સલ્તનત કાલનું વહીવટીતંત્ર અને પ્રજાજીવન (ઈ. સ. 1206-1526)
January, 2007
સલ્તનત કાલનું વહીવટીતંત્ર અને પ્રજાજીવન (ઈ. સ. 1206-1526)
સલ્તનતનું વહીવટીતંત્ર : ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં જણાવ્યા પ્રમાણે પૃથ્વીનો રાજા ઈશ્વર છે. તેનો કાયદો સર્વોચ્ચ છે અને માણસ તેના વતી ફરજો બજાવે છે એમ દિલ્હીના સુલતાનોએ સ્વીકાર્યું હતું. પયગંબરસાહેબના અવસાન પછી આગેવાનોએ અબુ બક્રને ખલીફા તરીકે પસંદ કર્યા. દિલ્હીના સુલતાનોએ બગદાદના અબ્બાસી વંશના ખલીફાઓની સર્વોપરિતા સ્વીકારી હતી. દિલ્હીની સલ્તનત, પૂર્વની ખિલાફતનો એક ભાગ હોવા છતાં, બધા વાસ્તવિક હેતુઓ માટે તે એક સ્વતંત્ર રાજ્ય હતું. દિલ્હીના મોટાભાગના સુલતાનો સિદ્ધાંતમાં કુરાને શરીફના નિયમો, પયગંબર સાહેબના ઉપદેશો અને ‘શરિયત’નું પાલન કરતા; છતાં તેઓ ઘણુંખરું આપખુદ અને સ્વતંત્ર શાસકો હતા.
કેન્દ્રીય વહીવટીતંત્ર : સુલતાન : ખલીફા તેની ખિલાફતમાં સત્તા ભોગવતો અને કાર્યો કરતો હતો, એવી રીતે સુલતાન પોતાના પ્રદેશમાં સત્તા ભોગવતો અને કાર્યો કરતો હતો. સુલતાન ખલીફાનો પ્રતિનિધિ હતો અને તેના વતી ફરજો બજાવતો હતો. મુસ્લિમ ધર્મશાસ્ત્રજ્ઞોના જણાવ્યા મુજબ સુલતાનનાં કાર્યો આ પ્રમાણે હતાં : ધર્મનું રક્ષણ કરવું. પ્રજા વચ્ચેના ઝઘડાનું નિરાકરણ કરવું. ઇસ્લામી રાજ્યની સરહદોનું રક્ષણ કરવું. ફોજદારી કાયદાનો અમલ કરાવવો. ઇસ્લામની વિરુદ્ધ વર્તનારની સામે ધાર્મિક યુદ્ધ (જેહાદ) કરવું, કરવેરા ઉઘરાવવા, પોતાનાં કાર્યોમાં મદદ કરવા અધિકારીઓ નીમવા. ઇસ્લામી કાનૂન પ્રમાણે ન્યાય આપવો, લોકો સાથે સતત સંપર્ક રાખવો; વિદ્વાનો, ધાર્મિક લોકો તથા ગરીબોને મદદ કરવી વગેરે. દિલ્હીના સુલતાનોએ ઘણુંખરું આ ફરજો સારી રીતે બજાવી હતી.
નાયબ : આ હોદ્દો ઉપ-સુલતાન જેવો હતો. દરેક સુલતાનના સમયમાં નાયબ નિમાતો નહિ. ઘણુંખરું શાહજાદાને કે અગ્રણી અમીરને આ હોદ્દા પર નીમવામાં આવતો. સુલતાનની ગેરહાજરીમાં તે સુલતાનના સર્વે અધિકારો ભોગવતો હતો અને સુલતાનને તેનાં કાર્યોમાં સહાય કરતો. નબળા સુલતાનોના અમલ દરમિયાન તે કેટલીક વાર સુલતાનનો હોદ્દો ખૂંચવી લેતો હતો.
વજીર : સુલતાનનો મુખ્ય મંત્રી વજીર કહેવાતો. તેનો હોદ્દો ઘણો અગત્યનો હતો. વજીરો બે પ્રકારના હતા : (1) વજીરે તફવિદ – તે સુલતાનનો પ્રતિનિધિ મનાતો અને સર્વ સત્તા વાપરી શકતો. (2) વજીરે તનફીજ – તેની સત્તાઓ મર્યાદિત હતી. નીતિ ઘડવાનો અથવા પોતાની જવાબદારીથી નિર્ણય કરવાનો તેને અધિકાર ન હતો. તે સુલતાનના હુકમ મુજબ શાસન કરતો. દિલ્હી સલ્તનતમાં મોટાભાગના વજીરો મર્યાદિત સત્તા ધરાવતા હતા. કેટલાક વજીરો અમર્યાદિત સત્તા ધરાવતા. નબળા સુલતાનોના રાજ્યમાં વજીરો સંપૂર્ણ સત્તા ભોગવતા હતા.
વજીરનો હોદ્દો મહત્ત્વનો હોવાથી સુલતાન તેની પ્રતિષ્ઠા જાળવતો. આ હોદ્દો ધરાવનારને વહીવટનું જ્ઞાન, શાણપણ તથા અનુભવ આવદૃશ્યક હતાં. રાજમહેલ અને દરબારમાં બનતા બધા બનાવોથી તે માહિતગાર રહેતો. પ્રાંતોના સૂબા તથા લશ્કરના વડા સુલતાનના સંપર્કમાં રહેતા. તેમને મોટાં કામ સોંપવામાં આવતાં. તેમની પાસેથી રાજ્યે લેવાનાં નાણાં કઢાવવાની ફરજ વજીરની હતી. વજીર સુલતાનને વિવિધ બાબતો અંગે સલાહ આપતો. તેથી તેણે પડોશનાં રાજ્યો, લશ્કરી તથા વ્યાપક જ્ઞાન મેળવવું પડતું. દિલ્હી સલ્તનતના વજીરો ઘણુંખરું સંસ્કારી અને શિક્ષિત હતા.
રાજ્યની તિજોરીમાં નાણાં એકઠાં કરવાં; અધિકારીઓ નીમવા, હિસાબો માગવા, સૈનિકો અને કારીગરોને પગારો આપવા, વિદ્વાનો અને સંતોને આશ્રય આપવો; અનાથોની સંભાળ રાખવી વગેરે તેનાં અગત્યનાં કાર્યો હતાં.
વજીરનું ખાતું દીવાને વજીરાત કહેવાતું અને તે મુખ્યત્વે નાણાકીય લેવડદેવડ કરતું હતું. નાયબ વજીર વજીરને તેનાં બધાં કાર્યોમાં મદદ કરતો. તેના પછીનો હોદ્દો મુશરીફે મમાલિકનો હતો, જે રાજ્યનો ઑડિટર-જનરલ હતો. મુશરીફને મદદ કરવા નાનિર નીમવામાં આવતો. તે તેના કર્મચારીઓની મદદથી મહેસૂલની આવકની દેખરેખ રાખતો હતો. મુસ્તવફી-એ-મમાલિક ખર્ચના હિસાબો લખતો હતો.
દીવાને રિસાલત એક મહત્ત્વનું મંત્રાલય હતું. તે ધાર્મિક બાબતો, વિદ્વાનો તથા સંતો વગેરેને દરમાયો આપવો વગેરે કામ સંભાળતું. તેનો વડો સદ્રુસ સુદૂર હતો. તે કાઝી-એ-મમાલિક પણ કહેવાતો. હોદ્દાની રૂએ તે ન્યાય ખાતા પર અંકુશ ધરાવતો હતો.
આરિઝે મમાલિક લશ્કરી ખાતાનો વડો કન્ટ્રોલર જનરલ હતો. તેનું કાર્યાલય દીવાને આરિઝ કહેવાતું. તેનું કાર્ય લશ્કરમાં સૈનિકોની ભરતી કરવાનું, સૈનિકો, ઘોડા વગેરેનો હિસાબ રાખવાનું, લશ્કરની શાખાઓ ઉપર દેખરેખ રાખવાનું, પ્રાંતોના લશ્કરી અધિકારીઓ પર અંકુશ રાખવાનું તથા લશ્કરી હિલચાલોથી સુલતાનને માહિતગાર રાખવાનું હતું. લશ્કરી બાબતોનો આખરી વડો સુલતાન હોવાથી આખરી સત્તા તેની પાસે હતી. દીવાને આરિઝની દેખરેખ હેઠળ અશ્વદળ, પાયદળ, તોપદળ, હસ્તીદળ વગેરે હતાં.
દીવાને-ઇન્શા રાજ્યના પત્રવ્યવહાર અને દફતર માટેનું ખાતું હતું. તેનો વડો દાબિરે-ખાસ કહેવાતો. તેની મદદમાં કેટલાક દાબિરો (લહિયા) નીમવામાં આવતા. પત્રલેખનમાં કુશળ હોય એવા માણસોને આ ખાતામાં નીમવામાં આવતા. સુલતાન અન્ય રાજ્યો, સામંતો, પ્રાંતોના અધિકારીઓ વગેરે સાથે આ ખાતા દ્વારા પત્રવ્યવહાર કરતો હતો. આ ખાતામાં ગુપ્તતા જાળવવી અનિવાર્ય હોવાથી વિશ્વાસપાત્ર માણસોની નિયુક્તિ કરવામાં આવતી.
સુલતાને આપેલા મૌખિક હુકમો નોંધીને, વ્યવસ્થિત લખીને, સુલતાનની મંજૂરી લઈ, રજિસ્ટરમાં નકલ કરીને પછી રવાના કરવામાં આવતા. દાબિરે-ખાસ સુલતાને કરેલા વિજયનાં ભવ્ય વર્ણનો લખીને, મહત્ત્વનાં શહેરોમાં જાહેરમાં લોકોને વાંચી સંભળાવવામાં આવતાં તથા પાડોશી રાજ્યોના દરબારોમાં મોકલવામાં આવતાં હતાં.
બરીદે-મમાલિક રાજ્યના સમાચાર અથવા માહિતી વિભાગનો વડો હતો. રાજ્યમાં બનતાં સર્વે બનાવોની માહિતી મેળવી સુલતાનને જણાવવાની તેની ફરજ હતી. આખા રાજ્યમાં એટલે મુખ્ય શહેરો અને પ્રાદેશિક મથકોમાં નીમવામાં આવેલા બરીદો રાજ્યના મહત્ત્વના બનાવોની માહિતી તેને મોકલતા હતા. બરીદો સ્થાનિક ભાષા અને બાબતોના જાણકાર હતા.
બરીદની જવાબદારી ઘણી મહત્ત્વની હતી. કોઈ મોટા અધિકારીએ કરેલાં અન્યાયી કાર્યો અથવા ગુનાનો હેવાલ મોકલવામાં બરીદ નિષ્ફળ જાય તો તે ભૂલ માટે તેને કડક સજા થતી અને ક્યારેક તેની હત્યા પણ થતી. બરીદોની ધ્યાન બહાર કંઈ જતું નહિ. તે બધા મહત્ત્વના કાર્યક્રમોમાં હાજર રહેતો, તેના બાતમીદારોને સર્વ સ્થળે રાખતો અને તેની નજર બહાર કોઈ બાબત જવા દેતો નહિ. આવી ગુપ્ત જાસૂસી પદ્ધતિથી પ્રાંતોના ગવર્નરો, બળવાખોરો કે સામંતો ઉપર સુલતાન અંકુશ રાખી શકતો. બરીદ રુશવતની લાલચથી દૂર રહે તે માટે તેને આકર્ષક પગાર આપવામાં આવતો હતો. દિલ્હી સલ્તનતના આરંભથી જ બરીદો નીમવામાં આવતા હતા. સુલતાન બલ્બને આ પદ્ધતિને વ્યવસ્થિત બનાવી હતી. અલાઉદ્દીન ખલજીના સુધારાની સફળતા તેની વિકસિત જાસૂસી પદ્ધતિને આભારી હતી.
સદ્રુસ સુદૂર : તે ધાર્મિક બાબતો તથા ધાર્મિક અને શિક્ષણ સંસ્થાઓનો વડો હતો. મુસ્લિમ રાજ્ય ધાર્મિક કાયદા મુજબ ચાલતું હોવાથી, આ ખાતું મહત્ત્વનું હતું. તેનો વડો પ્રતિષ્ઠા અને વિશાળ સત્તાઓ ભોગવતો હતો. વિદ્વાનો, ધર્મગુરુઓ, અનાથો, ગરીબો, અપંગો, વિધવાઓ, ધર્મસ્થાનો વગેરેને દાન કે સહાય તે આપતો હતો. મસ્જિદો, મિનારા, મકબરા, મદ્રેસા, રોજા વગેરેને અનુદાન આપવાની તેની જવાબદારી હતી. કાઝીએ મમાલિક અને સદ્રુસ સુદૂરના હોદ્દા પર એક જ વ્યક્તિને નીમવામાં આવતો.
વકીલે-દર રાજમહેલનો મુખ્ય અધિકારી હતો. તે સમગ્ર રાજમહેલ ઉપર અંકુશ રાખતો અને સુલતાનના અંગત કર્મચારીઓને પગાર ચૂકવતો. સુલતાનનું રસોડું, શરાબખાનું, તબેલા, જનાનખાનું, શસ્ત્રાગાર, અતિથિગૃહ, વ્યાયામશાળા વગેરેની તે સંભાળ રાખતો. તે દરેકના અધિકારી વકીલે દરના હાથ નીચે કામ કરતા. સુલતાન સાથેની ખાનગી મુલાકાતો તેના દ્વારા ગોઠવાતી. તે અન્ય અધિકારીઓ મારફતે શાહી કારખાનાં, તેમાં ઉત્પન્ન થતો માલ, મહેલનાં શસ્ત્રો, સુલતાનની સલામતી, શાહી પરિવારના પોશાક, અલંકાર, ખોરાક-પીણાં, બાગ-બગીચા વગેરેની સંભાળ રાખતો. સુલતાન સાથેના સીધા સંપર્કને કારણે તેનું સ્થાન વાસ્તવમાં ઘણું મહત્ત્વનું હતું.
અમીરે હાજિબ દરબારમાં થતી વિધિઓનો વડો હતો. અમીરો તથા અધિકારીઓને હોદ્દાના અગ્રતાક્રમ અનુસાર દરબારમાં બેસાડવાની અને સમારંભનું ગૌરવ જાળવવાની તેની ફરજ હતી. હાજિબો ઓળખાણ આપ્યા વિના કોઈને સુલતાનની પાસે જવા દેતા નહિ. અમીરે હાજિબનો હોદ્દો ઘણુંખરું શાહજાદા અથવા સૌથી વધારે વિશ્વાસપાત્ર અમીર માટે અનામત રહેતો.
સુલતાનના અંગરક્ષકો તરીકે કદાવર, પ્રભાવી શરીરના બહાદુર યુવકો નીમવામાં આવતા. તેઓ જાનદારો કહેવાતા અને તેમનો વડો સર-જાનદાર કહેવાતો. જાનદારો ખુલ્લી તલવારે સુલતાનની આસપાસ ઊભાં રહેતા. તેથી લોકો ઉપર સુલતાનનો પ્રભાવ પડતો.
રાજમહેલમાં અનેક નાના અધિકારીઓ નીમવામાં આવતા. તેમાં ખાઝીનહદાર ખાનગી નાણાં સંભાળતો, અમીરે તુઝુક સુલતાનનાં છત્રચામર સંભાળતો, કુરબેગ શસ્ત્રો માટે જવાબદાર હતો, મલિકુમ હુકમા-હકીમ હતો, દાબિરે સરા રાજમહેલનો રજિસ્ટ્રાર હતો.
પ્રાંતિક અને પ્રાદેશિક વહીવટ : તુર્ક સુલતાનોએ પોતાના સામ્રાજ્યને ‘ઇક્તા’માં વહેંચીને તેના વડા તરીકે ‘મુક્તિ’ અથવા ‘અમીર’ નીમ્યા હતા. મુક્તિ પોતાના પ્રદેશમાં સ્વાયત્ત શાસક જેવા હકો ભોગવતો હતો. તે સૈન્ય રાખતો, ન્યાયાધીશો નીમતો, કરવેરા નક્કી કરતો, નાણાકીય વહીવટ કરતો અને શરિયતના કાયદાનું પાલન કરાવતો હતો. મુક્તિને સુલતાન દ્વારા આપવામાં આવતી મર્યાદિત કે અમર્યાદિત સત્તા સંજોગો ઉપર આધાર રાખતી.
મુક્તિની નિમણૂક સુલતાન દ્વારા કરવામાં આવતી. સુલતાન તેની બદલી કે બરતરફી કરી શકતો. મુક્તિ પોતાના પ્રાંતની આવકમાંથી પાયદળ તથા અશ્વદળનું બનેલું લશ્કર રાખતો. પોતાના ઇક્તા પ્રાંતના રક્ષણ તથા પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તે જવાબદાર હતો. સુલતાન (કેન્દ્ર સરકાર) તેની પાસેથી લશ્કર મંગાવી શકતો. લશ્કર અને વહીવટી ખર્ચ બાદ કરતાં વધારાની આવક તે કેન્દ્ર સરકારને મોકલી આપતો.
મહેસૂલી અધિકારીઓ મુક્તિ હેઠળ કામ કરતા હોવા છતાં, કેન્દ્રના નાણા-મંત્રાલયની દેખરેખ હેઠળ હતા. તેમણે, દરેક પ્રાંતમાંથી આવક તથા ખર્ચના હેવાલો મોકલવા પડતા હતા. મુક્તિ હિસાબો આપવામાં નિષ્ફળ જાય તો, તેની સામે કડક પગલાં ભરીને ઉચાપત કરેલી રકમ ભરી દેવાની ફરજ પાડવામાં આવતી.
મુક્તિના પગાર કે પુરસ્કારનો ઉલ્લેખ ઉપલબ્ધ નથી. મુક્તિ તેના પ્રાંતના મુલકી અને લશ્કરી વહીવટ વાસ્તે જવાબદાર હતો. પ્રાંતોના લશ્કરની સંખ્યાનો આંકડો કોઈ સાધનમાંથી પ્રાપ્ત થતો નથી.
દરેક પ્રાંતમાં, વજીરની ભલામણ મુજબ, સુલતાન દ્વારા એક સાહિબે-દીવાન નીમવામાં આવતો. તે ખ્વાજા પણ કહેવાતો. સામાન્ય રીતે હિસાબોમાં નિષ્ણાત હોય તેને આ હોદ્દા પર નીમવામાં આવતો. તેની ફરજ પ્રાંત(ઇક્તા)ના હિસાબો તૈયાર કરીને તે પાટનગરમાં મોકલવાની હતી.
શિક્ક : સલ્તનતનો વિકાસ થવાથી, 14મી સદીમાં પ્રાંતો મોટા હોવાથી પ્રાંતોના શિક્કમાં પેટાવિભાગો કરવામાં આવ્યા. શિક્કના વડા તરીકે શિક્કદાર નીમવામાં આવતો.
શિક્ક (અથવા ‘સરકાર’) પછીનો નાનો એકમ પરગણું હતું. પરગણાના અમલદારોના હોદ્દા અને ફરજો વિશે ચોક્કસ માહિતી મળતી નથી. વહીવટીતંત્રનો સૌથી નાનો એકમ ગામ હતું. ગામના વહીવટમાં અગાઉથી ચાલી આવતી હિંદુ પદ્ધતિમાં ખાસ કોઈ ફેરફાર થયો ન હતો. હિંદુ અધિકારીઓ તેમના જૂના હોદ્દા સહિત, કેટલીક વાર ચાલુ રાખવામાં આવતા હતા.
આર્થિક વ્યવસ્થા : મુસ્લિમ રાજકીય ચિંતકો તથા વહીવટદારોએ નાણાં પૂરાં પાડવાની મજબૂત સ્થિતિને મહત્ત્વ આપ્યું હતું. આવકનાં સાધનો તથા ખર્ચના માર્ગો સ્પષ્ટતાપૂર્વક નક્કી કરવામાં આવ્યા હતા. દિલ્હી સલ્તનતે નાણાકીય તંત્રને ‘શરિયત’માં દર્શાવેલી રીત પ્રમાણે વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું હતું.
જકાત : મુસ્લિમ કાયદાશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ રાજ્યને મહેસૂલની આવકનાં બે સાધનો છે : મજહબી કર અને બિનમજહબી કર. મજહબી કર માત્ર મુસલમાનો પાસેથી લઈ શકાય. બિનમુસ્લિમોએ ઇસ્લામના નિયમો પાળવાના ન હોવાથી, તે કર તેમણે ભરવો પડતો નહિ. જકાત મજહબી કર છે. તે કુરાનમાં જણાવ્યા પ્રમાણેનો હોવાથી ઇમામે (મુસલમાનોના ધર્મગુરુ) તે કર ભરવાની ફરજ પાડવી જોઈએ. જકાત ભરવી તે એક પવિત્ર કાર્ય ગણાતું. સોનું, ચાંદી, ઢોર, વેપારની ચીજો વગેરે મિલકત નિશ્ચિત મર્યાદા કરતાં વધી જાય તો, મુસલમાનોએ 21 ટકા જકાત ભરવી પડતી હતી. આ કરની આવક મસ્જિદો અને કબરોની દુરસ્તી, ધર્મદાન અને ગરીબો તથા પવિત્ર માણસો(સંતો-ફકીરો)ને જીવનનિર્વાહની રકમ અને દરમાયો આપવા જેવાં, માત્ર મુસલમાનોના લાભ માટેનાં કાર્યોમાં વાપરવામાં આવતી હતી.
જજિયા : જજિયા અથવા માથાવેરો માત્ર બિનમુસ્લિમો પાસેથી લેવામાં આવતો હતો; લશ્કરી સેવા સર્વે મુસ્લિમો વાસ્તે ફરજિયાત હતી અને સુલતાન બધા મુસ્લિમોને રાજ્યનું રક્ષણ કરવા બોલાવી શકતો. બિનમુસ્લિમોને માટે રાજ્યનું રક્ષણ કરવાની જવાબદારી ન હોવાથી, લશ્કરી સેવાના બદલામાં તેમણે આ કર ભરવો પડતો હતો. મુસ્લિમો પાસેથી જજિયા લેવામાં આવતો નહિ. તે બિનમજહબી કર કહેવાતો. સ્ત્રીઓ, બાળકો, અશક્ત વૃદ્ધો, અંધજનો, ભિખારીઓ, અપંગોને જજિયા વેરામાંથી મુક્તિ મળતી હતી.
અન્ય કરવેરા : રાજ્યમાં આયાત થતા બધા માલ ઉપર 21 ટકાના દરે તથા ઘોડાની આયાત ઉપર 5 ટકાના દરે આયાત વેરો વસૂલ કરવામાં આવતો હતો.
ખમ્સ : ઇસ્લામના કાયદા અનુસાર યુદ્ધમાં કરેલી લૂંટનો પાંચમો ભાગ રાજ્યને મળવો જોઈએ તથા 80 ટકા હિસ્સો સૈનિકોને વહેંચી દેવો જોઈએ. રાજ્યની તિજોરીમાં જમા કરાવવામાં આવતો લૂંટનો પાંચમો ભાગ ‘ખમ્સ’ કહેવાતો. સમય જતાં દિલ્હી સલ્તનતમાં એવો રિવાજ પડી ગયો કે લૂંટનો 4/5 ભાગ રાજ્યની તિજોરીમાં જમા થાય અને પાંચમો ભાગ સૈનિકોમાં વહેંચવામાં આવે.
રાજ્યમાંથી મળતી બધી ખનિજો ઉપર 20 ટકા કર પેટે વસૂલ કરવામાં આવતા. એવી રીતે કોઈને આકસ્મિક ખજાનો મળે તો તેમાંથી 20 ટકા રાજ્યને આપવાના રહેતા. રાજ્યમાં વારસ વિના તથા વસિયતનામું કર્યા વિના અવસાન પામેલા લોકોની મિલકત રાજ્યની તિજોરીમાં જમા કરવામાં આવતી હતી.
આ ઉપરાંત લોકો પાસેથી પશુઓને ચરાવવાનો ચરાઈવેરો, ઘરવેરો, પાણીવેરો જેવા અનેક વેરા લેવામાં આવતા હતા. આવા વેરા ઘણુંખરું હિંદુઓએ ભરવા પડતા, કારણ કે જમીનમાલિક મોટેભાગે હિંદુઓ હતા.
ભેટ–સોગાદો : સુલતાનને અધિકારીઓ, અમીરો તથા લોકો દ્વારા આપવામાં આવતી ભેટ-સોગાદો આવકનું મહત્ત્વનું સાધન હતું. અમીરો અને ઉચ્ચ અધિકારીઓ સુલતાનને ઘોડા, ઊંટ, શસ્ત્રો, કીમતી પથ્થરો જડેલા સોના કે ચાંદીના વાઝ જેવી ભેટ આપતા. દિલ્હીના સુલતાનોને કીમતી ભેટ-સોગાદો મળતી હતી.
જમીન–મહેસૂલ પદ્ધતિ : દિલ્હી સલ્તનતની આવકનું યુદ્ધના સમયની લૂંટ પછીનું સૌથી મહત્ત્વનું સાધન જમીન-મહેસૂલ હતું. મુસ્લિમ રાજ્યોમાં, જમીન-મહેસૂલની આકારણી માટે ખેતીની બધી જમીનોનું વિભાગીકરણ કરવામાં આવતું હતું. તેના બે મુખ્ય વિભાગો : (1) ઉશ્રી જમીન અને (2) ખરાજી જમીનના હતા. મુસ્લિમોની માલિકીની, લશ્કર વડે જીતેલા પ્રદેશોની અને મુસ્લિમ સૈનિકોને વહેંચવામાં આવેલી બધી જમીન ઉશ્રી જમીન કહેવાતી. ઉશ્રી એટલે દશમો ભાગ. તે જમીનમાં થતી ઊપજનો દશમો ભાગ કર પેટે લેવામાં આવતો. મુહમ્મદ બિન કાસિમે સિંધમાં ઇસ્લામ ધર્મ સ્વીકારનારની બધી જમીનો ઉશ્રી તરીકે સ્વીકારી હતી. કુત્બુદ્દીન અયબેકે હુકમ કર્યો હતો કે મુસ્લિમોની માલિકીની બધી જમીનો ઉશ્રી ગણવી અને તેઓએ મહેસૂલ પેટે ઊપજનો દશમો અથવા વીસમો ભાગ સરકારને આપવો.
લશ્કર વડે જીતવામાં આવેલી, પરંતુ બિનમુસ્લિમ માલિકો પાસે રહેવા દીધેલી અથવા બિનમુસ્લિમ વસાહતીઓને આપેલી જમીનો ખરાજી કહેવાતી. કોઈ બિનમુસ્લિમ ઉશ્રી જમીન ખરીદે તો તે ખરાજી જમીન બની જતી. મુસ્લિમ ધર્મશાસ્ત્રજ્ઞોના મતાનુસાર રાજ્યનો હિસ્સો 10 ટકાથી 50 ટકા સુધીનો હોઈ શકે. તેમાં જમીનનો પ્રકાર, સિંચાઈનાં સાધનો તથા બજારથી તે સ્થળનું અંતર ધ્યાનમાં લેવામાં આવતું હતું.
સુલતાનનો હિસ્સો નક્કી કરવાની (પાકની આકારણી) વિવિધ રીતો હતી. તેમાં પાક તૈયાર થયા પછી ભાગ પાડવા તે સરલ રીત હતી. મોટા રાજ્યમાં તે રીત ચાલી શકે નહિ. તેથી કાપણી પહેલાં, ઊપજનો અંદાજ અનુભવી કર્મચારીઓ મૂકતા; અને તે મુજબ ખેડૂતો અનાજ અથવા રોકડ રકમ સરકારને મહેસૂલ પેટે ભરી દેતા હતા.
સરકાર ચૌધરીઓ અને મુકાદમો જેવા મહેસૂલી અધિકારીઓ દ્વારા મહેસૂલ ઉઘરાવતી હતી. તેઓ ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરીને શિક્કદારને મોકલી આપતા. શિક્કદારો ઉઘરાવેલી રકમ કેન્દ્ર સરકારને મોકલી આપતા હતા.
ઇક્તા(પ્રાંત)માં આકારણી તથા મહેસૂલ ઉઘરાવવાનું કામ ત્યાંના વડા મુક્તિ (હાકેમ, અમીર) પાસે હતું. તે પોતાનો હિસ્સો કાપી લઈને વધારાની રકમ કેન્દ્ર સરકારને મોકલી આપતો હતો. હિંદુ સામંત કે ખંડિયા રાજાઓ સુલતાનને ખંડણી ભરતા અને પોતાનાં રાજ્યોમાં સ્વાયત્તતા ભોગવતા. જમીનદારો પણ સરકારને નક્કી કરેલ મહેસૂલ દર વર્ષે આપતા હતા. તેમના પ્રદેશના ખેડૂતો પોતાના જમીનદાર સિવાય બીજી કોઈ સત્તાથી માહિતગાર ન હતા.
મુસ્લિમ વિદ્વાનો અને સંતોને ઇનામ (અથવા વકફ) તરીકે આપેલી જમીનોનું મહેસૂલ માફ કરેલું હતું. તેની માલિકી વારસાગત હતી. આ પદ્ધતિ દિલ્હી સલ્તનતના સમગ્ર સમય પર્યન્ત અમલમાં રહી હતી.
અલાઉદ્દીન ખલજીએ (ઈ. સ. 1296-1316) મહેસૂલ-નીતિ તથા વહીવટીતંત્રમાં નોંધપાત્ર ફેરફારો કર્યા હતા. તેણે મુસ્લિમ નવાબોની જાગીરો દૂર કરી અને ઇનામ, પેન્શન અને ધાર્મિક દાન (વકફ) તરીકે આપેલી જમીનો જપ્ત કરી. તે જમીનો રાજ્યની માલિકીની બનાવી દીધી. તેણે ચૌધરીઓ તથા મુકાદમોના વિશેષાધિકારો રદ કરી, અન્ય ખેડૂતોની જેમ મહેસૂલ લીધું. તેણે જમીન-મહેસૂલ ખૂબ વધાર્યું. હિંદુ ખેડૂતોની જમીનનો ઊપજનો 50 ટકા ભાગ તથા મુસ્લિમ ખેડૂતોની જમીનની ઊપજનો 25 % ભાગ મહેસૂલ પેટે ઉઘરાવવાનો સુધારો કર્યો. આ ઉપરાંત ઘરવેરો અને પશુઓની ચરાઈ ઉપરનો વેરો પણ લેવા માંડ્યો.
બધા પ્રકારના કરવેરા સખતાઈપૂર્વક ઉઘરાવવા માટે તેણે કાર્યક્ષમ તંત્ર સ્થાપ્યું અને કુદરતી આપત્તિ અથવા અકસ્માત પાકને નુકસાન થાય તો મુક્તિ મળતી નહિ. આવા સુધારા દ્વારા તેણે થોડાં વરસોમાં રાજ્યની આવકમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. ગિયાસુદ્દીન તુગલુકે, મુહમ્મદ તુગલુકે અને ફિરોજશાહ તુગલુકે પણ મહેસૂલી તંત્રમાં ફેરફારો કર્યા હતા. ગિયાસુદ્દીને (1320-25) કુદરતી આપત્તિને લીધે પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મહેસૂલ ભરવામાંથી માફી આપી હતી. જમીનદારો, મુકાદમો તથા ચૌધરીઓને મહેસૂલ તથા અન્ય વેરામાંથી તેણે મુક્તિ આપી હતી. તેણે ઠરાવ્યું કે ઇક્તામાંથી કેન્દ્ર સરકારની માગણી વર્ષની પ્રમાણભૂત આકારણીના 1/10 કે 1/11 કરતાં વધવી જોઈએ નહિ. મહેસૂલી તંત્રમાં ગિયાસુદ્દીનની બે મુખ્ય મર્યાદાઓ હતી : (1) તેણે જમીનની માપણી રદ કરી અને ઊપજની અટકળ મુજબ આકારણી કરવા માંડી, અને (2) તેણે મુલકી અને લશ્કરી અધિકારીઓને જાગીરો આપવાની પદ્ધતિ ફરીવાર શરૂ કરી.
ફિરોજશાહ તુગલુકે (1351-1388) મહેસૂલી તંત્રમાં પ્રવર્તતી અવ્યવસ્થા દૂર કરવાના પ્રયાસો કર્યા. તેણે લોકોની સમૃદ્ધિ વધારવાના પ્રામાણિક પ્રયાસો કર્યા; વસૂલાત માટે થતી સખતાઈ હળવી કરી. ખેડૂતોને અગાઉ ધીરેલા બે કરોડ ટંકાનું દેવું તેણે માફ કર્યું. તેણે મહેસૂલી અધિકારીઓના પગારો વધાર્યા. લોકો ઉપર લાદેલા આશરે 24 જેટલા ત્રાસદાયક વેરા તેણે નાબૂદ કર્યા. તેણે ખેતીની સીંચાઈ વાસ્તે નહેરો તથા અનેક કૂવા ખોદાવ્યા. ખમ્સ-લડાઈમાંથી મળેલી લૂંટની આવકની વહેંચણી તેણે બદલીને પાંચમો ભાગ રાજ્યની તિજોરીમાં તથા બાકીનો 4/5 ભાગ સૈનિકોને વહેંચવા ઠરાવ્યું. તેણે સૈનિકોને પગારને બદલે જુદાં જુદાં ગામ જાગીર પેટે આપ્યાં. કેટલાક સૈનિકોને રોકડ પગાર પણ અપાતો હતો.
મહેસૂલના દર : જમીનને જાહેર તળાવ, કૂવા કે રાજ્યની નહેરમાંથી પાણી મળતું હોય તો મુસ્લિમ ખેડૂત પાસેથી ઊપજનો દશમો ભાગ લેવામાં આવતો. હિંદુ વેપારીઓએ મુસ્લિમ વેપારીઓ કરતાં ચીજ-વસ્તુઓ ઉપર બમણો જકાતવેરો ભરવો પડતો. તેથી હિંદુ ખેડૂતોએ ખેતીની ઊપજનો પાંચમો ભાગ ભરવો પડતો હતો.
અલાઉદ્દીન ખલજીએ જમીન-મહેસૂલ વધારીને ઊપજનો અર્ધો ભાગ (50 %) લેવાનો કાયદો ઘડ્યો હતો, અને સલ્તનત સમયનાં, પછીના સુલતાનોએ તે દર ચાલુ રાખ્યો હતો, ખર્ચના મુખ્ય વિભાગો લશ્કર, શાસન-તંત્ર, રાજકુટુંબ, ધાર્મિક દાન પર નભતી સંસ્થાઓ, સામાજિક સેવાઓ, જાહેર કામો, ખેતીની સુધારણા અને સુલતાન દ્વારા અપાતી ભેટ-સોગાદો હતા. જકાત અને ઉશ્રીમાંથી થતી આવક, ધાર્મિક દાન કરવા વપરાતી અને બીજા વેરાની મોટાભાગની આવક બિનસાંપ્રદાયિક હેતુઓ માટે વપરાતી હતી.
સુલતાન અને કુટુંબીજનોની જરૂરિયાતનું ખર્ચ, દરેક બાબતના નિશ્ચિત નાણાં નક્કી કરીને અપાતું. રાજકુટુંબના સભ્યો તથા મહેલના નોકરોને રોકડ પગારો કે જાગીરો અપાતી. સુલતાનની અંગત મિલકત વિશેનો કોઈ ઉલ્લેખ મળતો નથી.
લશ્કરી તંત્ર : દિલ્હી સલ્તનતને લોકોની સંમતિ સાથે કોઈ લેવાદેવા ન હોવાથી, તેણે દેશનાં બીજાં રાજ્યો કરતાં વધારે મોટું લશ્કર રાખવું પડતું હતું. વળી વાયવ્ય સરહદેથી થતા મુઘલોના સતત હુમલાઓ સામે તેણે પોતાના પ્રદેશોનું રક્ષણ કરવાનું હતું તથા દક્ષિણ ભારતમાં પ્રદેશ વિસ્તારના ઇરાદાથી પણ સુલતાનો મોટું લશ્કર રાખતા હતા. સુલતાન લશ્કરનો સરસેનાપતિ હતો અને લશ્કરની બાબતોનો તેનો મદદનીશ નાયબ ઉલ-મુલ્ક કહેવાતો હતો.
સલ્તનત-સમય દરમિયાન ઘણુંખરું ચાર પ્રકારનું લશ્કર રાખવામાં આવતું હતું : (1) સુલતાનની સેવા માટેના કાયમી સૈનિકો, (2) પ્રાંતોના હાકેમો(મુક્તિ)ની સેવામાં નિમાયેલા સૈનિકો, (3) લડાઈ વખતે ભરતી કરવામાં આવતા સૈનિકો અને (4) જેહાદ અથવા ધર્મયુદ્ધ લડવા માટે ભરતી કરાતા મુસ્લિમ સ્વયંસેવકો.
લશ્કરના મુખ્ય ત્રણ વિભાગો હતા : (1) અશ્વદળ, (2) ગજદળ તથા (3) પાયદળ.
અશ્વદળ કે હયદળ સૌથી વધારે મહત્ત્વનું અને લશ્કરની કરોડરજ્જુ સમાન હતું. દિલ્હીમાં રહેતું અશ્વદળ મુઘલોનાં હુમલા સામે મરણિયો જંગ ખેલીને તેમને નસાડી મૂકતું. દરેક ઘોડેસવાર બે તલવાર, એક ખંજર, ધનુષ અને તીર-કામઠાંથી સજ્જ રહેતો. ઘોડેસવારો બખતર પહેરતા અને ઘોડાને લોખંડનું કવચ પહેરાવતા. અશ્વદળમાં ત્રણ દરજ્જા હતા : (i) મુરત્તબ એટલે બે ઘોડા રાખનાર ઘોડેસવાર, (ii) સવાર એટલે એક ઘોડો રાખનાર ઘોડેસવાર અને (iii) દો અસ્પ એટલે પોતાના ઘોડા વિનાનો સવાર. તે સમયે અરબસ્તાન, તુર્કસ્તાન અને રશિયાથી ઘોડા આયાત થતા હતા. તે દેશોના વેપારીઓ મોટી સંખ્યામાં ઘોડા લઈને ભારતમાં વેચવા આવતા હતા. રાજધાની નજીક સુલતાનના તબેલામાં તથા પ્રાંતોના પાટનગરોમાં હજારો વધારાના ઘોડા રાખવામાં આવતા. યુદ્ધ સમયે, મોટી સંખ્યામાં, વધારાના ઘોડા લઈ જવામાં આવતા, જેથી લડાઈમાં ઘોડા મરી જાય તેને સ્થાને રાજ્યના ખર્ચે બીજા ઘોડા આપી શકાય.
પાયદળ : પાયદળમાં મોટાભાગના ભારતીય મુસલમાનો, હિંદુઓ અને ગુલામો હતા. તેઓ તલવાર, ભાલા, ધનુષ અને તીરકામઠાંથી સજ્જ થતા. તેઓ અંગરક્ષક કે દ્વારપાળની ફરજ પણ બજાવતા. દૂરનાં સ્થળોએ પાયદળને મોકલવાનું સહેલું ન હોવાથી, ઝડપી હુમલામાં પાયદળનો ઉપયોગ થતો નહિ.
ગજદળ : દિલ્હીના સુલતાનો ગજદળને વધારે મહત્ત્વ આપતા. લડાઈમાં ઘોડેસવારો કરતાં હાથીને વધારે અસરકારક માનવામાં આવતો. હાથીની પીઠ ઉપર અંબાડીમાં કેટલાક શસ્ત્રસજ્જ સૈનિકો બેસતા. હાથીને પોલાદનું કવચ પહેરાવી, તેની સૂંઢ તથા દંતૂશળ સાથે દાતરડા જેવાં શસ્ત્રો બાંધવામાં આવતાં. હાથીને લડવાની તાલીમ આપવામાં આવતી.
મુહમ્મદ બિન તુગલુક અને ફિરોજશાહ દરેકની પાસે 3,000 હાથી હતા. હાથી રાખવાથી લડાયક શક્તિ વધી જતી. સુલતાનની પરવાનગી વિના અન્ય કોઈ હાથી રાખી શકતો નહિ.
દિલ્હીમાં બંગાળથી અને દક્ષિણ ભારત તથા ગુજરાતમાં શ્રીલંકાથી હાથી આવતા હતા. બાર્બોસા જણાવે છે કે ગુજરાતમાં તે સમયે એક હાથી રૂપિયા 7,500(1,500 ક્રુઝેડો)માં ખરીદી શકાતો.
લડાઈમાં ઇલ્તુત્મિશના સમયથી, આગ લગાડે તેવાં અગ્નિબાણ નખતેલ ગોળા અને દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવતો. દારૂગોળાના બળ વડે અથવા મંજનિક જેવાં શસ્ત્રો વડે આગના ગોળા, પથ્થર, લોખંડના ગોળા, નખતેલથી ભરેલી બાટલીઓ વગેરે ફેંકવામાં આવતાં. કેટલીક વાર ઝેરી સાપ અને વીંછી શત્રુઓ ઉપર ફેંકવામાં આવતા.
રાજ્યના સંરક્ષણની જરૂરિયાત તથા વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્ત્વનાં સ્થળોએ સૈન્ય રાખવામાં આવતું. તે સમયે વાહનવ્યવહાર ઝડપી ન હોવાથી, દૂર દૂરનાં સ્થળો સુધી લશ્કરની વહેંચણી કરવામાં આવતી હતી. સુલતાનની સેવામાં રહેલા સૈનિકો ‘ખાસ ખૈલ’ તરીકે ઓળખાતા; તેમાં ગુલામો અને અંગરક્ષકોનો સમાવેશ થતો. દિલ્હીના સુલતાનોમાં અલાઉદ્દીન ખલજીએ સ્થાયી લશ્કરની શરૂઆત કરી. તેની ભરતી, પગારની ચુકવણી અને અમલદારોની નિમણૂકો કેન્દ્ર સરકાર દ્વારા થતી. તેમાં 4,75,000 ઘોડેસવારો ઉપરાંત મોટી સંખ્યામાં પાયદળ હતું.
સંરક્ષણ માટેનું મંત્રાલય દીવાને આરિજ કહેવાતું. તેનો વડો આરિજે મમાલિક લશ્કર અંગેના સમગ્ર વહીવટીતંત્ર માટે જવાબદાર હતો. તે સૈનિકોની ભરતી અને પગાર નક્કી કરતો. સૈનિકોની બઢતીનો આધાર આરિજ ઉપર રહેતો. તે સૈનિકોનાં હાજરીપત્રકો રાખતો, વાર્ષિક તપાસ કરતો અને પગારો સુધારતો. ચડાઈ કરવાની હોય ત્યારે, તે માટેની તૈયારી કરવાનું કામ આરિજને સોંપવામાં આવતું. વિજય મેળવ્યા બાદ, લૂંટના માલની તે સંભાળ રાખતો અને સરસેનાપતિની હાજરીમાં તેની વહેંચણી કરવામાં આવતી હતી.
સલ્તનતમાં લશ્કરના હોદ્દાઓનો ક્રમ ખાન, મલેક, અમીર, સિપાહસાલાર અને સરે ખૈલ – એ પ્રમાણે હતો. સૌથી નીચી કક્ષાના અધિકારી સરે ખૈલના હાથ નીચે દસ ઘોડેસવાર રહેતા. સિપાહસાલારના હાથ નીચે દશ સરે ખૈલ રહેતા હતા. ખાનના હાથ નીચે દશ હજારની સેના અને મલેકના હાથ નીચે એક હજારની સેના રહેતી હતી. આ વ્યવસ્થા બદલાતી રહેતી હતી.
દિલ્હી સલ્તનતના લશ્કરમાં વિવિધ જાતિના લોકોનો શંભુ મેળો હતો. તેમાં તુર્કો, ઈરાનીઓ, અફઘાનો, આરબો, મુઘલો, એબિસિનિયનો, ભારતીય મુસ્લિમો અને હિંદુઓનો સમાવેશ થતો હતો. તેઓમાં રાષ્ટ્રભાવના ન હતી. લશ્કરના અધિકારીઓ મુસલમાનો હતા. તેમનામાં મજહબ માટેના ઝનૂનની લાગણી વિશેષ પ્રમાણમાં જણાતી હતી.
સૈનિકોના પગારનું ધોરણ જુદા જુદા સમયે જુદું જુદું હતું. અલાઉદ્દીન ખલજીના અશ્વદળના મુરત્તબ(બે ઘોડા રાખનાર ઘોડેસવાર)ને વાર્ષિક 234 ટંકા પગાર મળતો. આટલા પગારમાં ઘોડેસવારો મળી રહે તે વાસ્તે તેણે ભાવનિયંત્રણ કરીને તેનો કડક અમલ કર્યો હતો. મુહમ્મદ બિન તુગલુક ઉદાર હોવાથી ખોરાક, કપડાં અને ચારા સહિત વાર્ષિક 500 ટંકા પગાર આપતો હતો. ‘મસાલિક-ઉલ-અબસાર’માં જણાવ્યા પ્રમાણે ખાનનો પગાર વાર્ષિક એક લાખ ટંકા, મલેકનો 50થી 60 હજાર ટંકા, અમીરનો 30થી 40 હજાર, સિપાહસાલારનો 20 હજાર અને નાના લશ્કરી અધિકારીઓનો એક હજારથી 10 હજાર ટંકા જેટલો પગાર હતો.
સૈનિકોને રાજ્ય દ્વારા સીધો પગાર ચૂકવવામાં આવતો હતો. અમીરોને જાગીરો આપવામાં આવતી, પરંતુ સૈનિકોને પગાર નાણાંમાં ચૂકવાતો હતો.
સલ્તનત સમયમાં લશ્કરના ઘોડા તથા સૈનિકોની વાર્ષિક તપાસ કરવામાં આવતી. આવી તપાસ વખતે થતી છેતરપિંડી અને ગેરરીતિ અટકાવવા અલાઉદ્દીન ખલજીએ ઘોડાને ડામ દેવાની તથા સૈનિકોના શરીરના વર્ણનની નોંધપોથી રાખવાની (‘હુલિયા’) પ્રથા ચાલુ કરી. તેનાથી લશ્કરમાં શિસ્ત આવી. ફિરોજશાહે ડામ અને હુલિયાની પ્રથા દૂર કરી અને તપાસ વખતે સૈનિકોને બદલે બીજાને મોકલવાની છૂટ આપી હતી. તેથી સમય જતાં લશ્કરમાં ગેરશિસ્ત અને અવ્યવસ્થા પ્રવર્ત્યાં.
ન્યાયતંત્ર : સલ્તનત કાલમાં ન્યાયખાતું દીવાને કઝા નામથી જાણીતું હતું. સુલતાન તેના રાજ્યનો સર્વોચ્ચ ન્યાયાધીશ હતો. દિલ્હી સલ્તનતે કુરાનનો કાયદો સ્વીકાર્યો હોવાથી, તેને જાળવવાની જવાબદારી તેની હતી. ન્યાયખાતાનો વડો સદ્રુસ સુદૂર કહેવાતો. સુલતાન સપ્તાહમાં બે વાર અદાલતમાં બેસીને ચુકાદા આપતો હતો. અપીલ માટેની સર્વોચ્ચ અદાલત સુલતાનની હતી, છતાં ઘણી વાર તે મૂળ કેસો પણ ચલાવતો હતો. સુલતાન ધાર્મિક કેસો ચલાવે ત્યારે સદ્રુસ સુદૂર અને મુફતી (ધર્મશાસ્ત્રો, કાયદો તથા પરંપરાઓનો જાણકાર) તેને સલાહ આપવા સાથે બેસતા. બિનમજહબી કેસોમાં કાઝી ઉલ્-કુઝાત (ન્યાયખાતાનો વડો) મદદ કરવા સુલતાન સાથે બેસતો. સલ્તનતના સમગ્ર સમય દરમિયાન સદ્રુસ સુદૂર તથા કાઝી ઉલ્-કુઝાતના હોદ્દા પર એક જ વ્યક્તિને નીમવામાં આવતી.
કાઝી ઉલ્-કુઝાતની અદાલત સુલતાનની ગેરહાજરીમાં અપીલ માટેની સર્વોચ્ચ અદાલત હતી.
દરેક મોટા શહેરમાં એક અમીરેદાદ નીમવામાં આવતો હતો. તેનો હોદ્દો હાલના સિટી મૅજિસ્ટ્રેટ જેવો હતો. તે ન્યાયાધીશ અને કારોબારીના અમલદારનું કામ સંભાળતો. દરેક પ્રાંતમાં અને જિલ્લામાં એક કાઝી નીમવામાં આવતો. ગામડાંમાં લોકોના ઝઘડાના નિકાલ માટે પંચાયતો હતી.
કાઝીને ધાર્મિક કાયદા અંગેની સલાહ આપવા ધર્મશાસ્ત્રો, ઉપદેશો અને પરંપરાઓના જાણકાર, વિદ્વાન ધારાશાસ્ત્રીને મુફતી તરીકે નીમવામાં આવતો. તે તાજનો ઍડ્વોકેટ જનરલ કાનૂની અધિકારી હતો. બિન-મુસલમાન લોકોના ઝઘડાના કેસો સામાન્ય અદાલતોમાં ચાલતા. તેનો ચુકાદો તે લોકોના રિવાજો પ્રમાણે આપવામાં આવતો.
લોકોનાં જાહેર નૈતિક મૂલ્યોની જાળવણી માટે નીમવામાં આવતો અધિકારી મુહતાસીબ કહેવાતો. ખુલ્લી રીતે દુરાચરણ અને કાયદાનો ભંગ ન થાય તે જોવાની તેની જવાબદારી હતી.
સલ્તનત સમય દરમિયાન ફોજદારી કાયદો ઘણો કડક હતો. ગુનેગારોને અંગછેદન અને મૃત્યુદંડની સજા કરવામાં આવતી. ગુનો કબૂલ કરાવવા આરોપીને યાતના આપવામાં આવતી. ફરિયાદી પોતાના શહેરની, પ્રાંતની કે સુલતાનની ગમે તે અદાલતમાં સીધો જઈને ફરિયાદ કરી શકતો હતો. જરૂરી તપાસ કર્યા વિના કેસ શરૂ કરવામાં આવતો. અદાલતની કાર્યવાહી નોંધવામાં આવતી નહિ અને કેસો ઝડપથી ચલાવવામાં આવતા હતા.
સામાજિક જીવન : મુસ્લિમ સમાજ ઈસવી સનની 13મીથી 16મી સદીના આરંભ સુધી ભારતમાં તુર્કો અને અફઘાનોએ શાસન કર્યું હતું. તેમની સાથે ઈરાનીઓ, અરબો, હબસીઓ વગેરે પણ વહીવટમાં સામેલ થયા હતા. દિલ્હીના સુલતાનોએ શાસનમાં સહાય મેળવવા અમીર વર્ગને પોષ્યો હતો. તેઓને જાગીરો આપવામાં આવતી. તેમાંથી પુષ્કળ આવક થતી. તેથી સમય જતાં તેઓ વૈભવી જીવન જીવવા લાગ્યા. તેઓ માદક પીણાં પીતા હોવાથી બલબન અને અલાઉદ્દીન ખલજીએ માદક પીણાં અને જુગાર પર પ્રતિબંધ મૂક્યો હતો. ઈસવી સનની 8મી સદીથી સૂફીઓ, ફકીરો વગેરે ભારતમાં ધર્મપ્રચારાર્થે આવ્યા હતા. ઇસ્લામના સામાજિક સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતોથી આકર્ષાઈને કેટલાક લોકોએ ધર્માંતર કર્યું હતું. મધ્ય એશિયાની ગોપ જાતિના તુર્કો ઈરાનીઓ જેટલા સંસ્કારી ન હતા. તેઓ હિંદુઓ સાથે સારો વ્યવહાર કરતા નહિ, છતાં રાજકીય અને આર્થિક લાભ લેવા કેટલાક લોકોએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. આ સમયે બળજબરીથી ધર્માન્તર કરાવ્યાના પણ અનેક દૃષ્ટાંતો જાણવા મળે છે.
આ સમય દરમિયાન તુર્કી અને અફઘાન મુસલમાનોને સરકારમાં ઊંચા હોદ્દા પર નીમવામાં આવતા અને તેમને સમાજમાં વિશિષ્ટ સ્થાન મળતું. ભારતીય મુસલમાનોને નિમ્ન કક્ષાના હોદ્દા અપાતા અને તેમનું સ્થાન દ્વિતીય કક્ષાનું હતું. હિંદુઓને રાજ્યમાં ઊંચો હોદ્દો મળતો નહિ. તેમનું સ્થાન સમાજમાં નીચું ગણાતું. વિદેશી મુસલમાનોમાં પણ (1) તલવારધારી અને (2) કલમધારી એવા બે વિભાગો હતા. કલમધારી મુસ્લિમો બિનતુર્કી જાતિના હતા. તેઓ કારકુની, શિક્ષણ અને મજહબી કાર્યોમાં જોડાતા હતા. આ વર્ગમાં કાજીઓ, મૌલવીઓ, મુફતીઓ, ઇમામો વગેરેનો સમાવેશ થતો હતો. સલ્તનત અને મુસ્લિમ સમાજ ઉપર તેઓનો અંકુશ હતો. ન્યાય, મજહબ અને શિક્ષણના ખાતાંઓમાં તેઓ દરમિયાનગીરી કરતા હતા. અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલુક સિવાય બીજા કોઈ સુલતાન મૌલવીઓની અવગણના કરતા નહિ. આ મૌલવીઓ, ઇમામો વગેરે હિંદુઓ તરફ ઘૃણા રાખતા અને તેમની સામે જેહાદ જગાવવા અને મૂર્તિપૂજાનો વિરોધ કરવા મુસ્લિમોને ઉશ્કેરતા.
તલવારધારી કે શમશેરધારી વર્ગ સૈનિકોનો હતો. તેઓને સલ્તનતમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર ખાન, મલેક, અમીર, સિપહસાલાર વગેરે હોદ્દાઓ ઉપર નીમવામાં આવતા હતા.
સૌથી નીચલો વર્ગ ભારતીય મુસલમાનોનો હતો. તેમાં નાના વેપારીઓનો, દુકાનદારોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત સુથારો, વણકરો, શાહી કારખાનાંના કારીગરો તથા સ્વતંત્ર ધંધો કરનારાનો તેમાં સમાવેશ થતો હતો.
સલ્તનત સમયમાં ગુલામોનો વર્ગ હતો. સુલતાનો, અમીરો તથા ધનિકો ગુલામો રાખતા હતા. તેઓ ઘરોમાં, કારખાનાંઓમાં તથા વિવિધ પ્રકારનાં કામો કરતા હતા. કેટલાક ગુલામો પોતાની હોશિયારીથી ખૂબ આગળ વધતા હતા.
આ સમયે સ્ત્રીઓનું સ્થાન સમાજમાં નીચું હતું. કન્યાકેળવણીનું પ્રમાણ ઘણું ઓછું હતું. પ્રતિષ્ઠિત પરિવારની મહિલા ભાગ્યે જ બહાર નીકળતી. મુસ્લિમ મહિલાઓમાં પરદા અને બુરખાનો રિવાજ હતો. બહુપત્નીત્વના રિવાજને લીધે સ્ત્રીઓ દુ;ખી થતી હતી. પુત્રીનો જન્મ આવકારદાયક ન હતો. રઝિયા બેગમ જેવી સ્ત્રીઓ અપવાદરૂપ હતી.
હિન્દુ સમાજ : મુસ્લિમોનાં આક્રમણોના પરિણામે હિંદુઓની સામાજિક સર્વોપરિતા અને વ્યવસ્થાને સખત ફટકો પડ્યો. રાજકીય પરાધીનતાના પરિણામે તેમનું સામાજિક પતન થયું. મુસ્લિમ સુલતાનોને હિંદુઓ પર વિશ્વાસ ન હતો. અલાઉદ્દીને દોઆબના હિંદુઓને કાબૂમાં રાખવા તેમના ઉપર અંકુશો મૂક્યા હતા. સરકાર ધર્મપલટાને પ્રોત્સાહન આપતી હતી. સુલતાન કુત્બુદ્દીન મુબારકશાહ અને નાસિરુદ્દીન ખુસરોશાહ હિંદુઓ પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા. ફિરોજશાહ તુગલુક હિંદુઓનો વિરોધી હતો અને તેણે દમનકારી પગલાં લીધાં હતાં. અગાઉ બ્રાહ્મણો જજિયાવેરામાંથી મુક્ત હતા. બ્રાહ્મણો પાસેથી જજિયાવેરો વસૂલ કરનાર ફિરોજશાહ પ્રથમ સુલતાન હતો. તે સામે બ્રાહ્મણોએ વિરોધ કર્યો તેથી તેણે તેમાં થોડો ઘટાડો કર્યો હતો.
સલ્તનત સમયમાં મુસલમાનો જ હકદાર નાગરિકો હતા. હિંદુઓ ‘ઝિમ્મી’ અર્થાત્ મુસલમાનોની જુમ્મેદારીમાં રહેતા લોકો કહેવાતા. તેમને માટે ત્રણ વિકલ્પો હતા : ધર્મપલટો કરવો, જજિયાવેરો આપવો કે મોત સ્વીકારવું. રાજ્યને ખર્ચે થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો લાભ તેમને મળતો નહિ. મુસલમાનોના શિક્ષણ વાસ્તે સરકારના ખર્ચે મદરેસાઓ ચાલતી, પરંતુ હિંદુઓએ પોતાને ખર્ચે શિક્ષણની વ્યવસ્થા કરવી પડતી. સારાં કપડાં પહેરવાં, સારાં વાહનોમાં બેસીને ફરવું, સરસ મકાનોમાં રહેવું વગેરે હિંદુઓ માટે શક્ય ન હતું. સામાન્ય મુસલમાન પણ પ્રતિષ્ઠિત હિંદુનું અપમાન કરી શકતો. મુસલમાનો સ્વીકારવા તૈયાર ન હોય એવી ઓછા પગારની સામાન્ય નોકરી હિંદુઓને મળતી હતી. કેટલાક સુલતાનોએ બાહોશ હિંદુઓને ઉચ્ચ હોદ્દા પર નીમવા પડ્યા હતા, કારણ કે તે કામમાં માત્ર હિંદુઓ જ યોગ્યતા ધરાવતા હતા.
મુસલમાન આક્રમકો ખેડૂતોને લાવ્યા ન હતા અને લશ્કરના સૈનિકો પાસે ખેતી કરાવવાનું શક્ય ન હતું. તેથી ખેતીનો ધંધો હિંદુઓના હાથમાં હતો; પરંતુ તેમનું જીવનધોરણ નીચું હતું. વળી મુસ્લિમ સૈનિકોને વેપાર કરવાની આવડત ન હતી; તેથી વેપાર હિંદુઓને હસ્તક હતો.
ધર્મપલટો કરી ઇસ્લામ ધર્મ સ્વીકારનાર હિંદુઓ જ સારી નોકરીઓ મેળવી શકતા. ઇસ્લામ સ્વીકાર્યા પછી તેમની પ્રગતિના દરવાજા ખૂલી જતા હતા.
કેટલાક ધર્માંધ સુલતાનોએ નવાં મંદિરો બાંધવાં તથા જૂનાં મંદિરો સુધરાવવાનો પ્રતિબંધ મૂક્યો હતો. શાસક વર્ગ હિંદુઓના ધર્મ, રિવાજો, પરંપરાઓને તુચ્છ ગણતો હતો. આવી અસહાય સ્થિતિની અસર તેમના જીવન ઉપર પડી. ક્યારે ધાડ પડશે, ક્યારે લૂંટાઈ જઈશું વગેરે બાબતોનો ભય સતત તેમના દિલમાં રહેતો. પરિણામે, તેઓ ગામોની આસપાસ મજબૂત વાડો કરવી, ખડકીઓ અને રસ્તા સાંકડા રાખવા, ગીચ વસતિમાં રહેવું એમ સતત સલામતી શોધવા લાગ્યા. તેથી ઓછી સગવડવાળાં, હવાઉજાસ વગરનાં મકાનો તેઓ બાંધવા લાગ્યા.
હિંદુ સમાજમાં મહિલાઓ સન્માનભર્યું સ્થાન ભોગવતી હતી. ઉચ્ચ વર્ગની કેટલીક મહિલાઓ શિક્ષણ, સાહિત્ય અને લલિતકલાઓમાં પારંગત હતી. પદ્માવતી અને રૂપમતીને આવી કલાસંપન્ન મહિલાઓની પ્રતિનિધિઓ લેખી શકાય; પરંતુ મોટાભાગની સ્ત્રીઓ નિરક્ષર હતી. કેટલાક લોકોમાં સતીની પ્રથા પ્રચલિત હતી. સુલતાનો તથા અમીરો સમૃદ્ધ ઘરની હિંદુ કન્યાઓ સાથે લગ્ન કરવા તત્પર રહેતા. તેમના અયોગ્ય પ્રયાસોને કારણે હિંદુઓ અપમાનિત થતા હતા. તેથી હિંદુઓએ જ્ઞાતિના નિયમ કડક બનાવ્યા. સ્વરૂપવાન હિંદુ યુવતીઓનું અપહરણ થવાનો ભય રહેતો હોવાથી બાળલગ્નો અને લાજ કાઢવાના રિવાજો પ્રચલિત થયા. સ્ત્રીઓ ઘરની ચાર દીવાલમાં જ વધુ રહેવા લાગી.
હિંદુ–મુસ્લિમ સંઘર્ષો અને સમન્વય : ભારતમાં મુસ્લિમોના આગમનથી જે કંઈ અસર થતી હતી તે જીવનનાં બાહ્ય તત્ત્વો ઉપર જ પડી હતી. હિંદુઓ અને મુસ્લિમો એકબીજાની સંસ્કૃતિની વિશિષ્ટતાઓ ગ્રહણ કરી શક્યા ન હતા. હિંદુઓએ પોતાનું સામાજિક સંગઠન શિથિલ થવા દીધું ન હતું, જ્યારે મુસ્લિમોએ હિંદુઓનાં મંદિરો તથા મૂર્તિઓનો નાશ કરવાનું ચાલુ રાખ્યું હતું. હિંદુઓએ ધાર્મિક દૃષ્ટિકોણ બાબતમાં સહિષ્ણુતા અને સામાજિક આચારવિચારમાં સંકુચિતતા રાખી હતી. મુસ્લિમોએ મજહબી વિચારસરણીમાં સંકુચિતતા અને સામાજિક વર્તનમાં સહિષ્ણુતા બતાવી હતી.
હિંદુઓ ઘણાખરા શાકાહારી હતા. તેઓમાં જે માંસાહારી હતા તેઓ ગૌમાંસ ખાતા નહિ. મુસ્લિમો લગભગ બધા માંસાહારી હતા. ગૌમાંસનો પણ તેમને નિષેધ ન હતો. મુસ્લિમો ધર્મપલટો કરાવ્યા પછી જ હિન્દુ કન્યા સાથે લગ્ન કરતા હતા. હિંદુઓ મુસ્લિમો સાથે લગ્નસંબંધ કે ભોજન-વ્યવહાર રાખવા કદી તૈયાર થતા નહિ.
મુસ્લિમો હિંદુઓને ‘કાફિરો’ કહેતા. હિંદુઓએ પોશાક, રહેણીકરણી, વસવાટ, મોજશોખ વગેરે દરેક બાબતમાં અપમાનજનક સ્થિતિમાં રહેવું પડતું હતું. ઇસ્લામમાંથી હિંદુ ધર્માન્તર કરાવનારને મૃત્યુદંડની સજા થતી. તેથી એવા બનાવો ભાગ્યે જ બનતા. કોઈ હિંદુ મુસ્લિમ થયા બાદ, ફરીથી હિંદુ થાય તો તેની હત્યા કરવામાં આવતી હતી.
સમન્વય : કેટલાંક પ્રાદેશિક રાજ્યોના શાસકોએ હિંદુઓનો સહકાર મેળવવાની બાબતમાં પ્રગતિ કરી હતી. તેઓ તેમને નોકરીમાં રાખતા અને ઉચ્ચ હોદ્દાઓ ઉપર પણ નીમતા હતા. કાશ્મીરના ઝૈનુલ્ આબેદીને હિંદુઓ તરફ સદ્ભાવની ભાવના દર્શાવી હતી. ચંદેરીનો મેદિનીરાય તથા બીજા હિંદુઓ માળવાના મુસ્લિમ રાજ્યમાં ઊંચા હોદ્દાઓ પર નિમાયા હતા. બંગાળામાં હુસેનશાહે હિંદુઓને ઊંચા હોદ્દાઓ આપ્યા હતા. ગોલકોંડાના સુલતાનોએ હિંદુઓને મંત્રીપદ આપ્યાં હતાં. બીજાપુરના સુલતાન આદિલશાહે હિંદુઓને નોંધપાત્ર ઉત્તેજન આપ્યું હતું.
આ યુગના રાજપૂત રાજાઓ પણ મુસ્લિમો પ્રત્યે સહિષ્ણુતા રાખતા હતા. રાણા સંગ્રામસિંહે માળવાના મહમૂદશાહ બીજાને હરાવ્યો, તે પછી તેની સ્વતંત્રતાને માન આપ્યું હતું. રણથંભોરના રાજા હમ્મીરદેવે અલાઉદ્દીન ખલજીના બળવાખોર અમીરને આશ્રય આપ્યો હતો. વિજયનગરના હિંદુ રાજાઓએ પોતાના લશ્કરમાં મુસ્લિમ સૈનિકોને નીમ્યા હતા. બાબરની સામે રાણા સંગ્રામસિંહે યુદ્ધ કર્યું ત્યારે તેના લશ્કરમાં મુસ્લિમ સૈનિકોની ટુકડી હતી. ઈ. સ. 1556માં મુઘલ સત્તાની સામે સૂરવંશના આદિલશાહને લડાઈ થઈ ત્યારે આદિલશાહનો સેનાપતિ હેમુ હિંદુ હતો.
અરબો ભારતમાં આવ્યા ત્યારે ભારતનો સાંસ્કૃતિક વિકાસ જોઈને આશ્ર્ચર્યચકિત થયા હતા. જ્યોતિષ, ઔષધ, દર્શનશાસ્ત્ર વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરવા અરબ વિદ્વાનોએ બ્રાહ્મણ કે બૌદ્ધ પંડિતોને ગુરુપદે સ્થાપીને તેમનું સાંનિધ્ય સ્વીકાર્યું હતું. ખગોળશાસ્ત્રના પ્રારંભિક સિદ્ધાંતો અરબો ભારતના પંડિતો પાસેથી શીખ્યા હતા. તે પછી અરબો ભૂગોળ, ગણિત, રસાયણશાસ્ત્ર વગેરે ભારતીયો પાસેથી શીખ્યા. અલ બીરૂનીએ ભારત આવી સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને અનેક સંસ્કૃત ગ્રંથોના અરબીમાં અનુવાદો કર્યા. કાશ્મીરના ઝૈનુલ્ આબેદીન તથા બંગાળાના હુસેન-શાહના દરબારોમાં સંસ્કૃત તથા ફારસીને સમાન મહત્ત્વ મળતું.
રાજકીય તથા આર્થિક ક્ષેત્રોમાં મુસ્લિમોએ હિંદુઓનું અનુકરણ કરવું પડ્યું. મહેસૂલ-પદ્ધતિ, ઊપજ અને ખર્ચની બાબતોમાં હિંદુઓની પરંપરાઓ ઘણીખરી ચાલુ રહી હતી. લડાઈઓમાં મુસ્લિમોએ હાથીઓનો ઉપયોગ શરૂ કર્યો. સુલતાનોએ પરિસ્થિતિ અને આબોહવાને અનુરૂપ ભારતીય ખોરાક અને પોશાક પણ અપનાવ્યો હતો. મંદિરો અને મૂર્તિઓનો નાશ કરવા છતાં મુસ્લિમોએ વિવિધ કલાકૃતિઓ તથા કોતરકામથી પ્રભાવિત થઈ, તે સામાનનો ઉપયોગ કરી મસ્જિદો બંધાવી હતી.
મુસ્લિમો હિંદુ સ્ત્રીઓ સાથે લગ્ન કરતા ત્યારે તે સ્ત્રીઓ પોતાના વિચારો, રિવાજો, માન્યતાઓ બદલી શકતી નહિ. તેથી તેમણે સાડી પહેરવી, ચાંલ્લો કરવો, સેંથીમાં સિંદૂર પૂરવું, દેવદેવીઓની પૂજા કરવી વગેરે ચાલુ રાખ્યું. તેમનાં સંપર્કથી મુસ્લિમો શુકન-અપશુકનમાં માનતા થયા; કબરો પર ફૂલ ચઢાવવા લાગ્યા, વગેરે. આ યુગ દરમિયાન ભક્તિ સંપ્રદાયના સંતો તથા આચાર્યોએ ઈશ્વરની ભક્તિ પર ભાર મૂક્યો અને કેટલાક સંતોએ મૂર્તિપૂજાનો વિરોધ કર્યો. હિંદુ-મુસ્લિમ સમન્વયનું પરિણામ એ આવ્યું કે હિંદુઓ સૂફી સંતોને તથા મુસ્લિમો હિંદુ સંતોને માન આપવા લાગ્યા. તેમાંથી સમય જતાં ‘સત્યપીર’ જેવા સ્થાનિક સંપ્રદાયો પ્રચલિત થયા.
ધાર્મિક જીવન : ભક્તિ–આંદોલન : સલ્તનત યુગ દરમિયાન હિંદુ-ઇસ્લામ સંસ્કૃતિઓના સમન્વય સહિત ઉભય ધર્મોએ પણ પરસ્પર પ્રભાવ પાડ્યો હતો. ભક્તિ-આંદોલનના આચાર્યો તથા સંતોએ ઇષ્ટદેવની ભક્તિનો પ્રચાર કર્યો. તેઓના ઉપદેશનો સાર એ હતો કે ક્રિયાકાંડો વગર સાદાઈથી ઈશ્વરની ભક્તિ કરવાથી મોક્ષ મળે છે, તેમણે ઊંચનીચના ભેદનો વિરોધ કર્યો. આવા સુધારાત્મક વલણથી હિંદુ ધર્મને રક્ષણ મળ્યું.
ભારતમાં મુસ્લિમોના આગમન પછી, હિંદુ અને ઇસ્લામ બંને ધર્મોના સંપર્કથી ધર્મસુધારણાની પ્રવૃત્તિ શરૂ થઈ. તે ભક્તિ-આંદોલન તરીકે ઓળખાય છે. ભક્તિ-આંદોલનનો ઉદય ફક્ત ઇસ્લામ ધર્મની અસરથી થયો ન હતો. વાસ્તવમાં તો એ વેદાંત-દર્શન અને ભાગવત-ધર્મની પરંપરાનું વિકસિત રૂપ હતું. આ યુગમાં થઈ ગયેલા આચાર્યોએ ભક્તિને મહત્ત્વ આપ્યું. સાદાઈ અને શ્રદ્ધાથી ઈશ્વરની ભક્તિ કરવાથી મોક્ષ મળે છે, એવો તેમણે બોધ આપ્યો.
દક્ષિણ ભારતના નાયણારો તથા આલ્વારો નામના સંતોએ આપેલા ઉપદેશમાં ભક્તિમાર્ગનો ઉદ્ભવ જણાય છે. તે પછી રામાનુજાચાર્ય, બસવેશ્વર, નિમ્બાર્કાચાર્ય, મધ્વાચાર્ય, રામાનંદજી, વલ્લભાચાર્ય વગેરેએ તેના પ્રચાર તથા પ્રસારમાં નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો. સંત કબીર અને ગુરુ નાનકે હિંદુ-મુસ્લિમ એકતા ઉપર ભાર મૂક્યો હતો.
વૈષ્ણવ આચાર્યોમાં પ્રથમ રામાનુજાચાર્યે (ઈ. સ. 1017-1137) વેદાંતનો અભ્યાસ કર્યો હતો. તેમણે શંકરાચાર્યના અદ્વૈતવાદ અને માયાવાદની ટીકા કરી અને વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું. તેમણે નવો શ્રીસંપ્રદાય સ્થાપ્યો. ઈશ્વર એક જ છે અને તેની ભક્તિ કરવી એ જ સાચો ધર્મ છે, એવો ઉપદેશ તેમણે આપ્યો. હિંદુ-મુસ્લિમ એકતાનું વાતાવરણ ઊભું કરનાર તેઓ પ્રથમ સંત હતા.
બારમી સદીમાં બસવેશ્વર નામના બ્રાહ્મણ સુધારકે શિવની ભક્તિનો પ્રચાર કર્ણાટકમાં કર્યો. તેમણે ઉપદેશ આપ્યો કે ન્યાત-જાતના કે ઊંચનીચના ભેદભાવ વિના શિવના સર્વે ભક્તોને સમાન ગણવા. તેમણે કન્નડ ભાષામાં શિવની ભક્તિનો પ્રચાર કર્યો.
નિમ્બાર્કાચાર્યે કૃષ્ણ અને રાધાની ભક્તિનો પ્રચાર કર્યો. એમનો સિદ્ધાંત દ્વૈતાદ્વૈત તરીકે જાણીતો છે. કર્ણાટકના મધ્વાચાર્યે વિષ્ણુની ભક્તિ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, ભક્તિ કરવાથી ઈશ્વર મળે છે અને તે માટે ક્રિયાકાંડો આવદૃશ્યક નથી, રામાનુજાચાર્યના શિષ્ય રામાનંદ ભારતના ધાર્મિક ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમણે રાઘવાનંદજી પાસે દીક્ષા લીધી હતી. તેઓ રામના ઉપાસક હતા. તેઓ સંત અને સુધારક બંને હતા. તેમણે જાતિવાદનો વિરોધ કર્યો. તેઓ બ્રાહ્મણ કે દલિતો વચ્ચે ભેદભાવ રાખતા નહિ. તેઓ કહેતા કે, ‘જાતિ પાંતિ પૂછે ના કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોઈ.’ પોતે બ્રાહ્મણ હોવા છતાં નીચી ગણાતી જાતિના લોકો સાથે જમતા હતા. તેમના શિષ્યોમાં વણકર, વાળંદ, રાજપૂત, જાટ, ખેડૂત, મોચીનો સમાવેશ થતો હતો. તે લોકોમાંના મહાન સંતો થયા હતા તેમણે પોતાનો ઉપદેશ સંસ્કૃતને બદલે હિંદી એટલે કે લોકોની બોલીમાં આપ્યો. ઉત્તર ભારતમાં તેઓ ઘણા લોકપ્રિય થયા. તેમણે મુસલમાનો, સ્ત્રીઓ અને શૂદ્રોને પણ પોતાના સંપ્રદાયમાં આવકાર્યાં હતાં. ધર્મના ઇતિહાસમાં રામાનંદનું સ્થાન અદ્વિતીય છે. રામાનંદના વિચારો માટે નાભાજીની ‘ભક્તમાલા’ જાણીતી છે.
વૈષ્ણવ સંપ્રદાયની મુખ્ય શાખાના તથા શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રવર્તક વલ્લભાચાર્ય 1479માં ચંપારણ્યમાં મહાનદીને કિનારે તૈલંગ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. તેમણે કાશીમાં વેદ, ઉપનિષદ, દર્શનસૂત્રો, સ્મૃતિઓ, ઇતિહાસ, પુરાણો વગેરેનો અભ્યાસ કર્યો. વલ્લભાચાર્ય ભાગવત-ધર્મની સ્થાપના કરનાર શ્રેષ્ઠ આચાર્ય હતા. યમુના નદીને કિનારે અડેલ ગામમાં પર્ણકુટીમાં રહીને તેમણે ઘણા ધર્મગ્રંથો લખ્યા હતા. જે સ્થળોએ રહીને તેમણે ભાગવત-પારાયણ અને ભાગવત સંપ્રદાયનો પ્રચાર કર્યો, તે હાલમાં મહાપ્રભુજીની બેઠકો કહેવાય છે. તેમણે માયાવાદનું ખંડન કરી શુદ્ધાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું હતું. તેમણે પૂર્વમીમાંસાભાષ્ય, સિદ્ધાંતમુક્તાવલી, સિદ્ધાંતરહસ્ય, તત્ત્વદીપ વગેરે ગ્રંથો લખ્યા છે.
બંગાળના જાણીતા ભક્તિમાર્ગપ્રવર્તક ચૈતન્ય વલ્લભાચાર્યના સમકાલીન (જ. 1485) હતા. તેમણે જાતિભેદનો વિરોધ કરી, માનવમાત્રનું બંધુત્વ, કર્મકાંડની નિરર્થકતા, હરિભક્તિનો ઉપદેશ આપ્યો હતો. તેમણે કૃષ્ણની શુદ્ધભક્તિનો મહિમા ગાયો છે. ભક્તિમાર્ગ દ્વારા તેમણે બંગાળમાં વૈષ્ણવ-ધર્મનો પ્રચાર કર્યો હતો.
મહારાષ્ટ્રના સંત નામદેવ (1270-1350) મૂર્તિપૂજા તથા આડંબરભરી વિધિઓનો અસ્વીકાર કરતા. તેમણે અનેક અભંગોની રચના કરી હતી. તે ઘણા સુંદર, સાદા અને મધુર છે. નામદેવ, કબીર અને નાનક – એ ત્રણેયના ઉપદેશો ઉપર ઇસ્લામની અસર જણાય છે. તેઓએ જાતિભેદ, બહુદેવવાદ તથા મૂર્તિપૂજાનો વિરોધ કરી સદાચાર અને પવિત્રતાને સાચો ધર્મ ગણાવ્યો છે. કબીર નિર્ગુણ ધારાના જ્ઞાનમાર્ગી શાખાના પ્રતિનિધિ અને રામાનંદના શિષ્ય હતા. તેમણે હિંદુ અને ઇસ્લામ બંને ધર્મનો મર્મ સમજી લીધો અને પોતાનો કબીર પંથ સ્થાપ્યો. તેઓએ હિંદુ-મુસલમાનોની એકતાનો ઉપદેશ આપ્યો; રામ અને રહીમ એક હોવાનું જણાવ્યું. તેઓ મૂર્તિપૂજા અને જાતિભેદના વિરોધી હતા. તેઓ નિર્ગુણ અને નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા. તેમની વાણીનો સંગ્રહ, તેમના શિષ્યોએ ‘બીજક’ નામના ગ્રંથમાં કરેલો છે.
ગુરુનાનક શીખ ધર્મના પ્રવર્તક મહાત્મા હતા. તેઓ સંસાર છોડીને સંન્યાસી બન્યા. કબીરના ઉપદેશનો નાનક પર પ્રભાવ પડ્યો હતો. તેમણે હિંદુ તથા મુસલમાનોમાં વિચારસામ્ય પેદા કરવાનો અને હિંદુ તથા ઇસ્લામ ધર્મનો સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો. તેમણે પ્રવાસો યોજીને એક ઈશ્વરની ભક્તિની તરફેણ અને મૂર્તિપૂજાનો વિરોધ કર્યો. નાનકદેવને હિંદીઓ ‘ગુરુ’ અને મુસલમાનો ‘પીર’ કહેતા હતા. તેમના શિષ્યો ‘શીખ’ નામથી ઓળખાયા. મધ્યકાલીન પંજાબમાં નવજાગૃતિ લાવવાનું કામ ગુરુનાનકે કર્યું. તેઓ ભગવાનના સાચા ભક્ત હતા. તેમણે સર્વ ધર્મોની એકતાની શીખ આપી. તેમની કૃતિઓ ‘ગુરુ ગ્રંથસાહેબ’માં સંગૃહીત થયેલી છે.
આમ મધ્યયુગમાં ભક્તિ-આંદોલન સમગ્ર દેશમાં ફેલાયું હતું. તેમાં લોકોએ ઘણો રસ લીધો. ધર્મગુરુઓએ મુખ્યત્વે પ્રભુભક્તિ તથા સર્વધર્મસમાનતાનો બોધ આપ્યો હતો. સામાન્ય માણસને ન સમજાય એવા ક્રિયાકાંડવાળા ધર્મથી તથા બ્રાહ્મણોના વર્ચસ્વથી કંટાળેલા લોકોએ ભક્તિમાર્ગને સહર્ષ આવકાર્યો હતો.
જયકુમાર ર. શુક્લ