સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન) : બૌદ્ધ ધર્મમાં અપનાવાયેલ જ્ઞાન અને વિદ્યાકલાની દેવી સરસ્વતીનાં પૂજન માટે પ્રચલિત વિવિધ મૂર્તિસ્વરૂપ. બૌદ્ધ ધર્મના તાંત્રિક સંપ્રદાયોમાં તેનું મહત્વ વિશેષ છે. બૌદ્ધ ધર્મમાં આ દેવી એક મુખવાળી અને દ્વિભુજ તેમજ ત્રણ મુખ અને ષડ્ભુજાવાળી હોવાનું પણ વર્ણન મળે છે. તે જ્ઞાનદાતા દેવી હોવાથી મંજુશ્રી અને પ્રજ્ઞાપારમિતાની જેમ તેની પૂજા થાય છે. સાધનમાલામાં એનાં પાંચ સ્વરૂપો નિરૂપાયાં છે. (1) મહાસરસ્વતી : એમાં શ્વેત વર્ણનાં દેવી દ્વિભુજ છે. એક હાથ વરદ મુદ્રામાં અને બીજામાં સનાળકમળ ધારણ કરેલ છે. દેખાવ કુમારિકા જેવો હોય છે. તેમની ચારે બાજુ ચાર દેવીઓ ખડે પગે છે જેમાં સામેની બાજુ પ્રજ્ઞા, જમણી બાજુ મેધા, ડાબી બાજુ સ્મૃતિ અને પશ્ચિમે મતિ નામની દેવી હોય છે. (2) વજ્રવીણા સરસ્વતી : આ દેવી ઘણે અંશે મહાસરસ્વતીને મળતી આવે છે. આ શ્વેત વર્ણ અને એકમુખ દેવીના દ્વિભુજ પૈકીના એકમાં વીણા છે અને બીજા હાથ વડે વીણા વગાડે છે. અહીં પણ ફરતી ચારે બાજુ ચાર દેવીઓ હોય છે. (3) વજ્રશારદા : આ દેવી શ્વેત કમળ ઉપર બિરાજેલ હોય છે. મસ્તક પર સુંદર અલંકારો શોભે છે. ત્રિનેત્ર અને દ્વિભુજ છે. જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે. તેની આજુબાજુ પ્રજ્ઞા અને બીજી દેવીઓ આવેલી છે. (4) આર્ય સરસ્વતી : શ્વેત વર્ણની આ દેવી કુમારિકારૂપ છે. તેના એક હાથમાં સનાળકમળ અને બીજા હાથમાં પ્રજ્ઞાપારમિતાનું પુસ્તક ધારણ કરેલ છે. (5) વજ્રસરસ્વતી : આ ઉપરનાં ચાર સ્વરૂપો કરતાં ભિન્ન છે. રક્ત વર્ણનાં દેવી ત્રિમુખ અને ષડ્ભુજાયુક્ત છે. જમણી બાજુનું મુખ રક્તવર્ણનું, વચલું શ્વેત વર્ણનું અને ડાબી બાજુનું નીલ વર્ણનું છે. જમણી બાજુના હાથમાં ખડ્ગ, કમળ અને પ્રજ્ઞાપારમિતાનું પુસ્તક ધારણ કરેલ છે જ્યારે ડાબી બાજુના હાથમાં કપાલ, રત્ન અને ચક્ર ધારણ કરેલ છે. ભારતમાં નાલંદામાંથી આ દેવીની મૂર્તિઓ મળી છે.
પ્રવીણચંદ્ર પરીખ