સલમાન રશદી (. 19 જૂન 1946, મુંબઈ) : ભારતીય મૂળના અંગ્રેજી સાહિત્યકાર તથા પ્રચલિત ધાર્મિક અને સામાજિક માન્યતાઓનું જાહેર ખંડન કરવાની સ્વતંત્રતાના કટ્ટર હિમાયતી. આખું નામ સલમાન અહમદ રશદી. બાળપણ મુંબઈમાં વિતાવ્યું. ઇંગ્લૅન્ડના વૉરવીકશાયર પરગણાની ખાનગી રગ્બી પ્રિપૅરેટરી સ્કૂલમાં શિક્ષણ લીધા બાદ ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ યુનિવર્સિટીની જાણીતી કિંગ્ઝ કૉલેજમાં સાહિત્યના વિષય સાથે ઉચ્ચ શિક્ષણ લીધું. વિદ્યાર્થીકાળમાં જ સાહિત્ય પ્રત્યે રુચિ પેદા થઈ અને વાર્તાઓ અને સ્ફુટ નિબંધો લખવાની શરૂઆત કરી. વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆતમાં જાહેર ખબરો લખતા રહ્યા, પરંતુ ટૂંક સમયમાં જ આત્મવિશ્વાસને જોરે પૂર્ણ સમયના લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. તેમનું પ્રથમ સોપાન ‘ગ્રિમસ’ (1975) પ્રકાશિત થયા બાદ અત્યાર સુધીનાં ત્રીસ વર્ષ(1975-2005)ના ગાળામાં અગિયાર જેટલી નવલકથાઓ, એક વાર્તાસંગ્રહ, એક નિબંધ અને વિવેચનનો જોડિયો ગ્રંથ, ભારતીય સાહિત્યને લગતો એક સંપાદિત ગ્રંથ અને એક સ્વતંત્ર નિબંધસંગ્રહ તેમણે આપ્યાં છે. 1947માં દેશનું વિભાજન થતાં ભારત અને પાકિસ્તાન આ બે નવોદિત સ્વતંત્ર રાષ્ટ્રોનો ભારતીય ઉપખંડમાં ઉદય થયો, તેની પૃષ્ઠભૂમિમાં તેમણે લખેલ નવલકથા ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’(1981)ને સાહિત્યક્ષેત્રે ગૌરવપૂર્ણ ગણાતો બૂકર પુરસ્કાર એનાયત થયો. 1988માં તેમની વિવાદાસ્પદ કૃતિ ‘ધ સટાનિક વર્સેસ’ પ્રકાશિત થયા બાદ તેના દ્વારા ઇસ્લામિક ધર્મગ્રંથ કુરાને શરીફનો ઇરાદાપૂર્વક તિરસ્કાર કરવાના આરોપસર ઈરાનના કટ્ટરપંથી શાસક આયાતોલ્લા ખોમેનીએ રશદી અને તેમના પ્રકાશક બંનેની હત્યા કરવાનો ફતવો બહાર પાડ્યો. ઈરાનના પગલે ભારત જેવા કેટલાક દેશોએ તેમની આ નવલકથા પર પ્રતિબંધ મૂક્યો. ત્યારપછી ઘણા લાંબા સમય સુધી રશદી ભૂગર્ભમાં જતા રહેલા. તે દરમિયાન તેમનાં બીજી વારનાં પત્નીએ તેમની સાથે લગ્નવિચ્છેદ જાહેર કર્યો. આ બધાં કારણોસર 1989-98ના દાયકા દરમિયાન ઇંગ્લૅન્ડ અને ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં કડવાશ ઊભી થઈ હતી. 1998માં ઈરાનના આયાતોલ્લા ખોમેનીના અનુગામીઓએ 1989ના ફતવાથી પોતાને અલિપ્ત કરવાની તૈયારી બતાવી હતી, જોકે રશદી સામે જાહેર થયેલ મૂળ ફતવો તો હજુ સુધી (2006) સુપ્ત અવસ્થામાં અમલમાં છે જ.

સલમાન રશદી

સલમાન રશદીનું અંગત જીવન પણ વિવાદાસ્પદ વાદળોથી ઘેરાયેલું રહ્યું છે. વર્ષ 2004 સુધી તેમણે ચાર વાર લગ્ન કર્યાં છે. હાલ (2006) તેઓ તેમના ચોથી વારનાં પત્ની ભારતીય મૂળનાં ન્યૂયૉર્ક-નિવાસી મૉડેલ અને રજતપટનાં કલાકાર પદ્મા-લક્ષ્મી સાથે જીવન ગાળી રહ્યા છે. પદ્માએ મારિયા કૅરી સાથે અંગ્રેજી ચલચિત્ર ‘ગ્લિટર’માં અને અમિતાભ બચ્ચન સાથે હિંદી ચલચિત્ર ‘બૂમ’માં અભિનય કર્યો છે.

રશદીની સાહિત્યકૃતિઓમાં પુરાણકથાઓ, કલ્પનોત્થ કથાઓ (fantasies) અને માનવજીવનની વાસ્તવિકતાઓનો સુભગ સમન્વય જોવા મળે છે, જેને ચમત્કારી વાસ્તવવાદ કે યથાર્થવાદ (magic realism) તરીકે ઓળખવામાં આવે છે. તેઓ અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતાના કટ્ટર હિમાયતી છે; એટલે સુધી કે પ્રચલિત સામાજિક કે ધાર્મિક માન્યતાઓનું જાહેરમાં ખંડન કરવાનો અધિકાર પણ તેમાં સામેલ થવો જોઈએ, ભલે પછી તે અધિકારના કારણે કોઈની લાગણી કેમ ન દુભાતી હોય. વર્ષ 2004માં લંડનમાં અલકાયદા આતંકવાદીઓએ શ્રેણીબદ્ધ બૉમ્બ-વિસ્ફોટો કર્યા ત્યારથી, ઇંગ્લૅન્ડમાંથી ઇસ્લામી ધર્મગુરુઓને હાંકી કાઢવા જોઈએ એવી તેમની માગણી રહી છે.

સલમાન રશદીની 1975-2005 દરમિયાનનું સાહિત્યિક અર્પણ આ પ્રમાણે છે : ‘ગ્રિમસ’ (1975), ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’ (1981), ‘શેમ’ (1983), ‘ધ જાગુઆર સ્માઇલ’ (1987), ‘ધ સટાનિક વર્સેસ’ (1988), ‘હરૂન ઍન્ડ ધ સી ઑવ્ સ્ટોરીઝ’ (1990), ‘ધ ગુડ ફેસ’ (1990), ‘ઇમૅજિનરી હોમલૅન્ડ : એસેઝ ઍન્ડ ક્રિટિસિઝમ : 1981-91’ (1991), ‘ઈસ્ટ, વેસ્ટ’ (1994), ‘ધ મૂર્સ લાસ્ટ સાઇ’ (1995), ‘ધ વિન્ટેઝ બૂક ઑવ્ ઇન્ડિયન રાઇટિંગ’ (એલ ઝાબેદ વેસ્ટ સાથે સંયુક્ત રીતે સંપાદિત) (1997), ‘ધ ગ્રાઉન્ડ બિનીથ હર ફીટ’ (1999), ‘ફ્યૂરી’ (2001), ‘સ્ટેપ એક્રૉસ ધિસ લાઇન : ક્લેક્ટેડ નૉન-ફિક્શન : 1992-2002’ (2002) અને ‘શાલીમાર ધ ક્લાઉન’ (2005).

બાળકૃષ્ણ માધવરાવ મૂળે