સર્વેક્ષણ (surveying)
January, 2007
સર્વેક્ષણ (surveying) : કોઈ પણ પ્રદેશમાંની વિવિધ પ્રાકૃતિક તથા સાંસ્કૃતિક બાબતોને યોગ્ય પ્રમાણમાપના નકશા કે આકૃતિઓમાં તેમનાં સાચાં સ્થાનો પર દર્શાવવાની પદ્ધતિ. એક રીતે જોઈએ તો સર્વેક્ષણ એ એક પ્રકારની કળા પણ ગણાય. અંગ્રેજી શબ્દ ‘સર્વે’ (survey) માટે ગુજરાતી ભાષામાં ‘સર્વેક્ષણ’ શબ્દ ‘ભૂમિમાપન’, ‘ભૂમિમાપણી’ કે ‘ભૂમિમોજણી’ માટે વપરાય છે. કોઈ એક પ્રદેશના ભૌગોલિક, સામાજિક, રાજકીય, આર્થિક, વસ્તીવિષયક કે અન્ય વિષયના સંબંધમાં, તેમનાં વિવિધ પાસાંઓના સંદર્ભમાં, સઘન અને પદ્ધતિસર અભ્યાસ કરવામાં આવે તો તેને સર્વેક્ષણ કહેવામાં આવે છે.
સર્વેક્ષણનો મુખ્ય હેતુ પ્લાન (plans) કે નકશા બનાવવાનો છે. પૃથ્વીની સપાટી પર આવેલાં જુદાં જુદાં સ્થાન, બિન્દુઓ, તેમના વચ્ચેનું ક્ષૈતિજ અંતર, ઉન્નત અંતર, બે બિન્દુઓ કે સ્થાન વચ્ચે ક્ષૈતિજ કોણ કે ઉન્નત/અવનત કોણ માપી તેમનું વર્ગીકરણ કરી પ્લાન અને નકશા બનાવાય છે.
પૃથ્વી-સપાટી પરના ભૂમિખંડો, સમુદ્રો કે વિવિધ દેશોના નાના પ્રમાણમાપ પર આલેખાયેલા નકશાઓનો પાયો સચોટ માહિતી આપતા મોટા પ્રમાણમાપવાળા સ્થળવર્ણન-નકશા (Topographical Maps) પર રચાયેલો હોય છે. તેમાં પ્રદેશ કે સ્થળ પરનાં પ્રાકૃતિક લક્ષણો (પર્વતો, નદીનાળાં, જંગલો વગેરે) તથા સાંસ્કૃતિક લક્ષણો (વસાહતો, બંધો, રેલમાર્ગ, જળમાર્ગ, રસ્તાઓ, પાઇપલાઇન, નહેરો, બોગદાં, વીજલાઇન વગેરે) અંગેની માહિતીને વધુ ચોકસાઈથી નકશા પર યોગ્ય સ્થાને આલેખિત કરવાનું કાર્ય સર્વેક્ષક (surveyor) તથા નકશાકાર(cartographer)નું છે.
સર્વેક્ષણનું વર્ગીકરણ : સર્વેક્ષણનું વર્ગીકરણ વિવિધ પ્રકારે કરવામાં આવે છે :
(A) પૃથ્વીની સપાટીને આધારે :
(i) સમતલ સર્વેક્ષણ – આ સર્વેક્ષણમાં પૃથ્વીની સપાટી સમતળ છે તેમ ગણવામાં આવે છે.
(ii) ભૂમાન સર્વેક્ષણ – આ સર્વેક્ષણમાં પૃથ્વીની સપાટીની ગોળાઈને ધ્યાનમાં લેવામાં આવે છે.
(B) ઉપકરણ-આધારિત :
(i) સાંકળ-સર્વેક્ષણ (chain survey)
(ii) કંપાસ-સર્વેક્ષણ (compass survey)
(iii) સમપાટ-સર્વેક્ષણ (plane table survey)
(iv) થિયૉડોલાઇટ સર્વેક્ષણ (theodolite survey)
(v) ફોટોગ્રામેટિક સર્વેક્ષણ-હવાઈ સર્વેક્ષણ (areal survey)
(C) હેતુ પર આધારિત :
(i) ભૂમિ-સર્વેક્ષણ (cadastral or land survey)
(ii) લશ્કરી સર્વેક્ષણ (military survey)
(iii) ભૂસ્તરીય સર્વેક્ષણ (geological survey)
(iv) પુરાતત્ત્વીય સર્વેક્ષણ (archaeological survey)
(v) ખાણ-સર્વેક્ષણ (mine-survey)
(D) (i) ભૂમિ-સર્વેક્ષણ (land survey) : જમીન-મહેસૂલ ઉઘરાવવા કે મિલકતરૂપી જમીનની વહેંચણી કરવા માટેના નાના પ્લાન બનાવવાની દૃષ્ટિએ કે વિસ્તારોની ગણતરી કરવાની દૃષ્ટિએ આ પ્રકારનું સર્વેક્ષણ ઘણું અગત્યનું છે.
(ii) સ્થળવર્ણન સર્વેક્ષણ (topographical survey) : આ પ્રકારના સર્વેક્ષણમાં વિશાળ પ્રદેશમાં વિતરણ પામેલી પ્રાકૃતિક/સાંસ્કૃતિક લક્ષણોને નકશા પર રૂઢ સંસ્થાઓ દ્વારા વિગતવાર દર્શાવાય છે.
(iii) નગર-સર્વેક્ષણ (city-survey) : ખાસ કરીને નગર-આયોજન માટે જરૂરી એવા પ્લોટ તૈયાર કરવા કે શેરીઓ, સડક-રસ્તાઓ, ભૂગર્ભ પાણીની પાઇપલાઇનો, ગટરલાઇનો, વિદ્યુતનાં દોરડાં વગેરેના આયોજન માટે આ પ્રકારનું સર્વેક્ષણ થતું હોય છે.
(iv) ભૂસ્તરીય સર્વેક્ષણ (geological survey) : જે તે પ્રદેશના ભૂસ્તરીય બંધારણમાં કેવા અને કેટલા પ્રમાણમાં ખડકસ્તરો આવેલા છે તેમની ઓળખ તેમજ ભૂમિસપાટી નીચેની સંભવિત ખનીજસંપત્તિના સંશોધન માટે આ પ્રકારનું સર્વેક્ષણ કરવામાં આવે છે.
(v) ભૌગોલિક સર્વેક્ષણ (geographical survey) : આ સર્વેક્ષણ સ્થળવર્ણન-નકશા બનાવવાના સર્વેક્ષણ જેવું જ છે. તફાવત માત્ર એટલો જ કે સ્થળવર્ણન-નકશા બનાવવાનું સર્વેક્ષણ વિશેષ ચોકસાઈ માગી લે છે.
(vi) માર્ગીય સર્વેક્ષણ (route survey) : સૂચિત રેલમાર્ગ કે સડકમાર્ગના નિર્માણ માટે આ પ્રકારનો સર્વે કરવામાં આવે છે. આસપાસની ભૌગોલિક રચનાઓનો પણ તેમાં સમાવેશ થાય છે.
(vii) લશ્કરી સર્વેક્ષણ (military survey) : લશ્કરી વ્યૂહાત્મક દૃષ્ટિએ અગત્યનાં સ્થાન અને તેમની વચ્ચેના માર્ગો વગેરે નક્કી કરવાની દૃષ્ટિએ આ પ્રકારનું સર્વેક્ષણ થાય છે.
સર્વેક્ષણના મૂળભૂત સિદ્ધાંતો : સર્વેક્ષણના મૂળભૂત સિદ્ધાંતો નીચે મુજબ છે :
(i) પૂર્ણ માપણીથી માંડીને અંશાત્મક માપણી : આ પ્રકારમાં વિસ્તૃત વિસ્તારને નાના નાના અંશો કે ભાગોમાં વિભાજિત કરીને સ્વતંત્ર રીતે માપણી કરવામાં આવે છે. અંતમાં વિવિધ અંશોની માપણીનું સંયોજન કરવામાં આવે છે. આમ કરવાથી ત્રુટિનું પ્રમાણ નિયંત્રિત થાય છે.
(ii) બે સંદર્ભબિન્દુઓના સંબંધમાં નવા બિન્દુનું સ્થાનનિર્ધારણ કરવું : સર્વેક્ષણ કરીને નકશા પર જે બિન્દુ દર્શાવવાનું હોય તેને અગાઉથી નિશ્ચિત હોય તેવા ઓછામાં ઓછા બે બિન્દુના સંદર્ભમાં માપવામાં આવે છે. આ માપણી અંતર કે ખૂણાની કે બંનેની હોય છે. ઉદાહરણ તરીકે, નકશા પર બિન્દુ R દર્શાવવું હોય તો બિન્દુ P તથા Qના સંદર્ભમાં નીચે મુજબ બિન્દુ Rનું સ્થાન નિર્ધારિત થઈ શકે :
સર્વેક્ષણકાર્ય : સર્વેક્ષણકાર્ય વધુ ચોકસાઈભર્યું થાય તે માટે સર્વેક્ષણનાં પાયાનાં આધારબિન્દુઓ(સ્થળો)નું તેમજ આધારરેખાઓ-(base-lines)નું ભૌગોલિક તથા ગાણિતિક સ્થાનીકરણ ચોક્કસ સ્વરૂપે થવું જરૂરી છે. આ માટે (1) ત્રિકોણીય (triangulation) તથા માલારેખણ અથવા ચક્રમણ (traverse) પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે.
(1) ત્રિકોણીય પદ્ધતિ : જે પ્રદેશનું સર્વેક્ષણ કરવાનું હોય તે સમગ્ર પ્રદેશનું વિહંગાવલોકન કર્યા બાદ તેને અનેક સુયોગ્ય ત્રિકોણોમાં વિભાજિત કરવામાં આવે છે. સર્વેક્ષણની ચોકસાઈનો આધાર પાયાના ત્રિકોણ (basic triangle) પર રહેલો છે. તેથી તેની પસંદગી એવા પ્રદેશમાં થવી જોઈએ કે જ્યાં ટેકરાળ ભાગો કે ડુંગરાળ ટેકરીઓનાં શિખરો ત્રિકોણનાં શિરોબિન્દુઓ (vertices) તરીકે લઈ શકાય. આવાં બિન્દુઓ ત્રિકોણમિતિ બિન્દુઓ (trig points) તરીકે ઓળખાય છે, જેને નકશા પર ત્રિકોણ (D)ના ચિહ્ન દ્વારા દર્શાવીને તેની બાજુમાં સમુદ્રસપાટીથી ઊંચાઈનો આંક લખાય છે, જ્યારે વાસ્તવિક ભૂમિસપાટી પર ખૂંટ બેસાડીને તેના પર તેની નિશાની બતાવવામાં આવે છે. આવાં બિન્દુઓનાં સ્થાનોને જોડતી આકૃતિ બનાવીને તેમને પરસ્પર સીધી રેખાઓ વડે જોડવામાં આવે તો આવા અનેક ત્રિકોણો તૈયાર થાય.
પ્રારંભિક તબક્કામાં ત્રિકોણના પાયાની આધાર-રેખાના બંને છેડાનાં સ્થળો(ત્રિકોણમિતિ બિન્દુઓ)ના અક્ષાંશ-રેખાંશ તેમજ સમુદ્રસપાટીથી ઊંચાઈ નક્કી કરવામાં આવે છે. આ સ્થળ તલચિહ્ન અથવા નિર્દેશ-ચિહ્ન (bench mark) તરીકે ઓળખાય છે. ભૂમિસપાટી ઊંચીનીચી હોવાને લીધે આધારરેખાની સાચી લંબાઈ મેળવવા માટે જમીન પર ઊભા કરેલા ટેકાઓ તથા અન્ય યુક્તિઓનો ઉપયોગ થાય છે. વળી અનેક રીતે ચકાસણી કર્યા પછી જ આધાર-રેખાની સાચી લંબાઈ પ્રાપ્ત થાય છે. આ પછી થિયૉડોલાઇટ (Theodolite) નામના સાધનની મદદથી ત્રિકોણનાં શિરોબિન્દુઓ (સ્થળો) વચ્ચેનાં ક્ષિતિજ સમાંતર-કોણીય અંતરો (horizontal angles) તથા ઊર્ધ્વકોણીય અંતરો (vertical angles) માપવામાં આવે છે. થિયૉડોલાઇટમાં મોટવણી-કાચનો ઉપયોગ થતો હોવાથી પ્રમાણમાં થોડાં દૂરનાં અંતરોનું સર્વેક્ષણ સરળતાથી કરી શકાય છે.
બીજા તબક્કામાં આ ત્રિકોણ વચ્ચેનાં બીજાં કેન્દ્રો લઈને એકબીજાંને જોડતા અન્ય ત્રિકોણો બનાવી, એ વિશાળ પ્રદેશમાંથી નાના પ્રદેશનું સર્વેક્ષણ ચોકસાઈપૂર્વક કરવામાં આવે છે. આમ મકાનો, સડકમાર્ગો વગેરેના નકશા (plans) તૈયાર થાય છે. મોટા વિસ્તારોના નકશાઓનું વિભાગીકરણ કરવાથી નાના વિસ્તારના નકશા મેળવી શકાય છે. આ કાર્યપદ્ધતિ વધુ ચોકસાઈવાળી છે અને તેની દરેક તબક્કે ચકાસણી થતી હોવાથી ભૂલ થવાનો સંભવ ઓછો છે.
(2) માલારેખણ (traversing) પદ્ધતિ : કોઈ ગોળ કે લંબગોળ અથવા નાના વિસ્તારની આસપાસ ફરતાં ફરતાં એક ચક્ર પૂરું કરીને થતા સર્વેક્ષણની આ પદ્ધતિ ‘માલારેખણ’ કે ‘ચક્રમણ’ તરીકે ઓળખાય છે. તેના નામ પ્રમાણે જોઈએ તો અહીં એકબીજા સાથે જોડાયેલી સીધી રેખાઓમાંથી જાણે એક માળા (તે પછી સીધી હોય કે ચક્રાકાર) તૈયાર થતી હોય છે. આ પદ્ધતિમાં રેખીય અંતરો સાદી માપપટ્ટી (tape), સાંકળ, ટેલ્યુરોમિટર વગેરે જેવાં સાધનોથી તેમજ કોણીય અંતરો થિયૉડોલાઇટ અથવા ત્રિપાર્શ્ર્વ કાચીય કંપાસ દ્વારા માપવામાં આવે છે. આ પદ્ધતિ ધીમી છે; એટલું જ નહિ, પણ થોડીક ઓછી ચોકસાઈવાળી છે.
માલારેખણ બે પ્રકારે થાય છે : (1) રેખીય માલારેખણ (open traversing) : આ પદ્ધતિમાં સર્વેક્ષક એક જ દિશામાં આગળ વધતો રહીને માર્ગ પર સર્વેક્ષણ કરતો કરતો જાય છે અને પોતાના મૂળ (પ્રસ્થાન બિન્દુએ) સ્થાને આવતો નથી. આ પદ્ધતિ મુખ્યત્વે રેલમાર્ગ, સડકમાર્ગ, નદીખીણ પ્રદેશ વગેરેના સર્વેક્ષણ માટે અનુકૂળ છે. (2) ચક્રાકાર માલારેખણ (closed traversing) : આ પદ્ધતિમાં સર્વેક્ષક એક જ દિશામાં આગળ ને આગળ સર્વેક્ષણ કરતો કરતો એક ચક્ર પૂરું કરે છે એટલે કે મૂળ પ્રસ્થાનબિન્દુએ આવીને મળે છે, તેને બંધ માલારેખણ કહે છે. ખાસ કરીને સરોવર, તળાવ અને રસ્તાઓ (વલયમાર્ગો) વગેરેની સીમાઓ નક્કી કરવા માટે આ પદ્ધતિ વિશેષ અનુકૂળ પડે છે.
સર્વેક્ષણ પદ્ધતિઓનું વર્ગીકરણ કે પ્રકાર તેમાં વપરાતાં સાધનો કે ઉપકરણોને આધારે કરવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે : (1) સાંકળ-સર્વેક્ષણ, (2) સમપાટ-સર્વેક્ષણ, (3) ત્રિપાર્શ્ર્વકાચીય કંપાસ-સર્વેક્ષણ, (4) થિયૉડોલાઇટ સર્વેક્ષણ, (5) હવાઈ તસવીર-સર્વેક્ષણ વગેરે.
તે પૈકીના કેટલાક પ્રકારોનો પરિચય નીચે મુજબ છે :
સાંકળ–સર્વેક્ષણ (chain survey) : જે સર્વેક્ષણમાં મુખ્યત્વે સાંકળ (chain) કે માપપટ્ટી(tape)નો જ ઉપયોગ કરવામાં આવે છે, તે પદ્ધતિને ‘સાંકળ-સર્વેક્ષણ’ કહેવામાં આવે છે. સમયના ભોગે જ્યારે ચોકસાઈની જરૂરિયાત હોય ત્યાં આ પદ્ધતિ વધુ ઉપયોગી બને છે. વળી સપાટ, ખુલ્લા અને મર્યાદિત પ્રદેશમાં તે વધુ અનુકૂળ છે. ખાસ તો જમીનવહેંચણીની બાબતમાં કાયદાની દૃષ્ટિએ પડકારરૂપ બની ન શકે તેવા ચોકસાઈપૂર્વકના સીમાંકન માટે ખૂબ ઉપયોગી છે.
આ પદ્ધતિમાં અનેક સાધનો ઉપયોગમાં લેવાય છે. તે પૈકી અંતરો લેવા માટે લોખંડની કડીઓવાળી સાંકળનો ઉપયોગ વધુ મહત્ત્વનો છે. તે પૈકી ગુન્ટરની સાંકળ (Gunter’s Chain) 20.12 મીટર(22 વાર અથવા 66 ફૂટ)ની હોય છે. બીજી એક ઇજનેરની સાંકળ (Engineer’s Chain) 30.48 મીટર (100 ફૂટ) લાંબી અને 100 કડીઓવાળી હોય છે. વળી જે દેશોમાં દશાંશ-પદ્ધતિનો ઉપયોગ થાય છે અને લંબાઈ મીટરમાં મપાય છે, ત્યાં ‘મીટર સાંકળ’ પણ વપરાય છે. તે 10, 20 કે 30 મીટર લંબાઈના માપમાં મળે છે. 30 મીટરની સાંકળ 100 કડીઓવાળી હોય છે અને પ્રત્યેક ત્રીજા મીટર પર પિત્તળની ચકતી મૂકેલી હોય છે. સર્વેક્ષણમાં અંતરો લેવા માટે જ્યારે સાંકળ વપરાતી હોય છે, ત્યારે પણ પૂરક સાધન રૂપે માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. માપપટ્ટી (tape) અનેક પ્રકારની મળે છે, પણ સર્વેક્ષણમાં પોલાદ અને નિકલ-મિશ્રિત ધાતુની માપપટ્ટી સુવિધાજનક રહે છે. મોટા વિસ્તારોમાં સર્વેક્ષણ માટે 91.44 મીટર (300 ફૂટ) લંબાઈ સુધીની માપપટ્ટીઓ ઉપયોગમાં લેવાય છે.
આ ઉપરાંત અન્ય સાધનોમાં તીર (arrows), આરેખણ-દંડ (ranging rods), લાકડાની મેખ (wooden pegs), ચુંબકીય કંપાસ (magnetic compass), ભારતીય પ્રકાશીય ગુણિયો/ખૂણિયો (optical square) વગેરે સાધનોનો ઉપયોગ થતો હોય છે. વધુમાં આ સર્વેક્ષણમાં ક્ષેત્રનોંધપોથી એક મહત્ત્વનું અંગ છે. તેમાં ક્ષેત્ર પર નોંધવામાં આવેલી આંકડાકીય અને અન્ય માહિતીને આધારે પ્રયોગશાળા કે કાર્યાલયમાં પ્લાન કે નકશા તૈયાર કરવામાં આવે છે.
આ પદ્ધતિ હેઠળ જે પ્રદેશનું સર્વેક્ષણ કરવાનું હોય, તેના આકાર તથા ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને તેનું સુયોગ્ય ત્રિકોણોમાં કેવી રીતે વિભાગીકરણ કરી શકાય તેનો અંદાજ કાઢી લેવો પડે છે. તે પછી સર્વેક્ષણ-બિન્દુઓ નક્કી કરી, ભૂમિ પર લાકડાની ખીંટીઓ લગાડીને કાગળ પર આ પ્રદેશની અછડતી આકૃતિ (rough sketch) દોરવી આવદૃશ્યક બને છે. સર્વેક્ષણ કરવા માટે સામાન્ય રીતે છથી સાત વ્યક્તિઓની ટુકડી આદર્શ ગણાય. તેમાંથી બે માણસો આંકડાકીય વિગતોની નોંધ રાખવા માટે, બે વ્યક્તિઓ અનુલંબ (off sets) લેવા માટે, બે વ્યક્તિઓ સાંકળ અથવા માપપટ્ટીની મદદથી અંતરો માપવા માટે તેમજ એક વ્યક્તિ ભૂમિ પર સાંકળ બિલકુલ સીધી રેખામાં ગોઠવાઈ છે કે નહિ, તે ચકાસવા માટે એમ વિવિધ કામોમાં ગોઠવાઈ જાય તે જરૂરી છે. ટૂંકમાં, આ સર્વેક્ષણની પ્રક્રિયા મુખ્યત્વે ત્રણ તબક્કામાં વહેંચાયેલી છે : (1) ક્ષેત્રકાર્ય, (2) ક્ષેત્રનોંધપોથી તૈયાર કરવાનું કાર્ય અને (3) કાર્યાલય/પ્રયોગશાળામાં નકશા કે પ્લાન દોરવાનું કાર્ય.
સમપાટ સર્વેક્ષણ (plane table survey) : આ પદ્ધતિ રોમનયુગથી જાણીતી છે. જોકે તેના દ્વારા મર્યાદિત વિસ્તારનું જ સર્વેક્ષણ કરી શકાય છે. થિયૉડોલાઇટ સાધનની મદદથી વિભાજિત કરેલા નાના ત્રિકોણવાળા વિસ્તારોનું સર્વેક્ષણ કરીને મોટા પ્રમાણમાપવાળા વિગતવાર નકશા તૈયાર કરી શકાય છે. વધુમાં આ પદ્ધતિથી થતું સર્વેક્ષણ ઝડપી, સરળ અને ચોકસાઈવાળું હોય છે. વળી આ પદ્ધતિની ખાસિયત એ છે કે જેમ જેમ પ્રદેશનું સર્વેક્ષણ આગળ વધતું જાય છે તેમ તેમ ક્ષેત્રમાં જ સાથે સાથે નકશો કે પ્લાન તૈયાર થતો જાય છે, જેથી કામમાં ભૂલ થવાનો સંભવ ઓછો રહે છે. આમ છતાં આ પદ્ધતિની પોતાની મર્યાદાઓ પણ છે. ગીચ વસવાટવાળા શહેરી વિસ્તારો તથા જંગલ-આચ્છાદિત પ્રદેશમાં સર્વેક્ષણ થઈ શકતું નથી. વાતાવરણ જ્યારે ભેજવાળું હોય ત્યારે સમપાટ ટેબલ પરના ખુલ્લા કાગળનું પ્રસારણ થાય કે કાગળ પલળે તેથી પ્રમાણમાપમાં ભૂલ થવાનો સંભવ રહે છે. વરસાદ પડતાં આલેખનકાર્ય અટકી પડે છે, જોકે તે માટે કેટલીક વાર છત્રીની મદદ લેવાય છે.
જેના પરથી આ સર્વેક્ષણ-પદ્ધતિનું નામાભિધાન થયેલું છે તેનું મુખ્ય સાધન ‘સમપાટ’ અથવા ડ્રૉઇંગ-બોર્ડ’ છે. તે દેવદારના સિઝન કરેલા (seasoned) લાકડામાંથી બનેલું હોય છે. આ બોર્ડ સામાન્ય રીતે 40 x 40 સેમી.થી માંડી 60 x 80 સેમી.ના માપમાં મળે છે. સ્ક્રૂ વડે આ બોર્ડને ત્રણ પાયાવાળી ઘોડી સાથે ફિટ કરવામાં આવે છે. આ બોર્ડની ઉપરની લીસી સપાટી પર ટાંકણીઓ વડે ડ્રૉઇંગ-કાગળ લગાડવામાં આવે છે. આ સર્વેક્ષણમાં બોર્ડ અને ઘોડી ઉપરાંત કિરણનિર્દેશક-દિશાદર્શક અથવા રેખાનિર્દેશક (alidade), સ્પિરિટ લેવલ (spirit level), ચુંબકીય કંપાસ (magnetic compass), ઓળંબો અને ચીપિયો (plumb-ball and fork) વગેરે સાધનોનો ઉપયોગ થાય છે. વળી નકશો કે પ્લાન દોરવાનું કાર્ય સર્વેક્ષણની સાથે સાથે થતું જતું હોવાથી પેન્સિલ, રબર, કાટખૂણા, ફૂટપટ્ટી, ટાંકણીઓ, વૉટરપ્રૂફ કવર (વરસાદથી કાગળ પલળે નહિ તે માટે) વગેરેની પણ જરૂરિયાત રહે છે.
સર્વેક્ષણ કરવાના નાના વિસ્તારમાં સૌપ્રથમ આ કાર્યપદ્ધતિમાં ચોકસાઈપૂર્વક માપીને આધારરેખા (base line) નક્કી કરવામાં આવે છે. આ આધારરેખાના શરૂઆતના છેડા પર ત્રણ પાયાવાળી ઘોડી પર સમપાટ ગોઠવીને વિવિધ સાધનો વડે સમતલીકરણ (levelling), કેન્દ્રીકરણ (centering) અને દિક્સ્થાપન (orientation) જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. તે પછી કિરણનિર્દેશક વડે સર્વેક્ષક સામેની બાજુએ ક્ષેત્ર પર વિવિધ સર્વેક્ષણ-સ્થાનોનું નિરીક્ષણ કરે છે. એ રીતે પ્રમાણમાપ નક્કી કર્યા મુજબ ડ્રૉઇંગ-બોર્ડના કાગળ પર તેમનાં બિન્દુઓ નિશ્ચિત થાય છે. આ માટે આંતરછેદન પદ્ધતિ (intersection method) અથવા તો વિકિરણ-પદ્ધતિ(radiation method)નો ઉપયોગ થાય છે. આમ, ડ્રૉઇંગ-બોર્ડ પર જે તે પ્રદેશનો પ્લાન કે નકશો તૈયાર થાય છે.
ત્રિપાર્શ્ર્વકાચીય કંપાસ–સર્વેક્ષણ (prismatic compass survey) : ત્રિપાર્શ્ર્વ કંપાસની શોધ કોણે કરી એ તો અજ્ઞાત છે. આમ છતાં લગભગ 800થી 1000 વર્ષ પહેલાં દૂર પૂર્વના દેશોમાં દિશાસૂચન માટે પાણી પર તરતી રાખી શકાય તેવી ચુંબકીય સોયનો ઉપયોગ થયો હોવાનું મનાય છે, પણ કંપાસનું સ્વરૂપ ક્યારે પ્રાપ્ત થયું, તે કહેવું મુશ્કેલ છે. 18મી સદીમાં સ્કૉટલૅન્ડનો નકશો બનાવવામાં રૉયે ત્રિપાર્શ્ર્વ કંપાસનો ઉપયોગ કરેલો. ત્રિપાર્શ્ર્વ કંપાસ, એ દિશાસૂચક ચુંબકીય કંપાસની સારી એવી સુધારેલી આવૃત્તિ છે. દિશાસૂચક કંપાસમાં તકતી પર અંકિત ખૂણા/અંશનું સીધેસીધું વાચન કરી શકાય છે. તે હેતુ મુજબ જ આ ત્રિપાર્શ્ર્વ કંપાસમાં ત્રિપાર્શ્ર્વ કાચ(prism)નો ઉપયોગ કરવામાં આવેલો હોવાથી તેને ત્રિપાર્શ્ર્વ કાચ-કંપાસ (prismatic compass) કહે છે. આ કંપાસ 6થી 15 સેમી.ના વ્યાસવાળી અને 20 મિમી. ઊંચાઈવાળી પિત્તળની ડબ્બીમાં ગોઠવેલો હોય છે. ડબ્બીના તળ પર પૂંઠાની કે ઍલ્યુમિનિયમ ધાતુના પતરાની વીંટી (રિંગ) જેવી ચકતી હોય છે. તેના પર અરીસામાં પ્રતિબિંબ પડે તે રીતે ઊલટી સ્થિતિમાં 0°થી 360°ના આંકા પાડેલા હોય છે. (અંશના અર્ધા ભાગ એટલે કે 30’ સુધી) આ રિંગ જેવી ધાતુની ચકતીની મધ્યમાં એક વ્યાસ રૂપે આડી પટ્ટી આવેલી હોય છે. તેમાં ચુંબકીય સોય ગોઠવેલી હોય છે. તે એક નાના કિલક (pivot) પર ટેકવાયેલી રહે છે, જેથી ચુંબકીય સોય સાથેની ઍલ્યુમિનિયમની રિંગ મુક્ત રીતે ફરી શકે છે. ચુંબકીય સોય તેના ગુણધર્મ મુજબ ઉત્તર-દક્ષિણ દિશામાં રહે છે અને વ્યાસના છેડે 0°-180° રહે તે પ્રમાણે ચકતી પર ખૂણાઓના આંકડાઓનું આલેખન કરેલું હોય છે.
ગોળાકાર પેટી-આકારના આ કંપાસમાં એક બાજુએ જોવા માટે દર્શકવેધિકા (eye vane) હોય છે, તેની સાથે ત્રિપાર્શ્ર્વ કાચ (prism) જોડાયેલો હોય છે. દર્શકવેધિકાની સામેની બાજુએ વસ્તુવેધિકા (object vane) હોય છે, જેની વચ્ચે ઊભા છિદ્રમાં એક ઊભો તાર ગોઠવેલો હોય છે. બંને છેડા પરનાં આ ઉપકરણોને મિજાગરાવાળી પટ્ટી પર બેસાડેલાં હોય છે અને જ્યારે જરૂર ન હોય ત્યારે તે કંપાસના ઢાંકણની અંદર સમાઈ જાય છે. મિલિટરી સર્વેક્ષણ માટેના ત્રિપાર્શ્ર્વ કંપાસમાં એક અંશના ચાર ભાગ પણ બતાવેલા હોય છે, આથી ખૂણો માપવામાં ભૂલ થવાનું પ્રમાણ ઘટી જાય છે.
જે વિસ્તારનું સર્વેક્ષણ કરવાનું હોય તે વિસ્તારને આવરી લે તે રીતે ભૂમિ પર સર્વેક્ષણ બિન્દુઓ નક્કી કરીને તેના પર આરેખણ-દંડ રોપવામાં આવે છે. સર્વેક્ષણ-કાર્ય ચાલતું હોય ત્યારે સર્વેક્ષક શરૂઆતના બિન્દુ પર ઘોડી સાથે ત્રિપાર્શ્ર્વ કંપાસનું કેન્દ્રીકરણ તથા સમતલીકરણ કર્યા પછી કંપાસની દર્શકવેધિકામાંથી વસ્તુવેધિકા પર બાંધેલા તાર સાથે તથા તે પછીના ક્રમે આવતા બિન્દુ પર ઊભા કરેલા આરેખણદંડનું દૃષ્ટિવેધન (coincide) કરે છે, આમ કરવા માટે કંપાસને ફેરવવો પડે છે. તેની સાથે સાથે તે દર્શકવેધિકાની નીચે તરફ જોતો રહે છે અને ત્રિપાર્શ્ર્વ કાચની મદદથી તે સ્થાનનો ખૂણો વાંચે છે. ત્રિપાર્શ્ર્વ કાચ તેના ગુણધર્મ પ્રમાણે પ્રકાશનું પરાવર્તન કરતો હોઈ તેમાંથી જોતાં નીચેની વસ્તુ ઊંધી દેખાતી હોય છે. આ વિશિષ્ટતાને લઈને કંપાસની ગોળ ફરતી ચકતી પર ખૂણા દર્શાવતા આંક અરીસામાં દેખાતા હોય એવા ઊલટા લખવામાં આવ્યા હોય છે. જોકે કંપાસની અંદરની ગોળ ફરતી ઍલ્યુમિનિયમની રિંગ પર ચુંબકીય ઉત્તર દિશા તરફ 180°નો આંક તેમજ ચુંબકીય દક્ષિણ દિશા પર 0° દર્શાવતો આંક લખેલો હોય છે. એક સર્વેક્ષણ-સ્થાન ઉપરથી ત્રિપાર્શ્ર્વ કંપાસ દ્વારા અન્ય સર્વેક્ષણ-સ્થાનો(objects)નું વાચન લેવામાં આવે છે, ત્યારે કંપાસમાં ચુંબકીય ઉત્તર-રેખા (magnetic north) અને તે સ્થાન વચ્ચે જે ખૂણો બને તે ત્રિપાર્શ્ર્વ કાચ દ્વારા વાંચી શકાય છે. આને દિશાકોણ (bearing) કહે છે. ત્રિપાર્શ્ર્વ કંપાસમાં આ પ્રકારના બધા દિશાકોણ ઘડિયાળના કાંટાની દિશામાં 0°થી 360° સુધીના આંકમાં વાંચી શકાય છે.
નદી કે રસ્તાની બંને તરફના દીર્ઘવર્તુળ પ્રદેશના સર્વેક્ષણ માટે પ્રિઝમેટિક કંપાસ ત્રિપાર્શ્ર્વકાચીય કંપાસ ખૂબ ઉપયોગી સાધન છે. તેમાં સર્વેક્ષણ-સ્થાનો કેવળ ખૂણો માપીને નક્કી કરવાનાં હોવાથી તેના દ્વારા જ્યાં ટ્રાફિક નડતો નથી એવા ગીચ શહેરી વિસ્તારનું કે જંગલ વિસ્તારનું અથવા તો દૂર સંતાઈને દુશ્મનના લશ્કરી છાવણીવાળા પ્રદેશનું સર્વેક્ષણ આસાનીથી થઈ શકે છે. નદી જેવા અવરોધો આવતા હોય તો ત્યાં પણ તેને સામે કિનારે આરેખણ દંડ મૂકીને અવરોધરૂપ નદી પરથી દિશાકોણ લઈને સર્વેક્ષણ કરી શકાય છે. કંપાસ જેવું સાધન વજનમાં હલકું હોય છે; એટલું જ નહિ, પણ તેની સાથે બીજાં ઉપકરણોની જરૂરિયાત નહિ હોવાથી, મોટા વિસ્તારોનું સર્વેક્ષણ, ટૂંકા સમયમાં તથા ઝડપથી કરી શકાય છે. આમ છતાં ભૂમિની ઉપરની સપાટી પર જ્યાં લોખંડની પાઇપો, લોહઅયસ્ક અને લોખંડનાં માળખાં હોય ત્યાં કંપાસનાં અવલોકનો પર તેની ઓછીવત્તી અસર પડતી હોય છે. પરિણામે સર્વેક્ષણ અમુક પ્રમાણમાં ક્ષતિયુક્ત બને છે. આ સર્વેક્ષણમાં પણ ક્ષેત્ર-નોંધપોથીની જરૂરિયાત રહે છે. ક્ષેત્ર પરનાં વિવિધ સર્વેક્ષણ-સ્થાનો અને તેના પર ત્રિપાર્શ્ર્વ કંપાસ વડે લીધેલા દિશાકોણો-(bearings)ની નોંધોને આધારે કાર્યાલયમાં પ્લાન કે નકશા તૈયાર કરવામાં આવે છે.
દૂરસંવેદન–સર્વેક્ષણ : દૂરના પદાર્થોની, સ્પર્શ કર્યા વિના, ઉપગ્રહ દ્વારા મેળવાતી માહિતી. આ રીતે મેળવાતી માહિતી દૂરસંવેદન-સર્વેક્ષણ તરીકે ઓળખાય છે. એવલિન સૂટ નામના ભૂસ્તરશાસ્ત્રી દ્વારા આ પદ્ધતિ વિકસાવાઈ હતી. સામાન્ય રીતે દૂરસંવેદન-પદ્ધતિ દ્વારા અવકાશી છાયાચિત્ર મળતું હોય છે.
દૂરસંવેદન-પદ્ધતિથી પૃથ્વી પરની કુદરતી સંપદા(પર્વતો, ખીણો, નદીઓ, જળાશયો, જમીનો, ભૂગર્ભીય જળ અને ખનિજસંપત્તિ)નું દૃશ્ય મળે છે. તેના પૃથક્કરણથી ઘણી સામેલ થયેલી વિગતોનો પણ તાગ મેળવી શકાય છે. દૂરસંવેદનમાં સર્વપ્રથમ સંખ્યાત્મક માહિતી મળે છે અને તેના પરથી તેનું રંગીન તસવીર(imagery)માં રૂપાંતર થાય છે. તેના અર્થઘટનથી માહિતીનો અહેવાલ તૈયાર કરી શકાય છે.
દૂરસંવેદનની પ્રક્રિયાનો અભ્યાસ કરવાની જુદી જુદી રીતો ઉપયોગમાં લેવાય છે : (i) પ્રયોગશાળા-અભ્યાસ, (ii) સ્થળ-અભ્યાસ, (iii) વાયુસ્થિત અભ્યાસ, (iv) અવકાશસ્થિત અભ્યાસ.
દૂરસંવેદન-સર્વેક્ષણના ઉપયોગથી ભૂતકાળ, વર્તમાન તેમજ ભવિષ્યની ભૌગોલિક ઘટનાઓનો ખ્યાલ મેળવી શકાય છે; જેમ કે, લુપ્ત થયેલી દ્વારકા નગરીના અવશેષો ત્યાંના સમુદ્રતળ પરથી મેળવી શકાયા છે, જેના પરથી તે વખતની સ્થિતિનો તાગ મેળવી શકાય છે. આજે પણ ખેતીનાં ઉત્પાદનોનો ખ્યાલ ભૂતળસ્થિત સ્રોત જાણી શકાય છે. વર્ષો પહેલાં લુપ્ત થઈ ગયેલી સરસ્વતીના પટની, પથની જાણકારી પણ મેળવી શકાઈ છે. આ અંગેનું કાર્ય હજી આજે પણ ચાલુ છે. નજીકના ભવિષ્યમાં વરસાદ અંગેની આગાહી તસવીરોની આંકડાકીય માહિતી પરથી કરી શકાશે.
બિજલ શં. પરમાર
મધુકાંત ર. ભટ્ટ
રાજેશ મ. આચાર્ય
ગિરીશભાઈ પંડ્યા