સર્વાંગીણ યુદ્ધ
January, 2007
સર્વાંગીણ યુદ્ધ : કોઈ પણ સંઘર્ષ કે યુદ્ધમાં શરમજનક પરાજય ટાળવા માટે દેશ પાસેના બધાં જ ભૌતિક અને માનવસાધનોનો ઉપયોગ કરવા અંગેની વ્યૂહરચના અને રણનીતિ. મહાભારતની કથામાં વર્ણવેલું છે કે જ્યારે પાંડવો બધું જ હારી જતા હોય છે ત્યારે અંતિમ વિજય પ્રાપ્ત કરવા માટે તેઓ પોતાનું સર્વસ્વ હોડમાં લગાવી દે છે. એ રીતે કૌરવો પણ જીદપૂર્વક પોતાનું બધું જ યુદ્ધમાં હોમી દે છે. એ રીતે મહાભારતનું યુદ્ધ પણ સર્વાંગીણ યુદ્ધની માનસિકતાનો જ દાખલો છે. યુદ્ધમાં શરણાગતિ સ્વીકારવાને બદલે કેસરિયાં કરવાની તૈયારી એ સર્વાંગીણ યુદ્ધની મનોવૃત્તિની જ દ્યોતક છે.
વીસમી સદીમાં બે યુદ્ધોના દાખલા એવા છે જે સર્વાંગીણ યુદ્ધની વિભાવના સ્પષ્ટ કરવા સમર્થ છે : (1) બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં જર્મનીનું નાઝી લશ્કર એક તબક્કે મૉસ્કોના સીમાડા સુધી પહોંચી ગયું હતું અને હિટલરે ચોવીસ કલાકમાં શરણાગતિ સ્વીકારી લેવા સ્ટેલિનને હાકલ કરી હતી. તે ક્ષણે છેલ્લા દાવની બાજી લગાડી સોવિયેત સંઘને પરાજયમાંથી ઉગારી લેવા અને નાઝી લશ્કરને છેલ્લો નિર્ણાયક ફટકો મારવા સ્ટેલિને ક્રેમલિનમાંના પોતાના કાર્યાલયમાંથી દેશની જનતા અને લશ્કરને આજીજીભરી અપીલ કરી હતી તથા જર્મની સામે સર્વાંગીણ યુદ્ધ છેડવાનો પોતાના દેશવાસીઓને આદેશ આપ્યો હતો. તેના પ્રતિસાદ રૂપે માર્શલ ઝુકોવના તાબા હેઠળના સોવિયેત સંઘના લશ્કરે પોતાના પ્રાણની બાજી લગાડી જર્મન સૈનિકોને પીછેહઠ કરવા ફરજ પાડી હતી. તેમાં સોવિયેત સંઘની ભલે ભયંકર ખુવારી થઈ હોય, પરંતુ સામા પક્ષે જર્મનીએ લશ્કરી અને રાજકીય રીતે બધું જ ગુમાવ્યું હતું. (2) વિયેટનામના અમેરિકા સામેના યુદ્ધ(1954-75)માં અમેરિકા જેવી વિશ્વની બલાઢ્ય મહાસત્તાએ આ નાનકડા દેશ પર ભયંકર વિનાશ સર્જી શકે તેવાં શસ્ત્રાસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો, જેમાં નેપામ બૉમ્બનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો; છતાં વિયેટનામની જનતા અને લશ્કરનું મનોબળ એટલું મજબૂત હતું કે તેમણે અમેરિકાને હરાવવા માટે સર્વાંગીણ યુદ્ધની વ્યૂહરચના અને રણનીતિનો અમલ કર્યો. છેવટે અમેરિકાને જ પરાજય સ્વીકારવો પડ્યો હતો. આમ, જ્યારે કોઈ દેશ પરાજયમાંથી બચવા માટે અને પોતાના દેશની સ્વાધીનતા અને સાર્વભૌમત્વના રક્ષણ કાજે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે છે ત્યારે તેવા યુદ્ધને સર્વાંગીણ યુદ્ધ કહેવાય. આવા યુદ્ધમાં લશ્કરની બધી પાંખો, અર્ધલશ્કરી દળો, સરકારના બધા વિભાગો અને સર્વસામાન્ય જનતાનો એક યા બીજા સ્વરૂપે સક્રિય ફાળો હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે