સર્પાકાર વહન (meandering) : નદીના જળવહનમાર્ગમાં કુદરતી સંજોગ હેઠળ વિકાસ પામતો કોઈ પણ પ્રકારનો વળાંક. તે ગોળાકાર, લંબગોળાકાર, ઓછોવત્તો અર્ધગોળાકાર કે ઓછોવત્તો કોણાકાર હોઈ શકે. નદીના આ પ્રકારના વહનને સર્પાકાર વહન કહે છે. નદીના વહનમાર્ગમાં જોવા મળતો આ પ્રકારનો વળાંક પાણીનો પથ, વહનવેગ, નદીપટનો ઢાળ, તળખડકનો પ્રકાર, પાણી સાથે વહન પામતા જતા બોજનો જમાવટ-દર જેવાં વિવિધ પરિબળો પર આધાર રાખે છે. નદીમાર્ગમાં કોઈક આકસ્મિક અવરોધ આવી જવાના અપવાદરૂપ સંજોગમાં પણ આવો વળાંક ઉદ્ભવી શકે છે. સર્પાકાર વહન થાય ત્યારે નદી સીધેસીધી વહી જવાને બદલે નજીક નજીક વાંકાચૂકા વળાંકોમાં વહે છે, નદીપથ લંબાય છે, ઢોળાવ ઘટે છે, ઢોળાવ ઘટવાથી જળવહનનો વેગ ઘટે છે; પરિણામે જળ સાથે વહન પામતો જતો બોજ કિનારા તરફ જમા થતો જાય છે. એક જ સ્થાને થતી જતી બોજની જમાવટથી તે તરફના કિનારાનો ભાગ ઊંચો આવે છે, જ્યારે બીજો ભાગ પાણીના તે બાજુના વહેવાથી વધુ ખોતરાતો જાય છે. આ રીતે થતા સર્પાકાર વહનમાં વળાંકનો બહિર્ગોળ વિભાગ સતત ખોતરાતો જવાથી વધુ બહિર્ગોળ બને છે;

સર્પાકાર વહન

અંતર્ગોળ વિભાગમાં નદીબોજ ઠલવાતો જાય છે. ક્યારેક નદીના ત્યાંના હેઠવાસ તરફ વળાંકની સ્થિતિ ક્રમિક રીતે સ્થાનાંતર પામતી જાય છે. નદીના સર્પાકારવાળા વહનવિભાગોમાં પૂરનાં મેદાનો, નાળાકાર સરોવર (‘યુ’ આકારનું સરોવર), ગુંફિત ઝરણાંવાળી જળવહનસ્થિતિની રચના થવાના સંજોગો પણ ઊભા થાય છે. આવી બધી રચનાઓ મોટે ભાગે નદીની મધ્ય અવસ્થાના વિભાગમાં બનતી હોય છે; એટલું જ નહિ, એટલા વિભાગ પૂરતી મર્યાદિત હોય છે.

ગિરીશભાઈ પંડ્યા