સર્પશિરા (varicose veins)
January, 2007
સર્પશિરા (varicose veins) : શિરામાં વધેલા દબાણથી તે અનિયમિત રીતે ફૂલે તથા પહોળી થાય તેવો વિકાર. તે બહુ સામાન્ય (common) વિકાર છે, જે વધતી ઉંમર સાથે વધે છે. સૌથી વધુ તે સ્ત્રીઓમાં જોવા મળે છે. તેઓમાં સગર્ભાવસ્થા સમયે શિરાઓ પર આવેલા દબાણને કારણે ઉદ્ભવે છે. અસરગ્રસ્ત શિરા મોટી થઈ જાય છે. અનિયમિત રીતે ફૂલે છે. વાંકીચૂકી થઈ જાય છે અને ચામડી ઉપર ઊપસી આવે છે. સામાન્ય રીતે તે પગમાં જોવા મળે છે. વાંકીચૂકી, પહોળી અને ઊપસેલી શિરાઓને સર્પશિરા કહે છે. શિરામાં જ્યારે કોઈ એક જગ્યાએ ફુગ્ગા જેવો ફુલાવો થાય ત્યારે તેને વિસ્ફારિકા (varix) કહે છે. સર્પશિરામાં આવી અનેક વિસ્ફારિકાઓ બને છે.
પેશીમાંથી હૃદય તરફ લોહી લઈ જતી નસોને શિરા (vein) કહે છે. તેઓની દીવાલ પાતળી હોય છે. તેમાં સ્નાયુતંતુઓ અને લવચીક પેશી (elastic tissue) હોય છે. તેઓની રચનાભાત (design) ઓછા દબાણે વહેતા લોહી માટેની નલિકાઓ રૂપે હોય છે. તેઓમાં રહેલા એકમાર્ગી કપાટ (વાલ્વ) તથા આસપાસના સ્નાયુઓનાં સંકોચનોને કારણે તથા વહેણની દિશામાં ઉદ્ભવતા દબાણના તફાવતોને કારણે લોહી ચોક્કસ દિશામાં વહે છે. જ્યારે તેમની અંદર દબાણ વધવાથી તેની દીવાલ પર તણાવ (tension) ઉદ્ભવે છે ત્યારે સૌપ્રથમ એક કે એકથી વધુ વિસ્ફારિકાઓ બને છે અને કાળક્રમે સર્પશિરામાં પરિવર્તિત થાય છે.
સર્પશિરા કરતાં પરિબળોમાં વારસાગત રીતે શિરાના અલ્પક્ષમ કપાટ કે દીવાલની નબળાઈ હોઈ શકે છે. ક્યારેક દીવાલની નબળાઈ વધતી જતી ઉંમરને કારણે ઉદ્ભવે છે. વધુ વજનવાળી વ્યક્તિઓમાં શિરાની આસપાસ જમા થતી ચરબી તેની દીવાલને ઓછા પ્રમાણમાં આધાર આપે છે. વધુ પડતા સમય માટે ઊભા રહેવાનો વ્યવસાય હોય [દા.ત., સ્ત્રીઓ, પોલીસ, વેચાણદ્વારિકા (sell counter) પરના કર્મચારીઓ] તો પણ શિરાની દીવાલને બહારથી મળતો આધાર ઘટે છે. આવા સંજોગોમાં શિરામાં વધેલા દબાણને કારણે તેની દીવાલ અનિયમિત રીતે ફૂલે છે અને સર્પશિરા બને છે.
શિરાની અંદર દબાણ વધવાનાં પણ અનેક કારણો હોય છે; જેમકે સગર્ભતા, ગાંઠ, કબજિયાતમાં અતિશય ભરાયેલું મોટું આંતરડું અને મળાશય, શિરામાં લોહી જામીને ગઠ્ઠો બનાવે, જે અંગને લાંબો સમય વાંકું વાળેલું હોય વગેરે. પગમાં લાંબી શિરા પર લોહીના મોટા સ્તંભનું ગુરુત્વાકર્ષણીય દબાણ (gravitational pressure) ઉદ્ભવે છે. આવા સમયે જો ઊંડાણમાં આવેલી નસો અને ચામડી પાસેની નસોને જોડતી સંધિ શિરાઓ (communicating veins) ખુલ્લી ન હોય તો શિરામાંનું લોહી અવળી દિશામાં વહેવા પ્રયત્ન કરે છે. તેથી એકમાર્ગી કપાટ (વાલ્વ) નબળા પડે છે અને શિરાઓ પહોળી થવાથી સર્પશિરા બને છે.
આમ, સર્પશિરા 2 પ્રકારની હોય છે : પ્રારંભિક અને દ્વૈતીયિક. શિરાની દીવાલને થતી ઈજા કે નુકસાનથી તે પહોળી થાય અને તેને કારણે એકમાર્ગી કપાટો(valve)નું કાર્ય અપર્યાપ્ત બને. આવું સામાન્ય રીતે જન્મજાત વિકાર રૂપે હોય છે. તેને પ્રારંભિક સર્પશિરા કહે છે. દ્વૈતીયિક સર્પશિરા થવાનું કારણ શિરામાં વધેલા દબાણથી કે એકમાર્ગી કપાટોને થયેલી ઈજાથી શિરામાં લોહીનો જામેલો ગઠ્ઠો હોય છે. તેને કારણે શિરા વાંકીચૂકી અને પહોળી બને છે. ક્યારેક ધમની અને શિરાને જોડતી ધમની-શિરા-સંયોગનળી (arteriovenous fistula) અથવા મોટા જાળીદાર વાહિનીઅર્બુદો (cavernous haemangioma) એટલે કે લોહીની નસોની મોટી પોલી જાળી ભરેલી ગાંઠ)ને કારણે સર્પશિરા થાય છે.
સામાન્ય રીતે સર્પશિરા પગમાં જોવા મળે છે. પરંતુ તે હાથ, સંવૃષણ (scrotum) તથા અન્નનળીના નીચલા છેડે પણ જોવા મળે છે.
પગમાં થતી સર્પશિરાને કારણે પગમાં થાક તથા કળતર જેવું લાગે છે. ક્યારેક તેના ઉપર ગાઢા રંગના રંગકણો જમા થાય છે, ખરજવા જેવું થાય છે, અથવા ચાંદું પડે છે, જે ધીમે ધીમે રુઝાય છે. તેમાંથી લોહી વહેવાનું ભાગ્યે જ બને છે. પરંતુ તેમાં લોહીનો ગઠ્ઠો જામી જવાની સ્થિતિ વધુ જોવા મળે છે.
યકૃતના નિવાહિકાતંત્ર(portal system)માં દબાણ વધે ત્યારે ક્યારેક અન્નનળીના નીચલા છેડે નસો પહોળી થાય છે અને વાંકીચૂકી બને છે તેને અન્નનલીય વિસ્ફારિકાઓ (oesophageal varices) કહે છે. આ નસો નિવાહિકાતંત્રમાં ઉદ્ભવેલા વહનરોધ(obstruction)ને બહુતંત્રીય રુધિરાભિસરણ (systemic circulation) અને નિવાહિકાતંત્ર વચ્ચે જોડાણ કરતી નસો હોય છે, જે વહનરોધને કારણે ખૂલી ગયેલી હોય છે. તેમાં ક્યારેક લોહી વહેવાથી લોહીની ઊલટી, કાળો મળ, પાંડુતા (anaemia) થાય છે અને તે જીવનને જોખમ રૂપ થઈ શકે છે.
લાંબા સમયના કબજિયાતને કારણે ગુદા-મળાશયી શિરાઓ પહોળી થાય તો તેને વાહિનીમસા (haemorrhoids અથવા piles) કહે છે. તેને કારણે ધીમે ધીમે લોહી વહી જવાથી પાંડુતા તથા લોહીનો ગઠ્ઠો જામવાથી દુખાવો થાય છે.
શુક્રપિંડ જે કોથળીમાં ગોઠવાયેલો હોય છે તેને સંવૃષણ (scrotum) કહે છે. તેમાં પહોળી થયેલી નસોના ઝૂમખાને જંતુપોટલી (bag of worms) અથવા વિસ્ફારકોષ્ઠ (varicocoele) કહે છે. તેને કારણે શુક્રપિંડની આસપાસ તાપમાન વધે છે. શુક્રપિંડની અપોષીક્ષીણતા (atrophy) તથા અફલિતતા (infertility) થાય છે.
સારવાર : સૌપ્રથમ દર્દીમાં ધમનીના રોગો અને વારંવાર લોહીના ગઠ્ઠા છૂટા પડીને રુધિરાભિસરણમાં ભ્રમણ કરતા હોય તેવો વિકાર નથી તેની ખાતરી કરી લેવામાં આવે છે. દર્દીને સપાટી પરની તથા અંદરની એમ બંને પ્રકારની શિરાઓમાં વિકાર છે કે નહિ તે પણ જાણી લેવાય છે.
સારવારમાં મુખ્યત્વે હૈયાધારણ આપવી, લવચીક દાબકારી પટ્ટો કે મોજાં પહેરાવવાં, જરૂર પડ્યે તંતુકાઠિન્યકારી (sclerosing) સારવાર આપવી કે શસ્ત્રક્રિયા કરવી વગેરેનો સમાવેશ થાય છે.
તંતુકાઠિન્યકારી ચિકિત્સા (sclerotherapy) : દર્દીને બેસાડીને તેનો પગ સમક્ષિતિજ સ્થિતિમાં રાખવામાં આવે છે. શિરામાં લોહી ન હોય તેવી સ્થિતિ કરવા માટે દાબકારી પટ્ટો બાંધવામાં આવે છે. જ્યાં જ્યાં વીંધક શિરાઓ (perforeating veins) એટલે કે પેશીમાં ઊંડે જતી શાખાઓ હોય ત્યાં તંતુકાઠિન્યક (sclerosant) દ્રવ્યનું ઇંજેક્શન અપાય છે. દર્દીને ત્યારબાદ શક્ય હોય તેટલી વધુ કસરત કરવાનું કહેવાય છે. નસની બહાર જો તંતુકાઠિન્યક જાય તો તે ત્યાંની પેશીનો કોષનાશ (necrosis) કરે છે. આવું ન થાય તે ખાસ જોવાય છે. જો ચામડી પર નાના વિસ્તારો થયા હોય તો ત્યાં મંદ તંતુકાઠિન્યકનાં ઇન્જેક્શન અપાય છે. આવું કરવાથી નસનું પોલાણ પુરાઈ જાય છે અને તે એક તંતુમય રજ્જુ જેવી બની જાય છે; જે ફરીથી પોલી થઈને નસ બની શકતી નથી.
શસ્ત્રક્રિયામાં સપાટીગત (superficial) અને ઊંડે રહેલી : (deep) શિરાઓના જોડાણને બંધ કરવામાં આવે છે. સૌથી મહત્ત્વનું જોડાણ જાંઘમાં અને જાનુકોણ(popliteal fossa)માં થાય છે. જાંઘમાં જંઘાશિરા (femoral vein) અને ગુરુ સુષ્ટ શિરા (long saphenous vein) જોડાય છે. તે જોડાણને કાપીને બાંધી દેવાય છે. તેવી જ રીતે ઢીંચણની પાછળ આવેલા જાનુકોણમાં જાનુશિરા (popliteal vein) અને સુષ્ટ શિરા વચ્ચેના જોડાણને પણ બંધ કરાય છે. નાની સંધિશિરાઓે સાથેનાં જોડાણો દૂર કરવા સુષ્ટ શિરા અને લઘુ સુષ્ટ શિરા(short saphenous veins)ને કાપીને દૂર કરાય છે. ચેતાઓને ઈજા ન થાય તે માટે મધ્યપિંડીથી નીચે મોટી સુષ્ટ શિરા કઢાતી નથી તેવી રીતે લઘુ સુષ્ટ શિરાને દૂર કરતી વખતે ખાસ કાળજી લેવાય છે.
શસ્ત્રક્રિયા કરતાં પહેલાં અને તે સમયે વીંધક શિરાઓના સ્થાનને નક્કી કરવા દ્વૈત ધ્વનિચિત્રણ(duplex ultrasound imaging)નો ઉપયોગ કરાય છે. શસ્ત્રક્રિયાની સફળતાનો આધાર આ પ્રકારે બધી જ સર્પશિરાઓને શોધીને સચિહ્ન (marked) કરવાની પદ્ધતિ પર રહેલો છે. તકલીફ દૂર થવા સાથે પગનો મૂળ સુંદર દેખાવ જળવાઈ રહે તે પણ જોવું જરૂરી ગણાય છે. ક્યારેક થોડાક સમય માટે ઝણઝણાટી કે બહેરાશના નાના નાના વિસ્તારો પગ પર ઉદ્ભવે છે.
જો દર્દીને શિરામાં વહનરોધ (obstruction) થયેલો હોય કે ઊંડે વહેતી : શિરાઓ(deep veins)ની અપર્યાપ્તતા (insufficiency) થયેલી હોય તો ઉપપથિક શિરાઓ (bypass veins) મૂકવાની શસ્ત્રક્રિયા કરાય છે. તે માટે શિરા કે કૃત્રિમ શિરા વપરાય છે. સપાટીગત શિરાઓની અપર્યાપ્તતાથી ક્યારેક શૈરિક વ્રણ (venous ulcers) અથવા ચાંદું થાય છે. ઘનિષ્ઠ સારવારથી તે મટે છે. પરંતુ તેમને ફરીથી થતાં અટકાવવામાં મુશ્કેલી રહે છે. આવા કિસ્સામાં દાબકારી લવચીક મોજાં ઉપયોગી રહે છે.
શિલીન નં. શુક્લ