સલગમ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica campestris Linn. subsp. rapifera (Metzg.) Sinsk. (હિં. શલજમ; બં. શલગમ; ક., તા., તે. ટર્નિપ; મલ. સીમામુલંકી; મ. સલગમ; અં. ધ ટ્રૂ કે કૉમન ટર્નિપ, રેપ) છે. તે લીલાં પર્ણોવાળી, રોમિલ, દ્વિવર્ષાયુ (biennial) શાકીય વનસ્પતિ છે અને કુંભીરૂપ (napiform) ખોરાકસંગ્રહી મૂળ ધરાવે છે. તેનું ઉત્તર ભારતમાં – ખાસ કરીને દિલ્હી, પંજાબ અને જમ્મુ તથા કાશ્મીરમાં વાવેતર થાય છે. તેની વાવણી દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ઓછા પ્રમાણમાં થાય છે. મૂળ ગોળાકાર, મૃદુ-માંસલ પેશીઓવાળું હોય છે અને નીચેના ભાગે નાજુક, સામાન્યત: સફેદ પેશીઓવાળું સોટીમૂળ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક, વીણાકાર (lyrate) કે નીચેની બાજુએ વિચ્છિન્ન (interrupted), લીલાં, રોમિલ કે દૃઢલોમી (bristly) હોય છે. મૂળપર્ણો (radical leaves) મૃદુ, કંટકમય, વીણાકાર-પક્ષવત્ દર (lyrate-pinnatifid), 30 સેમી.-50 સેમી. લાંબાં હોય છે. પર્ણદંડ નાજુક હોય છે. સ્તંભીય (cauline) પર્ણો રોમિલ, પરંતુ કેટલીક વાર નીલાભ (glaucous) અને આલિંગી (clasping) પર્ણતલવાળાં હોય છે. પુષ્પો ચળકતા પીળા રંગનાં હોય છે. ફળ કૂટપટી (siliqua) પ્રકારનું, 3.8 સેમી.થી 6.5 સેમી. લાંબું હોય છે અને નાજુક ચાંચ જેવો પ્રવર્ધ ધરાવે છે. બીજ કાળા કે રાતા-બદામી રંગનાં હોય છે.
ઉદ્ભવ : સલગમ રશિયા અને સાઇબીરિયામાં જંગલી અવસ્થામાં ઊગે છે. તેનાં બે ઉદ્ભવનાં કેન્દ્રો હોવાનું માનવામાં આવે છે. ભૂમધ્ય પ્રદેશ યુરોપિયન પ્રકારોનું પ્રાથમિક કેન્દ્ર ગણાય છે અને પાકિસ્તાનની જોડેનો પૂર્વીય અફઘાનિસ્તાનનો પ્રદેશ એશિયા માઇનોર, ઈરાન, મધ્ય અને પશ્ચિમ ચીન, મધ્ય એશિયા (પંજાબ અને કાશ્મીર) વગેરેનું પ્રાથમિક કેન્દ્ર છે. ભારતમાં આ પાક મોટા પ્રમાણમાં વવાય છે. માનવ-જાત 4,000 કે તેથી વધારે વર્ષોથી આ વનસ્પતિનો ઉપયોગ કરતી આવી છે.
જાતો : સલગમની જાતોને બે સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) યુરોપીય અથવા સમશીતોષ્ણ (temperate) અને (2) એશિયાઈ અથવા ઉષ્ણકટિબંધીય (tropical). યુરોપીય જાતો એશિયાઈ જાતો કરતાં વધારે મીઠી અને સ્વાદિષ્ટ હોય છે, જ્યારે એશિયાઈ જાત આછા લાલ રંગની કે સફેદ, વધારે તીખી અને અથાણાં બનાવવા માટે સારી હોય છે. તેઓ યુરોપીય જાતો કરતાં રોગો સામે વધારે અવરોધક હોય છે. એશિયાઈ જાતો વહેલી પાકે છે અને પ્રમાણમાં વધારે ગરમી સહન કરી શકે છે. ભારતમાં વાવવામાં આવતી કેટલીક યુરોપીય જાતોમાં ‘પર્પલ ટૉય વ્હાઇટ ગ્લોબ’, ‘સ્નો બૉલ’, ‘ગોલ્ડન બૉલ’ અને ‘અર્લી મિલન રેડ ટૉપ’નો સમાવેશ થાય છે. ‘પૂસા કંચન’ લાલ એશિયાઈ જાત અને ‘ગોલ્ડન બૉલ’ના સંકરણથી તૈયાર કરવામાં આવેલ ભારતીય પસંદગીની જાત છે. તે પરિપક્વતા અને મૂળની માંસલ પેશીઓ બાબતે વચગાળાની છે. તેનાં મૂળ આછા લાલ રંગનાં, માંસલ પેશી આછા બદામી રંગની અને સ્વાદ મંદ તીખો હોય છે. તે 50-55 દિવસમાં પાકે છે. તેની વાવણી મેદાનોમાં સપ્ટેમ્બરથી ઑક્ટોબરના મધ્ય સુધી કરવામાં આવે છે. અન્ય મહત્ત્વની બીજી જાતોમાં ‘અર્લી મિલન પર્પલ’, ‘સટનનો અર્લી સ્નો બૉલ’, ‘અર્લી વ્હાઇટ મિલન’ અને ‘વર્માની અર્લી જાયન્ટ વ્હાઇટ’નો સમાવેશ થાય છે. નવી સંકર જાત ‘પુસા ચંદ્રિમા’ 50થી 60 દિવસમાં પાકે છે અને તેને ખાતરની ઊંચી માત્રા જરૂરી છે. ‘પુસા સ્વર્ણિમા’ આશાસ્પદ નવી સમશીતોષ્ણ જાત છે. તે ‘ગોલ્ડન બૉલ’ કરતાં એક પખવાડિયું વહેલી પાકે છે; અને 25 %થી 80 % વધારે ઊંચું ઉત્પાદન આપે છે. તે મેદાનો તેમજ પહાડી પ્રદેશોમાં ઉગાડી શકાય છે. ‘પુસા સ્વેટી’ ઉષ્ણકટિબંધીય સમૂહની સફેદ મૂળવાળી વહેલી પાકતી જાત છે.
આબોહવા : સલગમનો પાક ઠંડી ઋતુનો પાક છે. તે તાપ-સહિષ્ણુ (heat-tolerant) અને હિમ-રોધી (frost-resistant) જાત છે. યોગ્ય સુગંધી, ગઠન અને કદ પ્રાપ્ત કરવા 10° સે. અને 15° સે. વચ્ચેના તાપમાનવાળી ઠંડી અને ભેજવાળી આબોહવા આદર્શ ગણાય છે. ગરમ આબોહવામાં અથવા પાણીની અછતમાં સલગમ કાષ્ઠમય અને કડવું બને છે. ભારતના ઉત્તરીય પહાડી માર્ગોમાં સૌથી સારી ગુણવત્તાવાળાં સલગમ સફળતાપૂર્વક ઉગાડી શકાય છે.
સલગમની એશિયાઈ જાતો જુલાઈથી સપ્ટેમ્બરમાં અને યુરોપીય જાતો સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં ઉત્તર ભારતનાં મેદાનોમાં વાવવામાં આવે છે. પહાડી પ્રદેશોમાં વાવવાનો સમય વહેલી પાકતી જાત માટે માર્ચથી મે સુધીનો અને મોડી પાકતી જાત માટે ઑગસ્ટથી સપ્ટેમ્બરનો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઑક્ટોબર-નવેમ્બરનો સમય અનુકૂળ ગણાય છે. દક્ષિણ ભારતમાં સલગમના વાવેતરનો શ્રેષ્ઠ સમય જુલાઈથી ડિસેમ્બરનો છે.
મૃદા : જોકે સલગમ વિવિધ પ્રકારની મૃદામાં થાય છે, છતાં રેતાળ ગોરાડુ સૌથી અનુકૂળ ગણાય છે. ઊંડી ખેડ કરી, પંજેટી ફેરવી (harrowing), પ્લૅન્કિંગ (planking) કરી અને ખાતર આપી મૃદા તૈયાર કરવામાં આવે છે, જેથી આરંભથી જ પોષકતત્ત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે. મૃદા યોગ્ય નિતારવાળી હોવી જરૂરી છે. મૃદાનો pH 5.5થી 6.8 યોગ્ય ગણાય છે. તે ક્ષારયુક્ત મૃદામાં ઉગાડી શકાય છે.
ખાતર : જમીન ખેડતાં પહેલાં હેક્ટરે 20થી 25 ટન જેટલું સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં આપી ખેડ કરી સારી રીતે ભેળવી દેવામાં આવે છે. જમીન તૈયાર કરતી વખતે પ્રતિહેક્ટરે 125 કિગ્રા. એમોનિયમ સલ્ફેટ અથવા 60 કિગ્રા. યુરિયા, 200 કિગ્રા. સિંગલ સુપર ફૉસ્ફેટ અને 80 કિગ્રા. પોટૅશિયમ સલ્ફેટ આપવામાં આવે તો ઉત્પાદન સારું મળે છે. બીજી માત્રા વાવણીના 30 દિવસ પછી અથવા મૂળના સર્જનસમયે 125 કિગ્રા. એમોનિયમ સલ્ફેટ અથવા 60 કિગ્રા. યુરિયા પૂર્તિ ખાતર તરીકે આપવામાં આવે છે. ચૂનાનું ઊંચું પ્રમાણ પણ ઇચ્છનીય છે. મૅલેઇક હાઇડ્રેઝાઇડની ચિકિત્સાથી ગુણવત્તા સુધરે છે.
બીજ : સલગમનાં બીજ ઘણાં નાનાં હોય છે. એક ગ્રામમાં 500 જેટલાં બીજ હોય છે. યોગ્ય રીતે સંગૃહીત બીજ 4-5 વર્ષ સુધી જીવંત રહે છે. સારાં બીજ 90 %થી 95 % જેટલું અંકુરણ આપે છે. વાવણી માટે એક હેક્ટરમાં 3.0 કિગ્રા. – 4.0 કિગ્રા. બીજ જરૂરી છે.
વાવણી : વાવણી માટે મોટાં બીજ પસંદ કરવામાં આવે છે. સલગમની વાવણી સીધેસીધી અથવા ખેતરમાં કેટલીક વાર બીજ વેરીને કરવામાં આવે છે. બીજને આશરે 1.0 સેમી. ઊંડાં વાવવામાં આવે છે. બીજ વાવવા માટે સપાટ ક્યારીઓમાં 30 સેમી.થી 45 સેમી. અંતરે છીછરા પાળા પસંદ કરવામાં આવે છે. બીજ ખૂબ નાનાં હોવાથી તેમને રેતી સાથે 1 : 4ના પ્રમાણમાં ભેળવવામાં આવે છે. વાવણી પછી 4-6 દિવસમાં બીજાંકુર ઉત્પન્ન થાય છે. જ્યારે રોપ 5 સેમી. ઊંચા બને અને 10-15 દિવસના થાય ત્યારે સ્થાપિત થાય છે. તેમનું વિરલન કરી 10 સેમી.-15 સેમી. અંતરે હરોળોમાં રોપવામાં આવે છે.
પિયત : સલગમને વાવણીના સમયથી માંડી મૂળ મોટાં અને માંસલ બને અને ખેંચી કાઢવા યોગ્ય બને ત્યાં સુધી પુષ્કળ પ્રમાણમાં પાણી આપવું પડે છે. વાવણી વખતે જો મૃદા ભેજવાળી હોય તો પ્રથમ પિયત વિરલનના સમયે આપવામાં આવે છે; પરંતુ શુષ્ક મૃદામાં વાવણી વખતે પ્રથમ પિયત અપાય છે. તે પછીનાં પિયત ઉનાળામાં 3-6 દિવસે અને શિયાળામાં 10-12 દિવસે અપાય છે. પાળાઓ ડૂબી ન જાય તેની કાળજી રાખવી જરૂરી છે. પાણીના અભાવમાં સલગમ કડવાં બને છે.
રોગ અને જીવાત : સલગમના પાકમાં ગ્રંથિત મૂળ ક્ષેત્ર (club root) અને કાળિયો કોહવાટ (black rot) ફૂગ દ્વારા થતા મુખ્ય રોગો છે.
મશી (aphid) સૌથી વધુ નુકસાનકારક જીવાત છે. બીજી જીવાતોમાં મૂળના કીડા અને સૂંઢિયા(beetle)નો ઉપદ્રવ જોવા મળે છે.
બીજ–ઉત્પાદન : 60 %-70 % જેટલો પાક પીળાશ પડતો બદામી બને ત્યારે પાકની કાપણી કરવામાં આવે છે. બીજનું સરેરાશ ઉત્પાદન જુદી જુદી જાતોનું જુદું જુદું હોય છે; પરંતુ સામાન્ય રીતે આશરે 550 કિગ્રા./હે. બીજનું ઉત્પાદન થાય છે.
લણણી, ઉત્પાદન અને સંગ્રહ : સલગમની લણણી લગભગ 42-56 દિવસે કરવામાં આવે છે, જે સમયે મૂળનો વ્યાસ 7 સેમી.થી 10 સેમી. જેટલો હોય છે. યુરોપીય જાતિઓની લણણી જો થોડાક દિવસ મોડી થાય તો મૂળમાં મજ્જાપેશી વધારે વિકાસ પામે છે અને બજાર માટે મૂળ અયોગ્ય બને છે. લણણીની ક્રિયા સાંજે કરવામાં આવે છે, જેમાં અગ્ર પ્રરોહ સહિત મૂળને ખેંચી કાઢવામાં આવે છે. પર્ણમુકુટને કાપી નાખી મૂળ અલગ કરવામાં આવે છે. પર્ણમુકુટ અને વિરલન દરમિયાન છૂટા પાડેલા તરુણ રોપનો લીલા શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
જો સુધારેલી જાત યોગ્ય કાળજી સાથે ઉગાડવામાં આવી હોય તો 25થી 40 ટન/હે. ઉત્પાદન થાય છે. ‘પુસા સ્વેટી’ 20થી 30 ટન/હે., ‘પુસા સ્વર્ણિમા’ 25થી 30 ટન/હે., ‘પુસા ચંદ્રિમા’ પહાડી પ્રદેશમાં વધારેમાં વધારે 60 ટન/હે. અને મેદાનોમાં 23 ટન/હે. જેટલું ઉત્પાદન આપે છે. ચારાનું સલગમ પિયત હેઠળ રેતાળ મૃદામાં શિયાળા દરમિયાન ઉગાડ્યું હોય તો ખૂબ ઊંચું ઉત્પાદન આપે છે. જ્યારે ચારાની અછત હોય ત્યારે સલગમ ચારાના પાક તરીકેની ઊંચી ક્ષમતા ધરાવે છે.
લણેલાં મૂળને સ્વચ્છ કરીને પાર્શ્ર્વમૂળો કાપી લેવામાં આવે છે. અગ્રીય પ્રરોહને ઠંડી અને ભેજવાળી સ્થિતિમાં સંગ્રહવામાં આવે છે. તેમનો સામાન્યત : 2-3 દિવસ માટે સંગ્રહ થાય છે. મૂળ ટોપલાઓમાં કાં તો અગ્રીય પ્રરોહ સહિત અથવા પર્ણમુકુટના તલભાગ પાસેથી કાપ્યા પછી સંવેષ્ટન (packing) કરીને મોકલાવાય છે. પૉલિઇથિલિનની કોથળીઓ સંવેષ્ટન માટેનું શ્રેષ્ઠ દ્રવ્ય છે. 0° સે. તાપમાને શીત-સંગ્રહ દ્વારા સલગમને ઘણું દીર્ઘજીવન આપી શકાય છે.
રાસાયણિક બંધારણ અને ઉપયોગ : સલગમ અને સલગમની લીલી ભાજીનું રાસાયણિક બંધારણ અનુક્રમે આ પ્રમાણે છે : ખાદ્યભાગ 65 %, 51 %, ભેજ (ગ્રા.) 91.6, 81.9; પ્રોટીન (ગ્રા.) 0.5, 4.0; લિપિડ (ગ્રા.) 0.2, 1.5; કાર્બોદિતો (ગ્રા.) 6.2, 9.4; રેસો (ગ્રા.) 0.9, 1.0; ખનિજ દ્રવ્ય (ગ્રા.) 0.6, 2.2; કૅલ્શિયમ (મિગ્રા.) 30, 710; ફૉસ્ફરસ (મિગ્રા.) 40, 60; આયર્ન (મિગ્રા.) 0.4, 28.4; કૅરોટિન (માઇક્રો ગ્રા.) 0.0, 9396; થાયેમિન (મિગ્રા.) 0.04, 0.31; રાઇબૉફ્લેવિન (મિગ્રા.) 0.04, 0.57; નાયેસિન (મિગ્રા.) 0.5, 5.4; વિટામિન ‘સી’ (મિગ્રા.) 43, 180; ઊર્જા (કિ. કૅલરી) 19, 67.
રાંધ્યા વિનાના સલગમમાં 0.2-0.5 પી.પી.એમ. ફ્લોરિન હોય છે. તેની ભાજી ઍસ્કોર્બિક ઍસિડ અને કૅલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે. લીલી ભાજીમાં આયર્ન ધરાવતા સુપર-ઑક્સાઇડ ડીસ્મ્યુટેઝ નામના ઉત્સેચકની હાજરી હોય છે. લીલાં પર્ણોમાં દૂધ કરતાં ચાર ગણું વધારે કૅલ્શિયમ હોય છે. તેમનો Ca : P ગુણોત્તર ઊંચો હોય છે અને ધાન્યના ખોરાકમાં રહેલા Ca : Pના નીચા ગુણોત્તરના અસંતુલનને સુધારે છે. સંગ્રહ અને રાંધવાથી લગભગ 50 % ઍસ્કોર્બિક ઍસિડનો નાશ થાય છે.
તેનાં છોતરાંઓનું બાષ્પનિસ્યંદન કરતાં પીળાશ પડતો તૈલી, કવકરોધી (anti-fungal) પદાર્થ, રેપિન ઉત્પન્ન થાય છે. 1 : 1,00,000ના પ્રમાણમાં રેપિન બૅક્ટેરિયા, ફૂગ અને યીસ્ટની વૃદ્ધિ અટકાવે છે. ખાદ્ય ભાગોમાં રાઈનું તેલ, 2-ફિનાઇલઇથાઇલ આઇસોથાયૉસાઇનેટ હોય છે અને તે કીટનાશક ગુણધર્મો ધરાવે છે. છોતરાંમાં લગભગ 60 % તેલ હોય છે. તે વિષાળુ હોય છે અને વિનેગાર-માખીઓ અને ઘરમાખીઓનો નાશ કરે છે, પરંતુ મનુષ્ય માટે તે નુકસાનકારક નથી. પાણીમાં આ પાકને ઉકાળવાથી તેલનો ઝડપી ઘટાડો થાય છે.
મૂળ એવા પદાર્થો ધરાવે છે, જે ટ્રિપ્સિન અને અન્ય પ્રોટીએઝની પ્રોટીન-અપઘટન(proteolytic)ની પ્રક્રિયાને અવરોધે છે. ઑક્ટોબરથી ડિસેમ્બરમાં ઉગાડેલા સલગમમાં આ અવરોધક પ્રક્રિયા જોવા મળે છે અને વર્ષના બાકીના માસમાં ઉગાડેલા તેના પાકમાં અવરોધક પ્રક્રિયા જોવા મળતી નથી. આ પ્રોટીએઝ અવરોધકો ઉષ્મા-અસ્થાયી (heat-labile) હોતા નથી; પરંતુ પ્રેષતાપન(autoclaving)-થી તેમનો નાશ થાય છે. તેમાં લાયસોઝાઇમની હાજરી જોવા મળી છે.
સલગમ અને સલગમની ભાજીમાં આવદૃશ્યક ઍમિનોઍસિડનું બંધારણ સારણીમાં આપેલ છે.
સારણી : સલગમની ભાજી અને સલગમમાં આવદૃશ્યક ઍમિનોઍસિડનું બંધારણ (ગ્રા./16 ગ્રા. Nમાં મૂલ્ય દર્શાવ્યાં છે.)
આર્જિનિન | હિસ્ટિડિન | લાયસિન | ટ્રિપ્ટોફેન | ફિલિન- ટાયરોસિન | એલેનિન | મિથિયોનિન | સિસ્ટાઇન | થ્રિયોનિન | લ્યુસિન | આઇસો- | વેલાઇન લ્યુસિન | |
સલગમની ભાજી | 4.8 | 1.92 | 5.12 | 1.28 | 4.16 | 3.52 | 1.28 | 1.12 | 3.84 | 6.56 | 3.84 | 4.48 |
સલગમ | 4.0 | 1.12 | 3.68 | 1.28 | 2.88 | – | 0.80 | 0.16 | 3.36 | 5.44 | 3.52 | 3.68 |
પર્ણ પ્રોટીન ખાણમાં લાયસિન અને ટ્રિપ્ટોફેન પુષ્કળ પ્રમાણમાં હોય છે અને આ ઍમિનોઍસિડોની ન્યૂનતાવાળા ખોરાક માટે તે સારું સંપૂરક (supplement) છે. નિર્જલિત (dehydrated) સલગમના મૂળના ચૂર્ણ(પાણી 5 %)માં 0.63 મિગ્રા./ગ્રા. અસંતૃપ્ત સ્ટૅરોલ હોય છે.
ઉપયોગ : સલગમના મૂળનો ઉત્તર ભારતમાં ખાસ કરીને પંજાબ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીરમાં શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તેનાં પર્ણો શાકભાજી તરીકે અને ઢોરો માટે લીલા ચારા તરીકે ઉપયોગી છે. તેનો સૂપના એક ઘટક તરીકે ઉપયોગ થાય છે. તરુણ મૂળને શાકભાજી તરીકે રાંધીને કે કાચાં ખાવામાં આવે છે. વધારે પાકાં મૂળ રેસામય હોય છે. તેની સફેદ જાત લાલ જાત કરતાં વધારે સારી ગણવામાં આવે છે. યુરોપીય જાતો એશિયાઈ જાતો કરતાં વધારે મીઠી અને સ્વાદિષ્ટ હોય છે. એશિયાઈ જાતો અથાણા માટે વધારે પસંદ કરવામાં આવે છે. નાના રોપાઓ કે વિરલન કરેલા છોડને રાંધીને શાકભાજી તરીકે અથવા કાચાં ખવાય છે. લીલી શાકભાજી કૅલ્શિયમ અને આયર્ન જેવાં ખનિજો અને વિટામિન ‘એ’ અને ‘સી’ સારા એવા પ્રમાણમાં ધરાવે છે. તેમાં થાયેમિન અને અન્ય ‘બી’ વિટામિનો પણ પૂરતા પ્રમાણમાં હોય છે. પ્રકાશની તીવ્રતાના વધારા સાથે ઍસ્કોર્બિક ઍસિડનું પ્રમાણ વધે છે. અગ્ર પ્રરોહોનો ખાતર તરીકે ઉપયોગ થાય છે.
મોટાભાગના ઢોરો માટે મૂળ સ્વાદિષ્ટ હોય છે અને ગલગંડજનક (goitrogenic) અને પાંડુરોગ પ્રેરતા ગુણધર્મોથી મુક્ત હોય છે. 120 દિવસમાં સારી ગુણવત્તાવાળો સાઇલેજ તૈયાર કરી શકાય છે. હરિયાણામાં વોડકી ગાયો(heifer)ને તાજું મિશ્રણ આપતાં શુષ્ક દ્રવ્યનો 2.47 કિગ્રા./100 કિગ્રા. શરીરના વજન પ્રમાણે વપરાશ થાય છે. સંરક્ષિત સાઇલેજના શુષ્ક દ્રવ્યનો વપરાશ લગભગ તેટલો જ, 2.37 કિગ્રા./100 કિગ્રા. શરીરનું વજન હોય છે; જે દર્શાવે છે કે સાઇલેજનો સ્વાદ તાજા દ્રવ્ય જેવો હોય છે. સલગમના વધારે પડતા વપરાશથી ઢોરો અને ઘેટાં માંદાં પડે છે. સલગમનાં પર્ણો ખાતી ગાયોના દૂધમાં સલગમનો સ્વાદ અને ગંધ હોય છે.
સલગમના 2-3 અઠવાડિયાંના રોપાઓ નિષ્કર્ષ Cephalosporium sacchari અને Fusarium nivale સામે કવકરોધી (fungistatic) ગુણધર્મો ધરાવે છે. પર્ણો દ્વારા ઉત્પન્ન થતો પદાર્થ Erysiphe cruciferum અને Botrytis cinereaના કણીબીજાણુઓ(conidia)નું અંકુરણ અટકાવે છે. મૂળનો ઉપયોગ કૅન્સરમાં થાય છે.
સલગમનાં પર્ણો અને મૂળ ક્ષુધાવર્ધક (stomachic) ગુણધર્મો ધરાવે છે. પર્ણોની પોટીસ ગૂમડા પર બાંધવામાં આવે છે. પર્ણો અને મૂળનો જલીય નિષ્કર્ષ Escherichia coliની વૃદ્ધિ અને મૂળનો નિષ્કર્ષ Neurospora crassaની વૃદ્ધિ અટકાવે છે. જલીય કે કાર્બનિક દ્રાવકોના નિષ્કર્ષ Staphylococcus aureusની સામે નિષ્ક્રિય હોય છે. મૂળમાંથી મળતી લિપિડ પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દાખવે છે.
સલગમ મૂત્રલ (diuretic) અને રેચક (aperient) ગુણધર્મો ધરાવે છે. તે પ્રસવ દરમિયાન થતા રક્તસ્રાવમાં અપાય છે. તેનો અર્બુદ (tumor) અને કાર્સિનોમાની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. બીજનું તેલ ડૅંગ્યૂ-તાવમાં ઉપયોગી છે અને શ્વસનીશોથ-(bronchitis)માં છાતી પર ચોળવામાં આવે છે. તેલ અને કપૂર સાથે તૈયાર કરેલું મર્દનદ્રવ્ય (embrocation) સ્નાયુઓના વા અને જકડાયેલી ગરદન માટે વપરાય છે. તેલનો ઉપયોગ ઊંજણ અને સાબુ બનાવવામાં થાય છે. બીજ દ્વારા વિષાક્તન (poisoning) થાય છે. સંવેદી વ્યક્તિઓમાં સલગમ દ્વારા હીમોગ્લોબિનમેહ (haemoglobinuria) અને પ્રકાશસુગ્રાહીકરણ (photosensiti-zation) થાય છે.
આયુર્વેદ અનુસાર સલગમ તીખી, ગરમ, કફ-વાત રોગો તથા ગુલ્મનો નાશ કરનારી, ભૂખ લગાડનાર, રુચિકર અને હૃદયને હિતકર વનસ્પતિ છે. તે પિત્તના હરસ, વાયુદોષો અને ગ્રહણીપીડા મટાડનાર છે. તે તીક્ષ્ણ, ઉષ્ણ, હળવી, પૌદૃષ્ટિક અને કડવી છે. તે મૂત્રકષ્ટ, પથરી, કબજિયાત, ખાંસી, ગાઉટ, મૂત્રપિંડના રોગો અને આમવાતનો નાશ કરે છે.
ખાંસી અને કફમાં સલગમનું શાક લસણ અને ડુંગળી નાખી ખવડાવવામાં આવે છે. સોજામાં સલગમ અને સરગવાનું સાથે શાક બનાવી અપાય છે. શ્વાસમાં સલગમના રસનાં નાકમાં ટીપાં નાખવામાં આવે છે. દૂઝતા હરસમાં સલગમના રસને ઘીમાં વઘારી ખડી સાકર નાખી પિવડાવવામાં આવે છે. અતિસારમાં સલગમ અને ભાસ્કરલવણચૂર્ણ આપવામાં આવે છે.
1. napus Linn. var. napobrassica પણ દેખાવમાં સલગમ જેવી જ વનસ્પતિ છે. તેની વાવેતરની પદ્ધતિ સલગમ જેવી છે. પરંતુ તેનો ભારતમાં વ્યાપારિક દૃષ્ટિએ ઉછેર થતો નથી.
મનુભાઈ નાથુભાઈ પટેલ
બળદેવભાઈ પટેલ