સર્પેન્ટાઇન : એક પ્રકારનું ખડકનિર્માણ ખનિજ તથા તે જ નામ ધરાવતો, તે જ ખનિજથી બનેલો ખડક.

ખનિજ : ચીકાશવાળું સ્પર્શલક્ષણ ધરાવતું, સામાન્યત: દળદાર, આછા લીલા રંગનું ખનિજ. તેનું રાસાયણિક બંધારણ 3MgO્ર2SiO2્ર2H2O હોય છે. તે એક પડગુંફિત (layer latticed mineral) પ્રકારનું ખનિજ ગણાય છે. આ જ નામ હેઠળ તદ્દન ઓછા તફાવતવાળાં બે ખનિજો ક્રાયસોટાઇલ (સર્પેન્ટાઇન ઍસ્બેસ્ટૉસ) અને ઍન્ટિગોરાઇટ તેમજ બેસ્ટાઇટ, મર્મોલાઇટ અને પિક્રોલાઇટનો પણ સમાવેશ થાય છે. ક્રાયસોટાઇલ એ સર્પેન્ટાઇનની રેસાદાર જાત છે. તેનું સારી જાતના ઍસ્બેસ્ટૉસ તરીકે ઘણું મહત્ત્વ અંકાય છે. ક્રાયસોટાઇલનું ઔદ્યોગિક મૂલ્ય તેની ઉષ્ણતા, વિદ્યુત અને તેજાબ – પ્રતિકારક્ષમતા પર રહેલું હોય છે. ઍસ્બેસ્ટૉસ રચનાવિહીન સર્પેન્ટાઇનનું કોઈ વ્યાપારી મૂલ્ય હોતું નથી. આ પ્રકારમાં રહેલી જળમાત્રાને કારણે તે ઍમ્ફિબોલ ઍસ્બેસ્ટૉસથી અલગ પડે છે. ઍન્ટિગોરાઇટ એ તેની પડવાળી જાત છે. આ ઉપરાંત અન્ય બે પ્રકારો ગાર્નિયેરાઇટ (નિકલધારક સર્પેન્ટાઇન) અને ગ્રીનાલાઇટ (લોહસમૃદ્ધ સર્પેન્ટાઇન) ધાતુ-ખનિજ સ્વરૂપે પણ મળે છે. સર્પેન્ટાઇનનો સંભેદ પતરીમય હોઈ ખનિજ નમનીય ગણાય છે, પરંતુ પતરીઓ સ્થિતિસ્થાપક હોતી નથી.

બેઝિક અને પારબેઝિક ખડકોમાંથી તે પરિવર્તન પામતું હોવાથી, સર્પેન્ટાઇન એ ઑલિવિન અને પાયરૉક્સિનની પરિવર્તન-પેદાશ ગણાય છે; જ્યારે ઑલિવિન-સમૃદ્ધ કે હાયપરસ્થીન-સમૃદ્ધ અલ્ટ્રાબેઝિક ખડકો પર ઉષ્ણજળજન્ય પ્રક્રિયાની અંતિમ કક્ષાની અસર થાય ત્યારે આપોઆપ સર્પેન્ટાઇન તૈયાર થાય છે. આ પ્રક્રિયા સ્વયં-વિકૃતિજન્ય સર્પેન્ટિનીકરણ તરીકે ઓળખાય છે, નીચેના સૂત્ર પરથી તે સમજી શકાય છે :

4Mg2SiO4 + 4H2O + 2CO2 = Mg6Si4O10(OH)8 + 2MgCO3

કાર્બન ડાયૉક્સાઇડધારક મૅગ્માજળ કે સ્રાવ પામતું ભૂગર્ભજળ તેના સંપર્કમાં આવતાં ઑલિવિન અને પાયરૉક્સિનને સર્પેન્ટાઇનમાં ફેરવે છે.

કૅનેડાનો ક્વિબેક પ્રાંત ક્રાયસોટાઇલ પ્રકારના ઍસ્બેસ્ટૉસનો મોટામાં મોટો ઉત્પાદક પ્રદેશ ગણાય છે. દક્ષિણ આફ્રિકા તેને માટેનો બીજો મોટો સ્રોત છે. યુ.એસ.નું ઉત્પાદન ઍમ્ફિબોલ ઍસ્બેસ્ટૉસનું છે અને તે પણ પ્રમાણમાં નજીવું ગણી શકાય એવું છે; તેમ છતાં, લાંબી રેસાદાર ક્રાયસોટાઇલ જાત 1944માં વર્મોન્ટમાં વિકસાવવામાં આવી હતી.

સર્પેન્ટાઇન, ક્રાયસોટાઇલ પ્રકાર

ખડક : સર્પેન્ટાઇન ખડક એ તે જ નામ ધરાવતા ખનિજથી બનેલો વિકૃત ખડક છે. તેના બંધારણમાં રહેલું સર્પેન્ટાઇન ખનિજ ઑલિવિન, પાયરૉક્સિન અને હૉર્નબ્લેન્ડ જેવાં ફેરોમૅગ્નેશિયન ખનિજોમાંથી તૈયાર થયેલું હોય છે. આ પરથી કહી શકાય કે સર્પેન્ટાઇનીકરણ થતાં અગાઉનો મૂળ ખડક પેરિડોટાઇટ, પાયરૉક્સિનાઇટ અથવા ક્યારેક, તે ઍમ્ફિબોલાઇટ કે હૉર્નબ્લેન્ડ શિસ્ટ હતો. શુદ્ધ સર્પેન્ટાઇન તો પેરિડોટાઇટમાંથી તૈયાર થાય છે. સર્પેન્ટાઇન મૂળભૂત ખડક સાથે ક્રમશ: બદલાતી ગયેલી કક્ષાઓ પણ દર્શાવતું હોય છે, જેમાં તે પૂરેપૂરું કે ઓછુંવત્તું પરિવર્તન પામેલું પણ હોઈ શકે છે.

સર્પેન્ટાઇન ખડક અનિયમિત દળમાં અને વીક્ષાકારો(lenses)માં મળે છે. તેનો સ્પર્શ સુંવાળો, ચીકાશવાળો લાગે છે. રંગમાં તે લીલાથી માંડીને કાળો હોય છે. કેટલાક સર્પેન્ટાઇન ખડકો લીલી અને શ્વેત છાંટવાળા પણ મળે છે, શ્વેત રંગ તેમાં પ્રસરેલી, વિખેરાયેલી કૅલ્સાઇટ કે ડોલોમાઇટ ખનિજશિરાઓને કારણે ઉદ્ભવે છે.

પૂર્વ અસ્તિત્વ ધરાવતા ઑલિવિન કે પાયરૉક્સિનધારક ખડકમાંથી ઉદ્ભવેલી પરિવર્તન-પેદાશ-સર્પેન્ટાઇનથી લગભગ સંપૂર્ણપણે બનેલા ખડકને સર્પેન્ટિનાઇટ કહે છે. માતૃખડકના પ્રકારભેદે આ ખડકનાં નામ અપાય છે, જો તે ઑલિવિનની પરિવર્તન-પેદાશ હોય તો તે ડ્યુનાઇટ સર્પેન્ટાઇન અને હાયપરસ્થીનની પરિવર્તન-પેદાશ હોય તો તે બેસ્ટાઇટ સર્પેન્ટાઇન ગણાય છે. સર્પેન્ટાઇનધારક આરસપહાણને ઑફિકૅલ્સાઇટ અને વાદળી ઝાંયવાળા લીલા રંગના કાર્બોનેટ ખડકને વર્ટ ઍન્ટિક કહેવાય છે : વર્ટ ઍન્ટિક કૅલ્સાઇટ કે ડોલોમાઇટની છાંટવાળો હોય છે.

સર્પેન્ટાઇન-ખડક બાંધકામ હેતુઓ માટે જરૂરી ટકાઉપણું ધરાવતો હોતો નથી; પરંતુ તે ઘણી સારી ચમક ગ્રહણ કરી શકે છે, તેથી તેનાં અરીસાવત્ પૉલિશ કરેલાં ચોસલાં, પાટો કે પટ્ટીઓ ઇમારતોના અંદરના ભાગો માટે સુશોભન-ઉપયોગમાં લેવાય છે. વર્ટ ઍન્ટિક પણ સારી ચમક લઈ શકે છે અને તે પણ સુશોભન-હેતુઓ માટે વપરાય છે.

સર્પેન્ટાઇન ખડકોના વિશાળ જથ્થા પૅસિફિક સીમા પરની યુ.એસ.ની કંઠાર હારમાળામાં જોવા મળે છે. આ ઉપરાંત તે લેક સુપીરિયર પ્રદેશમાં ઉત્તર કૅરોલિના, જ્યૉર્જિયા, મૅરીલૅન્ડ અને પેન્સિલ્વેનિયામાં તેમજ ન્યૂયૉર્કના સ્ટેટન ટાપુ પર મળે છે. ગ્રેટ બ્રિટનમાં તે કૉર્નવૉલ અને સ્કૉટલૅન્ડમાં તથા શેટલૅન્ડ ટાપુઓ પર મળે છે. વર્ટ ઍન્ટિક થોડા પ્રમાણમાં વડોદરા જિલ્લાના છૂંછાપુરા ખાતે મળે છે.

ગિરીશભાઈ પંડ્યા