સલામત અલી, નજાકત અલી

January, 2007

સલામત અલી (. 1924, શ્યામચોરાસી, જિ. હોશિયારપુર, અવિભાજિત પંજાબ), નજાકત અલી (. 1932, શ્યામચોરાસી, જિ. હોશિયારપુર) (અલી બંધુઓ) : ભારતમાં જન્મેલા પરંતુ દેશના વિભાજન બાદ પાકિસ્તાન જતા રહેલા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયકો. તેઓ અલીબંધુ નામથી જાણીતા છે. પિતાનું નામ વિલાયત અલીખાં તથા કાકાનું નામ અલીખાં હતું. આ બે ભાઈઓ હંમેશ સાથે જ ગાયન પ્રસ્તુત કરતા, જે પરંપરા સલામત અલી અને નજાકત અલીએ ચાલુ રાખી છે. યુગલ-ગાયનની આ પરંપરા તેમના પૂર્વજો પાસેથી તેમને વારસામાં મળી હતી. પ્રયોગશીલ ગાયકોમાં સલામત અલી અને નજાકત અલીની ગણના થાય છે.

અલીબંધુઓ

બાળપણથી જ શાસ્ત્રીય સંગીત તરફ તે બંનેનો લગાવ હોવાથી તેમણે શાળા-કૉલેજનું ઔપચારિક શિક્ષણ લીધું ન હતું. બંનેએ શાસ્ત્રીય સંગીતની શિક્ષા પોતાના પિતા અને કાકા પાસેથી લીધી છે. ધ્રુપદ-શૈલીની ગાયકીમાં આ બેલડી માહેર છે. ઉપરાંત ખ્યાલ-ગાયકી, ઠૂમરી અને ગઝલ-ગાયકીમાં પણ તેઓ ખ્યાતિ ધરાવે છે. પાકિસ્તાન ઉપરાંત ભારતમાં પણ તેઓ લોકપ્રિય કલાકારો છે. બંને દેશોમાં મોટાં મોટાં નગરોમાં તથા સંગીતસંમેલનોમાં તેમણે પોતાનું ગાયન રજૂ કર્યું છે. બંનેના કંઠ નિસર્ગદત્ત મીઠાશ ધરાવે છે. સ્વરોનું માધુર્ય, બંદિશોનો વિસ્તાર અને તાન તથા બોલની રજૂઆતની બાબતમાં તેઓ બંને જાણીતા છે. બે ભાઈઓમાંથી એક સ્વરોની સ્થિરતા પર તો બીજો ભાઈ સ્વરોની ચપલતા પર ભાર મૂકતા હોવાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની કાબેલિયત આ બેલડી ધરાવે છે.

તેમના ગાયનની અનેક રેકર્ડો બહાર પડી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે