સવાના (પરિસ્થિતિવિદ્યા) : વધતેઓછે અંશે વીખરાયેલાં વૃક્ષો કે ક્ષુપ ધરાવતી તૃણભૂમિ. આ વનસ્પતિસમૂહનો પ્રકાર આબોહવાકીય પરિબળોને કારણે ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આધુનિક વ્યાખ્યા મુજબ સવાના રૂપાકૃતિવિજ્ઞાન (physiognomy) અથવા પર્યાવરણની દૃષ્ટિએ ઉષ્ણકટિબંધીય કે બાહ્યોષ્ણકટિબંધીય (extratropical) પ્રદેશોમાં સમાન વનસ્પતિસમૂહના પ્રકારોની વિવિધતાઓ ધરાવે છે.
વ્યાપક સંદર્ભમાં ઉષ્ણકટિબંધીય સવાનામાં સવાના અરણ્ય-ભૂમિ(woodland)થી માંડી ઉષ્ણકટિબંધીય તૃણભૂમિ અને કાંટાળી ઝાડી(thornbush)નો સમાવેશ થાય છે. બાહ્યોષ્ણકટિબંધીય પ્રદેશોમાં ‘સમશીતોષ્ણ’ અને ‘શીત સવાના’નો સમાવેશ થાય છે, જે ટૈગા (taiga), વન-ટુન્ડ્ર (forest tundra) કે ગ્લેડ (glade) તરીકે જાણીતાં છે. રૂપાકૃતિવિજ્ઞાનની દૃષ્ટિએ સવાના જેવા બાહ્યોષ્ણકટિબંધીય વનસ્પતિસમૂહના પ્રકારો પર્યાવરણ અને જાતિબંધારણના સંદર્ભમાં ખૂબ તફાવત ધરાવે છે.
વૃદ્ધિ-ઋતુ દરમિયાન લાક્ષણિક ઉષ્ણકટિબંધીય સવાના ટૂંકાથી માંડી ઊંચા, લીલાથી માંડી રૂપેરી, ચળકતા ઘાસનું આવરણ અને વીખરાયેલાં એકાકી વૃક્ષ કે વૃક્ષસમૂહો ધરાવે છે. ત્યારબાદ કેટલાક મહિનાનો વિશ્રામી સમય આવે છે, જે દરમિયાન ભારે શુષ્કતાને કારણે વનસ્પતિસમૂહ તદ્દન જુદો જ લાગે છે. ઘાસ બદામી ભૂખરા રંગનું, મૃત અને વાંકું વળેલું હોય છે અને વૃક્ષો કાં તો પર્ણવિહીન હોય છે અથવા તેઓ સુકાયેલો ભૂખરો-લીલો પર્ણસમૂહ ધરાવે છે. વર્ષની આ ઋતુ દરમિયાન ઉષ્મા અને શુષ્કતા સવાનાના વનસ્પતિસમૂહ અને પ્રાણીસમૂહના બંધારણ પર ઊંચું પસંદગીમય દબાણ (selective pressure) કરે છે.
વનસ્પતિ અને પ્રાણીસમૂહનું બંધારણ : ઉષ્ણકટિબંધીય સવાનાની રૂપાકૃતીય સમાનતા નિશ્ચિત વનસ્પતિસમૂહના ઘટકોમાં રહેલી સમાનતા દ્વારા અભિવ્યક્ત થાય છે. બધા જ સવાનાના શાકીય (herbaceous) સ્તરમાં પોએસી (ગ્રેમિની) ઉપરાંત ઍસ્ટરેસી અને ફેબેસી (લેગ્યુમિનોઝી = શિંબી) કુળના સભ્યો હોય છે. દુનિયાના મોટાભાગના સવાનામાં ફેબેસી કુળની એક કે તેથી વધારે ખાસ ફરીને Acacia પ્રજાતિની વૃક્ષ-જાતિઓ હોય છે. બૉમ્બેકેસી, બિગ્નોનિયેસી, ઍરિકેસી (પામી) અને ડિલેનિયેસી કુળનાં વૃક્ષો પણ જોવા મળે છે. Prosopis અને Eucalyptus પ્રજાતિઓ પણ જ્યારે થાય છે ત્યારે તેઓ વિપુલ પ્રમાણમાં હોય છે. સવાના વૃક્ષમાં સૌથી શ્રેષ્ઠ વૃક્ષ Adansonia digitata (કુળ બૉમ્બેકેસી, ગોરખઆમલી) છે; જે બધાં વૃક્ષોમાં સૌથી જાડું થડ ધરાવે છે. સવાનામાં ઘાસની જાતિઓ મોટેભાગે Panicum, Paspalum, Andropogon, Aristida, Eragrostis, Schmidtia, Trachypogon, Axonopus, Triodia અને Plectrachne પ્રજાતિઓની હોય છે. સૌથી શુષ્ક સવાનામાં ઘાસ થોડાક જ સેમી. ઊંચાં હોય છે. વધારે ભેજવાળાં સવાનામાં ઘાસની ઊંચાઈ બે મીટર જેટલી અને વૃક્ષો વધારે પ્રમાણમાં હોય છે. સૌથી વધારે ભેજવાળાં સવાનામાં ઘાસ 3 મી. કે તેથી વધારે ઊંચાં હોય છે. ઘાસનું મૂળતંત્ર ખૂબ વિસ્તાર પામેલું હોય છે; જે આગ સામે રક્ષણ આપે છે અને ચોમાસું આવતાં નવા પ્રરોહોમાં વિકાસ પામે છે. કેટલાંક સવાનામાં નિતાર ઓછો હોવાથી અને મૃદાની અન્ય સ્થિતિઓને કારણે વૃક્ષોને બદલે ઘાસની વૃદ્ધિ પ્રેરાય છે.
દુનિયામાં સવાનાનો પ્રાણીસમૂહ અત્યંત જાણીતો છે. સવાના કાળિયાર (Antelopus), હરણ (Gazellus) અને જિરાફ (Giraffus) જેવાં સસ્તન વર્ગનાં પ્રાણીઓનાં ઝુંડને આશ્રય આપે છે. કૃન્તકો (rodents), પક્ષીઓ, સરીસૃપો (reptiles) અને કીટકોની ઘણી જાતિઓ પણ સવાનામાં વસવાટ કરે છે. આફ્રિકાના સવાના સિંહ જેવા ફેલિડી કુળના અને ચિત્તા, જરખ અને હાથી જેવા વિવિધ સભ્યો સહિત તેમની બૃહદ જાતિ-વિવિધતા (species-diversity) માટે ખાસ પ્રખ્યાત છે.
પક્ષીઓની અસંખ્ય જાતિ સવાનાની સ્થાનિક (indigenous) છે. તે પૈકી સૌથી મોટું પક્ષી શાહમૃગ (Struthio camelus) આફ્રિકામાં જોવા મળે છે. પ્રતિકૂળ ઋતુમાં બાહ્યોષ્ણકટિબંધીય પ્રદેશોનાં ઘણાં પક્ષીઓ ઉષ્ણકટિબંધીય સવાના તરફ સ્થાનાંતર કરે છે.
નિમ્ન કક્ષાનાં પ્રાણીઓમાં કીડીઓ અને ઊધઈ સૌથી વિપુલ પ્રમાણમાં થાય છે. ઊધઈ જમીન પર ઊભો, મોટો, શંકુ આકારનો રાફડો બનાવે છે. આ રાફડા કેટલાક સવાનામાં એટલા મોટા હોય છે કે શુષ્ક ઋતુ દરમિયાન દૃશ્યભૂમિ(landscape)ના દેખાવમાં આંશિક પ્રભાવી લાગે છે.
પર્યાવરણીય પરિસ્થિતિ : મોટાભાગના સવાનામાં 76 સેમી.થી 100 સેમી. વાર્ષિક વરસાદ પડે છે; પરંતુ કેટલાકમાં 25 સેમી. જેટલો જ વરસાદ પડે છે. બીજાં કેટલાંક સવાનામાં 150 સેમી. જેટલો વરસાદ પડે છે.
ઉષ્ણકટિબંધીય સવાનાની આબોહવામાં ઋતુનિષ્ઠ ફેરફારો સાથે ઊંચું તાપમાન રહે છે. તાપમાન ભાગ્યે જ 0° સે.થી નીચે ઊતરે છે. ઉષ્ણકટિબંધીય આબોહવાનું સૌથી વિશિષ્ટ લક્ષણ તેનો ઋતુનિષ્ઠ વરસાદ છે; જે ખગોળીય (astronomous) ઉનાળામાં 3-5 માસ દરમિયાન આવે છે.
અન્ય અર્ધશુષ્ક પ્રદેશોની જેમ ઉષ્ણકટિબંધીય સવાનાની મૃદા વિવિધતા દર્શાવે છે. વધારે ભેજવાળા પ્રદેશોમાં કાળી મૃદા, મોટેભાગે ચર્નોઝેમ (chernozem = કપાસની માટી) સામાન્ય છે. સખત પડ (hard pan) અને કેટલીક વાર લવણતા પણ જોવા મળે છે. નદીની સાથે સાથે કંકરિત મૃદા(laterite soil)નું સંગુટિકાશ્મન (conglomeration) થાય છે. ભૂસ્તરીય ઉંમર, આબોહવા અને પિતૃ-દ્રવ્ય(parental material)ને આધારે ખનિજ-પોષણની કક્ષા પ્રત્યેક મૃદામાં જુદી જુદી હોય છે. આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ઑસ્ટ્રેલિયાની ઘણી તૃણભૂમિઓમાં અલ્પ તત્ત્વો(trace elements)ની ખાસ ત્રુટિ અને ઍલ્યુમિનિયમની વિષાળુતા જોવા મળે છે.
કેટલાક સવાનાના વિસ્તારોમાં ભારે ભૂક્ષરણ (soil erosion) થાય છે અને મૃદાનું એકત્રીકરણ થઈ શકતું નથી. આવી ભૂમિમાં વનસ્પતિ-વૃદ્ધિ ખૂબ ઓછી જોવા મળે છે. ભૂમિના દ્રવ્યમાં આવેલી તિરાડો વૃક્ષના મૂળને આધાર આપે છે. ખડકાળ સપાટી પર પાતળું શાકીય આવરણ આવેલું હોય છે.
મોટાભાગનાં ઉષ્ણકટિબંધીય સવાનામાં પાણી મુખ્ય સીમિત પરિબળ છે. કુલ જથ્થો અને વૃદૃષ્ટિપાત(precipitation)ની ઋતુનિષ્ઠા (seasonality) વૃક્ષની વૃદ્ધિ માટે પ્રતિકૂળ હોય છે. સવાનાને અસર કરતા અન્ય તણાવોમાં વારંવાર લાગતી આગ, પ્રાણીઓની સામાન્ય પ્રવૃત્તિઓ, વધારે પડતી લવણતા અથવા પોષક ત્રુટિઓનો સમાવેશ થાય છે. જ્યાં નદીનું વહેણ હોય ત્યાં વૃક્ષની વૃદ્ધિ માટે આ પરિબળો અનુકૂળ બને છે. નદીઓ અને સાંકડી ખાડીઓ(crecks)ની સાથે વિસ્તૃત તટીયવન(gallery forest)નું અસ્તિત્વ જોવા મળે છે. સ્થાનિક ભારે પૂરને કારણે ભૂક્ષરણ થતાં ઊંડાં કોતરો (canyons) બને છે અને તટીયવન અદૃશ્ય થાય છે.
ભૌગોલિક વિતરણ : ઉષ્ણકટિબંધીય સવાના ઉષ્ણકટિબંધીય જંગલો અને રણોના વિસ્તારોની વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. આ સ્થિતિ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે. નવી દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ભિન્ન પરિસ્થિતિ પ્રવર્તતી હોવાથી સવાના ઉષ્ણકટિબંધીય જંગલો અને ગિરિમાળા વચ્ચે જોવા મળે છે. માડાગાસ્કર અને ભારતમાં ઉપર્યુક્ત બંને સ્થિતિનું સંયોજન જોવા મળે છે.
જંગલ અને તૃણભૂમિ કે અર્ધરણની વચ્ચે સવાનાની સંક્રમિકા (ecotonal) સ્થિતિ સવાનાના કદ અને ભૌગોલિક વિતરણ વિશેના વૈજ્ઞાનિકોના મતમતાંતરનો પાયો છે. મોટાભાગના વૈજ્ઞાનિકો સવાનામાં પૂર્વ આફ્રિકામાંના સવાના અને સહારાનો દક્ષિણનો પટ્ટો, દક્ષિણ આફ્રિકા ઝાડી વેલ્ડ (bush veld) અને ઉત્તરીય દક્ષિણ અમેરિકામાં લાવોસ, ઑસ્ટ્રેલિયાનો કાંટાળો વનસ્પતિસમૂહ, દક્ષિણ માડાગાસ્કરના કેટલાક વિસ્તારો, મધ્ય અમેરિકા, દક્ષિણ-ઉત્તર અમેરિકા અને ભારતના કેટલાક ઉષ્ણકટિબંધીય દ્વીપકલ્પો(પ્રતિ પવન દિશામાં)નો સમાવેશ કરે છે. જોકે પાછળના બંને દેશો ઉપોષ્ણકટિબંધીય છે. કૅમ્પો સેરાડો અને દક્ષિણ અમેરિકાનું ચાકો, દક્ષિણ આફ્રિકામાં મિયોમ્બો, ઉત્તર આફ્રિકાનો વિસ્તૃત પ્રદેશ, સહારાની દક્ષિણે, માડાગાસ્કરનો વિસ્તૃત પ્રદેશ, ભારતીય દ્વીપકલ્પ અને ઑસ્ટ્રેલિયા સવાના સંકલ્પનામાં સમાવાયા છે. સવાના વનસ્પતિસમૂહ દ્વારા રોકાયેલો કુલ પૃથ્વીનો વિસ્તાર સવાના સંકલ્પનામાં તફાવતો હોવાથી નક્કી કરવો મુશ્કેલ છે. FAO(Food and Agriculture Organization)ના જણાવ્યા મુજબ, કુલ ભૂમિ-વિસ્તારનો 1/3 વિસ્તાર તૃણભૂમિઓ દ્વારા રોકાયેલો છે. આ વિસ્તાર પૈકી 1/3 ઉષ્ણકટિબંધીય તૃણભૂમિ છે, જેમાંનું મોટાભાગનું સવાના હોઈ શકે છે.
કૃષિવિદ્યા અને સવાના : સમગ્ર વિશ્વમાં મોટાભાગના મૂળભૂત સવાના વિસ્તારોમાં હાલમાં ખેતી કરવામાં આવે છે. રાન્ચ્ (ranch) કૃષિ મુખ્ય પ્રકાર છે; જેમાં શુષ્ક વિસ્તારોમાં ઘેટાં અને ભેજયુક્ત વિસ્તારોમાં ઢોર ઉછેરવામાં આવે છે. વધારે ઉષ્ણ પ્રદેશોમાં ઝીબુ (Zebu) અને ઝૌબુ તેમજ યુરોપીય ઢોરોનાં કેટલાંક સંકર ઉછેરવામાં આવે છે. પ્રતિ-એકમ વિસ્તારમાં માંસનું ઉત્પાદન ઓછું હોય છે. વિસ્તૃત પ્રબંધ હેઠળ પણ સવાનાનાં નૈસર્ગિક પ્રાણીઓનાં ઝુંડ કરતાં માંસનું ઉત્પાદન ઓછું હોય છે. સારી રીતે પ્રબંધિત રાન્ચ્ કૃષિ વનસ્પતિસમૂહના લક્ષણને ખાસ બદલતી નથી. જો કૃષિપ્રબંધ સારો કરવામાં આવે તો નજીકનાં શુષ્ક વનસ્થળો (woodlands) ઘણી વાર નૈસર્ગિક સવાનાની જેમ પુન: રૂપાકૃતિ પ્રાપ્ત કરી શકે છે.
સવાના વિસ્તારમાં કૃષિવિદ્યાકીય પાકોની ઘણી જાતો ઉગાડવામાં આવે છે. કાળજીપૂર્વકના રક્ષણ અને પ્રબંધ દ્વારા જો પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય હોય તો કોઈ પણ પાક ઉગાડી શકાય છે. બહુવર્ષાયુ(perennial)માંથી સામાન્ય રીતે શુષ્કતા-સહિષ્ણુ (draught-tolerant) પાક પસંદ કરવામાં આવે છે.
વિશ્વના સવાના પ્રદેશોમાં મોટાભાગની માનવ-વસાહતો નાની હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન કે થોડાક માસ માટે ગરમ તાપમાન અને પાણીના પુરવઠાની સમસ્યાઓને લઈને મોટી વસાહતોનો વિકાસ ઓછો થતો રહે છે. નદી કે દરિયાકિનારે અથવા ઊંચાઈ પર સામાન્ય રીતે વસાહત જોવા મળે છે. મોટાભાગની ભૂમિનો પ્રબંધ નાનાં જનજાતીય (tribal) ગામડાં અથવા મોટા રોપણ (plantation) અથવા રાન્ચ્-માલિકો દ્વારા ગણોતિયાઓનાં અલગ જૂથો, ભાગિયાઓ (share-cropper) કે નોકરો અથવા એકાકી કુટુંબોની મદદથી થાય છે.
બાહ્યોષ્ણકટિબંધીય પ્રકારો : ઉષ્ણકટિબંધીય સવાનાનું મુખ્ય બંધારણીય લક્ષણ ગાઢ શાકીય આવરણની વચ્ચે ઊભાં વીખરાયેલાં વૃક્ષો છે. કેટલાક બાહ્યોષ્ણકટિબંધીય વનસ્પતિસમૂહના પ્રકારોમાં આ બંધારણીય લક્ષણ જોવા મળે છે; પરંતુ તેઓ વૃક્ષોનાં ગાઢ આવરણને મર્યાદિત કરતાં પરિબળોની બાબતમાં ઘણો તફાવત ધરાવે છે. આ પરિબળોમાં શુષ્કતા (draught) (સ્ટેપ, પ્રેરી કે જંગલના વચગાળાના વિસ્તારો); અતિશય પાણી અથવા ઑક્સિજન અને પોષક દ્રવ્યોની અછતવાળું મૃદા સાથે સંયોજિત પાણી (દલદલ ભૂમિ, કે ગ્લેડ); ઠારણ-બિંદુથી નીચા લાંબા-ગાળાના ઠંડા તાપમાનને કારણે વામન વનસ્પતિસમૂહનો વિકાસ; અતિશય લાંબું બરફનું આવરણ અને પ્રકાશની નિમ્ન તીવ્રતા(વન ટુંડ્ર, ટૈગા અને શીત સવાના)નો સમાવેશ થાય છે.
દક્ષિણ યુનાઇટેડ સ્ટેટ્સના સવાના અને ગ્લેડ વચગાળાની સ્થિતિ પ્રદર્શિત કરે છે. અંતરાયિક (intermittent) ભીની મૃદા અથવા પીટમય મૃદાની શુષ્ક સ્થિતિ, ઉષ્ણકટિબંધીય ગરમ ઉનાળો અને હિમ સહિતનો મંદ શિયાળો અને સામાન્યત: મૃદામાં પોષક દ્રવ્યોની નીચલી કક્ષા આ વિસ્તારોમાં શીત સવાના જેવા વનસ્પતિસમૂહના પ્રકારો અને ઉષ્ણકટિબંધીય તેમજ ઉપોષ્ણકટિબંધીય પ્રકારો ઉત્પન્ન કરે છે.
ત્રણ બાહ્યોષ્ણકટિબંધીય સવાના જેવા વિસ્તારોની આર્થિક ક્ષમતા પણ ઘણો તફાવત દર્શાવે છે. દક્ષિણ યુનાઇટેડ સ્ટેટ્સની પરિસ્થિતિમાં ફલોદ્યાનો (orchards), વૃક્ષારોપણ અને ઢોરનો ઉછેર થઈ શકે છે.
દુનિયાના ઘણા ભાગોમાં આવેલા કેટલાક સવાના પ્રદેશો ઘણી વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિઓ માટે અંતિમ અસ્તિત્વ ધરાવતાં સ્થાનો છે. તેથી કેટલાંક ઉષ્ણકટિબંધીય અને બાહ્યોષ્ણકટિબંધીય સવાનાને સંરક્ષણ આપવું જરૂરી બને છે. આ જ કારણે કેટલાંક સૌથી પ્રખ્યાત વન્યજીવ અભયારણ્યો દૂર વિકસાવવામાં આવ્યાં છે (દા.ત., સેરેન્જેટી, આફ્રિકા; રુહુન્ગ, શ્રીલંકા અને ક્રુગર નૅશનલ પાર્ક, દક્ષિણ આફ્રિકા).
બળદેવભાઈ પટેલ