સસ્સી પુન્નુ : હાશિમ શાહ (1753-1823) રચિત કિસ્સા પ્રકારની પ્રણયકથા. તેમની આ કાવ્યમય કલ્પિત પ્રેમ-કિસ્સાની રચનાથી તેમને સારી એવી ખ્યાતિ મળી. આ પ્રેમકથાનું મૂળ સિંધમાં છે. ‘કિસ્સા’ પ્રકાર પશ્ચિમ પંજાબની કાવ્યશૈલીની વધુ નિકટ છે. આ સસ્સી પુન્નુના કિસ્સાની રચના પંજાબી સાહિત્યના પ્રારંભિક ગાળા દરમિયાન થઈ હોવી જોઈએ. તેમાં ચંદ્રને લગતી પૌરાણિક કથાઓનાં પ્રાચીન પાત્રોનો નિર્દેશ છે. સસ્સી પુન્નુની પ્રણયકથાએ પંજાબના સામાન્ય લોકોને એટલા બધા આકર્ષ્યા હતા કે પુન્નુ ‘સડ્ડસ’(Sadds)ની રચના લોકકવિઓએ કરી હતી. આ કથાની રચના પંજાબી કવિતાના અતિલોકપ્રિય છંદો પૈકીના એક છંદ દ્રવ્યમાં કરવામાં આવી છે.

આ કથામાં મિલનનો હર્ષોન્માદ અને વિયોગની વેદનાની મજબૂત ગૂંથણી કરવામાં આવી છે. કથાવસ્તુ આ પ્રમાણે છે : સિંધ અને કાઠિયાવાડના શાસક જામના ઘરમાં જન્મેલી સસ્સી જ્યોતિષીના મતે તેના પિતા માટે અપશુકનિયાળ જણાતાં તેને ત્યજી દેવાનું વિચારાયું. સસ્સીને ઝવેરાતની પેટીમાં પુષ્કળ ઝવેરાત સાથે બંધ કરી નદીમાં તરતી મૂકી દીધી.

તે પેટી હેઠવાસમાં એક આતા ધોબીના હાથમાં આવી. આતો તો પેટીમાંના ઝવેરાતથી રાતોરાત ધનવાન બની ગયો ! મહેલ અને બગીચો બંધાવ્યાં અને બાળકીને રાજવી ઠાઠથી ઉછેરી. સસ્સી જ્યારે પુખ્ત વયે પહોંચી ત્યારે બલૂચીઓની ટુકડીના વેપારીના પુત્ર પુન્નુનું ચિત્ર તેના જોવામાં આવ્યું. સસ્સી તેના પિતા દ્વારા પુન્નુને નિમંત્રે છે અને પુન્નુ સસ્સીને જોતાં જ તેના પ્રેમમાં પડે છે. લગ્નવિધિ કરવા સસ્સી પુન્નુને તેના પિતાના બગીચામાં નિમંત્રે છે. તેની પસંદગીનો ખોરાક અને દારૂ પીરસે છે, અને પછી તેની સાથે સૂવા માટે જાય છે, પરંતુ તેના સાથીદારો પુન્નુને ગુમાવવા ઇચ્છતા ન હોવાથી નિદ્રાધીન સસ્સીની બાજુમાંથી તેને ઉપાડીને તેના વતનમાં લઈ જાય છે. જાગી જતાં સસ્સી પુન્નુને ન જોતાં અતિવિહ્વળ બની જાય છે. પિતાનો મહેલ તજીને સસ્સી પુન્નુની શોધમાં તેના ઊંટનાં પગલાંનાં નિશાન પાછળ ગરમ રેતીમાં પાગલની જેમ દોડે છે, બપોર થતાં તે મોતને ભેટે છે. આ વાર્તા કરુણરસનો અનુભવ થાય એ રીતે કહેવાય છે અને પંજાબી વાચકો ભારે વેદના સાથે સસ્સીની નિયતિ માટે ખેદ વ્યક્ત કરે છે.

બળદેવભાઈ કનીજિયા