સર્વ વા શૂન્યનો નિયમ (all-or-none-law)
January, 2007
સર્વ વા શૂન્યનો નિયમ (all-or-none-law) : હૃદયના સ્નાયુને કોઈ પણ અધિતીવ્રતા(intensity)વાળી ઉત્તેજના (stimulus) આપવામાં આવે ત્યારે તે ક્યાંક પૂર્ણ કક્ષાએ સંકોચાય છે અથવા સહેજ પણ સંકોચાતો નથી, તેને સર્વ વા શૂન્યનો નિયમ કહે છે. તેને બોવ્ડિચ(Bowditch)નો નિયમ પણ કહે છે. તે દર્શાવે છે કે સક્ષમ પણ દુર્બલતમ (સૌથી ઓછા બળવાળી) ઉત્તેજના અને પૂર્ણબલ (પૂરેપૂરા બળવાળી) ઉત્તેજનાથી થતું સંકોચન એકસમાન અને મહત્તમ હોય છે. તેવી રીતે જો ઉત્તેજનાની ક્ષમતા અપૂરતી હોય તો સહેજ પણ સંકોચન થતું નથી. દેડકાના હૃદય પર પ્રયોગ કરીને આ નિયમને સાબિત કરાય છે. તેમાં 20 સેકન્ડની અંદર 1 વૉલ્ટ અને 2 વૉલ્ટની ઉત્તેજના આપવાથી ઉદ્ભવતું સ્નાયુસંકોચન સમાન હોય છે. વધતા જતા વૉલ્ટેજવાળી ઉત્તેજનાઓ વડે આ પ્રક્રિયા ફરી ફરી કરીને પ્રયોગનું પુનરાવર્તન કરી શકાય છે. આ બધાં જ સંકોચનોથી બનતા આલેખોની ઊંચાઈ સમાન રહે છે. હૃદયના સ્નાયુના કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેને સંકોષિતા (syncytium) કહે છે. તેથી તે ઉત્તેજના સંદર્ભે જાણે કે એક સ્નાયુકોષ હોય તેવી રીતે વર્તે છે. આવી રીતે હાડકાં સાથે જોડાયેલા ઐચ્છિક સ્નાયુઓનો અલાયદો કરાયેલો સ્નાયુકોષ પણ સર્વ વા શૂન્યના નિયમ પ્રમાણેનાં સંકોચનો દર્શાવે છે.
શિલીન નં. શુક્લ