સવાઈ માધોપુર : રાજસ્થાનના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 45´થી 27° 14´ ઉ. અ. અને 75° 59´થી 77° 23´ પૂ. રે. વચ્ચેનો 10,527 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અલ્વર, ઈશાનમાં ભરતપુર, પૂર્વમાં ધોલપુર, અગ્નિકોણમાં ચંબલ નદીથી અલગ પડતો મધ્યપ્રદેશનો મોરેના, દક્ષિણમાં કોટા, નૈર્ઋત્યમાં ટોંક તથા પશ્ચિમમાં જયપુર જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક સવાઈ માધોપુર જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ અંશત: અસમતળ પહાડી અને અંશત: મેદાની ભાગોથી બનેલું છે. ચંબલ નદીને સમાંતર આવેલો જિલ્લાનો સમગ્ર અગ્નિભાગ પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે, બાકીનો બધો વિસ્તાર રેતાળ, ફળદ્રૂપ અને મેદાની છે. જિલ્લાની ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફ અરવલ્લી હારમાળા આવેલી છે. અહીંનો કરૌલી ઉપવિભાગનો વિસ્તાર સ્થાનિક દૃષ્ટિએ ડાંગ નામથી ઓળખાય છે. સવાઈ માધોપુરનો વિસ્તાર પહાડી છે. રણથંભોરનો ઐતિહાસિક કિલ્લો સવાઈ માધોપુર વિભાગમાં આવેલો છે. જિલ્લાના ભૂપૃષ્ઠની ઊંચાઈ 450થી 600 મીટર વચ્ચેની છે. વાયવ્ય વિભાગમાં આવેલા બામણવાસ તાલુકાની અરવલ્લી હારમાળાનું સર્વોચ્ચ સ્થળ 527 મીટરની ઊંચાઈ ધરાવે છે. ભૈરવ અને ઉતગિર દક્ષિણ તરફ આવેલાં મુખ્ય શિખરો છે. ગંગાપુર ઉપવિભાગનું ભૂપૃષ્ઠ મેદાની છે, પરંતુ ત્યાં પણ કેટલેક ઠેકાણે છૂટીછવાઈ ટેકરીઓ આવેલી છે.
જળપરિવાહ : બનાસ, મોરલ, બાણગંગા, ગંભીર અને ચંબલ અહીંની મુખ્ય નદીઓ છે. બનાસ અહીંની મોટી નદી છે. પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી આ નદીને જિલ્લાના મધ્યભાગમાં મોરલ નદી મળે છે, ત્યાંથી બનાસ નદી આગળ વધીને ચંબલને મળે છે.
કુદરતી સંપત્તિ : (i) વનસ્પતિ : લીમડો, પીપળો, આંબો, જાંબુડો, ખીજડો, ખાખરો, અરંજા, ટેન્ડુ, ગુરજન, સલર, ખેર, ખીરની, કેર, પીલુ, ગોયા, હિંગોટ, અરણી, બોર, ગામેરી, બોરડી અહીંનાં મુખ્ય વૃક્ષો છે. છોડવા અને ઘાસ પણ જોવા મળે છે. જંગલોમાંથી લાકડાં, ઇંધન, વાંસ, ટેન્ડુપત્તાં, ગુંદર, મધ, મીણ, ઔષધીય વનસ્પતિ, કાથો, કરંજ જેવી ઉપયોગી વન્યપેદાશો મળી રહે છે.
1957-58માં સ્થપાયેલું રણથંભોરનું વન્યજીવન અભયારણ્ય આ જિલ્લામાં સવાઈ માધોપુરથી ઈશાનમાં 10 કિમી. અંતરે આવેલું છે. 1974માં WWF તરફથી સ્થાપિત ‘પ્રોજેક્ટ ટાઇગર’ પણ તેમાં જ ગણાય છે. આ અભયારણ્યને હવે રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. જિલ્લામાં અનામત જંગલો પણ આવેલાં છે.
(ii) ખનિજસંપત્તિ : આ જિલ્લામાં તાંબા, સીસા, જસત અને લોખંડનાં ધાત્વિક ખનિજો તથા ચૂનાખડકો, રેતીખડકો તેમજ મૃદ, સિલિકા અને શંખજીરું જેવાં અધાત્વિક ખનિજો મળે છે. કરૌલી અને હિંદોન વિસ્તારમાંથી વિંધ્યરચનાના ભાંડાર (Bhander) સમૂહના ગુલાબી અને શ્વેત ટપકીવાળા રેતીખડકો ખોદી કાઢવામાં આવે છે. ચોથ-કા-બરવાળામાં ગેલેના, પાયરાઇટ અને ચાલ્કોપાયરાઇટ મળે છે. સિમેન્ટ કક્ષાનો ચૂનાખડક ફાલોડી, નીલડુંગરી, માલોલી અને નિરોલીમાંથી તથા સિલિકા રેતી સપોત્રા, નારોલી અને ટોટવાડા રેલમથકો પાસે મળે છે.
ખેતી–પશુપાલન : આ જિલ્લામાં સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન તથા માર્ચ-એપ્રિલ દરમિયાન અનુક્રમે ખરીફ અને રવી પાકો લેવાય છે. ખરીફ પાકોમાં બાજરી, જુવાર, કઠોળ અને મગફળી તથા રવી પાકોમાં ઘઉં, જવ, કઠોળ અને તેલીબિયાંના પાકનો સમાવેશ થાય છે. ખેતી માટે સિંચાઈની સગવડ નદીઓ, તળાવો, નહેરો, કૂવા તથા ટ્યૂબવેલ દ્વારા પૂરી પડાય છે.
ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડા, ટટ્ટુ, ગધેડાં, ઊંટ અને ડુક્કર અહીંનાં પાલતુ પશુઓ છે. પશુઓ માટે (પશુ)દવાખાનાં અને (પશુ)-ચિકિત્સાલયો, હરતું-ફરતું ચિકિત્સાલય તથા ગૌશાળાઓની સગવડો ઊભી કરવામાં આવેલી છે. આ સુવિધાઓનું મુખ્ય મથક સવાઈ માધોપુર ખાતે છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં જયપુર ઉદ્યોગ લિ. નામનો પૉર્ટલૅન્ડ સિમેન્ટનું ઉત્પાદન કરતો મોટા પાયા પરનો ઉદ્યોગ આવેલો છે; આ સિમેન્ટ ફૅક્ટરી દેશની મોટી સિમેન્ટ ફૅક્ટરી ગણાય છે. જિલ્લામાં નાના પાયા પરનાં આશરે 274 જેટલાં અધિકૃત કારખાનાં તથા ઘણા કુટિર-ઉદ્યોગો આવેલા છે. તેમાં હાથસાળના તેમજ વીજળીથી ચાલતા એકમો, તેલ અને દાળની મિલો; સાબુ, ધાતુનાં માળખાં, પોલાદનું રાચરચીલું અને પેટીઓ બનાવવાના, ચામડાં કમાવવાના, ગોળ અને ખાંડસરીના તથા બીડીના એકમો તેમજ તેલઘાણીઓનો સમાવેશ થાય છે.
અહીં તાંબા-પિત્તળનાં વાસણો, લાખની કલાવાળું કાષ્ઠકામ, કાગળના માવાનાં રમકડાં તથા ખસના અર્કનું સુગંધીદાર દ્રવ્ય બનાવાય છે. ખાદ્યપ્રક્રમણના એકમો તથા સિમેન્ટનાં કારખાનાં પણ છે. આ નગર સડકમાર્ગ અને રેલમાર્ગનું જંક્શન હોઈ વેપારી મથક બની રહેલું છે.
સિમેન્ટ, મગફળી, જીરું, કોથમીર, અનાજ, ચણા, તુવેર, અળસી, લાકડાંમાંથી બનાવેલો કોલસો, નાગરવેલનાં પાન, લાકડાનાં રમકડાં, બીડીઓ વગેરેની નિકાસ તથા ઝીણું કાપડ, ખાંડ, મીઠું, સૂકાં ફળો, ઉપભોક્તા ચીજવસ્તુઓ, પેટ્રોલ, વીજળીનો સામાન, લોખંડ અને અન્ય ધાતુઓની આયાત કરવામાં આવે છે.
પરિવહન : આ જિલ્લો બ્રૉડગેજ-મીટરગેજ રેલમાર્ગોથી સંકળાયેલો છે. દિલ્હી-મુંબઈ તથા જયપુર-આગ્રા અને જયપુર-સવાઈ માધોપુર રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. જિલ્લામાં કુલ 31 જેટલાં રેલમથકો છે. જિલ્લામાં 1055 કિમી.ના રસ્તા આવેલા છે. તે પૈકીનો 35 કિમી.ના અંતરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ પણ આ જિલ્લામાંથી પસાર થાય છે.
પ્રવાસન : પુરાતત્ત્વ અને ઐતિહાસિક દૃષ્ટિએ જિલ્લાનાં મહત્ત્વનાં સ્થળો આ પ્રમાણે છે :
(i) રણથંભોર : સવાઈ માધોપુરથી આશરે 13 કિમી.ને અંતરે આવેલું સ્થળ. તે 481 મીટર ઊંચી છૂટી ટેકરી પર વસેલું છે. આ નગર તેની આજુબાજુના કિલ્લાના બુરજો અને મિનારાઓથી આરક્ષિત છે. કિલ્લાની અંદરના ભાગમાં ગણેશ, બ્રહ્મા, પરમેશ્વર અને ગુપ્તગંગાનાં મંદિરો આવેલાં છે. બીજાં અગત્યનાં સ્થળોમાં પીરજી-કી-દરગાહ, બત્તીસ ખંભો કી છત્રી અને પદ્મલાનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું છે. મધ્ય યુગ દરમિયાન ચૌહાણ રજપૂતોને મન આ કિલ્લાનું મહત્ત્વ વિશેષ હતું. આજે તો કિલ્લાનાં ખંડિયેરો જ છે, તેના પરથી આજુબાજુનાં રમણીય શ્યો માણી શકાય છે. અહીં દર વર્ષે ભાદ્રપદ સુદ ત્રીજથી પાંચમ સુધી (ઑગસ્ટ-સપ્ટેમ્બર) મોટો મેળો ભરાય છે, તેમાં આશરે પચાસ હજાર લોકો શ્રીગણેશનાં દર્શન માટે આવે છે. રણથંભોરના કિલ્લાની નજીકમાં ટેકરીઓ અને નદીઓ વચ્ચે પ્રાણીઓનું અભયારણ્ય આવેલું છે, તે વન્ય પ્રાણીઓનું કુદરતી રહેઠાણ બની રહેલું છે. અહીં દર વર્ષે અસંખ્ય લોકો તે જોવા માટે આવે છે.
રણથંભોર અભયારણ્ય
(ii) કરૌલી : ધાર્મિક સ્થળ અને જિલ્લાનું ઉપવિભાગીય વહીવટી મથક. આ નગર રેતીખડકથી બનાવેલી દીવાલથી આરક્ષિત છે. અહીંનો મહારાજાનો મહેલ સ્થાપત્યનો એક અદ્ભુત નમૂનો છે. આ ઉપરાંત 16મી સદીમાં બંધાયેલાં મદનમોહનજી અને ગોપાલજીનાં સુંદર મંદિરો પણ આકર્ષણનાં કેન્દ્રો છે. મહારાજા ગોપાલદાસ મદનમોહનજીની મૂર્તિ જયપુરથી અને ગોપાલજીની મૂર્તિ દૌલતાબાદના કિલ્લામાંથી લાવ્યા હતા.
(iii) કૈલાદેવી મંદિર : કરૌલીથી 26 કિમી. અંતરે કાલીસીલ નદીની નજીકમાં આવેલું કૈલા નામનું નાનું ગામ. કૈલા નામ તત્કાલીન કરૌલી રાજ્યના જૂના શાસકોની દેવી પરથી પડેલું જણાય છે. આ સ્થળ હિંદોન, માહવા અને ભરતપુર સાથે સડકમાર્ગે જોડાયેલું છે. અહીં દર વર્ષે ચૈત્ર (માર્ચ-એપ્રિલ) માસમાં ભરાતા મેળામાં દેશભરમાંથી આશરે એક લાખ જેટલા દેવીભક્તો દર્શનાર્થે આવે છે અને નાળિયેર, મીઠાઈ અને કપડાંની ભેટ ધરે છે.
(iv) શ્રીબાલાજી : ટોડાભીમ તાલુકાના મહેંદીપુર ગામમાં આવેલું હિન્દુઓનું બાલાજીનું ધર્મસ્થાનક. તે ટોડાભીમ નગરથી 5 કિમી. અંતરે આવેલું છે. બાલાજી ઉપરાંત અહીં હનુમાનજીનું પ્રાચીન મંદિર પણ છે.
(v) શ્રીમહાવીરજી : દિગંબર જૈનપંથનું પ્રસિદ્ધ યાત્રાધામ. તે દિલ્હી-મુંબઈ બ્રૉડગેજ રેલમાર્ગ પર સવાઈ માધોપુરથી 90 કિમી. અંતરે આવેલું છે. અહીં ભગવાન મહાવીરનું મંદિર આવેલું છે. અહીં ચૈત્ર સુદ અગિયારસથી વૈશાખ વદ બીજ સુધી મોટો મેળો ભરાય છે. દેશભરમાંથી જૈન સમાજના આશરે લાખ જેટલા લોકો આવે છે, તેમાં મીણાઓ અને ગુર્જરો ખાસ ભાગ લે છે.
(vi) તામણગઢ કિલ્લો : કરૌલીથી આશરે 12 કિમી.ને અંતરે આવેલો છે. 11મી સદી દરમિયાન તેનું બાંધકામ યાદવ શાસક તામણપાલે કરાવેલું, ત્યારે મધ્યયુગ દરમિયાન આ કિલ્લાનું ઉત્તર ભારતમાં ઘણું મહત્ત્વ હતું.
આ જિલ્લામાં શિવરાત્રીનો મેળો, ચોથ-કા-બરવાળા ખાતે માતાજીનો મેળો, વીરાસીનનો મેળો તથા બીજાસનદેવીનો મેળો ભરાય છે. વળી દિવાળી, હોળી, દશેરા, રામનવમી, જન્માષ્ટમી, વસંતપંચમી, મકરસંક્રાંતિ, ઈદ-ઉલ-ફિત્ર, ઈદ-ઉલ-જુહા, મોહરમ તથા બારેવફાતના ઉત્સવો યોજાય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 11,16,031 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોની તથા ગ્રામીણ-શહેરી વસ્તી અનુક્રમે 55 % અને 45 % તથા 85 % અને 15 % જેટલી છે. અહીં હિન્દુ-મુસ્લિમ વસ્તી વિશેષ અને ખ્રિસ્તી-શીખ-જૈન-બૌદ્ધ વસ્તી ઓછી છે. લોકોની મુખ્ય ભાષાઓ હિન્દી, રાજસ્થાની અને ઉર્દૂ છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 40 % જેટલું છે. જિલ્લામાં 4 કૉલેજો, 2 વ્યાવસાયિક કૉલેજો, 981 પ્રાથમિક-288 માધ્યમિક અને 90 ઉચ્ચમાધ્યમિક શાળાઓ છે; 5 હૉસ્પિટલો, 34 ચિકિત્સાલયો, 10 પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો, 3 પ્રસૂતિ-ગૃહો અને બાળકલ્યાણકેન્દ્રો તથા બે આયુર્વેદિક હૉસ્પિટલો છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને 11 તાલુકા અને 11 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 7 નગરો અને 1738 (124 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. 82 % ગામડાંઓમાં શિક્ષણની, 22 % ગામોમાં તબીબી, 26 % ગામોમાં તાર-ટપાલની, 57 % ગામોમાં વીજ-પુરવઠાની, 21 % ગામોમાં સંદેશાવ્યવહારની તેમજ 3 % ગામોમાં બજાર કે હાટડીઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
ઇતિહાસ : કિલ્લેબંધીવાળું આ નગર જયપુરના મહારાજા માધોસિંહે (1751-1768) વસાવેલું. તેથી તે માધોપુર નામથી ઓળખાય છે. તે જયપુર શહેરને આબેહૂબ મળતું આવે છે. આજનો સવાઈ માધોપુર જિલ્લો જૂના જયપુર દેશી રાજ્યના સવાઈ માધોપુર જિલ્લા અને જૂના સ્વાયત્ત કરૌલી દેશી રાજ્યમાંથી બનાવેલો છે.
ગિરીશભાઈ પંડ્યા