સર્પગંધા
January, 2007
સર્પગંધા
દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rauvolfia serpentina Benth. ex Kurz. (સં. સર્પગંધા, ચંદ્રિકા; હિં. ચંદ્રભાગા, છોટા ચાંદ; બં. ચંદ્ર; મ. હરકાયા, હાર્કી; તે. પાતાલગની, પાતાલગરુડ; તા. ચિવન અમેલ્પોડી; ક. સર્પગંધી, પાતાલગંધી; ગુ. સર્પગંધા; અં. રાઉલ્ફિયા રૂટ, સર્પેન્ટીન રૂટ; વ્યાપાર-નામ રાઉલ્ફિયા) છે. આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ સોળમી સદીના એક જર્મન વનસ્પતિવિજ્ઞાની લિયૉનાર્દ રાઉવૉલ્ફ પરથી આપવામાં આવ્યું છે. ભારતમાં આ વનસ્પતિ વિશેનું જ્ઞાન 4,000 વર્ષ પૂર્વેથી છે. ઈ. સ.ની બીજી સદીમાં લખાયેલ ચરકસંહિતામાં પણ તેનો ઉલ્લેખ છે. તે ટટ્ટાર, સદાહરિત, 15 સેમી.થી 45 સેમી. (ભાગ્યે જ 90 સેમી.) ઊંચી ઉપક્ષુપ (undershrub) વનસ્પતિ છે. તેનું સોટીમૂળ કંદિલ (tuberous) અને મૃદુ હોય છે. કેટલીક વાર તે અનિયમિત ગાંઠોવાળું હોય છે. તેની છાલ આછી બદામી, બૂચ જેવી અને ઊભી અનિયમિત તિરાડોવાળી હોય છે. પર્ણો સાદાં, ભ્રમિરૂપ (whorled), પ્રત્યેક ગાંઠ ઉપર ત્રણ પર્ણો, મોટાં, પાતળાં, ચમકીલાં, ઉપરની સપાટીએ ઘેરાં લીલાં અને નીચેની સપાટીએથી આછા લીલાં, 7.5 સેમી.થી 17.5 સેમી. લાંબાં અને 4.3 સેમી.થી 6.8 સેમી. પહોળાં, ઉપવલયી-ભાલાકાર (elliptic-lanceolate) અથવા પ્રતિઅંડાકાર (obovate), અનુપપર્ણીય (exstipulate) અને અગ્રભાગેથી તીક્ષ્ણ હોય છે. તેમના પર્ણદંડ ટૂંકા હોય છે. પુષ્પો સફેદ અથવા ગુલાબી, તોરા(corymb)-સ્વરૂપે ગોઠવાયેલાં, લગભગ 1.5 સેમી. લાંબાં હોય છે. પુષ્પદંડ ઘેરા લાલ રંગના અને નાના ગુચ્છમાં હોય છે. ફળ અષ્ઠિલ પ્રકારનું, ગોળ કે અંડાકાર અને જાંબલી-કાળું હોય છે.
તે ઉપ-હિમાલયી પ્રદેશમાં પંજાબથી પૂર્વમાં નેપાળ, સિક્કિમ, ભુતાન અને આસામ સુધી, ગંગાનાં મેદાનોની નાની ટેકરીઓ ઉપર, પૂર્વ અને પશ્ચિમ ઘાટમાં, મધ્ય ભારતના કેટલાક ભાગોમાં અને આંદામાનમાં ઊગે છે. તેનું બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, મલાયા, થાઇલૅન્ડ અને જાવામાં પણ વિતરણ થયેલું છે. તે સામાન્યત: ભેજવાળાં પર્ણપાતી જંગલોમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. સદાહરિત જંગલોમાં તે ભાગ્યે જ જોવા મળે છે. ખુલ્લી જમીન ઉપર સર્પગંધા થતી નથી. સાલ (Shorea robusta), વડ (Ficus benghalensis), અર્જુન સાદડ (Terminalia arjuna), સાદડો (T. tomentosa), કડવો ઇંદ્રજવ (Holorrhena antidysenterica), સીસમ (Dalbergia sissoo), આંબા (Mangifera indica) તથા હળદરવો(Adina cordifolia)ના છાંયડામાં તેના છોડ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક વાર તે નેતર(Calamus rotung)ના ગુચ્છ વચ્ચે ઊગે છે. દક્ષિણમાં તે વાંસનાં જંગલો સાથે સંકલિત હોય છે.
સર્પગંધાનું વિતરણ ખૂબ બહોળું હોવા છતાં તે છૂટીછવાયી થાય છે. સર્પગંધાના મૂળનો વ્યાપારિક પુરવઠો હાલમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસા, પશ્ચિમ બંગાળ, આસામ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ, મૈસૂર અને મહારાષ્ટ્ર દ્વારા પૂરો પાડવામાં આવે છે.
તેનું બહોળું ભૌગોલિક વિતરણ અને વધારે માત્રામાં ભૌમિક સહિષ્ણુતા (edaphic-tolerance) હોવા છતાં પ્રસર્જન, વૃદ્ધિ અને વિકાસ અને તેમના આલ્કેલૉઇડ દ્રવ્ય પર અસર કરતાં પરિબળોને લીધે તેમનું વાવેતર સરળ નથી. હાલમાં સર્પગંધાના મૂળનો બધો જ પુરવઠો વન્ય વનસ્પતિઓમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. હાલના તેના વપરાશના ઊંચા દરને લીધે માત્ર વન્ય સ્રોત અપૂરતો હોય છે અને તેનો સતત એકસરખો પુરવઠો જાળવવો સંભવ નથી. ઉપરાંત તેનાં મૂળનું અમર્યાદ એકત્રીકરણ થતું હોવાથી ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને મહારાષ્ટ્રનાં જંગલોમાં તેની નૈસર્ગિક વૃદ્ધિ અને સંરક્ષણ અનિવાર્ય છે.
આ વનસ્પતિનું પ્રાયોગિક વાવેતર ઉત્તરપ્રદેશ (દહેરાદૂન), બિહાર, ઓરિસાના ભાગો, પશ્ચિમ બંગાળ (રોંગો), આસામ, તામિલનાડુ, કેરળ, મૈસૂર, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર(ગુજરાત)માં શરૂ થયું છે. દહેરાદૂનમાં હિમાલયન ડ્રગ કંપની દ્વારા તેનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. સર્પગંધાના પ્રસર્જન માટેનાં સંશોધનો નૅશનલ બોટૅનિકલ ગાર્ડન, લખનૌ, રિજિયૉનલ રિસર્ચ લેબૉરેટરી, જમ્મુ અને રિસર્ચ નર્સરી, ઇન્દોરમાં પ્રગતિમાં છે. કાલાહંડીનાં જંગલોમાં પ્રાપ્ત થતા ઔષધને સંસાધિત કરવા ઓરિસામાં કારખાનું સ્થપાયું છે.
જુદા જુદા પ્રદેશોમાંથી પ્રાપ્ત થતી સર્પગંધાનાં આકારવિદ્યાકીય (morphological) લક્ષણોમાં બહુ ઓછો તફાવત હોય છે. જોકે તેમના આલ્કેલૉઇડ દ્રવ્ય અને મૂળની શક્તિ (potency) બાબતે વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાંથી પ્રાપ્ત નમૂનાઓ જ તફાવત દર્શાવે છે તેવું નથી, પરંતુ એક જ ક્ષેત્રમાંથી આવતા નમૂનાઓમાં પણ તફાવત હોય છે. લાભદાયી આલ્કેલૉઇડનું ઉત્પાદન અને તેની ઉંમર સર્પગંધાના વાવેતર સાથે સંકળાયેલ જીવંત પ્રશ્ન છે.
સર્પગંધા બહોળી વિવિધતાવાળી આબોહવાકીય પરિસ્થિતિઓમાં ઊગી શકે છે. તે ઉષ્ણ અને ભેજવાળી પરિસ્થિતિમાં થાય છે અને ખુલ્લી તેમજ આંશિક છાંયડાવાળી જગાએ ઉગાડી શકાય છે, છતાં તે પૂર્ણ ખુલ્લો સૂર્યપ્રકાશ સહન કરી શકતી નથી. તેના નૈસર્ગિક આવાસમાં તે જંગલોમાં વૃક્ષો નીચે અથવા ચાર પૈકી ત્રણ દિશાઓ તીવ્ર સૂર્યપ્રકાશથી રક્ષાયેલ હોય તેવી જંગલની કિનારીએ ઊગે છે. ઉપ-હિમાલયી પ્રદેશોની તુલનામાં સમગ્ર વર્ષ દરમિયાન પ્રમાણસર (equitable) આબોહવા ધરાવતાં દક્ષિણ દ્વીપીય સ્થાનો લાભદાયી ઉત્પાદન માટે વધારે યોગ્ય છે.
આ વનસ્પતિને 10° સે.થી 38° સે. તાપમાન અનુકૂળ હોય છે. વધારે વરસાદ અને યોગ્ય નિતારવાળી મૃદા ધરાવતા ઓછા ઢોળાવવાળા વિસ્તારો તેની વૃદ્ધિ માટે સૌથી અનુકૂળ ગણાય છે. 250 સેમી. વાર્ષિક વરસાદ ધરાવતા પ્રદેશોમાં તે નૈસર્ગિક રીતે થાય છે. વરસાદની વધારે વિષમતા (disparity) હોય તેવા પ્રદેશમાં શુષ્ક મહિનાઓમાં જો સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે તો તેને સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. તે જલાક્રાંતિ (water logging) પ્રત્યે સંવેદી હોવા છતાં 2થી 3 દિવસ માટે તે ખાસ નુકસાન વિના પાણી સહન કરી શકે છે. તીવ્ર ઠંડી ઋતુમાં તેનાં પર્ણો ખરી પડે છે. હિમને કારણે નાજુક લીલી શાખાઓના અગ્ર ભાગો મૃત બને છે અને વસંત ઋતુમાં જાડા પ્રરોહમાંથી નવા પ્રરોહ વિકસે છે.
તે રેતાળ જલોઢ (alluvial) ગોરાડુ મૃદાથી માંડી લાલ પડખાઉ (lateritic) ગોરાડુ કે કઠણ કાળી ગોરાડુ મૃદામાં ઊગે છે. તેના નૈસર્ગિક આવાસમાં તેની પસંદગી માટી (clay) કે માટીયુક્ત ગોરાડુ જમીન છે, જેમાં વધારે પ્રમાણમાં પાંસુક (humus) અને અન્ય કાર્બનિક કચરો હોય છે, જેથી જમીનમાં એકસરખા ભેજની અને સારા જલનિકાસ(drainage)ની જાળવણી થાય છે. મૃદા ઍસિડિક (લગભગ 4.0 pH) હોવી જરૂરી છે. વાવેતર દરમિયાન ખાતરો, ફાર્મયાર્ડ ખાતર કે છાણિયું ખાતર (compost) આપવામાં આવે છે. સામાન્યત: ભારે માટીયુક્ત કે રેતાળ મૃદા કરતાં કાળી કઠણ ગોરાડુ કે લાલ પડખાઉ ગોરાડુ મૃદામાં આ વનસ્પતિનાં વધારે જાડાં મૂળ ઉત્પન્ન થાય છે. વધારે પડતી રેતીવાળી મૃદાથી તેની વૃદ્ધિ અવરોધાય છે અને પર્ણો અને મૂળના રોગો પરત્વે તે સંવેદી બને છે.
તેનું પ્રસર્જન બીજ વાવીને અથવા મૂળના કટકાઓ કે ઠૂંઠાં (stump) અને પ્રકાંડના ટુકડાઓના આરોપણ દ્વારા થાય છે.
બીજનું સીધેસીધું વાવેતર સફળ નથી; તેથી તેનાં બીજ ક્યારીઓમાં વાવી તરુણ રોપ તૈયાર કરી ખેતરમાં વાવવામાં આવે છે. બીજાંકુરણની ટકાવારી ખૂબ ઓછી (25 %થી 50 %) હોય છે, કેટલીક વાર તે 10 % જેટલી થવા જાય છે. તેનું એક કારણ કઠણ અંત:ફલાવરણની પ્રતિકૂળ અસર છે. ફળ બાહ્ય દેખાવે સામાન્ય દેખાતાં હોવા છતાં તેઓમાં ભ્રૂણ હોતાં નથી. તેનું કારણ અપરાગફલન (parthenocarpy) અથવા આસ્થગિત (deffered) દેહવિકાસી (somatoplastic) વંધ્યતાની અસર છે. પાકાં ફળોમાંથી એકત્રિત કરેલાં તાજાં બીજને વાવતાં અંકુરણ 58 %થી 74 % જેટલું થાય છે. જો તેમને 24થી 36 કલાક મોડાં વાવવામાં આવે તો અંકુરણક્ષમતા ઘટે છે. 7થી 8 માસ સંગ્રહેલાં બીજ અંકુરણ પામતાં નથી.
સિંચાઈની વ્યવસ્થા ધરાવતા અર્ધછાયાવાળા વિસ્તારોમાં તેની ક્યારીઓ તૈયાર કરવામાં આવે છે. તેના રોપ 7.5 સેમી.થી 12.0 સેમી. ઊંચા બને ત્યારે ચોમાસાની ઋતુમાં 60 સેમી. x 30 સેમી.ની હરોળોમાં રોપવામાં આવે છે. 40 કિગ્રા. ફાર્મયાર્ડ ખાતર, 20 કિગ્રા. અસ્થિચૂર્ણ (bone meal), 2.5 કિગ્રા. ઍમોનિયમ સલ્ફેટ અને 40 કિગ્રા. પર્ણ-ખાતર મિશ્ર કરી એક ખોબો ખાતર પ્રત્યેક રોપાને આપવામાં આવે છે. રોપાના વાવેતર પછી નિયમિત સમયાંતરે તેને સિંચાઈ આપવામાં આવે છે. જો વરસાદ વધારે હોય તો સારું નિતારણ થઈ શકે તે માટે મૃદા ઉપરતળે કરવામાં આવે છે. ચોમાસામાં એક વાર અને વૃદ્ધિ-ઋતુના અંતે લગભગ ડિસેમ્બરમાં બીજી વાર અપતૃણોનો નાશ કરવામાં આવે છે. ગોડ કરતી વખતે ખાતર આપવું ઇચ્છનીય છે, જેથી મૂળનું ઉત્પાદન વધારે મળે છે.
મૂળના કટકા દ્વારા કરવામાં આવતા વાનસ્પતિક પ્રસર્જન માટે પાતળાં પાર્શ્ર્વીય દ્વિતીય મૂળ ધરાવતાં મોટાં સોટીમૂળનો ઉપયોગ કરવામાં આવે છે. તેના લગભગ 2.5 સેમી.થી 5 સેમી. લાંબા ટુકડાઓ જમીનની નીચે 5.0 સેમી. જેટલી ઊંડાઈએ આડા રોપવામાં આવે છે. તેમને પાણી આપવામાં આવે છે અને ચોમાસાની શરૂઆતમાં લગભગ 50 % જેટલા મૂળના કટકાઓ ફૂટે છે. એક હેક્ટરમાં તેના રોપણ માટે લગભગ 100 કિગ્રા. મૂળના કટકા જરૂરી હોય છે. જોકે આ પ્રકારના રોપણથી ઉત્પન્ન થતા છોડના મૂળમાં બીજ દ્વારા ઉદ્ભવતા છોડના મૂળ કરતાં આલ્કેલૉઇડ દ્રવ્ય ઓછું હોય છે.
મૂળના ઠૂંઠા દ્વારા કરવામાં આવતા પ્રસર્જનમાં પ્રત્યેક ઠૂંઠા દીઠ એક જ છોડ ઉત્પન્ન થાય છે. તેને માટે પ્રકાંડના થોડાક ભાગ સાથે લગભગ 5 સેમી. જેટલું લાંબું મૂળ લેવામાં આવે છે. આ પદ્ધતિ લગભગ 90 %થી 95 % જેટલી સફળ છે. તેના દ્વારા તૈયાર થયેલા રોપ સિંચિત ખેતરોમાં મે-જુલાઈમાં વાવતાં સપ્ટેમ્બરના અંત સુધીમાં તેઓ સારી રીતે સ્થાપિત થાય છે.
પ્રકાંડના કટકારોપણમાં કાષ્ઠીય શાખાઓ પસંદ કરવામાં આવે છે. આ ટુકડાઓ 15 સેમી.થી 23 સેમી. લાંબા હોય છે. ત્રણ આંતરગાંઠ ધરાવતા ટુકડાઓ સૌથી અનુકૂળ હોય છે. આ કટકાઓને b-ઇન્ડોલાઇલ ઍસેટિક ઍસિડ(30 પી.પી.એમ.)ની 12 કલાક માટે માવજત આપતાં 15 દિવસમાં મૂળ ઉત્પન્ન થાય છે. પ્રકાંડનું કટકારોપણ મૂળના કટકાઓના રોપણ કરતાં ઓછું સંતોષપ્રદ પરિણામ આપે છે.
સર્પગંધા વિવિધ રોગો માટે સંવેદનશીલ હોય છે. Cercospora rauvolfiae દ્વારા પાનનાં ટપકાંનો રોગ થાય છે. Alternaria sp. તેનાં પર્ણોને ચેપ લગાડી તેની નીચેની બાજુએ નાનાં, બદામી, ઘેરા રંગનાં વર્તુલાકાર ટપકાં ઉત્પન્ન કરે છે. તે મોટાં બની, જોડાઈ જઈને વ્રણ (lesion) ઉત્પન્ન કરે છે. સર્પગંધાને મોઝેક (masaic) રોગ પણ થાય છે. ઉપર્યુક્ત ત્રણેય રોગમાં અંતે વિપત્રણ (defoliation) થાય છે.
મૂળ ઉપર લગભગ 0.8 સેમી.નો વ્યાસ ધરાવતી ગાંઠો ઉત્પન્ન થાય છે, જે મૂળતંત્રને ઘેરે છે. વનસ્પતિની કુંઠિત વૃદ્ધિ પાંડુરિતતા (etiolation) લાવે છે અને પર્ણોના કદમાં ઘટાડો થાય છે. આ ગાંઠોમાં ઇતરડી (mite), વિવિધ ફૂગની જાતિઓ અને સૂત્રકૃમિઓ (Heterodora sp.) હોય છે.
અન્ય રોગોમાં પાનનાં ટપકાં (Pellicularia filamentosa અને Epicoccum nigrum) પર્ણનો સુકારો અને કલિકાનો કોહવારો (Alternaria tenuis), સુકારો (Fusarium oxysporum f. rauvolfiae) અને ભૂકીછારા(Leveillula taurica)નો સમાવેશ થાય છે.
તેના ઉપર જીવાતો બહુ ઓછી થાય છે. Glyphodes vertumnalis નામની ઇયળ પર્ણોને ઘણું નુકસાન પહોંચાડે છે. તે પર્ણોનો વીંટો વાળી તેની અંદર રહી હરિતદ્રવ્ય ખાઈ જાય છે. બીજી ઇયળો (Daphnis nerii અને Deilephila nerii) કુમળાં પર્ણોને ખાઈ જતાં વિપત્રણ થાય છે. ઉંદરો પણ તેને નુકસાન કરે છે. સાયનોગૅસ અથવા આપ્લાવન (flooding) દ્વારા જીવાતોનું નિયંત્રણ કરી શકાય છે. ઢોર કે અન્ય તૃણાહારીઓ સર્પગંધા ખાતાં નથી.
વાવેતર પછી 2થી 3 વર્ષમાં સમુપયોજ્ય (exploitable) કદ ધરાવતાં મૂળ ઉત્પન્ન થાય છે. શિયાળામાં વનસ્પતિ પર્ણો ગુમાવે ત્યારે, લગભગ ડિસેમ્બરમાં, મૂળ ખોદી કાઢવામાં આવે છે. આ સમયે ઑગસ્ટમાં લીધેલાં મૂળ કરતાં કુલ આલ્કેલૉઇડ દ્રવ્ય ઘણું વધારે હોય છે. ખોદેલાં મૂળ સાથે ચોંટેલી માટી દૂર કરી પૂર્ણપણે વાયુશુષ્ક (air dry) કરીને કંતાનની કોથળીઓમાં ભરવામાં આવે છે. વાયુ-શુષ્કન દ્વારા મૂળમાં રહેલા ભેજનો 12 %થી 20 % જેટલો ઘટાડો થાય છે. 8 %થી ઓછો ભેજ ધરાવતાં મૂળનો સંગ્રહ વધારે સારી રીતે થઈ શકે છે. આ માટે કૃત્રિમ શુષ્કનનો ઉપયોગ કરી શકાય. મૂળની છાલ કુલ મૂળના 40 %થી 56 % જેટલું વજન ધરાવે છે. મૂળના કાષ્ઠીય ભાગ કરતાં છાલમાં આલ્કેલૉઇડ વધારે હોવાથી લણણીસમયે છાલ તૂટી ન જાય તેની કાળજી રાખવામાં આવે છે. તેનું સંકુલન (packing) હવાચુસ્ત પાત્રોમાં કરવું જોઈએ, કારણ કે તેમાં ભેજ હોવાથી ફૂગ લાગે છે અને કુલ આલ્કેલૉઇડ-દ્રવ્યમાં ઘટાડો થાય છે.
સર્પગંધાનું બીજ દ્વારા પ્રસર્જન કરવામાં આવ્યું હોય તો ઇષ્ટતમ (optimum) વાયુશુષ્ક મૂળનું ઉત્પાદન (1175 કિગ્રા./હેક્ટર) મળે છે. જ્યારે પ્રકાંડ-કટકારોપણ અને મૂળ-કટકારોપણથી ઉત્પન્ન કરેલા છોડ દ્વારા મૂળનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે અનુક્રમે 175 કિગ્રા. અને 345 કિગ્રા. થાય છે. સિંચિત કૃષિ-પરિસ્થિતિમાં રેતાળ-માટીયુક્ત ગોરાડુ મૃદામાં બે વર્ષ જૂના છોડ દ્વારા 2,200 કિગ્રા. અને ત્રણ વર્ષ જૂના છોડ દ્વારા 3,300 કિગ્રા. પ્રતિ હેક્ટર વાયુશુષ્ક મૂળનું ઉત્પાદન થાય છે.
સર્પગંધાના મૂળ સાથે પ્રકાંડ અને મૂળનાં ઠૂંઠાં મિશ્ર કરવામાં આવે છે. R. beddomei, R. densiflora, R. micrantha, R. perakensis અને R. tetraphylla જેવી સર્પગંધાની અન્ય જાતિઓ, મુંગુસવેલ (Ophiorrhiza mungos) અને સફેદ અને રાતાં પુષ્પોવાળી Clerodendrumની જાતિઓનાં મૂળનો અપમિશ્રક (adulterant) તરીકે ઉપયોગ થાય છે.
‘રાઉલ્ફિયા’ ઔષધ એ R. serpentinaનાં વાયુશુષ્ક મૂળ છે. તે મજબૂત, લગભગ 40 સેમી. લાંબાં, 2.0 સેમી. વ્યાસ ધરાવતાં, થોડીક કરચલીવાળાં ગંધરહિત અને ખૂબ કડવાં અને કોઈ વાર શાખિત હોય છે. તેના ટુકડાઓ નાના અને અનિયમિત હોય છે. તેની છાલ ભૂખરી-પીળીથી માંડી બદામી રંગની અને કાષ્ઠ આછું પીળું હોય છે.
હાલમાં રાઉલ્ફિયા અને તેની બનાવટો ચિકિત્સાની દૃષ્ટિએ મહત્ત્વના પ્રતિ-અતિરક્તદાબી (antihypertensive) અને શામક (sedative) પ્રક્રિયકો ગણાય છે. તે રિસર્પિન નામના સક્રિય આલ્કેલૉઇડનો અગત્યનો સ્રોત છે. રિસર્પિનનું વ્યાપારિક નિષ્કર્ષણ R. vomitoria અને R. tetraphyllaમાંથી પણ કરવામાં આવે છે. R. vomitoriaમાં R. serpentina કરતાં બેગણું રિસર્પિન હોય છે. ભારતમાં આ ઔષધનો સદીઓથી ઉપયોગ થાય છે. તે માનસિક (psychic) અને ચાલક (motor) પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ ચિંતા-અવસ્થા (anxiety state), ઉત્તેજના (excitement), ઉન્માદી વર્તણૂક (maniacal behaviour) અને વિખંડિત-મનસ્કતા (schizophrenia), ઉન્મત્તતા (insanity), અનિદ્રા (insomnia) અને અપસ્માર(epilepsy)માં ઉપયોગમાં લેવાય છે. મૂળના નિષ્કર્ષો પ્રવાહિકા (diarrhoea) અને અતિસાર (dysentery) જેવા આંત્રીય રોગોની સારવારમાં અને કૃમિઘ્ન (anthelmintic) તરીકે ઉપયોગી છે. તેને અન્ય વનસ્પતિઓના નિષ્કર્ષો સાથે મિશ્ર કરી કૉલેરા, શૂલ (colic) અને તાવમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મૂળ ગર્ભાશયનાં સ્નાયુઓને ઉત્તેજિત કરતું હોવાથી તે મુશ્કેલભર્યા પ્રસવના કિસ્સાઓમાં ઉપયોગી છે. પારદર્શકપટલ(cornea)ની અપારદર્શિતા(opacity)ની ચિકિત્સામાં પર્ણોનો રસ વપરાય છે. ભારતમાં તે સર્પદંશનું ઝેર ઉતારવા માટે પણ વપરાય છે.
ઔષધ તરીકે સર્પગંધાના ઉપયોગ અંગે નીચેની સાવચેતીઓ જરૂરી છે :
જે સ્ત્રીએ માતૃત્વ ધારણ કર્યું હોય અથવા નજીકના ભવિષ્યમાં તેમ કરવા ઇચ્છતી હોય તથા આંતરડાંના કોઈ અસાધ્ય રોગો જેવાં કે જઠર અથવા ગ્રહણીય (duodenal) ચાંદું, અલ્સરેટિવ કોલાઇટિસ, સ્પાસ્ટિક કોલાઇટિસ, ડાઇવર્ટિક્યુલૉસિસ અથવા ડાઇવર્ટિક્યુલાઇટિસ હોય ત્યારે આ ઔષધ લેવાનો નિષેધ છે. બે વર્ષની નીચેના બાળકને પણ તે આપવાનો નિષેધ છે. જો આ ઔષધ અન્ય કોઈ ઔષધ કે વનસ્પતિ, ઍસ્પિરીન, શરદી કે ઉધરસની દવાઓ, પ્રતિ-અમ્લો (antacids) કે અન્ય પૂરક દવાઓ સાથે લેવાનું હોય તો ચિકિત્સકની સલાહ હેઠળ લેવાય તે ઇચ્છનીય છે.
વિષાક્તતાની દૃષ્ટિએ આ ઔષધ થોડું જોખમી ગણાયું છે; ખાસ કરીને બાળકો માટે અને 55 વર્ષથી વધુ વયના માનવીઓ માટે તેમજ જે લોકો નિર્ધારિત માત્રા કરતાં વધુ પ્રમાણમાં લેતા હોય તેમને માટે.
રાઉલ્ફિયાની ઔષધવિદ્યાકીય સક્રિયતા કેટલાંક આલ્કેલૉઇડની હાજરીને કારણે છે, જેમાં રિસર્પિન સૌથી અગત્યનું છે. વિવિધ સ્રોતો દ્વારા પ્રાપ્ત થતાં મૂળમાં કુલ આલ્કેલૉઇડ દ્રવ્ય 1.7 %થી 3.0 % જેટલું હોય છે. કુલ આલ્કેલૉઇડ દ્રવ્ય પૈકીમાંનું 90 % આલ્કેલૉઇડ દ્રવ્ય છાલમાં હોય છે. પર્ણો અને પ્રકાંડમાં છાલ કરતાં આલ્કેલૉઇડ દ્રવ્ય ઓછું હોય છે. મૂળના આલ્કેલૉઇડ દ્રવ્યમાં ઋતુ અનુસાર ફેરફાર જોવા મળે છે.
સારણી 1 : વય પ્રમાણે સર્પગંધાના મૂળનું આલ્કેલૉઇડ દ્રવ્ય
ઉંમર વર્ષ | આલ્કેલૉઇડ દ્રવ્ય (%) | |||
દહેરાદૂન | જમ્મુ | અનામલાઈ | કોટાહ | |
1 | 1.81-2.02 | 1.66 | 1.37 | 1.24 |
2 | 1.65-1.78 | 1.54 | 2.05 | 1.31 |
3 | 1.43-1.79 | 1.60 | 2.30 | 1.50 |
સારણી 2 : સર્પગંધાના વિવિધ ભાગોમાં આલ્કેલૉઇડ દ્રવ્ય (%) શુષ્ક વજનમાં
સ્થળ | મૂળ | મૂળની છાલ | મૂળનું કાષ્ઠ | પર્ણ | પ્રકાંડ | |
પશ્ચિમ બંગાળ | ||||||
મેદાનો | 1.94 | 4.13 | 0.5 | |||
કુમાની જંગલ | 1.64 | 3.26 | 0.46 | 0.48 | 0.45 | |
કાંચ્લોરી | 1.41 | 2.52 | 0.26 | 0.44 | 0.30 | |
જામનગર | 1.72 | 0.53 | 0.60 |
સર્પગંધાને કૉલ્ચિસિનની માવજત આપવામાં આવે છે ત્યારે મૂળ અને કુલ આલ્કેલૉઇડ દ્રવ્યના ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે. ચતુર્ગુણિત (tetraploid) વનસ્પતિ(2n = 44)ના મૂળનું તાજું વજન લગભગ 414 ગ્રા. જેટલું અને દ્વિગુણિત (diploid) વનસ્પતિ(2n = 22)નું 250 ગ્રા. જેટલું અને સરખી ઉંમરની ચતુર્ગુણિત અને દ્વિગુણિત વનસ્પતિઓમાં આલ્કેલૉઇડ દ્રવ્ય અનુક્રમે 2.3 % અને 1.5 % જેટલું હોય છે. જોકે ચતુર્ગુણિત વનસ્પતિમાં રિસર્પિન દ્રવ્યમાં પ્રમાણસર વધારો થતો નથી.
રાઉલ્ફિયાની વિવિધ જાતિઓમાં 80 જેટલાં આલ્કેલૉઇડ શોધાયાં છે. તેનાં આલ્કેલૉઇડ યોહિમ્બિનૉઇડ વ્યુત્પન્નો ગણાય છે અને વર્ણમૂલક-પદ્ધતિ(chromophoric system)ને આધારે ઇન્ડોલ, ઇન્ડોલિન, ઇન્ડોલેનિન, ઑક્સિન્ડોલ અને y ઇન્ડોક્સિલ જેવા પાંચ પ્રકાર પાડવામાં આવે છે. ઔષધવિદ્યાકીય રીતે તેઓને રિસર્પિન-સમૂહ અને અજ્મેલિન-સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવે છે. રિસર્પિન-સમૂહ અનુકંપી-અનુકારીસમ (sympathomimetic) ઍમાઇન મુક્ત કરે છે, જ્યારે અજ્મેલિન ઉપર્યુક્ત પદાર્થ મુક્ત કરતો નથી.
સારણી 3 : ભારતમાં સર્પગંધાની વિવિધ જાતિઓમાંથી અલગ કરેલાં આલ્કેલૉઇડ
ક્રમ | જાતિ | આલ્કેલૉઇડ |
1. | R. beddomei | અજ્મેલિસિન, સર્પેજિન, સર્પેન્ટિન. |
2. | R. densiflora | અજ્મેલિન, ડેન્સિફલોરિન, રેસિન્નેમિન, રિસર્પિલિન, આઇસોરિસર્પિલિન, રિસર્પિન, રિસર્પિનિન, સર્પેજિન. |
3. | R. micrantha | અજ્મેલિસિન, રાઉનેમિન, રિસર્પિલિન, રિસર્પિન, સર્પેજિન, નિયૉસર્પેજિન, સર્પેન્ટિન. |
4. | R. serpentina | અજ્મેલિસિન, અજ્મેલિન, આઇસોઅજ્મેલિન, અજ્મેલિનિન, ચેન્ડ્રિન, રાઉલ્ફિનિન, રેનૉક્સિડિન રેસિન્નેમિન, રિસર્પિલિન, રિસર્પિન, રિસર્પિનિન, સર્પેજિન, સર્પેન્ટિન, સર્પેન્ટિનિન, ટેટ્રાફાઇલિસિન, યોહિમ્બિન, 3-એપી-એ-યોહિમ્બિન. |
5. | R. tetraphylla | અજ્મેલિસિન, અજ્મેલિન, આલ્સ્ટોનિન, એરિસિન, કોરિનેન્થિન, ડીસર્પિડિન, રાઉજેમિડિન, રાઉનેસિન, આઇસોરાઉનેસિન, રેનૉક્સિડિન, રિસર્પિલિન, આઇસોરિસર્પિલિન, રિસર્પિન, y-રિસર્પિન, રિસર્પિનિન, આઇસોરિસર્પિનિન, સર્પેજિન, સર્પેન્ટિન, સર્પેન્ટિનિન, ટેટ્રાફાઇલિસિન, ટેટ્રાફાઇલિન, યોહિમ્બિન, a-યોહિમ્બિન, b-યોહિમ્બિન, y-યોહિમ્બિન. |
સર્પગંધાની બધી જાતિઓમાં મળી આવતું રિસર્પિન ઔષધ-વિદ્યાકીય રીતે સૌથી શક્તિમાન આલ્કેલૉઇડ છે. ભારતનાં વિવિધ સ્થળોએ થતી સર્પગંધાના મૂળમાં રિસર્પિન દ્રવ્યનું પ્રમાણ સારણી 4માં આપવામાં આવ્યું છે.
સારણી 4 : ભારતનાં વિવિધ સ્થળોએ થતી સર્પગંધાના મૂળમાં રિસર્પિન–દ્રવ્યનું પ્રમાણ
ક્રમ | સ્થળ | વર્ષ | કુલ આલ્કેલૉઇડ (%) | રિસર્પિન (%) |
1. | સાગરા (મૈસૂર) | 1 | 1.74 | 0.12 |
2. | નીલગિરિ (તામિલનાડુ) | 3 | 2.30 | 0.20 |
3. | બરેલી (ઉત્તરપ્રદેશ) | 2 | 2.14 | 0.15 |
4. | હલ્દવાની (ઉત્તરપ્રદેશ) | 2 | 2.38 | 0.17 |
5. | દહેરાદૂન (ઉત્તરપ્રદેશ) | 2.12 | 0.06 | |
6. | જમ્મુ | 3 | 1.6 | 0.05 |
7. | શાહપુર (મહારાષ્ટ્ર) | 2.02 | 0.11 | |
8. | નવાપુર (મહારાષ્ટ્ર) | 1.49 | 0.12 |
રિસર્પિન પ્રમાણમાં નબળો તૃતીયક (tertiary) બેઝ છે અને સર્પગંધાના મૂળના ઓલિયોરેઝિન-અંશમાં હોય છે. તે રિસર્પિક ઍસિડનો 3, 4, 5 ટ્રાઇમિથૉક્સિ બેન્ઝોઇક ઍસિડ ઍસ્ટર છે અને 18-હાઇડ્રૉક્સિ-યોહિમ્બિન પ્રકારનો ઇન્ડોલ-વ્યુત્પન્ન છે. તેની સક્રિયતા મૂળભૂત રીતે અણુનાં આકાર અને રચના સાથે સંકળાયેલ છે. રિસર્પિનનું હવે સંશ્લેષણ થાય છે અને આ સાંશ્લેષિક રિસર્પિન મૂળમાંથી નિષ્કર્ષિત રિસર્પિન સાથે આજે મૂલ્યના સંદર્ભમાં સ્પર્ધા કરે છે.
રિસર્પિન મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર અવનમક (depressant) અસર દર્શાવે છે અને શમન (sedation) કરે છે અને હૃદયમંદતા(brady-cardia)ની સાથે રુધિરનું દબાણ ઘટી જાય છે. અતિરક્તદાબ(hypertension)માં જો તે મોં દ્વારા લેવામાં આવે તો તેની અસરો ધીમી હોય છે અને 3થી 6 દિવસ પહેલાં ભાગ્યે જ દેખાય છે. તેની સંચયી (cumulative) અસર હોય છે. અતિ હૃદદ્રુતતા (trachycardia) સાથે સંબદ્ધ મંદ અસ્થાયી અતિરક્તદાબ ધરાવતા યુવાન દર્દીઓમાં તે સૌથી વધારે મહત્ત્વનું છે. દીર્ઘસ્થાપિત અતિરક્તદાબમાં તે હેક્ઝામિથોનિયમ કે હાઇડ્રેલેઝિન જેવાં વધારે શક્તિમાન ઔષધો સાથે ઉપયોગમાં લેવાય છે. પૉલિથાયેઝાઇડ સાથે સંયોજિત સ્વરૂપે તે મંદથી માંડી મધ્યમસરની સ્થિતિમાં ઉપયોગી અલ્પરક્તદાબી (hypotensive) છે. ઊંચું સરેરાશ મૂલ્ય ધરાવતાં દર્દીઓમાં લેસિક્ષ સાથે ખાસ અસરકારક છે. જુદા જુદા દર્દીઓમાં રિસર્પિનની અનુક્રિયા જુદી જુદી હોવાથી તેની માત્રાની જરૂરિયાત પ્રમાણે ગોઠવણી કરવી જરૂરી છે. તીવ્ર અતિરક્તદાબમાં તેનું અંત:શિરીય (intravenous) કે અંત:સ્નાયુ (intramuscular) અંત:ક્ષેપણ કરવામાં આવે છે. મોં દ્વારા લેવાનું અવ્યવહારુ હોય ત્યારે રિસર્પિનની આંત્રેતર (parenteral) સારવાર અપાય છે.
રિસર્પિન મંદ ચિંતાઅવસ્થાઓ અને દીર્ઘકાલીન મનોવિક્ષિપ્તિ-(chronic psychosis)માં તેની શામક અસર માટે વપરાય છે. તે સંમોહક (hypnotic) કરતાં પ્રશાંતક (tranquillizing) પ્રક્રિયા દાખવે છે અને બાર્બિટ્યુરેટ કરતાં ઓછી ઊંઘ લાવે છે. દીર્ઘકાલીન માનસિક રોગથી પીડાતા દર્દીઓને રિસર્પિનની સારવાર આપતાં તેઓ ઘણી વાર વિશ્રાંતિ અનુભવે છે અને મિલનસાર અને સહકારી બને છે. તેમને આ ઔષધ લાંબા ગાળા સુધી મોં દ્વારા કે અંત:સ્નાયુ અંત:ક્ષેપણ દ્વારા દર્દીની અનુક્રિયાને આધારે નિયત માત્રામાં આપવામાં આવે છે. આ ઔષધ એકાએક બંધ કરી દેવું ઇષ્ટ નથી. તે દીર્ઘકાલીન વિખંડિત મનસ્કતાની ચિકિત્સામાં પણ અત્યંત ઉપયોગી છે. તે ક્લોર્પ્રોમેઝિન સાથે યુતિયોગવાહી (synergistical) અસર આપે છે.
રિસર્પિનની પ્રતિ-અતિરક્તદાબી અને શામક અસરોની ક્રિયાવિધિ વિશે હજુ સુધી પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. તેને કારણે મગજ અને પરિઘવર્તી રુધિરવાહિનીઓમાં સેરોટોનિન (5-હાઇડ્રૉક્સિ ટ્રિપ્ટેમાઇન) અને કૅટેચોલ ઍમાઇન ઘટી જાય છે. તે પ્રાથમિકપણે મગજ ઉપર શામક અસર ઉત્પન્ન કરે છે અને દ્વિતીયકપણે પરિઘવર્તી રુધિરવાહિનીઓ ઉપર પ્રતિ-અતિરક્તદાબી અસરો નિપજાવે છે. જોકે રિસર્પિનને લીધે ઍમાઇનમાં થતા ઘટાડાનો શામક અને પ્રતિ-અતિરક્તદાબી પ્રક્રિયાઓ સાથે કાર્યકારણસંબંધ (causal) દૃઢપણે સ્થાપિત થયો નથી. મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર રિસર્પિનની ક્રિયાશીલતા રુધિરમાં પરિવહન પામતા અંત:સ્રાવો ઉપરની તેની અસરને કારણે હોઈ શકે.
રિસર્પિનની ક્રિયાશીલતાની ભાત અત્યંત જટિલ હોય છે. મગજમાં ઍમાઇન-સાંદ્રતા ઉપરાંત, તે ગ્લાયકોજન, ઍસિટોકોલિન, g-ઍમિનોબ્યુટિરિક ઍસિડ, ન્યૂક્લિઇક ઍસિડ, પ્રતિમૂત્રવર્ધક (anti-diuretic) અંત:સ્રાવ અને P-પદાર્થની સાંદ્રતા ઉપર પણ અસર કરે છે. રિસર્પિનની અસરોમાં શ્વસન-અવરોધ, પરિસંકોચન(peri-stalsis)માં ઉત્તેજના, કીકીનું સંકોચન, નિમેષક પટલ(nictitating membrane)ની વિશ્રાંતિ અને તાપમાનનું નિયમન કરતા કેન્દ્ર ઉપરની અસરનો સમાવેશ થાય છે. તે જઠરીય સ્રાવમાં અને મુક્ત અમ્લતા(acidity)માં વધારો કરે છે. કેટલાક કિસ્સાઓમાં તે અતિગ્લુકોઝ રક્તતા(hyperglycaemia)માં ઘટાડો કરે છે, પરંતુ આ અસર અલ્પજીવી હોય છે. કેટલાક દર્દીઓમાં તે પ્રોથ્રોમ્બિનની ક્રિયાશીલતા ઉપર ઉત્તેજક અસર આપે છે. દાઝવાને પરિણામે ઉદ્ભવતા સ્થાનિક આરક્ત (ischemic) વિસ્તારોમાં રુધિર-પારગમ્યતાને પ્રેરે છે.
તેનો ચિંતા-અવનમક (anxiety-depressive) અવસ્થાઓ અને હૃદ્-લયહીનતા (cardiac arrhythmia), હૃત્-પેશીવિભંગ (myocardial infraction), હૃદયનું વધારે ગંભીર નુકસાન, શ્વસનીશોથ (bronchitis), દમ (asthma) અને જઠરનાં ચાંદાંમાં ઉપયોગ કરવામાં આવે છે. તે પ્રમાણમાં અલ્પ વિષાક્ત (toxic) હોય છે. તેની લઘુતમ માત્રાએ પણ તે નાકમાં જમાવટ, સુસ્તતા (lethargy), ઘેન, વિશિષ્ટ સ્વપ્નાં, ચક્કર, જઠરાંત્રીય અવ્યવસ્થાઓ, કેટલીક વાર કષ્ટ શ્વાસ (dyspnoea) અને શીળસ (urticaria) ઉત્પન્ન કરે છે. જો તે વધારે માત્રામાં લેવામાં આવે તો ફફડાટ (flushing), નેત્ર-શ્લેષ્મ-પટલનું અંત:ક્ષેપણ (injection of conjunctivae), અનિદ્રા, હૃદયમંદતા, કેટલીક વાર પાર્ક્ધિસનતા (parkinsonism) અને તીવ્ર માનસિક અવનમન, શિથિલતા (asthenia) અને શોથ (oedema) થાય છે. તેની આડઅસરો ક્ષણિક હોય છે અને તેની માત્રા ઓછી કરવાથી કે સારવાર બંધ કરવાથી તેઓ અદૃશ્ય થાય છે. વ્યાપક અસંવેદના (general anaesthesia) હેઠળ થતી શલ્યવિધિ દરમિયાન દીર્ઘકાલીન સારવાર લીધેલ દર્દીમાં રુધિરના દબાણમાં અવ્યવસ્થાઓ ઉદ્ભવે છે. કેટલાક દર્દીઓ અલ્પ આંત્રેતર માત્રાએ પણ સંવેદી હોય છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં દૂધનો સ્રાવ વધારવા રિસર્પિન અપાય છે ત્યારે તેનું માતૃ-દૂધમાં ઉત્સર્જન થાય છે, પરંતુ તેની નીચી સાંદ્રતાને કારણે હાનિકારક નથી.
તે કૂતરાના હૃદયના બંધન-પ્રેરિત (ligation-induced) તંતુવિકંપન (fibrillation) સામે અસરકારક હોય છે. તે માદા ઉંદરમાં સામાન્ય ઋતુચક્રમાં અંતરાય ઉત્પન્ન કરે છે, અંડકોષપતનને અવરોધે છે અને આભાસી ગર્ભાધાન પ્રેરે છે. નર ઉંદરમાં તે શુક્રપિંડોના એન્ડ્રોજનીય અંત:સ્રાવોને અવરોધે છે અને શુક્રપિંડોની ક્ષતિપૂરક (compensatory) અતિવૃદ્ધિ(hyper-trophy)માં ઘટાડો કરે છે. નર અને માદા ઉંદરોમાં અંત:સ્રાવોની વંધ્યીકરણ-અસર સામે રક્ષણ આપે છે. તે પ્રાયોગિક પ્રાણીઓમાં સ્ટેફાઇલોકોકીય ઍન્ટરોટૉક્સિન અને ઍપોમૉર્ફિન પ્રેરિત ઊલટી સામે પ્રતિવમનકારી (anti-emetic) સક્રિયતા દર્શાવે છે. તે મૉર્ફિનની વેદનાહર (analgesic) અસરનો વિરોધ કરે છે અને ‘ક્ષ’ અને ‘ગૅમા’ કિરણો સામે ઉંદરનો ઉત્તરજીવિતા(survival)નો દર વધારે છે. તે ગ્રામ-ધન અંશુ બૅક્ટેરિયા સામે જીવાણુરોધક (bacteriostatic) અસર દાખવે છે.
રિસર્પિનની સારવાર હેઠળ ઉંદરોમાં ત્વચા સમરોપણ-(homograft)ની અસ્વીકૃતિ ઘટે છે. મરઘાં-બતકાંના ખોરાકમાં રિસર્પિન ઉમેરતાં તેમની વૃદ્ધિ અને ખોરાકગ્રહણની ક્ષમતા પ્રેરાય છે.
રિસર્પિડિન તેની અલ્પરક્તદાબી અને શામક ક્રિયાશીલતા માટે લગભગ રિસર્પિન જેટલું જ સક્રિય આલ્કેલૉઇડ છે. રેસિન્નેમિન મિથાઇલ ટ્રાઇમિથૉક્સિ સિન્નેમોઇલ રિસર્પેટ છે અને રિસર્પિન કરતાં મંદ છે, પરંતુ ગુણાત્મક રીતે તે રિસર્પિન જેવી જ ક્રિયાશીલતા દાખવે છે અને તેના કરતાં ઓછું વિષાક્ત છે. Y-રિસર્પિન, રેસિડિન અને રાઉનેસિન પણ સક્રિય આલ્કેલૉઇડો હોવા છતાં રિસર્પિન કરતાં ઓછાં સક્રિય છે. રાઉગસ્ટિન અને આઇસોરાઉનેસિન નિષ્ક્રિય આલ્કેલૉઇડ છે.
રિસર્પિનિન શામક કે અલ્પરક્તદાબી અસર દર્શાવતું નથી. સર્પેન્ટિન એક પીળો ચતુર્મૂલક (quaternary) ઇન્ડોલીય એનહાઇડ્રૉનિયમ બેઝ છે. તે અલ્પરક્તદાબ ઉત્પન્ન કરે છે અને આંત્રીય પરિસંકોચન અવરોધે છે. રિસર્પિન સાથે તેને સરખા ભાગે આપતાં તે બંને ઔષધોને અલગ રીતે સમાન માત્રાએ આપવા કરતાં વધારે અલ્પરક્તદાબી છે. તે પ્રતિ-તંતુવિકંપન દાખવે છે. તે મગજ અને યકૃતની પેશીઓમાં સક્સિનેટ ડીહાઇડ્રૉજિનેઝનો અવરોધ કરે છે. તે હૃદ્-નિર્ગમ(cardiac output)ના ઘટાડાને કારણે દૈહિક (systemic) અને ફુપ્ફુસીય (pulmonary) અલ્પરક્તદાબ ઉત્પન્ન કરે છે. હૃદ્-ધમની(coronary artery)માં રુધિરના વહનમાં ફેરફાર થતો નથી. અજ્મેલિન અને સર્પેન્ટિનિન કરતાં તે વધારે વિષાક્ત છે.
સર્પેન્ટિનિન ચતુર્મૂલક એનહાઇડ્રૉનિયમ બેઝ છે. તે સામાન્ય રુધિરના દબાણમાં વધારો કરે છે; પરંતુ પ્રાયોગિક અતિરક્તદાબવાળાં પ્રાણીઓમાં રુધિરના દબાણમાં ઘટાડો કરે છે. તે મંદ અલ્પરક્તદાબી સક્રિયતા દર્શાવે છે. તે શ્વસન અને આંત્રીય પરિસંકોચનને ઉત્તેજે છે. આંત્રીય પરિસંકોચનને લીધે તેની રેચક પ્રક્રિયા જોવા મળે છે. તે એડ્રિનાલિનની વૃક્કીય (renal) વાહિકા-આકુંચન (vasoconstriction) સક્રિયતા ઘટાડે છે, પરંતુ તેના દ્વારા એડ્રિનાલિન અતિરક્તદાબમાં ફેરફાર થતો નથી.
સર્પેજિન મંદ બેઝિક તૃતીયક ઇન્ડોલીય આલ્કેલૉઇડ છે. તેની રુધિરના દબાણ અને રક્તચાપવર્ધી (pressor) ઍમાઇન ઉપર ક્ષણિક અસર હોય છે.
સર્પગંધામાં અજ્મેલિન સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતું આલ્કેલૉઇડ છે. તે દ્વિ-તૃતીયક (ditertiary) ઇન્ડોલ બેઝ છે અને તેનું સંશ્લેષણ પણ થઈ શકે છે. તે શમન કરતું નથી અને સર્પેન્ટિનિનની જેમ તેની રુધિરના દબાણ ઉપર કોઈ નોંધપાત્ર અસર હોતી નથી. હૃદ્-સ્નાયુઓ ઉપર તેની અવનમક અસરને કારણે રુધિરના દબાણમાં ક્ષણિક ઘટાડો થાય છે. તે શ્વસન અને આંત્રીય પરિસંકોચન ઉત્તેજે છે. તેની દૈહિક અને ફુપ્ફુસીય રુધિરના દબાણ ઉપર સર્પેન્ટિન જેવી અસર હોય છે. તે પ્રતિતંતુવિકંપી સક્રિયતા ધરાવે છે અને તેની કાર્યવિધિ ક્વિનિડિન સાથે સામ્ય દર્શાવે છે. તે વધારાનાં પ્રકુંચનો (systoles) સામે અસરકારક હોય છે અને કર્ણકતંતુ-વિકંપન (auricular fibrillation) અને હૃદયની અન્ય કેટલીક પરિસ્થિતિઓમાં લાભદાયી અનુષંગી (adjunctive) સક્રિયતા દાખવે છે; પરંતુ હૃદ્-લયહીનતા(cardiac arrhythmias)માં વપરાતાં ક્વિનિડિન કે પ્રોકેઇન એમાઇડ જેવાં ઔષધોનું વિસ્થાપન કરી શકે તેમ નથી. જોકે ડિજિટેલિસની વધારે પડતી માત્રા દ્વારા થતી દ્વિતીયક લયહીનતા(arrthymias)ની ચિકિત્સામાં તેનો ઉપયોગ થાય છે. હૃદયની પરિસ્થિતિની જટિલતા દ્વારા થતા અતિરક્તદાબની ચિકિત્સામાં પ્રતિ-અતિરક્તદાબી પ્રક્રિયકોની સાથે સંયોજિત સ્વરૂપમાં તે આપી શકાય છે.
આઇસોઅજ્મેલિન અલ્પરક્તદાબ ઉત્પન્ન કરે છે અને ઘેનરહિત સુસ્તી કે અચેતનતા પેદા કરે છે. અજ્મેલિસિન ટેટ્રાહાઇડ્રૉ આલ્સ્ટોનિનનો ત્રિપારિમાણિક સમાવયવી (stereo isomer) છે. તેની એડ્રિનાલિન-અવરોધક સક્રિયતા ઉપરાંત તે મધ્યસ્થ અવનમક સક્રિયતા ધરાવે છે. તે વૃક્કીય વાહિકા-વિસ્ફારણ (renal vasodilation) સહિતનો અલ્પરક્તદાબ ઉત્પન્ન કરે છે અને અનુકંપી રોધીસમ (sympatholytic) છે.
રાઉલ્ફિનિન અતિરક્તદાબી ગુણધર્મો ધરાવે છે. રાઉનેમિડિન રિસર્પિનથી અર્ધી પ્રશાંતક સક્રિયતા દર્શાવે છે. ચેન્ડ્રિન પ્રતિલય (anirrhythmic) પ્રક્રિયા દાખવે છે.
a-યોહિમ્બિન (રાઉલ્સિન) અલ્પરક્તદાબ માટે જવાબદાર છે. તે ક્રિયાશીલતાયુક્ત સંમોહક પ્રમાણમાં વધારે વિષાક્તતા ધરાવતો હૃદબાહિકીય (cardiovascular) અવનમક છે.
સર્પગંધાના બીજમાં 0.20 %થી 0.30 % આલ્કેલૉઇડો હોય છે. બીજનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 5.5 %થી 8.7 %, મેદ 1.0 %થી 9.7 %, અપચાયક શર્કરાઓ 0.1 %થી 2.0 %, સ્ટાર્ચ 12.6 %થી 20.3 %, અશુદ્ધ રેસા 56.5 %થી 75.5 %, નાઇટ્રોજન 0.55 %થી 1.60 %, ભસ્મ 0.9 %થી 1.9 %, ફૉસ્ફરસ 0.07 %થી 0.22 % અને કૅલ્શિયમ 0.34 %થી 0.69 % બીજમાં મોટાભાગનું પ્રોટીન ગ્લોબ્યુલિનોનું બનેલું હોય છે. બીજમાં નાઇટ્રોજન અને મેદદ્રવ્યો વધારે હોય તો બીજાંકુરણ સારી રીતે થાય છે.
યોગેશ ડબગર
યોગેન્દ્ર કૃ. જાની
બળદેવભાઈ પટેલ