સર્ટિફિકેટ ઑવ્ ઓરિજિન (ઉત્પત્તિ સ્થળનું પ્રમાણપત્ર)

January, 2007

સર્ટિફિકેટ ઑવ્ ઓરિજિન (ઉત્પત્તિ સ્થળનું પ્રમાણપત્ર) : આયાત- પસંદગીનો કરાર કરનારા બે દેશો પૈકી એક દેશનો નિકાસકાર બીજા દેશના આયાતકારને માલ નિકાસ કરે ત્યારે માલ નિકાસ કરનારના દેશમાં જ બનેલો છે તેવું નિકાસકારે આયાતકારને આપવું પડતું પ્રમાણપત્ર.

વિશ્વ વ્યાપારી સંગઠનની શરતો અમલમાં આવવા માંડી છે તેથી વૈશ્વિક વ્યાપાર મુક્ત થવાની દિશામાં છે; આમ છતાં અનેક કારણોએ કોઈ એક ચોક્કસ દેશ અન્ય દેશો પાસેથી માલ ખરીદવા માટે પસંદગી આપે છે. પસંદગી આપવાની આ નીતિને કારણે માલની આયાત કરનારાઓને કરવેરા અને અન્ય બાબતોમાં રાહત મળે છે. પસંદગીની નીતિનો ઉદ્દેશ એ છે કે આયાતકારો પસંદગી પામેલા દેશોમાંથી જ આયાત કરે. કેટલીક વાર એવી સંભવિતતા પેદા થાય છે કે પસંદગી પામેલ દેશનો નિકાસકાર અન્ય દેશોમાં માલ મંગાવીને પુન:નિકાસ કરે અથવા તો એવા દેશના નિકાસકારને આયાતકારના દેશમાં માલ સીધો જ નિકાસ કરવા જણાવે અને પસંદગી પામેલ દેશનો નિકાસકાર પોતાનાં બિલ બનાવી આયાતકારને મોકલી આપે તો પસંદગીની નીતિ નિષ્ફળ જાય છે. દા.ત., ભારત સરકાર દ્વારા પસંદગી પામેલા દેશ (i) શ્રીલંકાનો નિકાસકાર અન્ય દેશ – પાકિસ્તાનમાંથી માલ મંગાવીને ભારતના આયાતકારને પુન:નિકાસ કરે અથવા (ii) શ્રીલંકાનો નિકાસકાર પાકિસ્તાનમાં બનેલો માલ, પાકિસ્તાનનો નિકાસકાર ભારતના આયાતકારને સીધો જ નિકાસ કરે, તેવી ગોઠવણ કરે છતાં શ્રીલંકાનો નિકાસકાર પોતાનું બિલ બનાવીને ભારતના આયાતકારને મોકલી આપે તો પસંદગીની નીતિ નિષ્ફળ જાય છે. આથી વિદેશ વ્યાપારમાં એક મહત્ત્વના દસ્તાવેજ તરીકે ‘સર્ટિફિકેટ ઑવ્ ઓરિજિન’નો આયાતકારના દેશના સત્તાધીશો આગ્રહ રાખે છે. ‘સર્ટિફિકેટ ઑવ્ ઓરિજિન’ એ એવું પ્રમાણપત્ર છે કે જે નિકાસકારના દેશમાં જ માલનું ઉત્પાદન થયાની ખાતરી આપે છે. આ પ્રમાણપત્ર નિકાસકારના દેશની ચેમ્બર ઑવ્ કૉમર્સ અથવા એવી પ્રમાણિત કરેલ સંસ્થા કે વ્યક્તિ આપે છે. નિકાસકારે આ પ્રમાણપત્ર મેળવીને આયાતકારને મોકલવાનું હોય છે. આયાતકારને તે મળતાં તેના આધારે પોતાના દેશમાં તે અંગે મળતી રાહતની માગણી કરે છે. સત્તાવાળાઓ પ્રમાણપત્રની ખરાઈ કરીને રાહત આપતા હોય છે.

વિશ્વવ્યાપાર સંગઠન હેઠળ જેમ જેમ વૈશ્વિક વ્યાપાર મુક્ત થતો જશે તેમ તેમ આ પ્રમાણપત્રનું મહત્ત્વ ઘટતું જશે; કારણ કે મુક્ત વ્યાપાર હેઠળ કોઈ એક દેશ અન્ય દેશોને આયાત કે નિકાસની ખાસ પસંદગી આપી શકવાનો નથી.

અશ્વિની એમ. કાપડિયા