સરસ્વતી (નદી)
આર્યાવર્તમાં ક્યારેક અસ્તિત્વ ધરાવતી, પરંતુ તે પછીના કાળમાં લુપ્ત થઈ ગયેલી નદી. આજે દંતકથા બની રહેલી, પરંતુ ઋગ્વેદમાં, પ્રાચીન પૌરાણિક ગ્રંથોમાં તેમજ મહાભારતમાં જેના ભરપૂર ઉલ્લેખો મળે છે તે વિપુલ જળરાશિ ધરાવતી સરસ્વતી નદી ભૂતકાળમાં કોઈ એક કાળે વાયવ્ય ભારતમાં વહેતી હતી. તે હિમાલયની કોઈક હિમનદીમાંથી નીકળીને આજના હરિયાણા, પંજાબ, રાજસ્થાન, સિંધ અને ગુજરાતને વીંધીને અરબી સમુદ્રને મળતી હતી. લુપ્ત થયેલી આ નદીના અસ્તિત્વના તેમજ તેના પ્રવાહપથના પુરાવા શોધવા છેલ્લાં આશરે 150 વર્ષોના ગાળા દરમિયાન અનેક સંશોધકોએ પ્રયાસો કરેલા છે. સરસ્વતી-ખોજ અભિયાન આજે પણ ચાલી રહ્યું છે, તેના અસ્તિત્વના પુરાવા મળતા જાય છે.
સરસ્વતી નદીના અસ્તિત્વ માટે વૈદિક, પૌરાણિક અને લૌકિક ધારણાઓ પ્રવર્તે છે : ઋગ્વેદમાં તેને ઉદકવતી, અન્નવતી તથા નદીતમા (સૌથી મોટી નદી) તરીકે નવાજેલી છે. વેદોક્ત સરસ્વતી એટલે પવિત્રતાની અને પ્રેરણાની અધિષ્ઠાત્રી દેવી – ‘પાવકા ન: સરસ્વતી’ તરીકે તેમજ વાણીની દેવી – ‘વાગ્દેવી’ તરીકે વર્ણવેલી છે. પૌરાણિક પરંપરા અનુસાર, મહાભારતમાં તેને પ્લક્ષ પ્રસ્રવણમાંથી નીકળતી હોવાનું, વિશાળ પટવાળી, જળસભર રહેતી હોવાનું તથા શદ્વતીને મળતી હોવાનું વર્ણવેલું છે. મનુસંહિતા અનુસાર સરસ્વતી અને શદ્વતી વચ્ચેનો પ્રદેશ બ્રહ્માવર્ત કહેવાતો હતો, તે વૈદિક જ્ઞાન-કર્મ-અનુષ્ઠાન માટે જાણીતો હતો. ત્યાં ઋષિમુનિઓના આશ્રમો તેમજ
તીર્થો હતાં. એમ પણ કહેવાય છે કે વહેતી વહેતી, વચ્ચે વચ્ચે અદૃદૃશ્ય થતી હતી, કારણ કે તે વડવાનલને પશ્ચિમ સમુદ્રમાં પધરાવવા લઈ જતી હતી. (સ્કંદપુરાણ). લૌકિક માન્યતાઓ પ્રમાણે તે આરાસુર-અંબાજીના કોટેશ્વર પાસેથી નીકળી પાટણ પાસેથી પસાર થઈ કચ્છના રણમાં સમાઈ જતી હતી; તો વળી સૌરાષ્ટ્રના ગીરમાં થઈ પ્રભાસ આગળ સમુદ્રને મળતી હતી. સ્વ. અમૃત વસંત પંડ્યાના મત મુજબ ગુજરાતમાં વૈદિક સરસ્વતીનો પ્રવાહ કદી વહ્યો ન હતો, તે માત્ર કચ્છના રણપ્રદેશમાં જ વહેલો.
સરસ્વતી નદી લુપ્ત થઈ ગયાની પૌરાણિક માન્યતા માટે સુરભિ ગાયનો શાપ તથા વિશ્વામિત્રના શાપને જવાબદાર હોવાનું માનવામાં આવે છે; હકીકતમાં તેના લુપ્ત થવા માટે ભૂકંપથી ભૂપૃષ્ઠમાં થયેલા ફેરફારને જ કારણભૂત ગણી શકાય; ભૂમિઉત્થાન કે કાંપપૂરણી થવાથી તેમાં ભળતી નદીઓનાં વહેણ બદલાઈ જતાં, તેનો જળરાશિ ક્ષીણ થતો ગયેલો, જે છેવટે સુકાઈ ગયો અથવા શોષાઈ ગયો હોવાનું કહેવાય છે.
સરસ્વતી નદીના ભૂસ્તરીય ઇતિહાસની ભૂમિકા આ પ્રમાણે છે : વર્તમાન પૂર્વે 18 લાખ ણ્ વર્ષ અગાઉથી 6.5 કરોડ વર્ષ વચ્ચેનો કાળગાળો તૃતીય જીવયુગ નામથી ઓળખાય છે. આ યુગના પ્રારંભ વખતે નગાધિરાજ હિમાલયનું લેશમાત્ર અસ્તિત્વ ન હતું; તે સ્થળે ઘૂઘવતા ટેથીઝ મહાસાગરના તળ પર કરોડો વર્ષોથી કણજમાવટ થયે જતી હતી. તૃતીય જીવયુગના અંતિમ ચરણ – પ્લાયોસીન કાલખંડ – સુધીમાં તો હિમાલયનું જુદા જુદા તબક્કાઓમાં લગભગ પૂર્ણ ઉત્થાન થઈ ચૂક્યું હતું, ટેથીઝ મહાસાગર ક્રમે ક્રમે પાછો હઠતો જઈ નામશેષ થઈ ગયો હતો. હિમાલય ગિરિનિર્માણ-ઘટના દરમિયાન ઉત્તર ભારતના ભૂપૃષ્ઠમાં તેમજ તત્કાલીન નદીઓની જળપરિવાહ-રચનામાં મોટા પાયા પર ફેરફારો થતા રહેલા. ત્યાંની કેટલીક નદીઓના વહનપથની દિશાઓમાં વિપરીતતા પણ ઉદ્ભવેલી. આ ગિરિનિર્માણ-ઘટના અગાઉ વર્તમાન હિમાલય હારમાળાને સમાંતર, દક્ષિણ તરફ, આસામથી નેપાળ થઈ, કુમાઉં અને પંજાબ થઈ, સિંધ સુધીના પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા સળંગ લાંબા પટમાં વહેતી અને છેવટે ટેથીઝના શેષ ભાગમાં ઠલવાતી એક ઘણી મોટી નદી અસ્તિત્વ ધરાવતી હતી; ભૂસ્તરવિદોએ આ નદીને ‘ઇન્ડોબ્રહ્મ’ (બ્રહ્મસિંધુ : બ્રહ્મપુત્ર-ગંગા-સિંધુનું સંયુક્ત સ્વરૂપ) અથવા ‘શિવાલિક’ (આજની શિવાલિક હારમાળાને સ્થાને વહેતી નદી) જેવાં યથાર્થ રીતે બંધબેસતાં વૈકલ્પિક નામ આપ્યાં છે.
તૃતીય જીવયુગના કાલખંડો દરમિયાન હિમાલયનું જેમ જેમ તબક્કાવાર ઉત્થાન થતું ગયું, તેમ તેમ ટેથીઝનાં જળ પાછાં હઠતાં ગયાં. નદીના ખીણવિભાગો કાંપપૂરણીથી ભરાતા ગયા. ઇન્ડોબ્રહ્મ નદીનો ત્રિકોણપ્રદેશ, જે ઉત્તર તરફ હતો, તે ધીમે ધીમે દક્ષિણ તરફ ખસતો ગયો. ખંભાતનો અખાત આજે જ્યાં છે ત્યાં ત્યારે ન હતો, પરંતુ એ જ રેખીય દિશામાં ઘણે દૂર ઈશાન તરફ હતો. ટેથીઝ ત્યારે નૈનીતાલ, સોલન, મુઝફ્ફરાબાદ, અટક અને ત્યાંથી સિંધ તરફ ફંટાયેલો હતો. આ અખાત સંભવત: સિંધનો અખાત હતો. ભૂમિ-ઉત્થાન અને કાંપપૂરણીથી તે દક્ષિણ તરફ ધકેલાતો ગયો. બ્રહ્મસિંધુનું વહેણ પણ ભૂપૃષ્ઠના બદલાવ સાથે બદલાતું ગયું. ત્રિકોણપ્રદેશ નૈર્ઋત્ય તરફ ખસતો ગયો, ઉત્તર તરફનું પ્રાદેશિક ભૂમિતળ ઊંચું આવતું ગયું. પરિણામે આ વિશાળ નદીનું વિભાજન થતું ગયું. વિભાજન મુખ્ય ત્રણ શાખાઓમાં થયું : (1) વાયવ્યમાં હઝારાથી નૈર્ઋત્ય તરફ આજની સિંધુ તેમજ તેની પાંચ સહાયક નદીઓએ પશ્ચિમ તરફી વહનમાર્ગ ગ્રહણ કર્યો; (2) વાયવ્યથી અગ્નિ તરફ ફંટાઈને અલગ પડેલી આજની ગંગા અને તેની સહાયક નદીઓએ પૂર્વ તરફી વહનમાર્ગ ગ્રહણ કર્યો; (3) બ્રહ્મપુત્ર નદી હિમાલયમાંથી બંગાળના ઉપસાગર તરફ ફંટાઈ. આ ત્રણે નદીઓ પહેલાં હતી અને આજે પણ છે, તેથી તેમને ‘યથાપૂર્વ’ અથવા ‘અનુવર્તી’ (antecedent) નદીઓ કહેવાય.
બ્રહ્મસિંધુ નદીનું સિંધુ નદી રૂપે જે વાયવ્ય તરફી વિભાજન થયું, તેનું એક અલગ, સ્વતંત્ર પરિવાહ-થાળું (drainage basin) આમ નવેસરથી તૈયાર થયું. આજની યમુના નદી, જે પ્રયાગ પાસે ગંગાને મળે છે, તે ત્યારે સતલજની સાથે સિંધુને મળતી હતી, અર્થાત્ આજે પૂર્વ તરફ વહેતી યમુના ત્યારે પશ્ચિમ તરફ વહેતી હતી. સિંધુ-ગંગા અથવા સિંધુ-યમુના વચ્ચેના ભૂમિતળનું પૂરણ થતું જવાથી, સિંધુને મળતી યમુનાનું વહેણ ક્રમશ: ખસેડાતું જઈને છેવટે વિપરીત બન્યું અને ગંગામાં ભળી ગયું. આજની યમુના નદી જે પ્રાક્ ઐતિહાસિક કાળમાં સંભવત: સરસ્વતીની સહાયક નદી હતી, તેનો ત્યજી દેવાયેલો પટ આજે પૂરણથી દટાયેલો મળી આવે છે. આ ઘટના તેનું સ્રોતહરણ થયાનો પુરાવો પૂરો પાડે છે.
ઉત્તર ભારતનાં આજનાં મેદાનોની અહીંની વધુમાં વધુ ઊંચાઈ સમુદ્રસપાટીથી 275 મીટરની છે. આ ઊંચાઈવાળું ભૂપૃષ્ઠ પંજાબમાં સહરાનપુર, અંબાલા અને લુધિયાણા વચ્ચે જોવા મળે છે. અહીંનો પ્રાદેશિક વિભાગ, અહીંથી પૂર્વ-પશ્ચિમ ફંટાતી નદીઓ માટેનો જળવિભાજક બની રહેલો છે; તે પૂર્વ તરફ વહેતી ગંગા અને તેની સહાયક નદીઓને, પશ્ચિમ તરફ વહેતી સિંધુ અને તેની સહાયક નદીઓથી અલગ પાડે છે; પરંતુ જૂના વખતમાં જળવિભાજક આ ન હતો, ભૂપૃષ્ઠ ત્યારે આટલું ઊંચું ન હતું : આ જળવિભાજક તો ક્રમે ક્રમે થયેલી કાંપપૂરણીથી ઊંચે આવેલો છે અને તેથી જ તો વહેણની દિશાઓ બદલાઈ છે.
સિંધુ નદીનું વખતોવખત એક કે બીજાં કારણોથી પશ્ચિમાયન થતું રહેલું છે. તેનો ત્યજી દેવાયેલો પટ, તેના ઉત્તર ભાગમાં ઘગ્ગર નદીનો ત્યજી દેવાયેલો શુષ્કભાગ તેમજ યમુના નદીનો ત્યજી દેવાયેલો પટ પણ જોવા મળે છે. ઘગ્ગર અને યમુનાના આ શુષ્ક પટ સંભવત: સરસ્વતીના પટ પણ હોઈ શકે ! એટલે એમ કહી શકાય કે સરસ્વતીના અસ્તિત્વ અંગે મતમતાંતર પ્રવર્તે છે.
આર્યોએ-ઋષિઓએ વેદોમાં જેનાં ભરપૂર ગુણગાન ગાયાં છે એ સરસ્વતી નદી ક્યાં, ક્યારે, કેમ લુપ્ત થઈ ગઈ ? વિજ્ઞાનના આ વિકસતા જતા યુગમાં શું આપણે એ માની લેવું કે દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ (27 નક્ષત્રો) પૈકી રોહિણી અતિસુંદર (વધુ પ્રકાશિત) હોઈ તેના પર મુગ્ધ બનેલા ચંદ્રને દક્ષે ક્ષય પામી જવાનો શાપ આપેલો, તેના પ્રતિભાવમાં દેવગણો સહિત ચંદ્રની વિનંતીથી પ્રસન્ન દક્ષે ચંદ્રને આંશિક શાપમુક્તિ આપતાં સૂચવેલું કે તે જો સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરે તો દર મહિને પંદર દિવસ માટે તેની કળાઓ વૃદ્ધિ પામતી જશે. ચંદ્રે પુણ્યસલિલા સરસ્વતીમાં સ્નાન તો કર્યું, પણ શાપિત ચંદ્રના સ્નાનથી દૂષિત સરસ્વતી અદૃદૃશ્ય (લુપ્ત) થઈ ગઈ. આ ખગોલિક ઘટનાને ઋષિઓએ લોકમાનસમાં કાયમ માટે છવાઈ રહે તે હેતુથી તેને ધાર્મિક કથાનું સ્વરૂપ આપીને વણી લીધેલી છે.
સરસ્વતી ખોજ અભિયાન : વીસમી સદીના ઉત્તરાર્ધની શરૂઆતથી ભારતના વૈજ્ઞાનિકોએ સરસ્વતી નદી શોધ પરિયોજના હેઠળ, ભગીરથના ગંગાવતરણની જેમ, સરસ્વતી નદી-ઉત્થાનનું સંશોધનકાર્ય ઉપાડ્યું છે. સરસ્વતી નદીના લુપ્ત થવા પાછળનો વૈજ્ઞાનિક અભિગમ રજૂ કરવાનો આ પ્રયાસ છે.
વેદકાલીન આ સરસ્વતી નદી આજે પણ હરિયાણાના કેટલાક ભાગોમાં શુષ્ક પટ હેઠળ અમુક ઊંડાઈએ જળસંચય રૂપે મળે છે. ભૂગર્ભજળશાસ્ત્રીઓ, ભૂસ્તરવિદો, પુરાતત્ત્વવિદો અને અવકાશ-વિજ્ઞાનીઓ આજે જેના જળપ્રવાહની ખોજ કરવા મથી રહ્યા છે, તે જળભંડાર જો ઓછાવત્તા પ્રમાણમાં પણ ઉપલબ્ધ થાય તો ભારતવર્ષની આર્ય/વૈદિક સંસ્કૃતિ જેને કાંઠે પાંગરી અને વિકસી તે સરસ્વતી નદીનો તાગ મળે. આ હેતુ સિદ્ધ કરવા માટે તો આજે સરસ્વતી નદી શોધ પરિયોજના કામ કરી રહી છે.
આજે જેને પ્રયાગ ખાતેના ત્રિવેણી સંગમ (ગંગા-જમના-સરસ્વતી) તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં તો માત્ર બે નદીઓ (ગંગા-જમના) જ નજરે પડે છે. કહે છે કે સરસ્વતી ત્યાં પ્રચ્છન્ન રૂપે વહે છે. એટલે અત્ર, તત્ર કે અન્યત્ર, ગમે ત્યાંથી તેને શોધી કાઢવાના સંનિષ્ઠ પ્રયાસો થવા લાગ્યા છે.
ચતુર્થ જીવયુગના પ્લાયસ્ટોસીન કાલખંડ (વ. પૂ. 10,000 વર્ષથી 18 લાખ ણ્ વર્ષ વચ્ચેનો કાળ) દરમિયાન પ્રવર્તેલા ચાર હિમયુગો પૈકીના છેલ્લા વિસ્કૉન્સિન હિમયુગની સમાપ્તિ પછી કોઈ વિશાળ હિમનદીના ગલનથી આ નદી ઉદ્ભવી હોય તેવો સંભવ છે. આજે તો તેનો બધો જ પટ શુષ્ક છે. આ શુષ્ક પ્રવાહપથ હેઠળથી પણ તે જે સ્વરૂપે મળે તે સ્વરૂપે પણ જો વૈજ્ઞાનિકો તેની ખોજ કરી આપી શકે તો ભારતની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના અંશને પામ્યાનો લહાવો લઈ શકાય !
પરંપરા મુજબ તો સરસ્વતીનું મૂળ હરિયાણાની શિવાલિક હારમાળાના ‘આદિબદ્રિ’ સ્થાનકને ગણવામાં આવેલું છે. સરસ્વતીના આ ઉદ્ગમસ્થાનની ધારણા એટલા માટે માન્ય રાખી શકાય એવી નથી કે શિવાલિકની ટેકરીઓ હિમક્ષેત્રવિહીન છે. હિમક્ષેત્ર હોય તો જ વિપુલ જળરાશિ ધરાવતી નદી સંભવી શકે. આ માટે હિમાલયમાં વધુ ઉત્તરમાં આવેલાં હિમક્ષેત્રો તરફ નજર નાખવી પડે. સરસ્વતી નદી તિબેટમાંના કૈલાસ પર્વતની પશ્ચિમે આવેલા કપાલતીર્થમાંથી નીકળતી હોવાની શક્યતા વધુ મજબૂત જણાય છે. સરસ્વતી પુરાણમાંના એક ઉલ્લેખ મુજબ આ નદી ત્યાંના પ્લક્ષ પ્રસ્રવણમાંથી શરૂ થતી હતી અને કેદારમાં આવતી હતી, ત્યાંની નરમ ભૂમિમાં તે શોષાઈ જવાથી અદૃદૃશ્ય બનતી હતી, પરંતુ બદ્રિનાથ નજીક ફરીથી તે બહાર આવતી હતી. અહીંથી વાયવ્યમાં આગળ વધીને તીર્થપુરી નજીક તેમજ તિબેટમાં આવેલા આજના ધુલિંગ મઠ (જેને આદિબદ્રિ કહે છે) ખાતેથી વહેતી હતી. આ હકીકત સ્પષ્ટ કરે છે કે સરસ્વતીનું ઉદ્ગમસ્થાન હરિયાણાની શિવાલિકના આદિબદ્રિને નહિ, પરંતુ ધુલિંગ મઠના આદિબદ્રિને ગણવું વધુ ઉચિત છે, કારણ કે અહીં હિમક્ષેત્રોનું અસ્તિત્વ છે. મહાભારતમાં, પુરાણોમાં અને ઋગ્વેદની ઋચાઓમાં તેને સિંધુ-ગંગા કરતાં પણ વિશેષ મહત્ત્વ અપાયું છે, તે માત્ર ઉત્તરના આદિબદ્રિ માટે જ યથાર્થ નીવડે છે.
છેલ્લાં 150 વર્ષથી ચાલતા સરસ્વતી-ખોજ અભિયાને વીસમી સદીના ઉત્તરાર્ધ કાળથી વધુ વેગ પકડ્યો છે. ઇતિહાસકારો અને પુરાતત્ત્વવિદો કહે છે કે આર્યો ઈરાનથી હિન્દુસ્તાનમાં જ્યારે પણ આવ્યા ત્યાર પછી જ તેમણે ઋગ્વેદની ઋચાઓ રચી હોવી જોઈએ. તેઓ એમ પણ ઉમેરે છે કે સરસ્વતીનો પ્રવાહ કદાચ ગાંધાર (અફઘાનિસ્તાન) અને ઈરાન સાથે સંકળાયેલો હતો, કારણ કે ત્યાં હરહવતી (હર:વતી) નામની નદી હતી !
ઋગ્વેદમાં સરસ્વતી નદીને અમ્બિતમે (શ્રેષ્ઠ માતા), નદીતમે (શ્રેષ્ઠ નદી) અને દેવીતમે (શ્રેષ્ઠ દેવી) તરીકે પૂજીને તેને અનેરું મહત્ત્વ અપાયેલું છે; એટલું જ નહિ, અન્ય શાસ્ત્રોમાં પણ તેનાં પુષ્કળ પ્રશસ્તિગાન ગવાયાં છે. આજથી આશરે 5,000 વર્ષ અગાઉના ગાળામાં આ નદીને કાંઠે આર્ય/હરપ્પા સંસ્કૃતિ પાંગરી અને વિકસી હતી. ભારત અને પાકિસ્તાનમાં આશરે 2,600 જેટલાં જે પુરાતત્ત્વીય સ્થળો મળી આવ્યાં છે તે પૈકીનાં 2,000 તો આ નદીકાંઠે હતાં. એટલે નદી-સંશોધનના પ્રયાસોમાં દૂરસંવેદન (remote sensing) અને અવકાશમાંથી લીધેલી ભૂમિતસવીરો(landsat imageries)નો ફાળો પણ નાનોસૂનો નથી ! ઉપગ્રહીય તસવીરોમાં આ નદીની કુલ લંબાઈ 2,560 કિમી. તથા સરેરાશ પહોળાઈ 6થી 8 કિમી. (અમુક સ્થળો માટે) હોવાનું નક્કી થયું છે. ઉપલબ્ધ આધારસામગ્રી અનુસાર, તેનો પ્રવાહપથ ઉત્તરાંચલના પશ્ચિમ ગઢવાલમાં નેતવાર (નેતવાડ) નજીકની હર-કી-દૂન હિમનદીમાંથી શરૂ થઈ, હિમાચલ પ્રદેશ (પોંતા સાહિબ), હરિયાણા (પૅહોના અથવા પૃથુદક્), પંજાબ (રાખીગઢી, ભટિંડા, લખમીરવાલા – આ ત્રણે સ્થળો હરપ્પા અને મોહેં-જો-દડો જેટલાં જ વિશાળ છે) અને રાજસ્થાન(કાલીબંગન, પીલીબંગન, હનુમાનગઢ, સિરસા અથવા સરસ્વતીનગર)માંથી, કચ્છના રણમાં, ધોળાવીરામાં, સુરકોટડા, રોજડી, નળસરોવરની આજુબાજુના વિસ્તારમાં થઈને લોથલ અને બીજી તરફ પ્રભાસપાટણમાં થઈને પસાર થતો જણાયો છે (આ બધાં સ્થળો ભલે એકરેખીય દિશામાં ન હોય ત્યાં નદીના ફાંટા ફંટાયા હોય). આ પૂર્વે નિર્દેશ્યું તેમ, આ પ્રવાહપથ પર પ્રાચીન સંસ્કૃતિના અવશેષો ધરાવતાં 2,000 જેટલાં પુરાતત્ત્વીય સ્થળો આવેલાં છે. ત્યાંથી સરસ્વતીના ભૂગર્ભજળના સ્રોત મળવાની સંભાવના ગણાય.
1844માં મેજર મેકિનસને દિલ્હી અને સિંધપ્રદેશને જોડવા માટે આઠ પથવાળો ધોરીમાર્ગ તૈયાર કરાવવાની કલ્પના સેવેલી. 1869માં ઍલક્સ રૉગ નામના પુરાતત્ત્વવિદે જણાવેલું કે ખંભાતના અખાતનો તળભાગ હિમાલયના ખડકોના ઘસારાદ્રવ્યથી બનેલો વિપુલ કાંપનિક્ષેપ ધરાવે છે; એટલો વિપુલ જથ્થો ત્યાં આજે ઠલવાતી સાબરમતી, મહી કે નર્મદા લાવી શકે નહિ. તેથી અર્થઘટન સ્પષ્ટ બને છે કે તે હિમાલયની જ કોઈ મોટી નદી હોવી જોઈએ, જે આ અખાતમાં ઠલવાતી હોય તે સરસ્વતી હોઈ શકે ! જો એ સરસ્વતી હોય તો આજે સિદ્ધપુર પાસેથી વહેતી કુંવારિકા સરસ્વતી (ગુર્જર સરસ્વતી); તેના ત્યજી દેવાયેલા પથ પરનો છેડાનો ફાંટો કે એક શેષભાગ હોય !
1893માં ભારતીય સર્વેક્ષણ ખાતા(GSI)ના ભૂસ્તરશાસ્ત્રી સી. એફ. ઓલ્ડહામે તેમના આ નદી-અભ્યાસના નિચોડ રૂપે જણાવેલું કે રાજસ્થાનના રણની ધારે ધારે જે સૂકો પટ મળી આવેલો છે તે સરસ્વતી નદીનો જ હોવો જોઈએ. આ જો શક્ય હોય તો આજનો સોમનાથ પાટણ (પ્રભાસ પાટણ) પાસેનો ત્રિવેણીસંગમ, જેમાં એક નદી (સરસ્વતી) પ્રચ્છન્ન રૂપે વહેતી હોવાની પરંપરાગત માન્યતા ચાલી આવે છે, તે આ સરસ્વતી નદીનો કોઈ એક ફાંટારૂપ અંતિમ છેડો પણ હોઈ શકે !
સરસ્વતી નદીના લુપ્ત થઈ જવામાં કે પછી ફંટાઈ જવામાં એક અન્ય પુરાવો પણ રજૂ થયેલ છે : દિલ્હી નજીક પૂરી થતી અરવલ્લી પર્વતમાળાની રેખીય વિસ્તરણ દિશામાં દિલ્હીથી હરદ્વાર વચ્ચે નદીકાંપ હેઠળ દટાઈ (દબાઈ) ગયેલી ડુંગરધારો (submerged ridges) રહેલી હોવાનું સર્વેક્ષણ દ્વારા નક્કી થયેલું છે; કાંપ દ્વારા થયેલી ભૂમિપૂરણીની આ હકીકત સરસ્વતી નદીને પણ લાગુ પાડી શકાય તેમ છે.
મોહેં-જો-દડો અને હરપ્પા ખાતેનાં, વીસમી સદીની શરૂઆતમાં કરાયેલાં, સર મૉર્ટિમર વ્હીલરનાં ઉત્ખનનકાર્યોના અભ્યાસે પુરાતત્ત્વીય ખ્યાલોમાં આમૂલ પરિવર્તન લાવી મૂકેલું. તેમણે જણાવેલું કે પ્રાચીન વસાહતોમાં જે ખંડિયેરો અને અવશેષો મળી આવેલાં તે આર્ય સંસ્કૃતિ અગાઉની વસાહતો હતી. ઋગ્વેદના આર્યો અહીં ઇન્દ્ર(પુરંદર)ની દોરવણી હેઠળ આવેલા; તેમણે દ્રવિડોની તત્કાલીન વસાહતોનો નાશ કરી તેમને અહીંથી હાંકી કાઢેલા. એટલે વેદકાળ અગાઉ પણ અહીં કોઈ સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવતી હતી એવી સંભાવનાઓ પણ રજૂ થયેલી છે. સર ઑરેલ સ્ટાઇને સર્વેક્ષણ કરીને બતાવેલું કે રેશમના વેપાર માટેનો મધ્ય એશિયાઈ માર્ગ અહીંથી પસાર થતો હતો. અંતિમ હરપ્પા કાળના લોકોએ એમની વસાહતો અહીં એમ સમજીને સ્થાપેલી કે તેમને સ્થળાંતર નહિ કરવું પડે, એટલે કે તે વખતે પણ અહીં શુષ્ક નદીપટ હતો, એમને કદાચ એવો ભય સતાવતો હશે કે નદી પુનર્જીવિત થાય તો તેના પહોળા પટને કારણે તેમજ પૂરને કારણે ફરીથી સ્થળાંતર કરવું પડે.
1964માં રૉબર્ટ્સ રાઇક્સે કરેલો આ સ્થળોનો અભ્યાસ સૂચવે છે કે અહીંની વસાહતો સંભવત: ભૂકંપ જેવી ભૂસંચલનજન્ય હોનારતને કારણે નાશ પામી હશે ! કદાચ ભૂમિ-ઉત્થાન થયું હોય તો નદી ફંટાઈ ગઈ હોય, તેથી તેનો ત્યજાયેલો શુષ્ક નદીપટ રહી ગયો હોય ! ભૂસંચલનજન્ય ફેરફારોએ આ નદીને શુષ્ક બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો હોય તો તે ઘટનાને સ્વીકારવી રહી. 1819ના ભૂકંપથી કચ્છ-સિંધ સરહદે અલ્લાહ બંધ રચાઈ શકે, ત્યાંનું એક બંદર દટાઈ જઈ શકે, તો નદી પણ ફંટાઈ જઈ શકે. સિંધુનું પશ્ચિમાયન તેનું સ્પષ્ટ ઉદાહરણ છે.
આ પ્રકારની શક્યતા માટે ભૂસ્તરીય પુરાવો પણ રજૂ થયેલ છે. અરવલ્લી હારમાળાની લગોલગ, પશ્ચિમ તરફ, સિદ્ધપુરથી દિલ્હી સુધી ઉત્તરી-ઈશાન (NNE) દિશામાં વિસ્તરેલો રેખીય વલણવાળો ‘લૂણી-સુકરી’ સ્તરભંગ (fault) અસ્તિત્વ ધરાવે છે. વાયવ્ય ભારતના સમગ્ર વિસ્તાર માટે આ સ્તરભંગનું ઘણું મહત્ત્વ છે. આ સ્તરભંગ સિંધુ-સરસ્વતીને સમાંતર ચાલ્યો જાય છે. સંભવ છે કે ભૂતકાળમાં આંતરભૂતકતી સંચલનથી ભૂકંપ ઉદ્ભવ્યો હોય ! પરિણામે ભૂકંપની અસરથી કેટલોક ભાગ ભૂપૃષ્ઠમાં ગરક થઈ ગયો હોય. કચ્છ અને હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાંચલ ભૂકંપને પાત્ર વિસ્તારો છે; જ્યારે પણ ભૂકંપ થાય ત્યારે સપાટીજળ કે ભૂગર્ભજળમાં જાતજાતના ફેરફારો થઈ શકે.
1969માં જર્મન ભૂસ્તરશાસ્ત્રી હર્બર્ટ વિલ્હેલ્મીએ વાયવ્ય ભારતની નદી-જળપરિવાહ રચના(drainage system)નું સર્વેક્ષણ કરીને અર્થઘટન કરેલું કે અહીં જ્યારે સરસ્વતી નદી વહેતી હતી ત્યારે સતલજ અને યમુનાનાં જળ તેને મળી રહેતાં હતાં; પરંતુ ત્યારપછીના સમયગાળા દરમિયાન ભૂમિ-ઉત્થાન કે ભૂમિપૂરણી થવાથી યમુનાનું વહેણ વિપરીત બન્યું સરિતાહરણ (river capture) થયું, તે પૂર્વ તરફ ફંટાતી જઈને ગંગામાં ભળી ગઈ, સતલજ સાથે થતો યમુનાનો સંગમ આ રીતે ફંટાયો, તેને જળ મળવાં બંધ થયાં. આ જ રીતે, સરસ્વતી પણ શુષ્ક પટમાં ફેરવાઈ ગઈ હોય તે પૂરેપૂરું શક્ય છે.
આવી બધી બાબતોને ચકાસવા અને સંશોધન કરવા ભારતના પુરાતત્ત્વવિદ્ ડૉ. જગત્પતિ જોષી, ડૉ. રિખવદાસ ડી. બેનરજી અને ડૉ. મધુસુનિકે પશ્ચિમ તરફ આવેલાં ભારતનાં લગભગ બધાં જ અંતિમ હરપ્પાકાળનાં સ્થળોની, વિશેષે કરીને શુષ્ક નદીપટનાં સ્થળોની, સફર ખેડી છે. 1980માં ડૉ. યશપાલે આદિબદ્રિથી હરિયાણા સુધીનો, ત્યાંથી રાજસ્થાનના કાલીબંગન અને છેક હરપ્પા સ્થળો સુધીનો સરસ્વતી નદીનો પ્રવાહપથ ઓળખી બતાવ્યો છે. ડૉ. બી. બી. લાલે તે જ સ્થળો પર ફરીને ભૂકંપ થયાનાં ચિહ્નો પણ બતાવ્યાં છે…… આ બધી બાબતો, પુરાવા અને ચિહ્નો સ્પષ્ટપણે સૂચવે છે કે સરસ્વતી નદી ત્યાંથી ખસી ગઈ હોવા કરતાં શોષાઈ ગઈ હોવી જોઈએ. ડૉ. યશપાલે યુ. એસ.માંથી મેળવેલી ઉપગ્રહીય ભૂમિ-તસવીરો હરિયાણામાં પ્રાચીન નદીપટ હતો તેનો સ્પષ્ટ સંકેત આપે છે. તેઓ કહે છે કે સરસ્વતી નદી વાયવ્ય ભારતમાં થઈને વહેતી હતી.
1985માં વિષ્ણુ વાકણકરે ભોપાલમાં પુરાપાષાણયુગની ગુફાઓનું ઉત્ખનન કરાવેલું. તે જ અરસામાં તેમણે 35 જેટલા વૈજ્ઞાનિકોની ટુકડી સાથે હરિયાણાના આદિબદ્રિથી ગુજરાતના સોમનાથ સુધીનું અભિયાન પણ કરેલું. લગભગ આ જ માર્ગે મહાભારતના યુદ્ધના સમયગાળા દરમિયાન, યુદ્ધમાં ભાગ ન લેવા માટે બલરામે દ્વારકાથી સોમનાથ અને મથુરાને માર્ગે યમુનાને કાંઠે તેમજ સરસ્વતીને કાંઠે યાત્રા કરેલી. આ યાત્રાનું વર્ણન મહાભારતના શલ્યપર્વમાં 200 શ્લોકોમાં કરાયેલું છે. તેમાં બલરામ નદીકાંઠા પરનાં આશ્રમસ્થળોની મુલાકાત લે છે, ભારતીય પરંપરાનાં ગુણગાન ગાય છે, તેમજ પ્રાચીન ઋષિઓને અંજલિ આપે છે ત્યારે પણ સરસ્વતીનો પટ શુષ્ક જોઈને બલરામ ખિન્નતા અનુભવે છે. અન્ય યાત્રાસ્થળોની સાથે સાથે તેઓ સરસ્વતીના મૂળ ઉદ્ભવસ્થળ પ્લક્ષ પ્રસ્રવણ સુધી પણ જાય છે. મહાભારતના આ ઉલ્લેખ પરથી એમ કહી શકાય કે સરસ્વતી નદીની અદૃદૃશ્ય થવાની ઘટના મહાભારત કાળ અગાઉની છે.
વાકણકરના મિત્ર મોરોપંત પિંગલની વિનંતી મુજબ, 1984માં જોધપુર ખાતે સરસ્વતી શોધ પ્રતિષ્ઠાનની સ્થાપના કરવામાં આવેલી છે. ઇસરો તરફથી નદીના પ્રાચીન પ્રવાહપથની ઉપગ્રહીય તસવીરો લેવામાં આવેલી છે. સરસ્વતી-પરિયોજનાનું કાર્ય આ રીતે શરૂ થયું છે. 1998માં અવકાશી તથા અણુવૈજ્ઞાનિકોના સહયોગથી મધ્યસ્થ ભૂગર્ભજળ પંચ તેના બહુવિષય-અભ્યાસ (multi-disciplinary study) માટે કાર્યરત બન્યું છે. લુપ્ત બનેલી સરસ્વતીને ફરીથી વહેતી કરવાનો પ્રયાસ આદરવા તેમજ હિમાલયની અને દ્વીપકલ્પની નદીઓને સાંકળવા ભારત સરકારે આયોજન શરૂ કર્યું છે. આ માટેના પ્રાદેશિક એકમો હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં શરૂ કરાયા છે. પંચના ઇજનેરોની રાહબરી હેઠળ નદીના શુષ્ક પટમાં 24 કૂવા ખોદાયા છે, ઇસરોએ તેનું નિરીક્ષણ કર્યું છે અને 23 કૂવાઓમાં પીવાલાયક પાણી મળ્યું છે. ભૂપૃષ્ઠ પર સરસ્વતી નદી ક્યારેક વહેતી હતી એ હકીકતને પ્રસ્થાપિત કરવા અણુવૈજ્ઞાનિકોએ એ જ સમયગાળામાં ટ્રિટિયમ(હાઇડ્રોજનનો સમસ્થાનિક)નું પૃથક્કરણ કર્યું છે. 1998ના મેની 11મી તારીખે રાજસ્થાનના પોખરણ ખાતે જે અણુઅખતરો કરવામાં આવેલો, તેના સંબંધમાં ભાભા અણુ સંશોધન કેન્દ્ર(BARC)ના સમસ્થાનિક (isotope) વિભાગની પ્રયોગશાળામાં, તે વિસ્તારના ઊંડા કૂવાઓમાંથી મેળવેલા 800 જેટલા જળનમૂનાઓની તપાસ કરવામાં આવેલી. તેના નિયામક ડૉ. એસ. એમ. રાવે અને ડૉ. કુલકર્ણીએ ભૂગર્ભજળ-સંચયસ્થાનો(aquifers)માં એકત્રિત થયેલા જળનમૂનાઓમાં કિરણોત્સારી દ્રવ્ય પ્રવેશ્યું છે કે કેમ તેની પણ ખાતરી કરી જોયેલી. પ્રદૂષણ તો જણાયું નહિ, પરંતુ અજાયબીભરી બાબત એ જાણવા મળી કે આ જળનમૂના હિમાલયની ઉપરવાસની હિમનદીઓમાંથી ઓગળેલા પાણીના હતા અને તેમનું વય વર્તમાન પૂર્વે 8,000થી 14,000 વર્ષ અગાઉનું હતું ! સરસ્વતી શોધ પરિયોજના હેઠળ રાજસ્થાનની સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર ઑથોરિટીએ ઇસરો, ભાભા અણુસંશોધન કેન્દ્ર તથા સિંચાઈ વિભાગના સહયોગથી 1998-2000નાં વર્ષો દરમિયાન સંશોધનનું જે કામ કર્યું છે તેનાં પરિણામો પ્રોત્સાહનજનક રહ્યાં છે. નદીવિસ્તારની ભૂમિ હેઠળથી માત્ર 36થી 60 મીટરની ઊંડાઈએ વહેતા પ્રાચીન પ્રવાહમાંથી પીવાલાયક પાણી મળ્યાં છે.
દૂર સંવેદન અને પુરાતત્ત્વીય અભ્યાસનાં તારણો દર્શાવે છે કે સરસ્વતી નદીનું મૂળ સતલજ નદીના મૂળ નજીક હતું અને તે સિંધુ-સતલજના અગ્નિભાગમાં થઈને ભાવલપુર (પાકિસ્તાન), ઉત્તર રાજસ્થાન અને સિંધમાં થઈને આગળ જતી હતી. રાજસ્થાનના કિશનગઢ-તાનોટ-ટોંગેવાલા વિસ્તારોના પ્રાચીન પટમાં કરાયેલાં ભૂભૌતિક સર્વેક્ષણો પૈકી 17માંથી 5 સ્થળોમાં પાણી રહેલું હોવાનું જાણવા મળ્યું છે. અહીં 136 મીટર ઊંડાઈના જે શારકૂવા તૈયાર કરાવેલા, તેમાં જુદા જુદા કૂવાઓમાંથી દર મિનિટે 60થી 1000 લિટર પાણી મળતું હતું. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ(CGWB)ના ભૂતપૂર્વ નિયામક ડૉ. કે. એસ. શ્રીનિવાસને ભૂગર્ભજળનાં આ સંચયસ્થાનો(જેને તેઓ ભૂગર્ભજળ અભયારણ્ય કહે છે)નો ઉપયોગ કરીને રાજસ્થાન હેઠળના સરસ્વતી જળસંચયમાંથી 10 લાખ નળકૂપ (ટ્યૂબવેલ) નિર્માણ કરવાની શક્યતા બતાવી છે.
ભારતના પુરાતત્ત્વ સર્વેક્ષણના ઉત્ખનન નિયામક ડૉ. બિશ્ત જણાવે છે કે સરસ્વતી નદી ભૂકંપ જેવી ભૂસંચલનજન્ય ઘટનાની અસર હેઠળ આવીને નામશેષ થઈ ગઈ એવું નથી; જ્યારે પણ તે વહેતી હતી ત્યારે તેનો પ્રવાહ સપાટીજળથી ભરાતો રહેતો હતો. ઈ. પૂ. 2000થી 1800ના સમયગાળા દરમિયાન પૃથ્વીના મોટાભાગના વિસ્તારોમાં શુષ્કતા પ્રવર્તી રહેલી; તેથી જે જે નદીઓ ઓછા જળપ્રવાહવાળી રહેતી હતી તે શુષ્ક બની ગયેલી. સંભવત: આ સમયગાળો વેદોના વિકાસનો હતો; ત્યારે બારવર્ષીય મહાદુકાળ પ્રવર્તેલો. વાણી અને પાણી બંનેની સરસ્વતી દેવીઓ રૂઠી હતી. ઋષિઓ તેમનાં જીવન ટકાવવાના સંઘર્ષમાં પડ્યા હતા. ડૉ. બિશ્ત પોતે સ્પષ્ટપણે એમ માને છે કે ત્યારે સરસ્વતી નદી છૂટાં સરોવરોની નદી બની રહેલી. દુકાળનાં વર્ષો વીત્યાં પછી વરસાદ વરસવો શરૂ થયો ત્યારબાદ પણ નદીના વળાંકોમાં તૈયાર થયેલાં નાળાકાર સરોવરો (oxbow lakes) જ ભરાતાં, વધુ ભરાય તો છૂટાં જળાશયો એક બની તેમાંથી વહેતા જળનું નદીસ્વરૂપ બનતું. ત્યારે આવાં સરોવરોને કાંઠે પવિત્ર તીર્થો ઊભાં થયેલાં.
સરસ્વતી નદીનાં ગુણગાન ગાતી ઋગ્વેદની ઋચાઓ કહે છે કે તે સિંધુ-ગંગાની જેમ એક વિશાળ નદી હતી. ભારતીય ભૂસ્તરશાસ્ત્રના ભૂતપૂર્વ નિયામક વી. એમ. કે. પુરી જણાવે છે કે ગઢવાલ હિમાલયના નેતવાર વિસ્તારમાંની બંદરપૂંચ હિમનદીમાંથી સરસ્વતી નદીને જળ મળી રહેતાં હતાં; તેઓ ઉમેરે છે કે ‘હિમાચલ પ્રદેશમાંના પોંતા (પાવન્તા) સાહિબ સુધીની ટોન્સ (તમસા) નદીનું આજનું થાળું ત્યારે સરસ્વતીનું થાળું હતું. તે ત્યારે યમુના નદીમાંથી તેના પૂર્વીય કાંઠા પર જળ મેળવતી હતી, ત્યાંથી પશ્ચિમ તરફ તે પંજાબમાં ફંટાતી હતી.’ પુરી તેમજ અન્ય સમર્થકો કહે છે કે આજનો ઘગ્ગર નદીનો મેદાની પ્રદેશ સરસ્વતી નદીનું જ થાળું હતું. 14,000 વર્ષ જૂનો, હિમાલયનાં નદીનાળાં દ્વારા એકઠો થયેલો, ઘગ્ગરનાં મેદાનોનો નદીજન્ય કાંપ, સરસ્વતી નદી હિમાલયમાંથી નીકળીને આવતી હોવાનો પુરાવો પૂરો પાડે છે. તેઓ કહે છે કે ઈ. પૂ. 2450ના અરસામાં અહીં થયેલા ભૂકંપથી ભૂપૃષ્ઠમાં ફેરફાર આવેલો, કેટલીક નદીઓએ નવા માર્ગો પણ કોરી કાઢેલા. સરસ્વતી નદી પણ આ અસરમાંથી મુક્ત રહી શકી નહિ હોય.
મહાભારત અને પુરાણોમાં સતલજ નદીને શતદ્રુ તરીકે જ્યારે ઋગ્વેદમાં તેને શતુદ્રિ તરીકે ઓળખાવેલી છે. શતદ્રુ ત્યારે સરસ્વતીની સહાયક નદી હતી, તે સરસ્વતીને પંજાબના શત્રાણ નામના સ્થળે મળતી હતી. ઉપગ્રહીય તસવીરોમાં શત્રાણ પાસે સરસ્વતીનો પટ અંદાજે 20 કિમી. જેટલો પહોળો હોવાનું જણાય છે. ત્યારે આ જ સ્થળે યમુના નદી પણ તેને મળતી હતી. ભૂસ્તરશાસ્ત્રીઓએ પ્રસ્થાપિત કર્યું છે કે હિમાચલ પ્રદેશના પોંતા સાહિબ નામના સ્થળે યમુના નદીએ નાટ્યાત્મક રીતે વળાંક બદલેલો; તેમાં તેની સહાયક નદીઓ ગિરિ અને તમસા(ટોન્સ)નું યમુનાએ સ્રોતહરણ કરેલું. પરિણામે પુષ્કળ જળભરાવો થવાથી યમુના વ્યસ્ત (ઊલટી) બનતી ગયેલી, અર્થાત્ ગંગા દ્વારા યમુનાનું સ્રોતહરણ થયેલું. શક્ય છે કે આ રીતે સરસ્વતી નદી જળ ન મળવાથી શુષ્ક બની હોય ! સરસ્વતી યમુના બની ગઈ એમ કહેવું હોય તો કહી શકાય. પ્રયાગ ખાતે ગંગા-જમના-સરસ્વતીનો સંગમ થતો હોવાનું ગણાય છે, તેને આ રીતે પ્રચ્છન્ન હોવાનું ઘટાવી શકાય. આ ઘટના સંભવત: મહાભારતના સમય અગાઉની હોવી જોઈએ. આ પુરાવો ભૂસ્તરીય અને હિમનદીશાસ્ત્ર (glaciology) આધારિત હોવાથી તે સબળ છે અને સરસ્વતીના અસ્તિત્વ તરફ દોરી જાય છે.
આજના શુષ્ક નદીપટની આજુબાજુના વિશાળ વિસ્તારમાં હિમાલયના ઉપરવાસના ખડક-ટુકડા, સીડીદાર પ્રદેશો તથા ગુરુગોળાશ્મો પથરાયેલા નજરે પડે છે. આ બાબત પુરીનાં કથનોને સમર્થન આપે છે કે સરસ્વતી નદી એક બારમાસીજળભરપૂર નદી હતી અને હિમાલયમાંની બંદરપૂંચ હિમનદી સાથે સંકળાયેલી હતી. ડૉ. બલદેવ સહાયના મંતવ્ય મુજબ, સરસ્વતી નદી ઈ. પૂ. 2500થી 1900ના વચગાળે, ક્યારેક, તેના થાળામાં, ભૂપૃષ્ઠમાં થયેલા ફેરફારોને કારણે શુષ્કતામાં પરિણમેલી. તે જરૂર હિમનદી સાથે સંકળાયેલી હતી. તેના હેઠવાસના થાળાને કાંઠે હરપ્પન સંસ્કૃતિ પાંગરી અને વિકસી હતી.
ડૉ. કલ્યાણરામન્ પણ આ હકીકતમાં સૂર પુરાવે છે. તેઓ ઉમેરે છે કે બાનવાલી, કાલીબંગન, રુપર, રાખીગઢી અને ધોળાવીરા જેવાં આજપર્યંત શોધાયેલાં, નહિ નહિ તો, 2,000થી 2,600 જેટલાં હરપ્પન સ્થળો સરસ્વતીના શુષ્ક નદીપટને કાંઠે વિકસ્યાં હતાં. આ મંતવ્યોને કારણે હવે ઘણા ઇતિહાસવિદો અને પુરાતત્ત્વવિદો ‘સિંધુ-ખીણ સંસ્કૃતિ’ નામની જગાએ ‘સિંધુ-સરસ્વતી ખીણ સંસ્કૃતિ’ નામ સૂચવતા થયા છે.
આ અંગેના અમેરિકી પ્રોત્સાહક ડેવિડ ફ્રૉલી એક એવી દલીલ કરતા રહ્યા છે કે હરપ્પન લોકો જ આર્યો હતા. તેમણે જ સિંધુ અને સરસ્વતીને કાંઠે વસીને ઋગ્વેદની ઋચાઓ રચેલી; કારણ કે તે ઋચાઓમાં બંને નદીઓનાં પ્રશસ્તિગાનો જોવા મળે છે. આ બાબતમાં ફ્રૉલીનો મૂળ મુદ્દો તદ્દન સરળ છે : આ વૈદિક આર્યો આટલી બધી સુધરેલી સંસ્કૃતિના ધારકો કેવી રીતે બન્યા ? તેમણે મોટાં નગરોનું નિર્માણ કેમ ન કર્યું ? હરપ્પન લોકો જો આર્યોથી જુદા હતા તો તેઓ ક્યાંથી આવ્યા ? તેમણે ઈંટો બનાવવાની ચોકસાઈવાળી પદ્ધતિ કેવી રીતે વિકસાવી ? ટૂંકમાં, ફ્રૉલીના કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આર્યો અને હરપ્પનો જુદા ન હતા, એક જ હતા; અર્થાત્, મોહેં-જો-દડોના અને ઋગ્વેદના રચયિતા એક જ હતા, એક જ સંસ્કૃતિના ધારકો હતા.
દિલ્હી યુનિવર્સિટીના પ્રો. કે. એમ. શ્રીમાળી પ્રશ્નો ઉઠાવે છે કે ઉપગ્રહીય તસવીરો દ્વારા આ નદીનો જૂનો પ્રવાહપથ જો ઓળખી શકાયો તો પછી તેનું વયનિર્ધારણ કેમ ન કર્યું ? શા માટે બાકી રાખ્યું ? હરપ્પન સંસ્કૃતિને સરસ્વતી સંસ્કૃતિ જેવું નામ કેમ અપાતું નથી ? તેને હિન્દુ સંસ્કૃતિ, બ્રાહ્મણ સંસ્કૃતિ કે આર્ય સંસ્કૃતિ જેવાં નામ પણ આપી શકાયાં હોત !
હરિયાણામાં આવેલાં બંધનાં નાનાં સ્થળોને સરસ્વતી નદીનાં છૂટાં જળાશયો સાથે સાંકળીને તેના કાંઠા પરનાં થાણેશ્વર, વસિષ્ઠ આશ્રમ, પેહુઆ, કપાલમોચન અને કુરુક્ષેત્ર નજીકના બ્રહ્મસરોવર જેવાં આજનાં ધાર્મિક સ્થળોનું મહત્ત્વ પ્રવાસનક્ષેત્રે વધારી શકાય. ડૉ. બિશ્ત આ પરિયોજના સાથે સંકળાયેલા છે. તેમણે ધોળાવીરા ખાતે ઉત્ખનનનું ઘણું કામ કર્યું છે. તેઓ કહે છે કે આજે અસ્તિત્વ ધરાવતાં સરસ્વતી જળાશયો ધારો કે કાંપપૂરણીથી ભરાઈ જાય કે તદ્દન છીછરાં બની જાય તોપણ ત્યાંનાં અધોભૂમિજળ પંપ દ્વારા બહાર કાઢી શકાય તેમ છે, આ અધોભૂમિજળથી સપાટી પરનાં જળાશયોને ભરી શકાશે.
ડૉ. કલ્યાણરામન કહે છે કે જેસલમેર હેઠળની ભૂમિમાં રહેલાં સરસ્વતીજળ સપાટી પર વહી જતાં વર્ષાજળથી પોષાતાં રહ્યાં છે. આ માટે હવે એક નવી જળવ્યવસ્થા-નીતિ ઘડી કાઢવાની જરૂર છે. શક્ય છે કે હરિયાણામાંથી સરસ્વતીનાં જળ લઈને રાજસ્થાનની ઇન્દિરા ગાંધી નહેરને પૂરાં પડાય. આ નહેર આજે તો રાજસ્થાનના મોટાભાગના વિસ્તારને સિંચાઈની સુવિધા પૂરી પાડે છે, પરંતુ પછીથી તેને મોહનગઢથી બાડમેરના રાજડા રોડ સુધી અને શક્ય હોય તો ગુજરાત સુધી પણ લઈ જઈ શકાય. તેઓ તો એટલે સુધી કહે છે કે નર્મદા નહેરને વિસ્તારી શકાઈ છે તો એ જ રીતે ઇન્દિરા ગાંધી નહેરને પણ સાબરમતી સુધી લઈ જઈ શકાશે. તે માટે શારદા નહેરનાં જળને આ નહેરમાં પહોંચાડવાં પડે. એ જ રીતે ગંગાજળમાં બ્રહ્મપુત્ર નદીનાં જળ પણ નાખી શકાય. ટૂંકમાં, પૂર્વની નદીરચનાને પશ્ચિમની નદીરચના સાથે સાંકળવાની યોજના વિચારી શકાય. આથી પણ આગળ વધીને ડૉ. કલ્યાણરામન્ કહે છે કે હિમસ્રોતવિહીન આદિબદ્રિના સ્થળને હિમાલયની હિમનદીઓનાં જળ સાથે સાંકળી લેવામાં આવે તો શું સરસ્વતીને બારમાસી નદી ન બનાવી શકાય ? પરંતુ આ માટે હિમનદીઓનો પૂરતો અભ્યાસ કરવો પડે.
સારણી
વેદકાળ | મહાકાવ્યોનો | પુરાણકાળ | પશ્ર્ચાત્ બૌદ્ધ | |
સમય | (10,000થી
8000 વ.પૂ.) |
કાળ (8000થી
5000 વ.પૂ.) |
(5000થી
2500 વ.પૂ.) |
કાળ (2500
0 વ.પૂ.) |
નામ | સરસ્વતી | સરસ્વતી-
ઈક્ષવતી |
સરસ્વતી-
માર્કંડ |
સરસ્વતી-
હાકરા |
સ્રોત | મધ્ય હિમાલય
(બંદરપૂંચ નજીક) |
મધ્ય હિમાલય
(બંદરપૂંચ નજીક) |
શિવાલિક
(આદિબદ્રિ નજીક) |
શિવાલિક |
નદીપટ-
પ્રકાર ક્યારેક |
આંતરગુંફિત
|
સર્પાકાર
|
મુદતી સર્પા-
કાર વહન, જે ક્યારેક સરોવરોમાં ફેરવાતું હતું
|
નદીપટ
ક્યારેક શુષ્ક પટમાં ફેરવાઈ જતો
|
જળ- | સતત વેગવાળો | મધ્યમથી આછો | મધ્યવાસ અને | પૂરનાં મેદાનો |
વહન-
પ્રકાર |
વેગ, સતતથી
મધ્યમ પ્રમાણમાં અવરોધાતું રહેતું વહન |
હેઠવાસમાં
પૂર્ણપણે અવરોધાતું રહેતું વહન |
પહોળાં, પરંતુ
શુષ્ક, જ્યાં ક્યારેક ખેતી પણ થતી. |
|
મુખ્ય
સહાયક નદીઓ |
શતદ્રુ, શદ્વતી | શતુદ્રિશદ્વતી
જે પછીથી છૂટી પડી ગયેલી |
સંપર્ક ગુમાવ્યો | પ્રાચીન નદી-
પટ હોવાનો પુરાવો રજૂ કરે છે. |
સહાયક
નદીઓનો ફાળો |
જળફાળો
મહત્ત્વનો |
જળફાળો મધ્યમ | ||
અન્ય
સહાયક નદીઓ |
રાવી, ચિનાબ,
જેલમ અને સિંધુ જે સરસ્વતી નદીસંકુલના ભાગરૂપ રહેલી. |
સંપર્ક ગુમાવ્યો | ||
પટ
અદૃદૃશ્ય થવાની સ્થિતિ |
અદૃદૃશ્ય | સર્વપ્રથમ રાજ-
સ્થાનના રણમાં દેખાય છે. ધાર્મિક પ્રવૃત્તિ- ઓનું કેન્દ્ર બની રહે છે. |
આછું વહન;
અદૃદૃશ્ય થતી જાય છે. |
|
ત્રિકોણ-
પ્રદેશ અને તેના ફાંટા |
કચ્છનું રણ (?)
હરિણી, કપિલા, વજ્રિણી, ન્યૂન્ક, સરસ્વતી |
કચ્છનું રણ (?) | ||
માનવ-
સમાજ સાથેનો સંપર્ક |
ધાર્મિક અને
સામાજિક પ્રવૃત્તિઓ-ક્રિયાઓ માટેનું મુખ્ય કેન્દ્ર |
પ્રેરણા અને
પૂજાનું સ્થળ |
પૂજા અને
ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર |
સંપૂર્ણપણે
અદૃદૃશ્ય |
ઉત્તર અમેરિકા અને યુરોપની કેટલીક યુનિવર્સિટીઓમાં છેલ્લા દસકા દરમિયાન હિમનદીશાસ્ત્ર (glaciology) શાખાના અભ્યાસક્રમો શીખવતાં અનુસ્નાતક કેન્દ્રો શરૂ કરાયાં છે. દુનિયાભરમાં રહેલા સ્વચ્છ જળજથ્થાઓ પૈકીનું 65 %થી 70 % જળ હિમનદીઓમાં રહેલું છે. તેનો યથોચિત ઉપયોગ માનવસમાજ માટે થાય એ ઇચ્છનીય છે. એકલા હિમાલયમાં જ 1500થી વધુ હિમનદીઓ આવેલી છે. ગંગા નદી ગંગોત્રી હિમનદીમાંથી તથા સિંધુ, સતલજ, ગોમતી અને બ્રહ્મપુત્ર જેવી નદીઓ વિરાટકાય માનસરોવર હિમનદીમાંથી નીકળે છે. આ હેતુ અંગે વિચારી જોવા તેમણે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીને સિમલા ખાતે હિમનદીશાસ્ત્ર વિભાગ (glaciology dept.) ઊભો કરવા સૂચવ્યું છે.
ભારત સરકારે ઇન્દિરા નહેર યોજના(રાજસ્થાન નહેર યોજના)નો પ્રકલ્પ હાથ પર લીધેલો છે. તેમાં સતલજ નદી પરના ભાકરા-નાંગલ બંધમાંથી 650 કિમી. લંબાઈની નહેરનું કામ પૂરું કર્યું છે. આ નહેર દ્વારા સતલજ મારફતે આવતું હિમાલયની હિમનદીઓનું તાજું સ્વચ્છ પાણી જેસલમેર સુધી પહોંચાડવાનું આયોજન છે.
મ. સ. યુનિવર્સિટીના ડૉ. મેઢ અને ડૉ. પટેલ જેવા નિષ્ણાત ભૂસ્તરવિદોએ જેસલમેર પછીની નદીરચનામાં પ્રાચીન શુષ્ક પટ ઓળખી બતાવ્યા છે, તેથી ઇન્દિરા ગાંધી નહેરને બીજા 250 કિમી. જેટલા અંતર માટે વિસ્તારી શકાશે, પરિણામે સતલજનાં પાણી કચ્છના રણમાં થઈને ગુજરાત સુધી પણ લઈ જઈ શકાશે !
પાકિસ્તાનમાં વહી જતું સતલજનું વધારાનું પાણી (30 % જેટલું) જો આ શુષ્ક પ્રવાહપથમાં વહેવડાવાય તો સરસ્વતી જરૂર પુનર્જીવિત થાય ! આ માટે કેન્દ્ર સરકાર લદ્દાખમાં સિંધુદર્શનનો ઉત્સવ યોજે, ઊજવે, સિંધુના જળનું જો વ્યવસ્થિત વિભાજન થાય તો મોહેં-જો-દડો તેમજ હરપ્પાનાં સ્થળોને પણ પાણી પૂરું પાડી શકાય ! આ રીતે પુણ્યસલિલા પ્રાચીન સરસ્વતી જરૂર પુનર્જન્મ પામી શકે !
રાજસ્થાનના સરસ્વતી શોધ પરિયોજનાના એકમ ખાતેનાં સંશોધનોમાંથી એક લાભપ્રદ તેમજ આવકાર્ય બાબત એ ઊભરી આવી છે કે જ્યાં જ્યાં પ્રાચીન પટ મળે, જ્યાં જ્યાં ભૂસંચલનજન્ય સ્તરભંગરેખા જણાય તથા જ્યાં જ્યાં સરસ્વતી-સંસ્કૃતિનું પુરાતત્ત્વીય સ્થળ મળે ત્યાં ત્યાં ભૂગર્ભજળજથ્થાની ઉપલબ્ધિ હોવાનું સમજવું. ભારતના વૈજ્ઞાનિકો અને ઇજનેરોની આ એક સિદ્ધિ ગણાય ! ગુજરાતમાં સરસ્વતી-સંસ્કૃતિનાં 500 જેટલાં પુરાતત્ત્વીય સ્થળોના નકશા બનાવાયા છે, તેમાં પ્રાચીન નદી-પટ અને સ્તરભંગ-રેખાઓ પારખી શકાયાં છે. આ નકશાઓ પરથી કચ્છના રણમાં તેમજ અન્યત્ર અનુકૂળ વિસ્તારોમાં નળકૂપ (ટ્યૂબવેલ) બનાવવાની યોજના ઊભી કરી શકાય તેમ છે.
બારમી સદીમાં કોઈ એક જૈન મુનિ દ્વારા સરસ્વતી-પુરાણ લખાયેલું. ભાંડારકર ઑરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં તેની હસ્તપ્રત પણ છે. પુણેના શ્રીરાવે પ્રકાશન માટે થોડા ફેરફારો સાથે તે તૈયાર કરી છે. આ નદી પર 52 જેટલાં તીર્થસ્થાનો હોવાનો તેમાં ઉલ્લેખ છે.
ભૂજથી પૂર્વ તરફ તેમજ ધોળાવીરા વિસ્તારમાં કચ્છના રણમાં સરસ્વતી નદીના ત્રણ ત્રિકોણપ્રદેશો મળ્યા હોવાનું મ. સ. યુનિવર્સિટીના નિષ્ણાતો ડૉ. મેઢ, ડૉ. પટેલ અને ડૉ. શ્રીધરે પ્રસ્થાપિત કરી આપ્યું છે. સરસ્વતી નદી, લૂણી તેમજ સિદ્ધપુરની ગુર્જર સરસ્વતીથી દૂર ઉત્તરી-વાયવ્ય (NNW) તરફ ખસતી ગયેલી છે. આ કારણે જ સિદ્ધપુર માતૃશ્રાદ્ધ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું હશે ! તાજેતરમાં ગુર્જર સરસ્વતીમાં નર્મદાજળ નાખીને તેને જળભરપૂર કરવા પ્રયાસ કરાયો છે તે નોંધપાત્ર બીના છે.
ગિરીશભાઈ પંડ્યા
હસમુખ વ્યાસ