સલ્ફોનેમાઇડો (આયુર્વિજ્ઞાન)

January, 2007

સલ્ફોનેમાઇડો (આયુર્વિજ્ઞાન) : સલ્ફોનેમિડો (SO2NH2) જૂથ ધરાવતા સૂક્ષ્મજીવો સામે સક્રિય રસાયણો. કેટલાક સૂક્ષ્મજીવો સામે સક્રિય ન હોય તેવાં રસાયણોમાં પણ આ સલ્ફોનેમિડો જૂથ આવેલું છે; દા.ત., સલ્ફોનાયલયુરિયાઝ (પ્રતિ-મધુપ્રમેહ ઔષધો), બેન્ઝોથાયાઝિડ અને તેના સંજનિતો (congeners) જેવા કે ફ્યુરોસેમાઇડ અને એસેટાઝોલેમાઇડ (મૂત્રવર્ધકો, diuretics) અને સલ્થિયેમ (આંચકીરોધક અથવા પ્રતિ-અપસ્માર, anticonvulsant અથવા antiepileptic). આમ બે પ્રકારનાં ઔષધોમાં સલ્ફોનેમિડો જૂથ આવેલું છે : (1) જીવાણુ સામે સક્રિય અને ચેપની સારવારમાં વપરાતા સલ્ફોનેમાઇડો અને (2) મધુપ્રમેહ, શરીરમાં પાણી ભરાવાથી આવતા સોજા કે ખેંચ કે આંચકી (covulsion)નો વિકાર થાય તેમાં સારવાર તરીકે વાપરાતા સલ્ફોનેમાઇડો. તેમનામાં કોઈ સૂક્ષ્મજીવોને બિનઅસરકારક કરવાની એટલે કે ચેપ(infection)ના વિકારની સારવાર કરવાની ક્ષમતા હોતી નથી. અહીં ફક્ત પ્રતિસૂક્ષ્મજીવ (antimicrobial) એટલે કે જીવાણુજન્ય ચેપની સારવારમાં વપરાતા સલ્ફોનેમાઇડો વિશે દર્શાવાયું છે. તેનું મૂળ સ્વરૂપ આકૃતિ 1માં દર્શાવ્યું છે.

નોંધ →  N1 = સલ્ફોનેમિડો જૂથમાંનો નાઇટ્રોજન
           N4 = પેરા-ઍમિનો (para-amino) જૂથનો નાઇટ્રોજન
આકૃતિ 1

નોંધ →  N1 = સલ્ફોનેમિડો જૂથમાંનો નાઇટ્રોજન N4 = પેરા-ઍમિનો (para-amino) જૂથનો નાઇટ્રોજન આકૃતિ 1

સલ્ફોનેમાઇડો સફેદ ભૂકા(ચૂર્ણ, powder)ના સ્વરૂપે મળે છે અને થોડાંક અમ્લીય (acidic) હોય છે. તેઓ ક્ષારદ (base અથવા alkali) સાથે જલદ્રાવ્ય ક્ષારો બનાવે છે. તેમના સોડિયમ ક્ષારોનું pH મૂલ્ય ઘણું હોય છે અને તેથી ક્યારેક તેને સ્નાયુમાં ઇન્જેક્શન રૂપે અપાય તો તેમની ક્ષારદતા (alkalivity) સ્થાનિક પેશીને નુકસાન પહોંચાડે છે; દા.ત., સોડિયમ સલ્ફાસિટેમાઇડેડ. તેમનું વર્ગીકરણ સારણીમાં દર્શાવાયું છે :

સારણી : સલ્ફોનેમાઇડોનું વર્ગીકરણ

જૂથ ઉપજૂથ ઉદાહરણ
I. બહુતંત્રીય ચેપની સારવારમાં વપરાતાં ઔષધો (અ) અલ્પ કાર્યકાલ સલ્ફાડાયાઝિન, સલ્ફાડિમિડિન (સલ્ફામિથેઝિન), સલ્ફાસિટેમાઇડ, સલ્ફાફ્યુરેઝોન (સલ્ફિસોક્સેઝોલ) અને સલ્ફામિથિઝોલ
(આ) મધ્યમ કાર્યકાલ સલ્ફામિથેક્સેઝોલ
(ઇ) દીર્ઘ કાર્યકાલ સલ્ફામિથૉક્સિ પાયરિડેઝિન, સલ્ફાડિમેથૉક્સિન, સલ્ફોમિથૉક્ઝાઇમ
II. વ્રણકારી સ્થિરાંત્ર-શોથ(ulcerativecolitis)માં ઉપયોગી સલ્ફાસેલેઝિન
III. સ્થાનિક ઉપયોગ મેફેનાઇડ, સિલ્વર સલ્ફાડાયાઝિન, સલ્ફાસિટેમાઇડ

સ્ટીવન્સ-જ્હોન્સન સંલક્ષણ નામના તીવ્ર પ્રકારના વિષમોર્જી (allergic) પ્રતિભાવના ભયને કારણે દીર્ઘ કાર્યકાલવાળા સલ્ફોનેમાઇડોનો ઉપયોગ ઘટાડવાનું સૂચવાયેલું છે. જોકે તેમાંના કેટલાક પ્રતિમલેરિયા સારવારમાં વપરાય છે. મુખમાર્ગી સલ્ફોનેમાઇડોનો ચેપની સારવારમાં થતો ઉપયોગ ઘણો ઘટી ગયો છે, કેમ કે, હાલ વધુ સુરક્ષિત ઍન્ટિબાયૉટિક ઔષધો ઉપલબ્ધ છે.

ઔષધશાસ્ત્રીય કાર્યો (pharmacological actions) : તેઓ વિવિધ પ્રકારના ગ્રામ-અભિરંજિત અને ગ્રામ-અનભિરંજિત (gram positive અને gram negative) જીવાણુઓ અને કેટલાક ક્લેમાડિયા સામે સક્રિય ઔષધો છે; દા.ત., (અ) રેખાકારી ગોલાણુઓ (streptococci), જૂથકારી ગોલાણુઓ(staphylococci)ની કેટલીક જાતો; પરમિયો (gonorrhoea) કરતા ગોનોકોકાઈ; ન્યુમોનિયા કરતા ફેફસીશોથકારી ગોલાણુ (pneumococci) અને તાનિકાશોથ (meningitis) કરતા તાનિકાશોથકારી ગોલાણુ (meningococci). જોકે તે Str. fecalis નામના જીવાણુ સામે નિષ્ફળ રહે છે.

(આ) ધનુર્વાકારી જીવાણુઓ (clostridia) અને એન્થ્રેક્સકારી જીવાણુઓ (bacillus anthracis).

(ઇ) વિવિધ ગ્રામ-અનભિરંજિત જીવાણુઓ – હિમોફિલિસ ઇન્ફલુએન્ઝી, કૉલેરા કરતા વિબ્રિઓ કૉલેરિ, ઇ. કોલી, પ્લેગ કરતા પાશ્ર્ચુરેલા પૅસ્ટિસ, પાતળા ઝાડા કરતા શિગેલા તથા ડોનોવેનિયા ગ્રેન્યુલોમેટોસિસ,

(ઈ) નોકાર્ડિયા, ઍક્ટિનૉમાયસિસ, લિમ્ફોગ્રેન્યુલોમા વિનેરિયમ કરતા ક્લેમાયડિયા, સિટેકોસિસ, નેત્રખીલ (trachoma) કરતા જીવાણુઓ.

સલ્ફોનેમાઇડોનું એક અન્ય કાર્ય ફૉલિક ઍસિડ નામના વિટામિનનું સંશ્લેષણ અટકાવવાનું છે અને તેથી મલેરિયા અને ટૉક્સોપ્લાઝ્મૉસિસ નામના રોગો સામે પણ તે ઉપયોગી છે.

તેઓ જીવાણુઓની સંખ્યાવૃદ્ધિને અટકાવે છે; માટે તેમને જીવાણુસ્થાયિક (bacteriostatic) ઔષધો કહે છે. જોકે પેશાબમાં જ્યારે તેમની સાંદ્રતા વધે છે ત્યારે તે જીવાણુનાશક (bactericidal) પણ બને છે. જોકે તેઓ પ્રતિજૈવ ઔષધો (antibiotics) કરતાં ઘણી ઓછી ક્ષમતા અને અસરકારકતા ધરાવે છે. ન્યૂનતમ નિગ્રહણીય સાંદ્રતા (minimal inhibitory concentration, MIC) નામનો અંક જે તે ઔષધની પેશીમાંની જીવાણુઓને નિષ્ક્રિય કરવા માટે જરૂરી એવી ઓછામાં ઓછી સાંદ્રતા દર્શાવે છે. પેનિસિલીનનો MIC અંક 1 : 500 લાખ છે જ્યારે સલ્ફોનેમાઇડનો MIC અંક 1 : 10,000થી 1 : 20,000 છે.

ક્રિયાપ્રવિધિ (mechanism of action) : તેઓની સંરચના (structure) પૅરા-ઍમિનો બેન્ઝોઇક ઍસિડ(PABA)ની સંરચના જેવી છે :

આકૃતિ 2

આ બંને દ્રવ્યોની સંરચના ઘણી સરખી હોવાથી સલ્ફોનેમાઇડો PABA સાથે સ્પર્ધા કરીને તેને બદલે જીવાણુકોષમાં પ્રવેશ પામે છે અને જીવાણુના ચયાપચયને અસર કરીને તેને નિષ્ક્રિય બનાવે છે. આને વુડ્ઝ-ફિલ્ડ્ઝનો વિચારમત (theory) કહે છે. જીવાણુના કોષમાં PABAમાંથી ફૉલિક ઍસિડ બને છે, જે જીવાણુના નાભિક દ્રવ્યો (nuclear material) બનાવવામાં ઉપયોગી છે (આકૃતિ 3). PABAને બદલે સલ્ફોનેમાઇડ જ્યારે જીવાણુકોષમાં પ્રવેશે ત્યારે તે તેનાં નાભિકદ્રવ્યો બનાવવામાં અંતરાયરૂપ થાય છે અને તેથી જીવાણુની સંખ્યાવૃદ્ધિ અટકે છે.

આકૃતિ 3 : સલ્ફોનેમાઇડ અને ટ્રાયમિથોપ્રિમની સહસક્રિયતા દર્શાવતું ક્રિયાવાહી ચિત્રણ (flow chart) નોંધ :  ઉત્તેજન અને – નિગ્રહણ (inhibition) દર્શાવે છે.

આકૃતિ 3માં દર્શાવ્યા પ્રમાણે PABAની મદદથી nucleoside નામનું નાભિકદ્રવ્ય બને છે તે. ક્રિયાવાહી ચિત્રણ(flow chart)માં દર્શાવ્યું છે તેમ એક પગલામાં સલ્ફોનેમાઇડ અને બીજા એક પગલામાં ટ્રાયમિથોપ્રિમ નામનું એક બીજું ઓૈષધ જો સક્રિય બને તો જે તે પગલાંને અટકાવે છે. તેથી સલ્ફોનેમાઇડ અને ટ્રાયમિથોપ્રિમને સાથે આપવાથી તેઓ એકબીજાની અસરકારકતા વધારે છે. પરુ હોય ત્યારે ત્યાં PABAનું પ્રમાણ ઘણું વધારે હોવાથી સલ્ફોનેમાઇડ બિન-અસરકારક રહે છે. આવી રીતે કેટલાક જીવાણુઓ PABAનું ઉત્પાદન વધારાવીને સલ્ફોનેમાઇડની અસરને વશ થતા નથી. જોકે આ વિચારમત મેફેનાઇડ હાઇડ્રોક્લોરાઇડ નામના સલ્ફોનેમાઇડ માટે સાચો નથી; કેમ કે, તે PABA સામે સક્રિય નથી.

સલ્ફોનેમાઇડો સામેની ઔષધસહ્યતા (drug-resistance) : કોઈ ઔષધની અસર ઘટી જાય તો એને ઔષધસહ્યતા કહે છે. લગભગ બધા જ પ્રકારના વદૃશ્ય સૂક્ષ્મજીવો સલ્ફોનેમાઇડો સામે ઔષધસહ્યતા પ્રાપ્ત કરી લે છે. તેને કારણે તેઓ તેનાથી નિષ્ક્રિય થતા નથી. આ પ્રકારની ઔષધસહ્યતા માટે ‘R’ ઘટક જવાબદાર છે. તે જ્યારે ઔષધસહ્ય સૂક્ષ્મજીવાણુમાંથી ઔષધવદૃશ્ય(susceptible to drug)માં પ્રવેશે છે ત્યારે સલ્ફોનેમાઇડને વદૃશ્ય જીવાણુ પણ તેને વશ થતો નથી. આ સ્થાનાંતરણની પ્રક્રિયા જીવાણુના રંગસૂત્ર દ્વારા થાય છે. કેટલાક ઔષધસહ્ય જીવાણુઓ સલ્ફોનેમાઇડ સાથે ઓછા પ્રમાણમાં સંકળાય એવો ફૉલિક સિન્થિટેઝ બનાવે છે તો અન્ય PABAનું ઉત્પાદન વધારે છે. વ્યાપક પ્રમાણમાં ઔષધસહ્યતા થયેલી હોવાથી હવે સલ્ફોનેમાઇડનો ઉપયોગ ઘટ્યો છે.

અવશોષણ, ચયાપચય અને ઉત્સર્ગ : મુખમાર્ગે લેવાયા પછી આશરે મુખમાર્ગી માત્રાના 70 %થી 90 % સલ્ફોનેમાઇડ અવશોષાઈને લોહીમાં પ્રવેશે છે. તે મુખ્યત્વે નાના આંતરડામાં અવશોષાય છે. આ ઉપરાંત ચામડીના ચીરા, શ્વસનમાર્ગ અને યોનિ(vagina)માંથી પણ અમુક અંશે અવશોષાય છે. તેઓ લોહીમાં શ્વેતનત્રલ (albumin) સાથે ઢીલી રીતે જોડાય છે (50 %). પ્રોટીન સાથે જોડાયેલા ઔષધને નત્રલબદ્ધ (protein bound) ઔષધ કહે છે. તે ઓછું અસરકારક હોય છે અને પેશીમાંના પ્રવાહી કે મગજમાં પ્રવેશી શકતું નથી. વળી તેનો મૂત્રમાર્ગે ઉત્સર્ગ પણ ઓછો રહે છે માટે તેનો ક્રિયાકાલ લંબાય છે. તેથી પ્રોટીન સાથે મોટા પ્રમાણમાં જોડાતું ઔષધ ઉગ્ર ચેપની સારવારમાં ઉપયોગી નથી. આ કારણસર સલ્ફાડાયાઝિન ઉપયોગી ઔષધ છે; કેમ કે, તેની નત્રલબંધિતતા ઓછી છે અને તેનું મગજની આસપાસના પ્રવાહીમાં ઊંચું સ્તર રહે છે. આમ તે તાનિકાશોથ (meningitis) નામના મગજનાં આવરણોના ચેપમાં ઉપયોગી ઔષધ ગણાય છે. અલ્પ કાર્યકાલવાળા સલ્ફોનેમાઇડ ઑર (placenta) દ્વારા ગર્ભશિશુમાં પ્રવેશે છે તથા માતાના સ્તન્ય દૂધમાં પણ પ્રવેશ પામે છે. સલ્ફાડાયેઝિન અને સલ્ફાસિટેમાઇડ આંખના અગ્રખંડમાંના જલીય પ્રવાહી(aquosus humor)માં સહેલાઈથી પ્રવેશે છે.

મોં વાટે લીધા પછી 2થી 4 કલાકમાં તેનું લોહીનું સ્તર ટોચ પર પહોંચે છે. તેની સાંદ્રતા મૂત્રપિંડ દ્વારા વધારાય છે માટે તે ઓછી માત્રામાં અપાય તોપણ મૂત્રપિંડ અને મૂત્રમાર્ગના ચેપમાં અસરકારક રહે છે.

તેના જૈવ-રૂપપરિવર્તનની ક્રિયામાં તેના પૅરા-ઍમિનોજૂથ(N4)નું એસિટિલીકરણ (acetylation) થાય છે, જે જીવાણુઓ સામે નિષ્ક્રિય હોય છે. આ પ્રક્રિયા યકૃતમાં થાય છે. જુદા જુદા સલ્ફોનેમાઇડોનું જુદા જુદા પ્રમાણમાં એસિટિલીકરણ થાય છે. કેટલાકમાં એસિટિલીકરણ ઝડપી હોય છે તો કેટલાકમાં ધીમું. ઝડપી એસિટિલીકરણની ક્રિયા માટેનો એક જનીન (gene) શોધી કઢાયો છે. પેશાબને ક્ષારદીય (alkaline) કરવાથી સલ્ફોનેમાઇડના ઍસિટિલીકૃત અવપ્રાપ્ત દ્રવ્યો(derivative)નો ઉત્સર્ગ સરળતાથી થાય છે.

અલ્પ કાર્યકાલવાળી સલ્ફોનેમાઇડને દર 5થી 6 કલાકે, મધ્યમ કાર્યકાલવાળી સલ્ફોનેમાઇડને દર 10થી 12 કલાકે અને દીર્ઘ કાર્યકાલી સલ્ફોનેમાઇડને મલેરિયાની સારવારમાં દર અઠવાડિયે અપાય છે. સ્થાનિક રીતે અસર કરતી સલ્ફોનેમાઇડના તૈલમલમ (cream) મળે છે (દા.ત., મેફેનાઇડ પ્રોપિયોનેટ અને સિલ્વર સલ્ફાડાયાઝિન); જ્યારે આંખ માટે મલમ તથા ટીપાં પણ મળે છે (સલ્ફાસિટેમાઇડ).

આડઅસરો : સલ્ફોનેમાઇડની મુખ્ય આડઅસરોમાં વિષમોર્જા (allergy) તથા અન્નમાર્ગ, મૂત્રપિંડ, લોહીના કોષો બનાવતી પેશી (અસ્થિમજ્જા, bone marrow), બિલિરુબિનનો ચયાપચય, ચેતાતંત્ર વગેરે પર થતી અસરોનો સમાવેશ થાય છે.

ઍલર્જી રૂપે થતી આડઅસર સારવારના કોઈ પણ તબક્કે થાય છે. મુખ્યત્વે તાવ, ચામડી પર સ્ફોટ (rash) અને લોહીમાં ઇઓસિનરાગી કોષો(eosinophils)ની સંખ્યા વધવી વગેરે થાય છે. ક્યારેક ખૂબ તાવ આવે અને પોપડા ઊખડે એવો સ્ફોટ થાય છે. આ સ્ફોટને કોષપાતી સ્ફોટ (exfoliative rash) કહે છે. દવા બંધ કરવાથી 72 કલાકમાં તાવ મટે છે. ક્યારેક દવા શરૂ કર્યાના પ્રથમ 1 કે 2 અઠવાડિયાંમાં રસવ્યાધિ (serum sickness) થાય છે; જેમાં તાવ, સાંધામાં દુખાવો, શીળસ, શ્વસનનલિકાઓનું સંકોચન અને લોહીના શ્વેતકોષોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે.

ક્યારેક અતિતીવ્ર વિકાર થાય છે, જેમાં ચામડી પર જુદા જુદા આકારનાં લાલ ચકામાં (બહુરૂપી રક્તિમા, erythema multiforme) થાય છે, જેમાંથી પ્રવાહી ઝરે છે (બહિ:સ્રાવી, exudative) અને ચામડી તથા શ્લેષ્મકલા પર વ્યાપકપણે ચાંદાં પડે છે. આ વિકાર દીર્ઘ કાર્યકાલવાળી સલ્ફોનેમાઇડના ઉપયોગ પછી થાય છે. સામાન્ય રીતે તે જાતે શમે છે અથવા ક્યારેક તેનાથી મૃત્યુ નીપજે છે. તેને સ્ટીવન-જ્હોન્સન(Steven Johnson)નું સંલક્ષણ કહે છે.

ક્યારેક (જવલ્લે) થતી વિષમોર્જી તકલીફોમાં આવી બાબતોનો સમાવેશ થાય છે : (1) ચામડીની વધેલી પ્રકાશસંવેદિતા (photosensitization), જેમાં પ્રકાશની હાજરીમાં ચામડી પર સ્ફોટ થાય છે; (2) મૃત્યુકારી કોશનાશી ધમનીશોથ (necrotising arteritis), જેમાં ધમનીમાં થતા પીડાકારક સોજાને કારણે પેશીનો નાશ થાય છે અને ક્યારેક તે મૃત્યુ નિપજાવે છે; (3) ઉગ્ર વિષજન્ય યકૃતશોથ (acute toxic hepatitis), જેમાં ઉગ્ર પ્રકારનો યકૃતનો સોજો થાય છે; (4) ક્યારેક મૃત્યુકારી યકૃતકોષ (fatal hepatic necrosis) થાય છે, જેમાં યકૃતની પેશી મરે છે અને જીવનને જોખમ કરે છે; (5) વિષજન્ય મૂત્રપિંડશોફ (toxic nephrosis) થાય છે, જેમાં મૂત્રપિંડ વિકારગ્રસ્ત બને છે અને (6) ક્યારેક ઉગ્ર રક્તકોષવિલયી પાંડુતા (acute haemolytic anaemia) થાય છે; જેમાં રક્તકોષો તૂટે છે અને તેથી લોહીનું હીમોગ્લોબિન ઘટે છે.

ક્યારેક એક પ્રકારના સલ્ફોનેમાઇડ ઔષધથી ઍલર્જી થઈ હોય તો તે બીજા સલ્ફોનાઇડ માટે પણ અતિસંવેદિતા (hypersensitivity) સર્જે છે. તેને ઔષધાંતરી અતિસંવેદિતા (cross sensitivity) કહે છે. તેથી સલ્ફોનેમિડો જૂથ ધરાવતા મૂત્રવર્ધકો સામે પણ ઍલર્જી સર્જાય છે. આ કારણે સલ્ફોનેમાઇડનો સ્થાનિક ઉપયોગ ઘટાડવાનું સૂચન કરાય છે.

અન્ય આડઅસરોમાં ક્યારેક થતાં ઊબકા અને ઊલટીઓ, લોહીના કણિકાકોષો (granulocytes) અને ગંઠનકોષો(platelets)ની સંખ્યામાં ઘટાડો, ક્યારેક અપસર્જી પાંડુતા (aplastic anaemia), G6PD નામના ઉત્સેચકની ગેરહાજરી હોય તેવા દર્દીમાં રક્તકોષો તૂટે (રક્તકોષ-વિલયન), માનસિક ગૂંચવણ, ખિન્નતા, અસંતુલન, કાનમાં ઘંટડીનાદ (tinitus), થાક અને ઉગ્ર પ્રકારના તીવ્ર મનોવિકાર-(psychosis)ના હુમલા, હાથ-પગના ચેતાવિકારને કારણે ઝણઝણાટી થવી તથા ખાલી ચડવી જેવા વિકારો, કમળો તથા ગલગ્રંથિ(thyroid gland)ના વિકારોનો સમાવેશ થાય છે. જો મૂત્ર અમ્લીય (acidic) હોય તો મૂત્રપિંડમાંની સૂક્ષ્મનલિકાઓમાં ઔષધ જામે (ઠરે) છે અને તેથી પેશાબમાં બળતરા થાય, સ્ફટિકો તથા આલ્બ્યુમિન અને ક્યારેક લોહી વહે છે. તે બિલિરુબિનના ચયાપચયને અસરગ્રસ્ત કરીને લોહીમાં મુક્ત બિલિરુબિનનું સ્તર વધારે છે. તેથી સગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં આ દવા વપરાતી હોય તો તેથી નવજાત શિશુઓમાં કર્નિક્ટરસ નામનો જીવનને જોખમી રોગ થાય છે.

આમ સલ્ફોનેમાઇડોની ઘણી આડઅસરો છે. જોકે તેમનું પ્રમાણ ઘણું વધારે નથી.

સલ્ફોનેમાઇડો જ્યારે અન્ય દવા સાથે અપાય ત્યારે કાં તો (1) તેની ક્રિયાશીલતા વધે છે (ફિનાયલબ્યુટેઝોન, સેલિસિલેટો, પ્રોબેનેસિડ); (2) કાં તો તેની ક્રિયાશીલતા ઘટે છે (પ્રોકેઇન) અથવા તો (3) જે તે દવાની ક્રિયાશીલતા વધે છે (સલ્ફોનાયલ યુરિયા, વૉર્ફેરિન, મિથોટ્રેક્ઝેટ, ફેનિટોઇન, થાયોપેન્ટાલ). મેથેનેમાઇનનો સહઉપયોગ મૂત્રમાં સલ્ફોનેમાઇડના સ્ફટિકોને વધારે છે.

ચિકિત્સીય (therapeutic) ઉપયોગો : તેમનો મુખ્ય ઉપયોગ બહુ પ્રકારના ચેપી રોગોમાં ચેપ કરતા સૂક્ષ્મજીવોના નિયંત્રણ માટે કરાય છે. તે પ્રમાણમાં સસ્તી રસાયણચિકિત્સા (chemotherapy) માટે ઉપયોગી છે. અગાઉ જણાવેલા તેને વદૃશ્ય સૂક્ષ્મજીવોના ચેપમાં તે ઉપયોગી છે. તેમનો મુખ્ય ઉપયોગ મૂત્રમાર્ગના ચેપમાં તથા ઉગ્ર પ્રકારના જીવાણુજન્ય મરડામાં કરી શકાય છે. હાલ તેમનો આ અંગેનો ઉપયોગ ઘણો ઘટી ગયો છે. જોકે તેનું ટ્રાયમિથોપ્રિમ સાથેનું મિશ્રણ – કોટ્રાયમેક્ઝોલ  મૂત્રમાર્ગનો ચેપ, જીવાણુજન્ય મરડો, ન્યૂમોસિસ્ટિક કેરિનાઈથી થતો ન્યુમૉનિયા (સારવાર તથા પૂર્વનિવારણ) વગેરેના નિયંત્રણમાં વપરાય છે. સલ્ફાસેલેઝિનનો ઉપયોગ વ્રણકારી સ્થિરાંત્રશોથ (ulcerative colitis) તથા વિવિધ સ્વકોષઘ્ની રોગો(autoimmune disease)ની સારવારમાં થાય છે. છેલ્લા દર્શાવેલા રોગજૂથમાં આમવાતી સંધિશોથ (rheumatoid arthritis) મુખ્ય છે. સલ્ફોનેમાઇડનાં આંખનાં ટીપાં નેત્રખીલ(trachoma)ની સારવારમાં વપરાય છે. જોકે તેમાં પણ ટેટ્રાસાઇક્લિનનો ઉપયોગ વધુ લાભકારક ગણાય છે. તેને પાયરિમિથેમિન સાથે વાપરીને મલેરિયા તથા ટૉક્સોપ્લાઝમૉસિસના રોગમાં સારવાર માટે વપરાય છે.

શિલીન નં. શુક્લ