સલ્ફોનેશન (sulphonation) અને સલ્ફેશન (sulphation)

January, 2007

સલ્ફોનેશન (sulphonation) અને સલ્ફેશન (sulphation) : અણુ અથવા આયનની સંરચના(structure)માં રહેલ હાઇડ્રોજનને સ્થાને સલ્ફોનિક ઍસિડ (SO3H) સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા (સલ્ફોનેશન); કાર્બન સાથે OSO2OH સમૂહ જોડાઈને ઍસિડ સલ્ફેટ (ROSO2OH) બનાવવાની અથવા બે કાર્બન પરમાણુઓ વચ્ચે  SO4  સમૂહ જોડાઈને સલ્ફેટ, ROSO2OR બનાવવાની રાસાયણિક પ્રક્રિયા તે સલ્ફેશન.

સલ્ફોનેશનના પ્રકારોમાં ઍલિફૅટિક સંયોજનોને મુકાબલે ઍરોમૅટિક સંયોજનોનું સલ્ફોનેશન ખૂબ અગત્યનું છે. આ માટે ઍરોમૅટિક સંયોજનની સામાન્ય રીતે સલ્ફર ટ્રાયૉક્સાઇડ (SO3) ધરાવતા સલ્ફ્યુરિક ઍસિડ (H2SO4) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે (H2SO4માં SO3ના દ્રાવણને ઓલિયમ અથવા ધૂમાયમાન સલ્ફ્યુરિક ઍસિડ કહે છે.); દા.ત.,

સલ્ફોનેશનનો અભ્યાસ સૂચવે છે કે પ્રક્રિયામાં ક્રિયાશીલ ભાગ (species) SO3 છે, જેમાંનો સલ્ફર (S) પરમાણુ પ્રબળ ઇલેક્ટ્રૉન-અનુરાગી છે. ધૂમાયમાન સલ્ફ્યુરિક ઍસિડ દ્વારા બેન્ઝિનનું સામાન્ય તાપમાને બેન્ઝિન સલ્ફોનિક ઍસિડમાં રૂપાંતર થાય છે. સંકેન્દ્રિત H2SO4 સાથે પણ આ નીપજ મળે છે, પરંતુ પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે. સલ્ફોનેશનની ક્રિયાવિધિ (mechanism) નીચે મુજબ હોય છે :

આ સમતોલન-પ્રક્રિયા સલ્ફ્યુરિક ઍસિડમાંથી સલ્ફર ટ્રાયૉક્સાઇડ નિપજાવે છે.

આમ SO3 ઇલેક્ટ્રૉન-અનુરાગી છે, જે બેન્ઝિન સાથે પ્રક્રિયા કરી એરિનિયમ (Arenium) આયન ઉપજાવે છે.

અહીં એરિનિયમ આયનમાંથી પ્રોટૉન દૂર થતાં બેન્ઝિન સલ્ફોનેટ આયન બને છે.

બેન્ઝિન સલ્ફોનિયમ આયન પ્રોટૉન સ્વીકારીને બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ નીપજ તરીકે આપે છે.

સામાન્ય રીતે સલ્ફોનેશન-પ્રક્રિયામાં સલ્ફ્યુરિક ઍસિડની સંકેન્દ્રિતતા તથા તાપમાન ઍરોમૅટિક સંયોજનોની ક્રિયાશીલતા અનુસાર પસંદ કરવાનાં હોય છે તથા તેઓની માત્રા (degree) અને વિસ્થાપનની નિર્દિષ્ટ દિશા (o, m, p) આવદૃશ્યક નીપજના પરિપ્રેક્ષ્યમાં પસંદ કરવી પડે છે. આમ, પેરાટોલ્યુઇન સલ્ફોનિક ઍસિડના ઉત્પાદન માટે હાઇડ્રોકાર્બન ટૉલ્યુઇનને સાંદ્ર H2SO4 સાથે બાષ્પપાત્રના તાપમાને ખૂબ હલાવવામાં આવે છે. બેન્ઝિનનું ડાઇસલ્ફોનેશન કરવા માટે બેન્ઝિનને ધૂમાયમાન H2SO4 સાથે 245° સે. તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે, પરિણામે m તથા p સમઘટકો 3 : 1ના પ્રમાણમાં બને છે.

સલ્ફોનેશન-પ્રક્રિયા માટેની મુખ્ય રીતો નીચે દર્શાવી છે, જે મુખ્યત્વે ઉદ્યોગમાં વપરાય છે :

(a) સંકે. H2SO4ની સીધી જ પ્રક્રિયા અથવા ઓલિયમ (20 % મુક્ત SO3; 65 % સલ્ફ્યુરિક ઍસિડ) દ્વારા પ્રક્રિયા વડે.

(b) ઍરોમૅટિક એમાઇન સલ્ફેટને તપાવી/પકાવીને (backing).

આ ઉપરાંત ઓછી વપરાતી રીતો પણ જાણીતી છે :

(c) નાઇટ્રોબેન્ઝિન જેવા નિષ્ક્રિય (inert) દ્રાવકમાં મુક્ત SO3 દ્વારા.

(d) SO3પિરિડીન યોગશીલ સંકીર્ણ દ્વારા : અહીં પિરિડીન  SO3નું (1 : 1) સંકીર્ણ વપરાય છે. આ સંકીર્ણ (ગ.બિં. 175° સે.) બનાવવા માટે અતિશય ઠંડા કરેલા પાઉડર (crushed) સ્વરૂપે SO3 અને CCl4ના દ્રાવણમાં પિરિડીન ધીમે ધીમે ઉમેરવામાં આવે છે. બીજી રીત મુજબ CCl4માં ખૂબ ઠંડા કરેલા SO3માં ક્લોરો-સલ્ફોનિક ઍસિડ ધીમે ધીમે ઉમેરવામાં આવે છે.

(e) SO3  ડાયૉક્સેન યોગશીલ સંકીર્ણ દ્વારા : આ સંકીર્ણ બનાવવા માટે ઇથિલીન ડાઇક્લોરાઇડમાં SO3નું દ્રાવણ લઈ તેમાં ડાયૉક્સેન ઉમેરવામાં આવે છે. આ સંકીર્ણ પિરિડીન-સંકીર્ણ કરતાં વધુ ક્રિયાશીલ છે. સ્ટાઇરીનનું સલ્ફોનેશન ઇથિલીન ડાઇક્લોરાઇડમાં ડાયૉક્સેન SO3 સંકીર્ણ વડે કર્યા બાદ જળવિભાજન અને તટસ્થીકરણ દ્વારા 5° સે. તાપમાનથી નીચા તાપમાને મુખ્યત્વે સોડિયમ-2-હાઇડ્રૉક્સિ-2-ફિનિલીન-1-સલ્ફોનેટ, C6H5CH(OH)CH3SO3Na, તથા ઊંચા તાપમાને સોડિયમ-b-સ્ટાઇરીન સલ્ફોનેટ C6H5CH = CHSO3Na મળે છે.

(f) ક્લોરોસલ્ફોનિક ઍસિડની એરિન ઉપરની પ્રક્રિયા દ્વારા.

(g) ક્રિયાશીલ (active) હેલોજન, હાઇડ્રૉક્સિ વગેરે સમૂહો ઉપર સલ્ફાઇટના કેન્દ્રાનુરાગી આક્રમણ દ્વારા.

ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન તથા ઍરાઇલ હેલાઇડનું સલ્ફોનેશન થાયૉનીલ ક્લોરાઇડ(SOCl2)ની હાજરીમાં સામાન્ય તાપમાને ઝડપી હોય છે તથા વધુ નીપજ આપે છે.

ArH + H2SO4 + SOCl2 ડ્ડ ArSO3H + SO2 + 2 HCl

ઍરાઇલ સંયોજનોની માફકસર કરતાં થોડા વધુ SOCl2 સાથે પ્રક્રિયા કરતાં H2SO4 પૂરેપૂરો વપરાઈ જાય છે. એરિનમાં હાજર આલ્કીલ સમૂહ પ્રક્રિયાવેગ વધારે છે, જ્યારે Cl તથા Br પ્રક્રિયાવેગ ઘટાડે છે; NO2 સમૂહ પ્રક્રિયા અટકાવે છે.

સલ્ફોનેશન પ્રતિવર્તી પ્રક્રિયા છે. વિસલ્ફોનેશન-(Desulphonation)માં સલ્ફોસમૂહનું હાઇડ્રોજન પરમાણુ દ્વારા વિસ્થાપન થાય છે. આ ખૂબ અગત્યની પ્રવિધિ એવાં સંયોજનો માટે વપરાય છે, જેઓનું સંશ્લેષણ અઘરું અથવા જોખમી હોય; દા.ત., કૅન્સરજન્ય 2-નૅપ્થાઇલ એમાઇનનું ઉત્પાદન. આવું એક સરસ વિસલ્ફોનેશનનું ઉદાહરણ o-ક્લોરોટૉલ્યુઇન બનાવવાનું છે :

કાર્બનિક સંયોજનોમાંથી SO3H સમૂહ દૂર કરવો પ્રમાણમાં સરળ હોવાથી ફીનૉલ, રિસોર્સિનોલ, નૅપ્થોલ્સને મૂળ (parent) સલ્ફોનેટ્સનું કૉસ્ટિક સોડા સાથે પીગલન કરીને મેળવાય છે.

ઇથેનોલ, આઇસોપ્રોપેનોલ સલ્ફેટયુક્ત આલ્કીન્સના જળવિભાજનથી મેળવાય છે. (દા.ત., C2H5HSO4).

p-ટૉલ્યુઇન સલ્ફોનિક ઍસિડ તેમજ નૅપ્થેલીન-b-સલ્ફોનિક ઍસિડ ઉદ્દીપક તરીકે એસ્ટરીકરણ, ડિહાઇડ્રેશન, બહુલીકરણ તેમજ વિ-બહુલીકરણમાં વપરાય છે.

સલ્ફોનેશન ઍલિફૅટિક સંયોજનોનું : આલ્કેનનું સીધું જ સલ્ફોનેશન કરવાથી આડ-પ્રક્રિયાઓ [સમાવયવીકરણ (isomerization), વિહાઇડ્રોજનીકરણ (dehydrogenation), ઑક્સિડેશન, સલ્ફોન બંધ બનવો] એટલી હદે થતી હોય છે કે આ પ્રવિધિનો કોઈ વ્યવહારુ (practical) ઉપયોગ થતો નથી; પરંતુ કાર્બોનીલ સંયોજનો, કાર્બનિક ફેટી ઍસિડ વગેરે સાથે H2SO4થી સલ્ફોનેશન કરતાં ખૂબ ઓછી માત્રામાં a-સલ્ફોકાબૉર્ક્સિલિક ઍસિડ મળે છે; પરંતુ પ્રક્રિયામાં જો થોડું પિરિડીન ઉમેરવામાં આવે તો નીપજ માત્રાત્મક પ્રમાણમાં બને છે. આ ઉપરાંત ક્લોરોસલ્ફોનિક ઍસિડ તેમજ SO3ના ડાયૉક્સેન અથવા પિરિડીન સાથેના યોગોત્પાદન (adducts) વાપરવાથી ઍલિફૅટિક સંયોજન વધુ પ્રમાણમાં નીપજ આપે છે. આવાં યોગોત્પાદનો બિટેઇન જેવા આંતરિક ઑક્ઝોનિયમ ક્ષારો હોય છે, જે બીજા પ્રક્રિયકને પોતામાંનો SO3 ખૂબ સહેલાઈથી સ્થાનાંતર કરે છે, જેથી પ્રક્રિયા ખૂબ મૃદુ (mild) પરિસ્થિતિમાં નિષ્ક્રિય દ્રાવકમાં કરી શકાય છે :

આમ આલ્ડિહાઇડ તથા કિટોનનું a-ફોર્માઇલ તથા a-ઑક્ઝો-સલ્ફોનિક ઍસિડમાં પરિવર્તન ખૂબ સરળ પ્રક્રિયા છે.

સલ્ફોનેશનનો ઔદ્યોગિક ઉપયોગ : બેન્ઝિનનું H3SO4 (100 % મૉનોહાઇડ્રેટ) સાથે 100° સે. તાપમાને ગરમ કરવાથી મૉનોસલ્ફોનેશન કરી શકાય છે. જો દ્રાવણને હવે 50° સે. તાપમાને ઠંડું પાડી 65 % ઓલિયમમાં ઉમેરવામાં આવે તો બેન્ઝિન-1, 3-ડાઇસલ્ફોનિક ઍસિડ 80° સે. તાપમાને 3 કલાક બાદ ખૂબ જ સારા પ્રમાણમાં બને છે. આનો ડાઇસોડિયમ ક્ષાર રિસોર્સિનૉલના ઉત્પાદન માટે વપરાય છે.

નૅપ્થેલીનનું સલ્ફોનેશન 1-તથા 2-નૅપ્થેલીનસલ્ફોનિક ઍસિડનું મિશ્રણ આપે છે :

નીચા તાપમાને 1-સલ્ફોનિક ઍસિડ વધુ પ્રમાણમાં તથા ઊંચા તાપમાને 2-સલ્ફોનિક ઍસિડ 85 % જેટલો બને છે . આ 2-સલ્ફોનિક ઍસિડ 2-નૅપ્થોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાય છે.

તાપમાન તથા SO3ની સંકેન્દ્રિતતા અનુસાર વધુ સલ્ફોનેશન ડાઇ – ટ્રાઇ તથા ટેટ્રા સલ્ફોનિક ઍસિડ આપે છે જેનું સ્થિતિનિર્ધારણ (orientation, દિક્સ્થિતિ) આર્મસ્ટ્રૉંગ અને વીઇન(Wynne)ના નિયમાનુસાર થાય છે. આ નિયમ સૂચવે છે કે કોઈ બે સલ્ફોસમૂહો ઑર્થો (1, 2 કે 2, 3), પૅરા (1, 4) અથવા પૅરી (1, 8) સ્થિતિમાં રહી/આવી શકે નહિ. એક અગત્યનો નૅપ્થેલીન 1, 3, 6ટ્રાઇસલ્ફોનિક ઍસિડ નૅપ્થેલીનમાંથી સીધો જ મેળવી શકાય છે, જેનો ઉપયોગ કોખ (KOCH) ઍસિડ તથા એચ (H) ઍસિડના ઉત્પાદનમાં કરવામાં આવે છે.

2-નૅપ્થોલનું સલ્ફોનેશન તાપમાન તથા H3SO4ના પ્રમાણ મુજબ વિવિધ નીપજો આપે છે. જો સલ્ફોનેશન 12° સે. તાપમાને કરવામાં આવે તો 2-હાઇડ્રૉક્સિનૅપ્થેલીન1સલ્ફોનિક ઍસિડ (ઑક્સિ-ટોબિયાસ ઍસિડ) મુખ્યત્વે બને છે; 20° સે. તામપાને 7-હાઇડ્રૉક્સિ નૅપ્થેલીન-1-સલ્ફોનિક ઍસિડ [ક્રોસીન (crocen) ઍસિડ] મુખ્ય નીપજ બને છે. આ પ્રક્રિયાનો સૂચિત પ્રક્રમ દર્શાવે છે કે પ્રથમ 2-સલ્ફોનિક એસ્ટર બને છે તથા નીચા તાપમાને પુનર્વિન્યાસ (rearrangement) પામીને 1-ઍસિડ બનાવે છે. ઊંચા તાપમાને પ્રક્રિયા નીચે દર્શાવ્યા મુજબ થાય છે :

અગત્યના ડાઇસલ્ફોનિક ઍસિડ પણ 2નૅપ્થોલમાંથી મેળવાય છે; દા.ત., 1-નૅપ્થાઇલ એમાઇન-4, 7-ડાઇસલ્ફોનિક ઍસિડ; 1-નૅપ્થાઇલ એમાઇન-4, 6-ડાઇસલ્ફોનિક ઍસિડ. આ બંને એઝો રંગકો બનાવવા વપરાય છે. મોરડન્ટ બ્લૅક-3 રંગક માટે વપરાતો 1-ઍમિનો-2-નૅપ્થોલ4સલ્ફોનિક ઍસિડ નીચે મુજબ મેળવાય છે :

સલ્ફોનેશન (શેકીને/તપાવીને) (by baking) : એમાઇનને સલ્ફોનિક ઍસિડમાં ફેરવવા માટે સૂકવેલા સલ્ફેટ ક્ષારને શૂન્યાવકાશમાં ગરમ કરવાથી પુનર્વિન્યાસ (rearrangement) થવાથી – SO3H સમૂહ ઍરોમૅટિક વલયમાં દાખલ થાય છે. આ રીત મુજબ એનિલીન સલ્ફેટમાંથી સલ્ફાનીલિક ઍસિડનું ઉત્પાદન થાય છે :

આ સલ્ફોનેટ કરેલા દ્રવ્ય(mass)ને કૉસ્ટિક સોડા દ્રાવણમાં ઓગાળી તેમાં ચૉક (chalk) ઉમેરીને ગાળી લેવામાં આવે છે. આ ગાળણ સીધું જ એઝોડાઇ ઉત્પાદન માટે ડાએઝોટાઇઝ કરવામાં આવે છે.

1-ઍમિનોનૅપ્થેલીન-4-સલ્ફોનિક ઍસિડ આ રીત મુજબ 1-નૅપ્થાઇલ એમાઇન સલ્ફેટમાંથી મેળવવામાં આવે છે.

અગાઉ વિ-સલ્ફોનેશન પ્રક્રિયા દર્શાવી છે. તેનો ઉદ્યોગમાં ઉપયોગ નૅપ્થોલ AS-SW (CI 37565) રંગક બનાવવામાં થાય છે.

બિનવપરાયેલા ટોબિયાસ ઍસિડને વિસલ્ફોનેટ કરી 2-નૅપ્થાઇલ એમાઇનમાં પરિવર્તન કરી તેનો તરત જ નાશ કરવામાં આવે છે (કારણ કે તે પ્રબળ કૅન્સરજન્ય એમાઇન છે.)

સલ્ફોનેટ્સમાંના મિથેન સલ્ફોનિક ઍસિડ તથા ટૉલ્યુઇન સલ્ફૉનિક ઍસિડ ઉદ્દીપક તરીકે વપરાય છે.

સલ્ફા-ઔષધો ઍરોમૅટિક કે વિષમચક્રીય એમાઇનની ઍરોમૅટિક સલ્ફોનાઇલ ક્લોરાઇડ RSO2Cl (ACNHC6H4SO2Cl) સાથેની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે.

સલ્ફામિથેક્સોઝોલ, સક્સીનાઇલ સલ્ફાથાયાઝોન વગેરે ઔષધો આ રીતે મેળવાય છે.

સલ્ફોનેશન-પ્રક્રિયાના ઉપયોગ દ્વારા પ્રક્ષાલકો (detergents), પાયસીકારકો (emulsifiers), વિપાયસીકારકો (demulsifiers), આર્દ્રકો (wetting agents), દ્રવણીય કારકો (solubilizing agents), સ્નેહકો (ઊંજકો, lubricants), યોગજો (additives), કાટ-પ્રતિરોધકો (rust inhibitors) ઉપરાંત રંગકો, ચર્મશોધનકારકો (tanning agents), સુઘટ્યતાકારકો (plasticizers), મધુરકો (sweetening agents) (દા.ત., સૅકેરીન) વગેરે મેળવાય છે.

ડિટરજન્ટ(પ્રક્ષાલકો)ના ઉત્પાદન માટે સોડિયમ આલ્કાઇલ બેન્ઝિન સલ્ફોનેટો ખૂબ ઉપયોગી છે :

અહીં R સમૂહ Cl2 ધરાવતો આલ્કીલ સમૂહ હોય છે જે ડોડેકેઇન(dodecane)માંથી મેળવાય છે. ડોડેકેઇનના ક્લોરિનેશનથી ક્લોરોડેકેઇન C12H25Cl બનાવી તેના દ્વારા બેન્ઝિનનું આલ્કાઇલેશન કરવામાં આવે છે.

આના પરિણામે સમઘટકીય ડોડેકાઇલ બેન્ઝિન અથવા પ્રક્ષાલક (detergent) આલ્કાઇલેટ્સ બને છે; દા.ત.,

આનું સલ્ફોનેશન કરતાં 4-ડોડેકાઇલ બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ મળે છે જે કૉસ્ટિક સોડા (NaOH) સાથે લૉન્ડ્રી પ્રક્ષાલક (laundry detergent) તરીકે ઓળખાતો દ્રાવ્ય ડોડેકાઇલ બેન્ઝિન સલ્ફોનેટ બનાવે છે.

સલ્ફોનેશન-પ્રક્રિયામાં ઘણા જૂના વખતથી મર્ક્યુરી તથા તેના ક્ષારોનું ઉદ્દીપક તરીકેનું કાર્ય જાણીતું છે. મર્ક્યુરી-પ્રક્રિયાને માત્ર ઝડપી જ નહિ બનાવતાં તે સલ્ફોનેશનનું વિસ્થાપન-સ્થાન (site) પણ નક્કી કરે છે. આનું કારણ મધ્યવર્તી કાર્બ-ધાત્વીય સંયોજન બનવાને લીધે છે. આમ એન્થ્રાક્વિનોન ઉપર ઓલિયમ દ્વારા પ્રક્રિયા દ્વારા એન્થ્રાક્વિનોન-2-સલ્ફોનિક ઍસિડ બને છે; પરંતુ મર્ક્યુરીની હાજરીમાં આ પ્રક્રિયા દ્વારા એન્થ્રાક્વિનોન-1-સલ્ફોનિક ઍસિડ મળે છે. આ રીતે પ્થેલિક એન્હાઇડ્રાઇડનું ઓલિયમ વડે સલ્ફોનેશન કરવાથી 4-સલ્ફોપ્થેલિક એન્હાઇડ્રાઇડ મળે છે, પરંતુ મર્ક્યુરી (I) સલ્ફેટની હાજરીમાં આ પ્રક્રિયા 1-સલ્ફોપ્થેલિક એન્હાઇડ્રાઇડ આપે છે. સલ્ફોનેશન HF, BF3, બોરિક ઍસિડની હાજરીમાં સરળતાથી થાય છે.

સલ્ફેશન (sulfation) : વિવિધ રીતો દ્વારા સલ્ફ્યુરિક ઍસિડના ક્ષાર કે એસ્ટર મેળવી શકાય તેવી પ્રવિધિ. એસ્ટર બનાવવા સામાન્યત: આલ્કોહૉલ સાથે H2SO4, SO3 ક્લોરો સલ્ફ્યુરિક ઍસિડ અથવા સલ્ફામિક ઍસિડ વાપરવામાં આવે છે :

RCH2OH + H2SO4 + SO3  →  RCH2OSO3H

ફૅટી આલ્કોહૉલ                     ફૅટી આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ

સલ્ફેશન-પ્રક્રિયામાં સલ્ફેટ સમૂહ કાર્બન સાથે સીધો જ સંકળાય (જોડાય) છે અને ઍસિડ સલ્ફેટ RO્રSO2OH અથવા બે કાર્બન વચ્ચે SO2 સમૂહ જોડાઈને ROSO2OR બનાવે છે.

અગાઉ દર્શાવ્યા મુજબ પૃષ્ઠસક્રિયકારક (ડિટર્જન્ટ) સોડિયમ લૉરાઇલ સલ્ફેટ બનાવવા ઔદ્યોગિક લૉરાઇલ આલ્કોહૉલ (ડોડેકેનોલ) ઉપર ક્લોરો સલ્ફોનિક ઍસિડની પ્રક્રિયા દ્વારા મેળવાય છે.

સલ્ફોનેશન માટેનાં ઉપકરણ (equipment) : કાસ્ટ આયર્ન ઉપર 75થી 100 % H2SO4ની અસર થતી નથી તેથી સલ્ફોનેશન કીટલ (kettle) બનાવવા તેનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. મુખ્યત્વે રંગક-ઉદ્યોગમાં તથા ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન બનાવવામાં તેનો ઉપયોગ થાય છે, પરંતુ આવી કીટલનું તનનસામર્થ્ય (tensile strength) નબળું હોવા ઉપરાંત તેને ઓલિયમ અથવા SO3 દ્વારા કાટ લાગે છે. ઓલિયમ દ્વારા થતી આ ક્ષતિ નિવારવા માટે જેનું સલ્ફોનેશન કરવાનું હોય તે રસાયણમાં ઍસિડ ધીમે ધીમે ઉમેરતા જવાનો હોય છે જેથી તેની સંકેન્દ્રિતતા સંક્ષારણ (corrosion) લેવલથી ઓછી રહે.

સ્ટીલનાં સાધનોનું લાઇનિંગ (અસ્તર ચડાવવા) કરવાની રીત એકંદરે ઓછી ખર્ચાળ તથા સંક્ષારણ-પ્રતિકારક જણાઈ છે. આ પ્રકારની લાઇનિંગ કરવા માટે કાચ, ઇનૅમલ, લેડ (સીસું) તથા 316 પ્રકારનું સ્ટેનલેસ સ્ટીલ વપરાય છે.

જો નીપજો ખૂબ મોટા પ્રમાણમાં બનાવવી હોય તો સતત સલ્ફોનેશન-વિધિ કરવી લાભદાયી છે અને આ માટે વિશિષ્ટ ઉપકરણો (સાધનો) ઉપયોગી બને છે.

જ. પો. ત્રિવેદી