સલામતી અને સલામતી ઉદ્યોગ

January, 2007

સલામતી અને સલામતી ઉદ્યોગ : માનવીને ઈજા પહોંચાડતા અકસ્માતોને નિવારવા માટેનાં સાધનો કે ઉપકરણોનું આયોજન. તેનું કાર્યક્ષેત્ર કારખાનાં, દફતરો, દુકાનો, બાંધકામો, જાહેર સ્થળો, ખનન, ખેતી, પરિવહન, રસ્તા, ગૃહ વગેરે સ્થળોએ માનવીને આરક્ષણ પૂરું પાડવાનું છે.

આદિકાળથી માનવી પર્યાવરણ, પશુઓ વગેરેથી પોતાની જાતનું રક્ષણ કરવા માટે પ્રયત્નશીલ રહ્યો છે. સંસ્કૃતિના વિકાસ સાથે તેણે સલામતીનાં સાધનોનો પણ વિકાસ સાધ્યો છે; પરંતુ તે સમયે ઈજાને કાર્યના એક અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકારવાની પ્રણાલી સ્થપાઈ હતી. તેને કાર્યનો એક હિસ્સો ગણીને કામદારને જ તે માટે જવાબદાર લેખવામાં આવતો હતો.

મનુષ્યને ઈજા પહોંચાડવા સામે પ્રતિબંધકતા કેળવવા માટેના સૌ પ્રથમ કાયદા ઘડવાનું શ્રેય બૅબિલોનના રાજા હમુરાબી-(Hammurabi, 1792-1750 B.C.)ને આપી શકાય. આ રાજાએ આંખની સામે આંખ અને દાંતની સામે દાંત, બેદરકારીભર્યા કાર્યને કારણે નુકસાન થાય તો મકાન બાંધનારે તેનું વળતર, વગેરે નિયમનો ઘડી ઈજા કે નુકસાનનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રયત્નો કર્યા હતા. પ્રખ્યાત ઇતિહાસકાર પ્લીની ધી એલ્ડરે (Pliny the elder, 23-79 A.D.) ખાણના કામદારોને થતી ઈજાઓ તેમજ વ્યાવસાયિક માંદગી માટે માનવીય અભિગમ અપનાવવાનું સૂચન કર્યું હતું. આર્ય સંસ્કૃતિમાં પણ કામદારો પ્રત્યે માનવીય અભિગમ અપનાવવા માટે અછડતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; પરંતુ વિશ્વભરમાં કામદારને ઈજા તેમજ મૃત્યુ સમયે વળતર આપવાની કોઈ વ્યવસ્થા હોય તેવી માહિતી ઉપલબ્ધ નથી. તે સમયે મહદ્ અંશે લઘુ તેમજ કુટિર-ઉદ્યોગો અસ્તિત્વમાં હતા. કોલસા, લોખંડ, તાંબું વગેરે ખનીજ ઉદ્યોગો પણ અવ્યવસ્થિત હાલતમાં હતા. કામદારોને સલામતી બક્ષવાની કે આરક્ષણ પૂરું પાડવાની સભાનતા જ ન હતી.

અઢારમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિની સાથે જ વિશાળ પાયા પર ઉદ્યોગોની સ્થાપનાનો પ્રારંભ થયો હતો. તેને માટે મોટી સંખ્યામાં કામદારોની પણ આવશ્યકતા રહેતી હતી; પરંતુ કામદારોને ઈજા સામે સુરક્ષા પૂરી પાડવાની કોઈ વ્યવસ્થા ત્યારે અસ્તિત્વમાં ન હતી. ઇંગ્લૅન્ડમાં કેટલાક ઉદ્યોગોએ કિશોરોને તાલીમ આપવાનું આયોજન કરી શોષણ કરવાની વૃત્તિ દર્શાવી હતી. કામદારોના કામના કલાકો નિયત ન હોવાને પરિણામે તેમણે ગજા ઉપરાંત કામ કરવું પડતું હતું. સ્વચ્છતાને અભાવે સંખ્યાબંધ કારીગરો બીમારી ભોગવતા હતા. તેની વિરુદ્ધમાં ઊઠેલા લોકજાગૃતિના જુવાળે સરકારને કામદારોને સુરક્ષા પૂરી પાડવા યોગ્ય પગલાં લેવાની ફરજ પાડી હતી.

ઈ. સ. 1802માં ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે બાળમજૂરોની સ્થિતિ-સુધારણાના ઠરાવો કર્યા હતા. ઈ. સ. 1842માં કામદારોના સ્વાસ્થ્ય પરના સંશોધને સરકારને વધુ કાયદા ઘડવા પ્રોત્સાહિત કરી હતી. જર્મનીમાં પ્રિન્સ બિસ્માર્કે રાષ્ટ્રીય સામાજિક વીમા યોજના નીચે કામદારોને માંદગી, અકસ્માતો, અપંગતા, માતૃત્વ, વૃદ્ધો તેમજ મૃત્યુ પામેલાઓ માટે માલિકો પાસે વળતર અપાવવાના કાયદા પસાર કર્યા હતા. તેને અનુલક્ષીને ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને યુરોપના દેશોએ કામદારોને સલામતી બક્ષતા કાયદા ઘડ્યા હતા. આમ છતાં પણ અકસ્માતોથી થતી ઈજા વગેરેનો ખર્ચ કામદારે જ ભોગવવો પડતો હતો. ઈજા સામે વળતર મેળવવા તેણે પુરવાર કરવું પડતું હતું કે અકસ્માતની જવાબદારી માલિકની હતી; જે ઘણું મુશ્કેલ કાર્ય હતું. વળી કાયદા પણ મહદ્ અંશે માલિકોની જ તરફેણ કરતા હતા.

અકસ્માતો કાર્યમાં ક્ષતિ પહોંચાડી ઉત્પાદનમાં ઘટાડો કરે છે તેમજ યંત્રોને પણ નુકસાન પહોંચાડી શકે છે, જેને પરિણામે ઉત્પાદનખર્ચ અને વસ્તુની કિંમતમાં વૃદ્ધિ થાય છે. આ સમજણ કેળવ્યા પછી કેટલાક પ્રગતિશીલ માલિકોએ સ્વહિત જાળવવા, અકસ્માતો નિવારવા માટે યોગ્ય પગલાં લેવાનો આરંભ કર્યો હતો. કેટલાક ઔદ્યોગિક વિકસિત દેશોએ કામદારોના વળતરનો કાયદો (Workmens’ Compensation Act) પસાર કર્યો હતો. આ કાયદાએ કાર્યકાળ દરમિયાન કામદારને થયેલ ઈજા, દવાકીય સારવાર, કામ પરથી ગેરહાજરી, અપંગતા, મૃત્યુ વગેરે માટે યોગ્ય વળતર આપવા માટે માલિકોને જવાબદાર ઠેરવ્યા હતા. તેને પરિણામે માલિકોએ અકસ્માતો નિવારવાની દિશામાં આયોજન કરવાનો આરંભ કર્યો હતો. તેવી જ રીતે વીમા કંપનીઓએ સલામતીની વ્યવસ્થાને ખ્યાલમાં રાખીને અકસ્માતો માટેના પ્રીમિયમના દર નિશ્ચિત કરવાનું આયોજન કર્યું હતું, જેણે સંચાલકોને શક્ય તેટલી વધુ સલામતીની વ્યવસ્થા કરવા પ્રોત્સાહન આપ્યું હતું. વિશ્વભરમાં વિશેષે કરીને ઔદ્યોગિક દેશોમાં સલામતીનાં સાધનોના ઉત્પાદનને વેગ મળ્યો હતો. આ ઉપરાંત ગૃહ-સુરક્ષા, માર્ગ-સુરક્ષા, વાહન-સુરક્ષા, અગ્નિશમન, ઔદ્યોગિક તેમજ સામાન્ય પર્યાવરણથી થતા રોગો વગેરે માટે પણ સલામતીનાં સાધનો વિકસાવવામાં આવ્યાં હતાં. કામદારોને સુરક્ષા જાળવવા માટે શિક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઔદ્યોગિક સ્વાસ્થ્ય નીચે કામદારોની માંદગી વગેરે માટે ગેરહાજરીને નિમ્નતમ રાખવા, તેમની માનસિક અને ભાવનાશીલ હાલત સ્વસ્થ રાખવા માટે પણ માર્ગદર્શન પૂરું પાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તેની જવાબદારી મુખ્યત્વે માલિકો પર જ નિર્ભર રહેતી હતી.

સલામતી-આયોજનનું મૂલ્યાંકન કરવા માટે સંચાલકો અકસ્માતને કારણે નુકસાન, કામદારને આપવું પડતું વળતર તેમજ વીમાના લવાજમના ખર્ચનો અંદાજ કરીને યોગ્ય પગલાં લે છે. જ્યારે વીમા કંપનીઓ માલિકોનું સલામતીનું આયોજન, અકસ્માતને કારણે કામદારને ઈજા તેમજ દવા અને માંદગી દરમિયાન આપવું પડતું વળતર, અપંગતા અને મૃત્યુ માટેનું વળતર વગેરે પરથી લવાજમનાં ધોરણો નિશ્ચિત કરે છે. વળી વિવિધ ઉદ્યોગોમાં અકસ્માતનાં જોખમોમાં પણ ગણનાપાત્ર તફાવત જોવા મળે છે. સૌથી ઓછા અકસ્માતો માહિતી ઉદ્યોગમાં અને સૌથી વધુ અકસ્માતો અને કઠોર ઈજાઓ ખાણ અને કાષ્ઠ ઉદ્યોગોમાં જોવા મળે છે; તેથી તેમના લવાજમના દરોમાં પણ ઠીક ઠીક તફાવત જોવા મળે છે. સલામતી-નિષ્ણાતોનું મહત્ત્વનું કાર્ય અકસ્માતનાં જોખમો અને કાર્યપદ્ધતિને કારણે નુકસાનનો અંદાજ કાઢી અનુભવને આધારે સલામતી-વ્યવસ્થામાં યોગ્ય પરિવર્તનો કરવાનું છે.

હાલ પ્રચલિત સલામત ઇજનેરી વ્યવસ્થામાં યંત્રોનો ઉપયોગ કરતી વખતે શક્ય તેવા અકસ્માતોથી સલામતી મેળવવાની અથવા તો ઓછામાં ઓછી ઈજા કે નુકસાન થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની કામગીરીનો સમાવેશ થાય છે. તેને માટે યંત્રોની રૂપરેખા, રચના, ચકાસણી, સ્થાપના, દેખરેખ, કાર્ય વગેરેનું વિશ્લેષણ કરી શક્ય તેટલા ઓછા અકસ્માતો સર્જાય તેવું આયોજન કરવામાં આવે છે. સાધનો કે યંત્રોની ખામી કે નિષ્ફળતાને કારણે પણ અકસ્માતો શક્ય બને છે. કારખાનામાં માલસામાનના પરિવહનમાં અયોગ્ય રીતે વજન ઊંચકવું, વધુ પડતું વજન, અયોગ્ય પકડ કે કાર્ય વખતે હાથ કે પગની અયોગ્ય સ્થિતિ પણ અકસ્માત સર્જી શકે છે. ક્વચિત્ પર્યાવરણને કારણે પણ અકસ્માત થાય છે. વિક્ષેપ, થાક, ચિંતા, અયોગ્ય અભિગમ, કૌશલ્યની ખામી, જોખમકારક વલણ વગેરે માનવીય નિષ્ફળતાઓ કે મર્યાદાઓને કારણે પણ અકસ્માતો થાય છે.

વીજળીના આંચકા ભારે અકસ્માત સર્જી શકે છે. તેનાથી સલામતી મેળવવા વીજળીની કળો, વિસ્ફોટક-અભેદ્ય (explosion-proof) અને હવાવિહીન (air tight) સાધનો, તણખા (sparks) અને વૃત્તખંડ(arc)થી લાગતી આગ અને ધડાકાથી રક્ષણ મેળવવા ઉપયોગમાં લેવામાં આવે છે. તે ઉપરાંત વિશિષ્ટ પ્રકારનાં વીજળીક પ્રવાહ વિઘટકો તૈયાર કરવામાં આવે છે.

ઔદ્યોગિક રસાયણો વિસ્ફોટ, ઝેરી વાયુઓ અને બાળી નાખે તેવી ગરમી તેમજ આગ લગાડવાની શક્યતા ધરાવે છે. તેની સામે સલામતી પૂરી પાડવા વિવિધ પ્રકારનાં સ્વયંસંચાલિત ઉપકરણો ઉપયોગમાં લેવામાં આવે છે.

કિરણોત્સર્ગ સામે વધુ પડતા આચ્છાદનરહિત રહેવાને પરિણામે શરીરના કોષો પર અસર થતાં તે ગંભીર ઈજા પહોંચાડે છે. તેથી તેની સામે રક્ષણ પૂરું પાડવા માનવીને નિમ્નતમ સમય માટે તેની સાથે રહેવાની સમયમર્યાદા નક્કી કરી આરક્ષણ માટે વિશિષ્ટ પ્રકારનાં ટોપ, કપડાં, મોજાં, પગરખાં વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.

બાંધકામ-ઉદ્યોગમાં માથા પર હેલ્મેટ, ગૉગલ્સ, રબરનાં મોજાં, બૂટ વગેરેનો વપરાશ પ્રચાર પામી રહ્યો છે.

વાહનો ચલાવતાં સલામત રહેવા માટેના ત્રિકેન્દ્રિત કમરપટાના ઉપયોગથી અકસ્માતોમાં સ્વીડનમાં આશરે 85%થી 90% ઘટાડો નોંધાયો હતો તેવી માહિતી છે. દ્વિચક્રી વાહનો ચલાવનાર માટે હેલ્મેટ પણ અકસ્માતમાં થતી ઈજામાં ગણનાપાત્ર ઘટાડો કરી શકે છે.

ઘરમાં અકસ્માતની શરૂઆત મોટેભાગે રસોડામાંથી થાય છે. જ્યાં રાંધણ ગૅસ, વીજળીના ચૂલા, કેરોસીન-સ્ટવ મહત્ત્વનો ભાગ ભજવે છે. તે ઉપરાંત વીજળીનાં સાધનો વગેરેને સુવ્યવસ્થિત રાખવાથી અકસ્માતો નિવારી શકાય છે.

વિકાસશીલ દેશો ઔદ્યોગિકીકરણ સાથે આર્થિક વિકાસ સાધી રોજગારીમાં વૃદ્ધિ કરી જીવનધોરણ ઊંચું લાવવામાં પ્રવૃત્ત થયા છે. વિશ્વભરમાં સ્પર્ધાને કારણે જટિલ તકનીકી, જોખમકારક પ્રક્રમો, જોખમકારક રસાયણો, વિદેશી વિજ્ઞાન અને કાર્યપ્રણાલી ભારતમાં અપનાવવામાં આવી રહ્યાં છે. પ્રક્રમ-સલામતી અને જોખમી સંચાલન માટે વિજ્ઞાન સાથે વ્યાવહારિક દૃષ્ટિકોણની આવશ્યકતા રહે છે; પરંતુ ઔદ્યોગિકીકરણની સાથે માનવીય સલામતીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. અકસ્માતોનું મુખ્ય કારણ માનવીય ભૂલો હોય છે. તેને માટે કારીગરોને યોગ્ય વર્તન માટે શિક્ષણ આપી, બિનજરૂરી ભૂલોથી દૂર રાખી, સલામતીનાં સાધનો પૂરાં પાડી અકસ્માતોમાં ગણનાપાત્ર ઘટાડો સાધી શકાય છે. સંચાલકો અદ્યતન વિજ્ઞાનને અનુસરીને દબાણ સુરક્ષા વિકલ્પો, સ્વયંસંચાલિત અંકુશ-વ્યવસ્થા, કારખાનામાં ઉપયોગમાં લેવાતા કાચા માલની ગુણવત્તા, ઉપકરણોની વિશ્વાસપાત્રતા અને નિષ્ફળતાનો અભ્યાસ વગેરેને લક્ષમાં રાખીને વધુ સલામત પ્રક્રમ-વિધિ અપનાવવા માટે તત્પર રહે છે.

3 ડિસેમ્બર, 1984ના રોજ યુનિયન કાર્બાઇડ લિમિટેડ  ભોપાલના જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાંથી નીકળેલ ઝેરી વાયુએ 3,000 માણસોનો ભોગ લીધો હતો અને એક લાખથી વધુ માણસોને તેની બૂરી અસર થઈ હતી, જેનાથી તેઓ હજી પણ પીડાય છે. આ આઘાતજનક ઘટના બની ત્યાં સુધી ભારતની સરકાર તેમજ ઉદ્યોગોએ કામદારોની સલામતીની ખાસ કાળજી રાખવા માટે અસરકારક પગલાં લીધાં હોય તેવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જે કાંઈ કાયદા ઘડાયા હતા તેનો અમલ સંગઠિત પ્રગતિશીલ ઉદ્યોગો સુધી જ સીમિત હતો. મધ્યમ અને લઘુ ઉદ્યોગોમાં કામદારોની સલામતી માટે પૂરતાં પગલાંની વ્યવસ્થા છે કે નહિ તેની ચકાસણી કે અમલ કરાવી અંકુશ જાળવવા માટે સરકાર પાસે કોઈ વ્યવસ્થાતંત્ર જ ન હતું. ભોપાલની દુર્ઘટનાને પરિણામે સરકારે કાયદા તથા નિયમનો કડક બનાવ્યાં હતાં. 1987માં કારખાનાંના કાયદા(factories act)માં જોખમભર્યાં રસાયણો અને વસ્તુઓના ઉપયોગ સામે કામદારોને આરક્ષણ માટેનાં નિયમનો ઘડવામાં આવ્યાં હતાં. તેમાં જોખમભર્યા ઉદ્યોગોની વ્યાખ્યા તૈયાર કરવામાં આવી હતી. ઉદ્યોગો માટે આપત્તિકાળમાં પ્રતિક્રિયા માટે યોગ્ય પગલાં લેવાનું આયોજન અને અમલની તૈયારી અને તેમ  ન હોય તો ભારે સજાની જોગવાઈ કરવામાં આવી હતી. તેમાં સંચાલકોની ફરજો પણ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ 1987માં હવામાન-કાયદો (The Air Act), 1989માં જોખમકારક આડપેદાશ (The hazardous waste management and handling) કાયદો, 1992માં જાહેર જવાબદારી વીમા કાયદો (The Public Liability Insurance Act) અને પર્યાવરણ પરિરક્ષણ-બીજો સુધારો (The environment protectionsecond ammendment) જેવા કાયદા ઘડવામાં આવ્યા હતા, જે અનુસાર પર્યાવરણની વાર્ષિક ચકાસણી કરી રાજ્ય પર્યાવરણ અંકુશ મંડળોને તેની જાણકારી કરવાની ઉદ્યોગોની ફરજ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ઉદ્યોગો કરતાં પણ વધુ અકસ્માતો ઘરો અને રસ્તાઓ પર થાય છે. તે નિવારવા સુરક્ષા અંગે સભાનતા કેળવવાની આવશ્યકતા છે. ગૃહિણીઓની અજ્ઞાનતા, બિનકાર્યક્ષમતા તેમજ તાલીમનો અભાવ, રસ્તાઓનું ખામીભર્યું આયોજન, વાહનોના પ્રમાણમાં રસ્તાઓની અપૂરતી વ્યવસ્થા અને સરકારી તંત્રની બિનકાર્યક્ષમતા પણ અકસ્માતો માટે જવાબદાર ગણી શકાય. માત્ર કાયદાઓ ઘડવાથી નહિ, પરંતુ તેનો કડક અને અસરકારક અમલ થાય તેવા કાર્યક્ષમ તંત્રની આવશ્યકતા અવગણી શકાય તેમ નથી.

યંત્રોની મૂળભૂત રચના સમયે જ સ્વાભાવિક સલામતીનાં ધોરણો લક્ષમાં રાખી જોખમો નિવારી શકાય તેવું આયોજન, રસાયણોની પ્રતિક્રિયાક્ષમતા (reactivity), તાપીય સ્થાયિત્વ (thermal stability) અને અપઘટન(decomposition)ની માહિતી સલામતી માટે અગત્યની ભૂમિકા ભજવે છે. તેમાં પણ શીઘ્ર જ્વલનશીલ, સ્ફોટક, બહુલકીકરણ, જળ અને વાયુ પ્રત્યે પ્રતિક્રિયાક્ષમતા, વિકિરણોત્સર્ગી, પેરૉક્સાઇડ વગેરે જોખમભર્યાં રસાયણોના ઉપયોગ માટે પૂરતી સલામતી વ્યવસ્થાનું આયોજન અતિઆવશ્યક ગણી શકાય.

પ્રક્રમ-સલામતી વ્યવસ્થામાં માલિકો/સંચાલકો કારખાનાંના દરેક પ્રક્રમમાં કઈ કઈ જોખમકારક ક્રિયાઓ રહેલી છે તેનો અભ્યાસ કરી તેને માટે ભૂતકાળમાં થયેલ અકસ્માતો, ભવિષ્યનાં જોખમો તેમજ કામદારોનાં સલાહસૂચનો ધ્યાનમાં લઈને સલામતી-વ્યવસ્થાનું આયોજન કરે છે. તેમાં વિવિધ ઉપકરણો-સાધનોનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. કામદારોને સલામતીનાં સાધનો પૂરાં પાડી તેમની કાર્યપદ્ધતિ તેમજ સાધનોના ઉપયોગ માટે યોગ્ય શિક્ષણ-પ્રદાન કરવામાં આવે છે.

સલામતીનાં સાધનો કે ઉપકરણોનો ઉપયોગ ઉદ્યોગોમાં બે સ્તરે કરવામાં આવે છે. એક સ્તરે ઉત્પાદન-પ્રક્રિયા દરમિયાન યંત્રોની કાર્યવહી પર નિયંત્રણ અને યોગ્ય સુરક્ષાત્મક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે. બીજા સ્તરે કામદારોને અકસ્માત-પ્રતિકારક સાધનો અને ઉપકરણોથી સજ્જ કરવામાં આવે છે.

ઇજનેરી કારખાનાંઓમાં ઉત્પાદન દરમિયાન કારીગરોને ઈજા ન પહોંચે તેવી સુરક્ષાત્મક વ્યવસ્થા યંત્રોમાં ગોઠવવામાં આવે છે; જ્યારે રાસાયણિક કારખાનાંઓમાં ઉત્પાદનપ્રક્રિયા દરમિયાન મહદ્અંશે સ્વયંસંચાલિત અંકુશવ્યવસ્થાનું આયોજન કરી અકસ્માતો ન થાય તેવી ગોઠવણ કરવામાં આવે છે. કામદારોને હાનિ ન થાય તેવાં સાધનો કે ઉપકરણો પણ પૂરાં પાડવામાં આવે છે. તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

તેમાં કેટલાંક અગત્યનાં યંત્રોમાં દબાણ-નિયંત્રકો (Pressure regulators), વાયુસંસૂચક અને પ્રક્રમ-ઉપકરણો (Gas detector and Processing instruments), પ્રક્રમ-સુરક્ષા-સાધનો (Process-safety-instruments), વિસ્ફોટ અંગેની ચેતવણી આપતાં મીટરો અને ઑક્સીમીટરો (explosion meters and oxymeters), વીજ-પ્રવાહ-વિક્ષેપકો (circuit breakers), અગ્નિ-સંસૂચકો અને સંચેતકો (fire detectors and alarms system), વીજળી-પ્રગ્રાહકો, પ્રક્રમમાં અવ્યવસ્થા પર અંકુશ રાખનારાં (flashback arrestors) અને વીજપ્રગ્રાહી (lightening arrestors), આગ તેમજ ઘુસણખોર સંયોજક પ્રણાલીઓ (fire and intruder alarm systems) વગેરેનો સમાવેશ થાય છે.

જ્યારે અકસ્માત-પ્રતિકારક સાધનોમાં હેરફેર કરી શકાય એવાં આગ ઓલવવામાં જળ, ફીણ તેમજ ઘટ્ટરસથી સજ્જ સાધનો (portable fire extinguishers), ઔદ્યોગિક જોખમો સામે તકેદારી રાખનારાં સાધનો (Industrial hazards detection systems), કારખાનાં પર ચાંપતી નજર રાખનારાં દૃશ્ય-સાધનો (closed circuit television), પ્રવેશ-નિયમન વ્યવસ્થા અને સંનિરીક્ષણ કરનારાં યંત્રો-તંત્રો (surveillance system), કારખાનાની સુરક્ષા કરનારાં તંત્રો (plant security system) વગેરે ઉપયોગમાં લેવામાં આવે છે. તે ઉપરાંત પ્રાથમિક સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

કામદારોની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો કે ઉપકરણોમાં હાનિકર વાયુઓથી સુરક્ષિત રહેવા માટેના મુખવટા (gas mask), શ્વસન ઉપકરણો (respiratory equipments), હેલ્મેટ, ગૉગલ્સ, કાન માટેના ડટ્ટા, સાદા મુખવટા (masks), રબર-પ્લાસ્ટિક વગેરેનાં બૂટ, મોજાં, એપ્રન, રબર કે પ્લાસ્ટિકનો પોશાક, સલામતી માટેના પટ્ટા વગેરેનો નિર્દેશ કરી શકાય. આ સાધનોનો વાર્ષિક વ્યાપાર આશરે રૂ. 200 કરોડનો અંદાજવામાં આવે છે.

1983ની ભોપાલ દુર્ઘટના પછી સરકારે સલામતી માટે વિવિધ કાયદાઓ ઘડ્યા અને નિયંત્રણો લાદીને અકસ્માતો પર અંકુશ લાવવાના પ્રયત્નો કર્યા હતા. ઉદ્યોગોએ પોતાનું હિત જાળવવા સલામતી માટે યોગ્ય આયોજન કરવાનો આરંભ કર્યો હતો. સલામતીનાં સાધનોની માગ વધતાં દેશભરમાં વિસ્તરેલાં લઘુ તેમજ મધ્યમ કદનાં સંખ્યાબંધ કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં છે. આ એકમો વિવિધ પ્રકારનાં આશરે 5,000થી વધુ સાધનો કે ઉપકરણોનું ઉત્પાદન કરે છે. તેમાંના કેટલાક નામાંકિત ઉદ્યોગોમાં એમ.એસ.એ. (ઇન્ડિયા) લિમિટેડ, 3 એમ ઇન્ડિયા લિમિટેડ, જોસેફ લેસ્લી મેન્યુફેક્ચરિંગ કું. લિમિટેડ, બાટા ઇન્ડિયા લિમિટેડ, લિબર્ટી શૂઝ લિમિટેડ, ડક બૅંક ઇન્ડિયા લિમિટેડ, માલ્કમ ઇન્ડિયા લિમિટેડ, વિજય સેબ્રે લિમિટેડ, વીરેન્દ્ર ટ્રેડર્સ વગેરેને ગણી શકાય.

સમાજમાં સલામતીની આવશ્યકતાનો અભિગમ કેળવી તેનાં સાધનો માટેના પ્રચારનું કાર્ય, સલામતી સાધન ઉત્પાદક મંડળ (Safety Appliance Manufacturer Association)  મુંબઈ અને ગુજરાત સલામતી કાઉન્સિલ  વડોદરા ખંતપૂર્વક કરે છે.

જિગીશ દેરાસરી