સર્વે ઑવ્ ઇન્ડિયા (દહેરાદૂન) (1767) : ભારતીય સર્વેક્ષણ સંસ્થા. કેન્દ્રસરકારના વિજ્ઞાન અને તાંત્રિક-વિદ્યા મંત્રાલય હેઠળ ઈ. સ. 1767માં સ્થપાયેલ સૌથી જૂની, વૈજ્ઞાનિક ખાતાંઓ પૈકીની, રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થા.

સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રાથમિક, બિનસંકલિત, અવિકસિત વન, રણ અને કાદવ-કીચડવાળી ભૂમિના નકશાઓ સંરક્ષણ, વિકાસ અને વહીવટી કામગીરીઓ માટે ઉપજાવવાના હોય છે. આ સંસ્થા કેન્દ્રસરકારને જિયોડેસી, ફોટોગ્રામેટ્રી, સર્વેક્ષણ તથા પુનર્નિર્મિત નકશાઓ અંગે જરૂરી સલાહસૂચનો સહિત માર્ગદર્શન આપે છે. આ સંસ્થા મુખ્યત્વે રાષ્ટ્રીય હદ અને તેનું સીમાંકન, આંતરરાજ્ય હદ, વનવિસ્તાર-સર્વેક્ષણ, ભૌગોલિક નકશા, વિશિષ્ટ સ્થળવર્ણન, અંકુશિત વિસ્તાર(લશ્કરી)નું સર્વેક્ષણ, વિકાસ-પ્રોજેક્ટનું સર્વેક્ષણ અને ભૌગોલિક સંશોધનો અંગેની જવાબદારીઓ નિભાવે છે. સંસ્થા દ્વારા પ્રવાસી નકશા, વિશિષ્ટ સ્થળવર્ણન નકશા, જિલ્લા-આયોજન નકશા, કૅડેસ્ટ્રલ સર્વેક્ષણ નકશા, સૅટેલાઇટ ઇમેજરી નકશા, એરિયલ ફોટોગ્રાફ નકશા, ભૂકંપને પાત્ર વિસ્તારોના નકશા, રેલમાર્ગો અને પાકા રસ્તાના, ખનિજતેલ-કુદરતી-વાયુધારક ભૂમિના, બંધ-જળાશય વિસ્તારના તથા નહેર-સર્વેક્ષણ નકશાઓનું કાર્ય હાથ પર લેવાય છે. આ ઉપરાંત આંકિક નકશાકાર્ય (ડિજિટલ કાર્ટોગ્રાફી), ઊંચાઈ-સર્વેક્ષણ વિસ્તાર-પૃથક્કરણ, અને વહીવટી સીમાંકન નકશાઓનું કાર્ય પણ કરવામાં આવે છે.

સંસ્થાની આંતરમાળખાકીય રચનામાં જિયોસ્પેસિયલ ડેટા સેન્ટર, વિશેષ નિયામકોની કચેરીઓ, દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં કાર્યરત છે. ભૂભૌતિક સર્વેક્ષણ, સમુદ્રસપાટી તેમજ ભરતીસપાટીના આંકનું સાહિત્ય સરકારી તથા ખાનગી સંસ્થાઓને પૂરું પાડવામાં આવે છે. ચુંબકીય તેમજ ગુરુત્વાકર્ષણીય સર્વેક્ષણની આધારસામગ્રી પણ વૈજ્ઞાનિકોને તેમના સંશોધનકાર્યના ઉપયોગ માટે પૂરી પડાય છે. સંસ્થાની કન્સલ્ટન્સી/તાંત્રિક હસ્તાંતરણ પાંખ દ્વારા પડોશી દેશોને સેવા અપાય છે. પડોશી દેશો સાથે સંયુક્ત સાહસના પ્રોજેક્ટો તજ્જ્ઞ પાસાંઓના ક્ષેત્રે હાથ પર લેવામાં આવે છે.

માનવીય વિકાસ-ખાતા દ્વારા ‘સર્વેક્ષણ તાલીમ સંસ્થા’ સર્વેક્ષણ, નકશાંકન, પુનરાલેખન બાબતો માટે આફ્રિકા, અગ્નિએશિયા, ભુતાન વગેરે દેશોના તાલીમાર્થીઓને તાલીમ આપે છે. આ સંસ્થા દ્વારા કાયમી ધોરણે નીચેનાં ક્ષેત્રોના તાલીમ-અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે : (1) ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, (2) માપણીનાં વીજાણુ-સાધનો, (3) થિયૉડોલાઇટ લેવલ જેવાં સર્વેક્ષણ સાધનો, (4) ફોટોગ્રામેટ્રિક યંત્ર દ્વારા ઉપાર્જિત આધારસામગ્રી, (5) એરિયલ ફોટોગ્રાફ તથા દૂર-સંવેદનના માધ્યમ દ્વારા ડિજિટલ ફોટોગ્રામેટ્રી, (6) નકશાના આધાર; જિયોડેસી અને ઍસ્ટ્રોનૉમી, (7) ભૌગોલિક માહિતી, (8) કમ્પ્યૂટર-સેવા અને નકશા-પુનર્નિર્માણ.

આ ઉપરાંત જરૂરિયાત મુજબ વિશેષ અભ્યાસક્રમોનું ખાણકાર્ય, કેડેસ્ટ્રલ સર્વેક્ષણ તથા વનક્ષેત્રે આયોજન કરવામાં આવે છે. અવકાશી ક્ષેત્રના વૈજ્ઞાનિકોની જરૂરિયાત પ્રમાણે ફોટોગ્રામેટ્રી, દૂર-સંવેદનના અભ્યાસક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

આ સંસ્થા દ્વારા અંકુશ હેઠળના વિસ્તારોના નકશા તથા સર્વેક્ષણ કરવામાં આવે છે. સંરક્ષણ, શૈક્ષણિક, વૈજ્ઞાનિક ક્ષેત્રો માટેની જરૂરિયાત માટે તે વિસ્તારમાં આવેલ સંસ્થાની ક્ષેત્રીય કચેરીઓમાં માગણીપત્રક રજૂ કરતાં એવા નકશા જરૂરિયાતને ચકાસીને પૂરા પાડવામાં આવે છે. ‘ધંધાકીય અને જાહેરાત નિયામક કચેરી’ સંસ્થા દ્વારા પ્રકાશિત સાહિત્ય, નકશા તથા હદનિશાન, રાજ્ય-સીમાંકન રેખાઓનું પ્રમાણભૂત આધારીકરણ કરી આપવામાં આવે છે.

જયંતી ભટ્ટ