સલામ, અબ્દુસ (. 29 જાન્યુઆરી 1926, જંગ માઘયાના, પંજાબ, પાકિસ્તાન [તે વખતનું હિન્દુસ્તાન]; . 21 નવેમ્બર 1996, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : પાકિસ્તાની ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની અને 1979ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકના સ્ટીવન વાઇનબર્ગ અને શેલ્ડન લી ગ્લાશોના સહવિજેતા. તેમણે એકીકૃત વિદ્યુત-મંદ સિદ્ધાંત(unified electro weak theory)નું સૂત્રણ એટલે કે મૂળભૂત કણો વચ્ચે પ્રવર્તતી મંદ-ન્યૂક્લિયર અને વિદ્યુત-ચુંબકીય આંતરક્રિયાઓને એકીકૃત કરેલી; જેમાં મંદ તટસ્થ પ્રવાહને પૂર્વસૂચિત કરેલ.

અબ્દુસ સલામ

ભૌતિકવિજ્ઞાન અન્ય વિજ્ઞાનની જેમ, દેખીતી રીતે સંબંધ નહિ ધરાવતાં કુદરતી અને પ્રાયોગિક અવલોકનો માટે સમાન કારણો શોધવા મથે છે. ભૌતિકવિજ્ઞાન કુદરતમાં ચાર મૂળભૂત બળોને સ્વીકારે છે. તેનો અર્થ એ થાય કે મૂળભૂત કણો વચ્ચે પ્રવર્તતી ચાર મૂળભૂત આંતરક્રિયાઓને તે સ્વીકારે છે. તેનાં નામ છે : ગુરુત્વાકર્ષણની આંતરક્રિયા, વિદ્યુત-ચુંબકીય આંતરક્રિયા, પ્રબળ ન્યૂક્લિયર આંતરક્રિયા અને મંદ-ન્યૂક્લિયરની આંતરક્રિયાઓ.

પ્રબળ ન્યૂક્લિયર આંતરક્રિયાના લીધે ન્યૂક્લિયસમાં પ્રોટૉન અને ન્યૂટ્રૉન સાથે બંધાયેલા રહે છે. જ્યારે મંદ-ન્યૂક્લિયર આંતરક્રિયા કિરણોત્સર્ગતામાં બીટા-ક્ષય(b-decay)નું કારણ છે. બીટા-ક્ષયની પ્રક્રિયામાં ન્યૂટ્રૉનનો ક્ષય થતાં તે પ્રોટૉનમાં રૂપાંતર પામે છે. તેની સાથે ઇલેક્ટ્રૉન અને ન્યૂટ્રિનો ઉત્પન્ન થાય છે. સૂર્યમાં હાઇડ્રોજન ન્યૂક્લિયસનું સંલયન થઈ હિલિયમમાં રૂપાંતર થવા ન્યૂક્લિયર પ્રક્રિયાની એક આખી શ્રેણી થાય છે ત્યારે સૌર ઊર્જા મળે છે. પ્રક્રિયાઓની આ શ્રેણીમાં પ્રથમ પ્રક્રિયા હાઇડ્રોજનનું ભારે હાઇડ્રોજન(ડ્યુટેરિયમ)માં રૂપાંતર થાય છે તે મંદ-ન્યૂક્લિયર આંતરક્રિયાને આભારી છે. તેના વિના સૌર ઊર્જા ઉદ્ભવવી શક્ય નથી.

મંદ-ન્યૂક્લિયર આંતરક્રિયાનો વાદ સૌપ્રથમ 1934માં ઇટાલીના ભૌતિકવિજ્ઞાની એન્રિકો ફર્મીએ આપેલો. જોકે નિમ્ન ઊર્જા ધરાવતા કણો વચ્ચે પ્રવર્તતી મંદ-ન્યૂક્લિયર આંતરક્રિયાની સમજૂતી 1956માં આપવામાં આવી. તે મુજબ મંદ-ન્યૂક્લિયર બળ અન્ય બળોની જેમ પરાવર્તન-સમમિતિ(symmetry)ને અનુસરતું નથી. સાદી ભાષામાં કહીએ તો મંદ-ન્યૂક્લિયર બળ ડાબા અને જમણાનો ભેદ પાડે છે. આ વાદ નિમ્ન ઊર્જાવાળા કણોને લાગુ પડતો હતો.

1960ના દાયકામાં અલગ અલગ રીતે શ્રેણીબદ્ધ સંશોધનો દ્વારા નોબેલ પારિતોષિક-વિજેતાઓ ગ્લાશો, સલામ અને વાઇનબર્ગે એવો સિદ્ધાંત આપ્યો જે ઉચ્ચ ઊર્જા ધરાવતા કણોને પણ લાગુ પડે છે. તે મંદ-ન્યૂક્લિયર અને વિદ્યુત-ચુંબકીય આંતરક્રિયાનું સામાન્ય સૂત્રણ કરે છે. આ વાદ નવી મંદ-ન્યૂક્લિયર આંતરક્રિયાના અસ્તિત્વને પૂર્વ-સૂચિત કરે છે, જેમાં આંતરક્રિયા કરતા કણોમાં તેના વિદ્યુતભાર બદલાતા નથી. આ વર્તણૂક વિદ્યુત-ચુંબકીય આંતરક્રિયામાં થતી પ્રક્રિયાને મળતી આવે છે. અને કહી શકાય કે આંતરક્રિયા તટસ્થ પ્રવાહ દ્વારા આગળ વધે છે. મંદ તટસ્થ પ્રવાહની અસરનું પ્રથમ અવલોકન 1973માં યુરોપની ન્યૂક્લિય સંશોધન પ્રયોગશાળા, સર્ન(CERN)માં જિનીવા ખાતે એક પ્રયોગમાં કરવામાં આવેલું.

આ વાદનું અગત્યનું પરિણામ એ આવ્યું કે મંદ-ન્યૂક્લિયર પ્રક્રિયા ફોટૉન જેવા પરંતુ ભારે દ્રવ્યમાન ધરાવતા કણો દ્વારા થાય છે. મંદ-ન્યૂક્લિયર પ્રક્રિયા લઘુઅંતરી છે. વિદ્યુત-ચુંબકીય પ્રક્રિયા ફોટૉન દ્વારા થાય છે. અહીં ફોટૉન જેવા કણોને ‘વીક વેક્ટર બોઝૉન’ અર્થાત્ W અને Z બોઝૉન કહે છે. 1983માં સર્ન (CERN) ખાતે આ કણોનું અસ્તિત્વ પ્રયોગ દ્વારા પુરવાર થયું.

અબ્દુસ સલામે ચૌદ વર્ષની વયે પંજાબ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં ત્યાં સુધીમાં કોઈ પરીક્ષાર્થીએ મેળવેલા ગુણ કરતાં વધારે ગુણ મેળવ્યા હતા. તેઓ જ્યારે બાઇસિકલ પર પોતાના ગામ જંગ પાછા ફર્યા ત્યારે આખું ગામ તેમનું સ્વાગત કરવા ઊમટ્યું હતું. પંજાબ યુનિવર્સિટીની ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાં આગળ અભ્યાસ કરવા તેમને શિષ્યવૃત્તિ મળેલ અને 1946માં ત્યાંથી તેઓ એમ.એ. થયા. તે જ વર્ષે તેમને સેન્ટ જ્હૉન કૉલેજ, કૅમ્બ્રિજ, ઇંગ્લૅન્ડમાં અભ્યાસ કરવા શિષ્યવૃત્તિ મળી અને ત્યાંથી તેમણે 1949માં બી.એ.(ઓનર્સ)ની ડિગ્રી ગણિત અને ભૌતિકવિજ્ઞાન બંનેમાં પ્રથમ ક્રમે મેળવી. ત્યારબાદ 1951માં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી.

સલામ 1951માં પાકિસ્તાન પરત આવ્યા. ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાં ગણિતના અધ્યાપક થયા. 1952માં પંજાબ યુનિવર્સિટીના ગણિત વિભાગના અધ્યક્ષ થયા. તેમણે અનુભવ્યું કે ત્યાં પોતે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં સંશોધન આગળ વધારી શકે તેમ નથી. તેથી તેઓ વિદેશ ગયા.

પોતાના દેશમાં સંશોધન આગળ વધારવા પોતે અનુભવેલી મર્યાદા વિકસતા દેશોના તેજસ્વી યુવાનોને અનુભવવી ન પડે તે માટે ઇટાલીમાં ટ્રિએસ્ટ (TRIEST) ખાતે ઇન્ટરનૅશનલ સેન્ટર ઑવ્ થિયોરિટિકલ ફિઝિક્સ(ICTP)ની સ્થાપના કરી. આ સંસ્થામાં વિકસતા દેશોના તેજસ્વી યુવાન ભૌતિકવિજ્ઞાનીઓ તેમના વિષયમાં સંશોધનક્ષેત્રે અગ્રિમ વૈજ્ઞાનિકો સાથે વૅકેશનમાં ત્રણ મહિના વિચારવિમર્શ અને સંશોધનકાર્ય કરવા ગાળી શકે તેવી ગોઠવણ કરી.

 1954માં કૅમ્બ્રિજમાં અધ્યાપક થવા પાકિસ્તાન છોડવા છતાં તેઓ તેની વિજ્ઞાનનીતિના સલાહકાર તરીકે પાકિસ્તાન જતા. તેમણે પાકિસ્તાનના પરમાણુ-ઊર્જા પંચના સભ્ય, પાકિસ્તાનના વિજ્ઞાન પંચના સભ્ય અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે 1961થી 1974 સુધી કાર્ય કર્યું.

અબ્દુસ સલામને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન-અકરામો મળ્યા. તેમને દુનિયાની જે અનેક યુનિવર્સિટીઓએ ડૉક્ટરેટની માનદ ડિગ્રી આપી તેમાં ભારતની ચાર યુનિવર્સિટીઓ પણ હતી.

અબ્દુસ સલામ સમર્પિત મુસ્લિમ હતા. પરંતુ તેમના માટે ધર્મ જીવનનો સંકુચિત ભાગ ન હતો. તેમના કાર્ય અને કૌટુંબિક જીવનનું તે અભિન્ન અંગ હતો. તેમણે લખ્યું છે કે પવિત્ર કુરાન અલ્લાહે રચેલા કુદરતના વિવિધ નિયમોનું ચિંતન કરવા ફરમાવે છે. અલબત્ત, આજની માનવપેઢીને વિશેષ લાભ એ મળ્યો છે કે તે અલ્લાહના સર્જનની ડિઝાઇનની અંશત: ઝાંખી કરી શકે છે.

વિહારી છાયા