સવાઈ માધવરાવ (. 19 એપ્રિલ 1774, પુરંદર; . 27 ઑક્ટોબર 1795) : નારાયણરાવ પછી થયેલો પેશ્વા. પેશ્વા નારાયણરાવના અવસાન પછી તેને ત્યાં જે પુત્રનો જન્મ થયો તે સવાઈ માધવરાવ. સવાઈ માધવરાવ 40 દિવસનો થતાં, છત્રપતિ રામરાજાએ પેશ્વાપદનાં વસ્ત્રો અને રાજ્યચિહ્નો પુરંદરમાં એક ખાસ દરબાર ભરી સવાઈ માધવરાવને પહેરાવી 28 મે, 1774ના રોજ તેને પેશ્વા જાહેર કર્યો. સવાઈ માધવરાવ ત્રણ વર્ષનો થયો ત્યારે તેની માતા ગંગાબાઈનું અવસાન થતાં, રાજ્યના મુખ્ય અને એકમાત્ર વ્યવસ્થાપક નાના ફડનવીસની દેખરેખ નીચે સેવકો અને અધિકારીઓની વચ્ચે તે ઊછરવા લાગ્યો. સવાઈ માધવરાવના વ્યક્તિત્વ ઉપર નાના ફડનવીસના બે દુર્ગુણો શંકાશીલ સ્વભાવ અને કાયરતાની અસર પડી. જોકે નાનાની કુશાગ્ર બુદ્ધિ, વહીવટી નિપુણતા અને તેજસ્વિતા જેવા ગુણો પણ તેનામાં વિકસ્યા.

સવાઈ માધવરાવનાં શિક્ષણ અને તાલીમ માટે યોગ્ય લાયકાત ધરાવતા અધ્યાપકો અને પરિપાલકો નિયુક્ત કરાયા હતા. તેથી થોડા સમયમાં તે વાચન-લેખનનું જ્ઞાન મેળવી શક્યો. આ ઉપરાંત વ્યાયામ, ખેલકૂદ અને ઘોડેસવારીમાં પણ તેણે નિપુણતા મેળવી. તેના શાસનકાળ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ભારતમાં મરાઠાઓનાં અનેક આક્રમણો સમયે અને ટીપુ સામેના યુદ્ધ સમયે પણ નાના ફડનવીસે માધવરાવને મોકલ્યો નહિ. નાના ફડનવીસે માધવરાવને ભારતના વિભિન્ન પ્રદેશોમાં ફેરવી અનુભવો અને જ્ઞાન સંપાદન કરવાની તક આપવાને બદલે તેને સંકુચિત વાતાવરણમાં ઉછેર્યો. અંગ્રેજ અફસરો, હૈદરઅલી, મહાદજી શિંદે, હરિપંત ફડકે અને પરશુરામ ભાઉ જેવાના સંપર્કમાં રાખવાને બદલે નાનાએ તેને એકાંતપ્રિય બનાવ્યો. તેથી તે પોતાનો મોટાભાગનો સમય પાળેલાં જાનવરો સાથે અને હરણોનો શિકાર કરવામાં જ ગાળવા લાગ્યો. પેશ્વા સવાઈ માધવરાવ એકાંત અને અંધશ્રદ્ધાના વાતાવરણમાંથી જન્મેલાં દૂષણોનો ભોગ બની વિલાસી અને ઉચ્છૃંખલ બન્યો હતો.

પેશ્વા સવાઈ માધવરાવના 21 વર્ષના શાસનકાળ દરમિયાન રાજકીય વહીવટ મોટેભાગે નાના ફડનવીસે જ કર્યો હતો. માધવરાવના પેશ્વાપદ દરમિયાન રાઘોબાએ પોતાના સ્વાર્થ ખાતર અંગ્રેજો, ફ્રેંચો, ફિરંગીઓ, હૈદરઅલી, નિઝામઅલી જેવા સાથે સંપર્ક અને સંબંધ સ્થાપી મરાઠા રાજ્યનું સ્વાતંત્ર્ય જોખમાવ્યું હતું. તેથી નાના ફડનવીસ અને રાઘોબા વચ્ચે વાસદ મુકામે યુદ્ધ થયું, જેને અંતે રાઘોબાએ સૂરતની સંધિ કરી. અડાસ મુકામે મરાઠા લશ્કર અને રાઘોબા વચ્ચે થયેલા યુદ્ધમાં પણ રાઘોબાનો પરાજય થયો. તેથી રાઘોબાએ અંગ્રેજોની મદદ માગતી સૂરતની સંધિ અંગ્રેજો સાથે કરી. જોકે સૂરતની સંધિનો અમલ થાય તે પહેલાં નાના ફડનવીસે ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સને આ વાતની જાણ કરતાં ગવર્નર જનરલે સૂરતની સંધિ રદ કરવા જણાવ્યું; પરંતુ મુંબઈના ગવર્નરે તેની અવગણના કરી. નાનાએ પુણે અને કોલકાતાની સરકાર સાથે પુરંદરની સંધિ કરી; પરંતુ સંધિની શરતોમાં રાઘોબાને સોંપી દેવાની કોઈ દલીલ અંગ્રેજોએ ન સ્વીકારતાં સંધિનો અમલ જોઈએ તેવો ન થતાં, પ્રથમ અંગ્રેજ-મરાઠા વિગ્રહ ફાટી નીકળ્યો. આ વિગ્રહ દરમિયાન વડગાંવ અને સાલબાઈની સંધિઓ કરવામાં આવી. આ ઉપરાંત મૈસૂરના ટીપુ સુલતાન સાથેનો વિગ્રહ, નિઝામ સાથે ખર્ડાનું યુદ્ધ અને ઉત્તર ભારતમાં મહાદજી શિંદેએ મેળવેલા વિજયો તેની કારકિર્દીના મહત્ત્વના પ્રસંગો ગણી શકાય.

પેશ્વા સવાઈ માધવરાવના શાસન દરમિયાન બાર ભાઈઓના વહીવટમાં નાના ફડનવીસ પ્રથમ પંક્તિનો નેતા બન્યો હતો. ખર્ડાના યુદ્ધ પછી ચાર માસમાં નાના ફડનવીસના કડક નિયંત્રણમાંથી મુક્ત થવા માધવરાવે કાકા બાજીરાવ બીજા સાથે પત્રવ્યવહાર કરી સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો; પરંતુ નાનાને તેની ખબર પડતાં તેણે માધવરાવને ઠપકો આપ્યો; એટલું જ નહિ, પરંતુ કોઈ પણ વ્યક્તિ તેની રજા વગર પેશ્વાને મળી ન શકે તેવો કડક બંદોબસ્ત કર્યો. પેશ્વાનું સ્વમાન આનાથી ઘવાયું. દુ:ખી પેશ્વાએ દશેરા પછીના ત્રીજે દિવસે મહેલની અટારી પરથી નીચે જળાશયમાં આવેલા ફુવારા પર પડતું મૂકી આપઘાત કર્યો. પેશ્વા મૃત્યુ પામતાં મરાઠી રાજ્યની અંતિમ આશાની વેલ મૂરઝાઈ ગઈ.

મીનળ શેલત