ધાંતો માટે આદર

2. બધા જ દેશોના સાર્વભૌમત્વ અને સરહદોની એકતા માટે આદર

3. નાના અને મોટા બધા દેશોની સમાનતા અને બધી જાતિઓની સમાનતાનો સ્વીકાર

4. બીજા દેશોની આંતરિક બાબતમાં દખલગીરી ના કરવી.

5. સંયુક્ત રાષ્ટ્રસંઘની ઉદ્ઘોષણા પ્રમાણે દરેક દેશને એકલા કે સમૂહમાં પોતાનો બચાવ કરવાના અધિકારનો આદર

6. મોટી સત્તાના ખાસ ઇરાદા માટે સમૂહગત બચાવની વ્યવસ્થા અને બાહ્ય દબાણથી દૂર રહેવું.

7. કોઈ પણ દેશની સરહદ પર રાજકીય સ્વતંત્રતા પર આક્રમણ કે બળની ધમકી લાગે તેવાં પગલાંથી દૂર રહેવું.

8. સંયુક્ત રાષ્ટ્રસંઘની ઉદ્ઘોષણા પ્રમાણે આંતરિક ઝઘડાઓને શાંતિમય માર્ગે ઉકેલવા.

9. પરસ્પરના હિત અને સહકારનું સંવર્ધન કરવું.

10. ન્યાય અને આંતરરાષ્ટ્રીય ઉપકારોનો આદર કરવો.

1956માં સોવિયેત યુનિયનના સમાજવાદી પક્ષની 20મી પરિષદમાં આંતરરાષ્ટ્રીય સામ્યવાદી આંદોલનના સામાન્ય સિદ્ધાંત તરીકે ‘શાંતિમય સહઅસ્તિત્વ’નો સ્વીકાર કરવામાં આવ્યો. આમ છતાં અહીં એ બાબત સ્પષ્ટ કરવી જોઈએ કે ‘શાંતિમય સહઅસ્તિત્વ’ અંગે આફ્રો-એશિયાઈ અને સામ્યવાદી સમજમાં તફાવતો હતા :

(1) આફ્રો-એશિયાઈ દેશો આ સિદ્ધાંતોને સામ્રાજ્યવાદી રાજ્ય સામેના સશસ્ત્ર પ્રતિકાર તરીકે સ્વીકારે છે, જ્યારે સામ્યવાદીઓ આ સિદ્ધાંતો વિશેષે પશ્ચિમી દેશોને લાગુ પાડે છે.

(2) આ સિદ્ધાંતો નેતૃત્વ-અતિક્રમણ (hegemonies encroachment) વિરુદ્ધ રક્ષણ પૂરું પાડનાર સિદ્ધાંતો બની રહે એમ આફ્રો-એશિયાઈ દેશો માનતા હતા; પરંતુ આવો કોઈ સૂર સોવિયેત યુનિયનની રજૂઆતમાં જણાતો નહોતો.

(3) આફ્રો-એશિયાઈ દેશો આ સિદ્ધાંતોને વિશ્વવ્યવસ્થાના સિદ્ધાંતો તરીકે જોતા હતા; પરંતુ સોવિયેત યુનિયન તેને મૂડીવાદ ખતમ કરવાના તથા વિશ્વક્રાંતિના પ્રસાર માટેના નિયમો તરીકે જોતું હતું.

પ્રારંભે આકર્ષક જણાયેલા ‘શાંતિમય સહઅસ્તિત્વ’ના આ નિયમો 1962માંના ભારત-ચીન યુદ્ધ પછી અવાસ્તવિક અને અવ્યવહારુ જણાતાં એની ઉપયોગિતામાં ભારે ઘટાડો થયો તેમજ તે વિશેષે એક ઐતિહાસિક તબક્કો જ બની રહ્યા.

સાધના વોરા