સર્બિયા
January, 2007
સર્બિયા : યુગોસ્લાવિયાનાં છ પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 44° 00^ ઉ. અ. અને 21° 00^ પૂ. રે.ની આજુબાજુનો આશરે 88,360 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હંગેરી, પૂર્વમાં રુમાનિયા અને બલ્ગેરિયા, દક્ષિણે ગ્રીસ, તથા પશ્ચિમે આલ્બેનિયા અને યુગોસ્લાવિયા આવેલાં છે. તે પૂર્વ યુગોસ્લાવિયામાં આવેલું છે અને તેના કોસોવો તથા વોજવોદિના પ્રાંતોમાં સ્વાયત્ત શાસનપદ્ધતિ છે. 2001 મુજબ સર્બિયાની વસ્તી આશરે 1 કરોડ જેટલી છે. યુગોસ્લાવિયાનું પાટનગર બેલગ્રેડ તેનું મોટામાં મોટું શહેર છે.
ભૂપૃષ્ઠ : સર્બિયાના પ્રદેશમાં ઘણી નદીઓ વહે છે. તેમાં યુગોસ્લાવિયાનો મુખ્ય જળમાર્ગ ગણાતી ડેન્યૂબ મુખ્ય નદી છે. તે અગ્નિ તરફ વહીને કાળા સમુદ્રમાં ઠલવાય છે. મોરાવા નદી સર્બિયાના દક્ષિણ અને મધ્ય ભાગની ટેકરીઓમાંથી ઉત્તર તરફ વહીને ડેન્યૂબને મળે છે. સર્બિયાની પૂર્વ અને પશ્ચિમ સીમાઓ પર પર્વતો આવેલા છે. સર્બિયામાં કોલસો, તાંબું, સીસું અને જસતનાં ખનિજો મળે છે.
અર્થતંત્ર : સર્બિયાની સમૃદ્ધ ખેતભૂમિ બેલગ્રેડથી દક્ષિણમાં આવેલા વિસ્તાર વોજવોદિના અને સ્યુમાદિજાના ઉત્તર ભાગમાં આવેલી છે. અહીં ધાન્યપાકો, ફળો, સ્યુગરબીટ, સૂરજમુખીનાં બીજ અને તમાકુનું વાવેતર થાય છે. લોકો અહીં ખેતી ઉપરાંત આવકવૃદ્ધિ માટે ગાય, ડુક્કર અને ઘેટાં પાળે છે. 1940-50ના ગાળાથી સર્બિયામાં ઔદ્યોગિક વિકાસ ઝડપથી થતો ગયો છે. અહીં રસાયણો, વીજપેદાશો અને સુતરાઉ કાપડનું ઉત્પાદન થાય છે.
લોકો : સર્બિયાના 70 %થી વધુ લોકો ‘સર્બ’ છે. અહીંના અન્ય લોકોમાં આલ્બેનિયન, ક્રોએટ, જિપ્સી હંગેરિયન અને મૉન્ટેનેગ્રિનનો સમાવેશ થાય છે. સર્બિયાના મુસ્લિમોને પણ અહીંના જાતિસમુદાયમાં ગણવામાં આવે છે. મોટાભાગના સર્બ લોકો ‘ઈસ્ટર્ન ઑર્થોડૉક્સ ચર્ચ’માં માને છે.
સર્બો-ક્રોએશિયન અહીંની મુખ્ય ભાષા છે; પરંતુ સર્બ લોકો સીરિલિક કે રોમન મૂળાક્ષરોનો તથા ક્રોએટ લોકો રોમન મૂળાક્ષરોનો ઉપયોગ કરે છે. રોજબરોજના સામાન્ય સર્બિયન ખોરાકમાં શેકેલું માંસ, જાડો સૂપ, બકરાના દૂધનું ચીઝ તથા મસાલેદાર કચુંબર હોય છે. સર્બિયનોને જાડી, મીઠી ટર્કિશ કૉફી અને દ્રાક્ષનો દારૂ પણ ભાવે છે.
ઇતિહાસ : છઠ્ઠી અને સાતમી સદી દરમિયાન સ્લાવ લોકોનાં વિવિધ જૂથ, સર્બ લોકોના પૂર્વજો સહિત બાલ્કના દ્વીપકલ્પના મધ્ય ભાગમાં આવીને વસેલા. બારમી સદી સુધી અહીંના દરેક જાતિજૂથનો પોતાનો એક સરદાર હતો. તે વખતે યુદ્ધવીર અને સરદાર સ્ટેફેન નીમાન્જાએ સર્વપ્રથમ સંયુક્ત સર્બિયન રાજ્યનું નિર્માણ કર્યું. ચૌદમી સદી દરમિયાન, રાજા સ્ટેફેન ડુઝાને બાયઝેન્ટાઇન સામ્રાજ્ય સામે સફળ યુદ્ધ કર્યું; પરંતુ 1355માં તેના મૃત્યુ બાદ સર્બિયન સામ્રાજ્યમાં ભાગલા પડતા ગયા. 1389માં ઑટોમાન તુર્કોએ કોસોવોની લડાઈમાં સર્બિયા જીતી લીધું. તે પછીનાં 500 વર્ષ માટે સર્બિયામાં ઑટોમાન સામ્રાજ્યે શાસન કર્યું.
ગિરીશભાઈ પંડ્યા