સર્વાર્થચિંતામણિ : ભારતીય જ્યોતિષશાસ્ત્રનો વ્યંકટેશ દૈવજ્ઞે રચેલો ગ્રંથ. આ ગ્રંથ ફળ-જ્યોતિષનું નિરૂપણ કરે છે. અઢાર અધ્યાયોના બનેલા આ ગ્રંથમાં પ્રારંભમાં જ્યોતિષશાસ્ત્રની સંજ્ઞાઓ આપી જન્મકુંડળીના બાર ભાવોનું પ્રથમ બાર અધ્યાયોમાં ક્રમ મુજબ નિરૂપણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને નવમા ભાવમાં વિવિધ રાજયોગો સમાવવામાં આવ્યા છે. દસમા ભાવમાં એ જ રીતે આયુષ્યયોગો, 11મા ભાવમાં અરિષ્ટભંગ-યોગો અને 12મા ભાવમાં પણ આયુષ્યયોગોની વાત સમાવવામાં આવી છે. 13મા અને 14મા અધ્યાયમાં ગ્રહોની અવસ્થાઓ રજૂ થઈ છે. 15મા અને 16મા અધ્યાયમાં દશાઓ અને અંતર્દશાઓની ચર્ચા છે. અંતિમ બે અધ્યાયોમાં પ્રકીર્ણ મુદ્દાઓની છણાવટ છે. એમાં અષ્ટકવર્ગ નથી અને સ્ત્રીજાતક વગેરે બાબતો સંક્ષેપમાં આપી છે. વળી ગ્રંથલેખકે આ ગ્રંથમાં હોરા અને દ્રેષ્કાણનું વિશદ નિરૂપણ કર્યું છે. જ્યોતિષશાસ્ત્રની બધી જ બાબતોનું જ્ઞાન પ્રસ્તુત ગ્રંથમાં આપવામાં આવ્યું હોવાથી તેનું લેખકે આપેલું ‘સર્વાર્થચિંતામણિ’ નામ સાર્થક છે.

લેખક વ્યંકટેશ દૈવજ્ઞ સિદ્ધિવિનાયક ગણપતિના ભક્ત હશે એમ ગ્રંથના મંગલ શ્લોક પરથી કહી શકાય. વળી તિરુપતિના વેંકટેશ્વર ભગવાનને તેઓ ગુરુ માનતા હતા. દક્ષિણ ભારતના શેષગિરિતટ પર રહેતા હશે. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. પ્રસ્તુત ગ્રંથનો અનુવાદ અંગ્રેજીમાં ડૉ. સૂર્યનારાયણ રાવે અને ગુજરાતીમાં ડૉ. ચંદ્રશેખર ઠક્કુરે  કર્યો છે. હિંદીમાં તેનો સંક્ષિપ્ત અનુવાદ થયો છે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં તે અજોડ ગ્રંથ ગણાય છે.

બટુકભાઈ દલીચા