સર્વાસ્તિવાદ : બૌદ્ધ ધર્મનો સાંપ્રદાયિક સિદ્ધાન્ત. બુદ્ધનિર્વાણ પછી લગભગ 140 વર્ષે બુદ્ધસંઘના બે ભાગ પડી ગયા  મહાસાંઘિક અને સ્થવિરવાદ. મહાસાંઘિક ઉદારપંથીઓનું જૂથ હતું અને સ્થવિરવાદ અનુદારપંથીઓનું. આ સંઘભેદ પછી 100થી 130 વર્ષમાં સ્થવિરવાદની અનેક ઉપશાખાઓ થઈ. તેમાંની એક સર્વાસ્તિવાદ છે. મથુરા અને ઉત્તરાપથ – વિશેષત: કાશ્મીર અને ગાંધાર – તેનાં વિકાસક્ષેત્રો બન્યાં. ઈસવીસનની પ્રથમ શતાબ્દીના અન્તભાગમાં રાજા કનિષ્કના આશ્રયથી સર્વાસ્તિવાદે ધર્મને સ્થિર કરવા અને અભિધર્મવિષયક મતભેદો નિવારવા સંગીતિ બોલાવી. આ સંગીતિના પરિણામે સર્વાસ્તિવાદના વૈભાષિક અને સૌત્રાન્તિક – એવા બે ભાગ પડી ગયા.

વૈભાષિક દર્શનના મુખ્ય ગ્રન્થો છે  કાત્યાયનીપુત્રકૃત ‘જ્ઞાનપ્રસ્થાન’, ‘જ્ઞાનપ્રસ્થાન’ની ટીકા ‘વિભાષા’, ‘વિભાષા’ની ટીકા ‘મહાવિભાષા’, સંઘભદ્રરચિત ‘ન્યાયાનુસાર’, ઘોષકકૃત ‘અભિધર્મામૃત’ અને વિમલમિત્રકૃત ‘અભિધર્મદીપ’. વૈભાષિક સિદ્ધાન્તો નીચે પ્રમાણે છે :

(1) સર્વાસ્તિ સિદ્ધાન્ત : વૈભાષિકોના મતે બધાનું અસ્તિત્વ છે (सर्वमस्ति). અર્થાત્, વર્તમાન ધર્મોની (વસ્તુઓની) જેમ અતીત અને અનાગત ધર્મો પણ અસ્તિત્વ ધરાવે છે. ધર્મમાં ‘ધર્મસ્વભાવ’ અને ‘ધર્મલક્ષણ’ બે પાસાં છે. ‘ધર્મસ્વભાવ’ સર્વદા અર્થાત્ ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવે છે, પરંતુ ‘ધર્મલક્ષણ’ ક્ષણિક છે. તેનું કારણ એ કે તે ધર્મનો ક્રિયાકારી, બાહ્ય દૃશ્યમાનરૂપમાં પ્રાદુર્ભાવ છે. ભદન્ત ધર્મત્રાત ભાવાન્યથાત્વનું, ઘોષક લક્ષણાન્યથાત્વનું, વસુમિત્ર અવસ્થાન્યત્વનું અને બુદ્ધદેવ અપેક્ષાન્યત્વનું સમર્થન કરે છે. પ્રથમ ત્રણનું સાંખ્યનાં ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ સાથે ખૂબ જ મળતાપણું છે.

(2) નિકાયસભાગતા : વૈભાષિકદર્શને નિકાયસભાગતાના નામે સ્વતન્ત્ર સામાન્ય પદાર્થનો સ્વીકાર કર્યો છે. સભાગતાનું બાહ્ય અસ્તિત્વ છે (द्रव्यत​: अस्ति). સભાગતા કેવળ પ્રાણી(सत्त्व​) વ્યક્તિઓમાં જ રહે છે. સમાનતાના કારણે ભિન્ન ભિન્ન પ્રાણીવ્યક્તિઓમાં એકાકાર-પ્રતીતિ થાય છે, અન્વયબુદ્ધિ જન્મે છે, એકાર્થનું ભાન થાય છે.

(3) પ્રત્યક્ષસિદ્ધાન્ત : વૈભાષિકો બાહ્ય વસ્તુનું સાક્ષાત્ પ્રત્યક્ષ સ્વીકારે છે. તેઓ વિષયને જ્ઞાનનો સહભૂહેતુ માને છે. તેઓ વિષય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય માને છે. ઇન્દ્રિય પણ જ્ઞાનનો સહભૂહેતુ હોવા છતાં જ્ઞાન ઇન્દ્રિયનું થતું નથી પણ વિષયનું થાય છે, કારણ કે ઇન્દ્રિય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય નથી, પરંતુ વિષય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય છે.

સૌત્રાન્તિકોના સિદ્ધાન્તોનો વિશેષ પરિચય વસુબંધુના ‘અભિધર્મકોશ : તેનું સ્વોપજ્ઞ ભાષ્ય’ તથા યશોમિત્રકૃત ‘અભિધર્મકોશસ્ફુટાર્થા’ ટીકામાંથી પ્રાપ્ત થાય છે. તે સિદ્ધાન્તો નીચે મુજબ છે :

(1) ક્ષણભંગવાદ : સૌત્રાન્તિકો ધર્મોનું (વસ્તુઓનું) ત્રૈકાલિક અસ્તિત્વ સ્વીકારતા નથી. વૈભાષિકોના ધર્મના ત્રૈકાલિક અસ્તિત્વના મતને પ્રચ્છન્ન સાંખ્ય પરિણામવાદ કહી તેઓ તેનું ખંડન કરે છે. સૌત્રાન્તિકોના મતે વર્તમાન ક્ષણ જ અસ્તિત્વ ધરાવે છે. તેથી તેઓ વસ્તુને (ધર્મને) ક્ષણ કહે છે. ક્ષણોનો પ્રવાહ (સન્તાનં – continuum) ચાલ્યા કરે છે. આ પ્રવાહમાં પૂર્વ પૂર્વની ક્ષણ નાશ પામતાં ઉત્તર ઉત્તરની ક્ષણને જન્મ આપતી જાય છે. નાશ પામવું એ ક્ષણોનો (વસ્તુઓનો) સ્વભાવ છે. તેથી તેમના નાશ માટે કોઈ કારણની અપેક્ષા નથી. આમ ક્ષણભંગવાદમાંથી નિર્હેતુકવિનાશવાદને ફલિત કરવામાં આવે છે.

(2) અપોહવાદ : સૌત્રાન્તિકો વૈભાષિકોએ માનેલી સભાગતાનું ખંડન કરે છે અને કહે છે કે વૈભાષિકોએ સભાગતાના નામે વૈશેષિકોનું સામાન્ય સ્વીકાર્યું છે. સૌત્રાન્તિકોના અપોહસિદ્ધાન્ત પ્રમાણે ગોત્વ જેવું કોઈ સામાન્ય નથી. જેને ગોત્વ સામાન્ય કહેવામાં આવે છે તે તો કેવળ અગોવ્યાવૃત્તિ (exclusion or negation of non-cows) છે. આ અગોવ્યાવૃત્તિ જ બધી ગાયોમાં હોવાથી બધી ગાયોમાં એકત્વનું જ્ઞાન થાય છે, ‘આ ગાય છે’ ‘આ ગાય છે’ એવી એક આકારવાળી પ્રતીતિ થાય છે. સામાન્ય અસત્ છે.

(3) પ્રત્યક્ષસિદ્ધાન્ત : સૌત્રાન્તિકો વૈભાષિકની સહભૂહેતુની માન્યતાનું ખંડન કરે છે અને કહે છે કે જે બે સહભૂ હોય તેમની વચ્ચે કાર્યકારણભાવ ન હોય, તે બે ખરેખર તો એક કારણમાંથી ઉદ્ભવેલાં બે કાર્યો જ હોય. સૌત્રાન્તિક અનુસાર પ્રત્યક્ષજ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેનો જનક વિષય નાશ પામી ગયો હોય છે. તો પછી તેને તે વિષયનું પ્રત્યક્ષ કેમ ગણી શકાય ? સૌત્રાન્તિકો ઉત્તર આપે છે કે વિષય ઇન્દ્રિયો દ્વારા પોતાનો આકાર (સારૂપ્ય) જ્ઞાનને આપી નાશ પામી જાય છે અને આ સારૂપ્ય દ્વારા પછીની ક્ષણે વિષયનું પ્રત્યક્ષ થાય છે. આમ સૌત્રાન્તિક અનુસાર આપણને વિષયનું સાક્ષાત્ પ્રત્યક્ષ થતું નથી પરંતુ જ્ઞાનગત વિષયાકાર દ્વારા વિષયનું પ્રત્યક્ષ થાય છે. આપણને સાક્ષાત્ પ્રત્યક્ષ જ્ઞાન સારૂપ્યનું થાય છે, વિષયનું પ્રત્યક્ષ તો સારૂપ્ય દ્વારા જ થાય છે. આવો સૌત્રાન્તિકોનો મત હોવાથી તેમને બાહ્યાર્થાનુમેયવાદી ગણવામાં આવે છે.

સૌત્રાન્તિક ચિન્તનમાં આગમાનુસારિતાના સ્થાને પ્રબળ તર્કાનુસારિતા જણાય છે અને આગળ તેમના માર્ગે બૌદ્ધ ન્યાયશાસ્ત્રનો વિકાસ થયો. બીજી બાજુ સૌત્રાન્તિકોની સ્થાપનાઓએ – વિશેષત: તેમના બાહ્યાર્થાનુમેયવાદે  મહાયાની વિજ્ઞાનવાદના ઉદ્ભવમાં સહાયતા કરી. વૈભાષિકદર્શન પર સાંખ્ય અને ન્યાય-વૈશેષિકની અસર દેખાય છે. સૌત્રાન્તિકોએ પોતાની તાર્કિક આલોચના દ્વારા બૌદ્ધ દર્શનમાં નવચેતનાનો સંચાર કર્યો.

નગીન શાહ