સવાતવક્ષ (pneumothorax) : ફેફસાંની આસપાસના આવરણનાં 2 પડની વચ્ચે હવા ભરાવી તે. ફેફસાંની આસપાસના આવરણને પરિફેફસીકલા (pleura) કહે છે અને તેનાં 2 પડ વચ્ચેના સંભવશીલ પોલાણ(potential space)ને પરિફેફસી ગુહા (pleural cavity) કહે છે. તેમાં હવા ભરાય ત્યારે તેને સવાતવક્ષ કહે છે. તેમાં છાતીની દીવાલમાંથી, મધ્યવક્ષ(mediastinum)માંથી, ઉરોદરપટલ-(diaphragm)માંથી કે ફેફસાંમાંથી જે તે અવયવ કે ભાગને ઈજા થવાથી હવા પ્રવેશે છે. બે ફેફસાં વચ્ચેની જગ્યાને મધ્યવક્ષ કહે છે.

સવાતવક્ષનું તેના કારણને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે :

સારણી 1 : સવાતવક્ષના પ્રકારો

(1) સ્વયંભૂ (spontaneous)
(અ) પ્રારંભિક (primary)
(આ) દ્વૈતીયિક (secondary)
(2) ઈજાજન્ય
(અ) ચિકિત્સકજન્ય (iatrogenic)
(આ) અચિકિત્સકજન્ય (non-iatrogenic)
      (i) બંધ (closed)
      (ii) ખુલ્લો (open)
      (iii) તણાવકારી (tension)

(1) સ્વયંભૂ (spontaneous) સવાતવક્ષ 2 પ્રકારના હોય છે : પ્રારંભિક (primary) અને દ્વૈતીયિક (secondary).

પેટ અને છાતીને અલગ પાડતા સ્નાયુના પડદાને ઉરોદરપટલ કહે છે. જો ફેફસામાં કોઈ દેખીતો રોગ ન હોય અને સવાતવક્ષ થાય તો તેને પ્રારંભિક સ્વયંભૂ (primary spontaneous) સવાતવક્ષ કહે છે જ્યારે ફેફસાના કોઈ રોગને કારણે સવાતવક્ષ થાય તો તેને દ્વૈતીયિક (secondary) સ્વયંભૂ સવાતવક્ષ કહે છે. પ્રારંભિક સવાતવક્ષ મોટેભાગે યુવાન પુરુષોમાં થાય છે અને તેનું કારણ પરિફેફસી કલાની નીચેના ફૂલેલા વાયુપોટા ફાટે છે તે છે. તેને સૌમ્ય (benign) સ્વયંભૂ સવાતવક્ષ પણ કહે છે.

સવાતવક્ષ (pneumothorax) : (અ) અલ્પ તીવ્રતાનો વિકાર, (આ) સવાતવક્ષ સાથે ઈજાને કારણે લોહીનું ઝમવું, (ઇ) તીવ્ર અથવા તણાવપૂર્વકનો સવાતવક્ષ. નોંધ : (1) સામાન્ય ફેફસું, (2) દબાયેલું ફેફસું, (3) પરિફેફસી, (4) ઉરોદરપટલ, (5) પરિફેફસીકલા, (6) લોહીનું ઝમવું, (7) તણાવપૂર્વકનો હવા ભરેલું પરિફેફસી પોલાણ, (8) અતિશય દબાયેલું ફેફસું

દ્વૈતીયિક સ્વયંભૂ સવાતવક્ષ થવાનાં વિવિધ કારણો છે : ક્યારેક પરિફેફસીકલાની નીચેના સક્રિય ક્ષયરોગનો દોષવિસ્તાર, અસક્રિય ક્ષયરોગની તંતુમય પેશીને કારણે ઉદ્ભવતી સ્થાનિક વાતસ્ફિતિ(emphysema)નો વિસ્તાર, વાતસ્ફિતિમાં થયેલી કે જન્મ-જાત થયેલી મહાવાયુપુટિકા (bulla), જન્મજાત કોષ્ઠ (cyst), મધપૂડા જેવાં ફેફસાં કે અન્નનળીના ફાટવાથી પરિફેફસીગુહામાં હવાનું ભરાવું. તેને દ્વૈતીયિક સ્વયંભૂ સવાતવક્ષ કહે છે. ક્યારેક ન્યુમોનિયા, ફેફસામાં ગૂમડું, ન્યૂમોસિસ્ટિક કેરાઇનાઇનો ચેપ, ઉટાંટિયું તથા શ્વસનિકા-વિસ્ફારણ(branchiactesis)માંનો ચેપ વગેરે વિવિધ પ્રકારના ક્ષયરોગ સિવાયના ચેપી રોગોમાં પણ દ્વૈતીયિક સ્વયંભૂ સવાતવક્ષ થાય છે. આ વિકારનાં અન્ય કારણોમાં વ્યાપક તંતુમય ફેફસી રોગ (diffuse fibrosing pulmonary disease), દમ, કોષ્ઠીય તંતુતા (cystic fibrosis), ફેફસાં કે પરિફેફસી કલાની ગાંઠ, ફેફસી પ્રણાશ (pulmonary infarction), મધ્યવક્ષીય વાતસ્ફીતિ (mediastinal emphysena) વગેરે વિવિધ રોગોનો સમાવેશ થાય છે.

(2) છાતીની દીવાલ, ફેફસું, અન્નનળી, પેટ વગેરે વિવિધ ભાગમાં ઈજા થવાથી ક્યારેક સવાતવક્ષ થાય છે. આવી સ્થિતિ ક્યારેક નિદાન કે ચિકિત્સા માટે કરાતી કોઈ ક્રિયા વખતે પણ અનિચ્છાએ થાય ત્યારે પરિફેફસી કલાને ઈજા થવાથી થાય છે; જેમ કે, પરિફેફસી ગુહામાં ભરાયેલું પ્રવાહી બહાર કાઢવાની ક્રિયા, શ્વસનનલિકાના માર્ગે ફેફસાનું પેશીપરીક્ષણ (biopsy) કરવા માટે પેશીનો ટુકડો લેવાની ક્રિયા, ફેફસાની ચામડીને વીંધીને પેશીપરીક્ષણ કરવાની ક્રિયા, પાંસળીઓ વચ્ચેની ચેતાને બહેરી કરવાની ક્રિયા (ચેતારોધ, nerve block), અવ-અરીય (sub-clavian) ધમનીમાં નલિકા નાંખવાની ક્રિયા, દબાણ સાથેનું કૃત્રિમ શ્વસન (positive pressure ventilation), યકૃતનું પેશીપરીક્ષણ, ડોકના નીચલા ભાગમાં શસ્ત્રક્રિયા, બાહ્ય દબાણની વિષમતાથી થતી ઈજા તથા બંધ પડી ગયેલા હૃદયને ફરીથી ધબકતું કરવા માટે છાતી પર દબાણ સાથે માલિસ (massage) કરવી વગેરે.

ક્યારેક છાતીમાં અકસ્માતે ઈજા થાય છે. તેમાં પણ ઈજાજન્ય સવાતવક્ષનો વિકાર થાય છે.

ઈજાજન્ય સવાતવક્ષનાં લક્ષણો અને ચિહ્નો કેટલા પ્રમાણમાં હવા પ્રવેશી છે, કેટલી ઝડપથી પ્રવેશી છે અને ફેફસાંની મૂળસ્થિતિ કેવી હતી તેના પર આધારિત છે. ક્યારેક તકલીફો અતિઉગ્ર સ્વરૂપે કે ધીમે ધીમે કોઈ ખાસ ચિહ્નો કે લક્ષણો વગર શરૂ થાય છે. દર્દીને તપાસીને હવાની સાથે પ્રવાહી ભરાયું છે કે નહિ તે જોઈ લેવાય છે.

ઈજાજન્ય સવાતવક્ષને 3 ઉપપ્રકારોમાં વહેંચવામાં આવે છે  બંધ, ખુલ્લો અને તણાવપૂર્વક. જ્યારે પરિફેફસી ગુહામાં જે કાણાંમાંથી હવા પ્રવેશી હોય તે બંધ થઈ જાય તો તેને બંધ સવાતવક્ષ કહે છે. જો તે કાણું હજુ પણ ખુલ્લું હોય તો તેને ખુલ્લો સવાતવક્ષ કહે છે. ક્યારેક આ કાણાંને સ્થાને ‘વાલ્વ’ જેવી સ્થિતિ પેદા થાય છે અને તેથી પરિફેફસી ગુહામાં હવા પ્રવેશે છે પણ બહાર નીકળી શકતી નથી. આવા સમયે તેમાં દબાણ વધે છે. તેને તણાવપૂર્વકનો સવાતવક્ષ કહે છે. આ ત્રણેય પ્રકારના વિકારોને શારીરિક પરીક્ષણ વડે એકબીજાથી અલગ પડાય છે. તણાવપૂર્વક સવાતવક્ષમાં દુખાવો, શ્વાસ ચડવો, નખ ભૂરા પડવા, નાડી ઝડપી થવી, ગળાની નસો ફૂલવી વગેરે ચિહ્નો થઈ આવે છે. દર્દીને ઘણી તકલીફ હોય છે અને છાતીમાંથી હવાને બહાર કાઢી નાંખવાની અતિશય જરૂરિયાત ઊભી થાય છે.

શારીરિક તપાસ ઉપરાંત છાતીના ઍક્સ-રે-ચિત્રણ વડે સવાતવક્ષનું નિદાન કરાય છે. સવાતવક્ષને વાતસ્ફીતિ (emphysema), વાતસ્ફીતિની મોટી વાતપુટિકા (bulla), ફેફસામાં જન્મજાત હવા ભરેલી પોટલી જેવી સંરચના ધરાવતી કોષ્ઠ (cyst), જઠર કે મોટું આંતરડું ઉરોદરપટલમાંના કોઈ છિદ્રમાંથી છાતીમાં પ્રવેશે તો તેવી સારણગાંઠ, ઉરોદરપટલની નીચે ગૂમડું, અતિશય ફૂલેલું જઠર વગેરે વિવિધ વિકારોને અલગ પાડીને સવાતપક્ષનું નિદાન કરાય છે. ઘણી વખતે હવાની સાથે પરિફેફસી ગુહામાં પ્રવાહી ભરાયેલું હોય છે. તેને સજલવાતવક્ષ (hydropneumothorax) કહે છે. તેનું નિદાન કરવું જરૂરી છે. જો સવાતવક્ષ થયા પછી દબાયેલું ફેફસું 3 મહિનાથી વધુ સમય સુધી પાછું ફૂલી ન શકે તો તેને દીર્ઘકાલી સવાતવક્ષ કહે છે.

તેની કોઈ ઔષધીય સારવાર નથી. દર્દીને ઈજા થયેલી હોય કે દર્દીને શ્વાસ ચડતો હોય તો પરિફેફસી ગુહામાંથી હવા કાઢવા માટે નળી નખાય છે. બે પાંસળી વચ્ચે નાંખેલી નળીનો બહારનો છેડો પાણી ભરેલી બાટલીમાં રખાય છે. નળી નાંખેલી હોય ત્યારે ચેપ ન લાગે તેનું ખાસ ધ્યાન રખાય છે. દર્દીને જો બંને બાજુએ સવાતવક્ષ થયેલું હોય, સજલવાતવક્ષ થયેલું હોય, શ્વસનનલિકા અને પરિફેફસી ગુહા વચ્ચે તે બંનેને જોડતી સંયોગનળી (fistula) થઈ હોય, વારંવાર સવાતવક્ષ થતું હોય અથવા તેને વ્યવસાયમાં તકલીફ કરતું હોય તો તેના પર શસ્ત્રક્રિયા કરાય છે. તેમાં જો સંયોગનળી થઈ હોય તો તેને બંધ કરાય છે. જરૂર પડ્યે પરિફેફસીકલાને કાપીને દૂર કરાય છે.

શિલીન નં. શુક્લ