સરસ્વતી (દેવી)

January, 2007

સરસ્વતી (દેવી) : હિંદુ ધર્મમાં મનાયેલી વિદ્યાની દેવી. તે વાણીની અધિષ્ઠાત્રી છે. તે શારદા નામે પણ ઓળખાય છે. ‘સરસ્વતી’ પદનો વ્યુત્પત્તિગત અર્થ પણ આ જ છે. ‘સરસ્’ એટલે ‘વિદ્યા’ અને ‘વત્’ એટલે ‘થી યુક્ત’. તેથી ‘સરસ્વત્’ એટલે ‘વિદ્યાથી યુક્ત’ અને તેનું સ્ત્રીલિંગરૂપ ‘સરસ્વતી’ થાય છે, જેનો અર્થ છે વિદ્યાવાળી એટલે કે વિદ્યાની દેવી.

વૈદિક ઉપાસનામાં દેવીઓને અત્યન્ત નગણ્ય સ્થાન મળ્યું છે. સંસારના શાસક રૂપે ક્યારેક જ તેમને કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય કરતી દર્શાવાઈ છે. ઉષસ્ને જોકે કંઈક વિશેષ મહત્ત્વ મળેલું જણાય છે ખરું. તે પછી જો કોઈ દેવીને પ્રસિદ્ધિ મળી હોય તો તે સરસ્વતી છે.

સરસ્વતીની સ્તુતિ ઋગ્વેદનાં ત્રણ પૂરાં સૂક્તો તથા અન્ય છૂટાછવાયા મન્ત્રોમાં મળે છે. સરસ્વતી અંગેના આ સર્વ નિર્દેશો દિવ્ય નદી સરસ્વતી તરીકેના જ હોવાનું જણાય છે તેમ છતાં તેનું મૂર્ત સ્વરૂપ વધુ વિકાસ પામ્યું છે.

સરસ્વતીનું આહ્વાન અન્ય દેવો સાથે પણ કરાયું છે. પૂષા અને ઇન્દ્ર ઉપરાંત, વિશેષે કરીને મરુતો સાથે તેને જોડવામાં આવી છે. મરુદ્ગણ તેના મિત્ર હોવાનું જણાવાયું છે. એક વાર તેને અશ્વિનો સાથે જોડી છે. ઇન્દ્રને સહાય કરી અશ્વિનો જ્યારે શ્રમિત થયા ત્યારે તેણે તેમનો શ્રમ દૂર કર્યો હતો. ‘વાજસનેયી સંહિતા’માં કહ્યું છે કે, જ્યારે દેવોએ ઉપશામક યજ્ઞ કર્યો ત્યારે ચિકિત્સક રૂપે અશ્વિનોએ અને વાણી દ્વારા સરસ્વતીએ ઇન્દ્રમાં શક્તિ જન્માવી. ત્યાં તેને અશ્વિનોની પત્ની પણ કહી છે.

આ ઉપરાંત, આપ્રીસૂક્તોમાં આઠમા કે નવમા મન્ત્રમાં સરસ્વતીને અનેક વાર ઇડા અને ભારતી નામે યજ્ઞદેવીઓ સાથે તથા ક્યારેક ક્યારેક મહી અને હોતાની સાથે પણ જોડવામાં આવી છે. સરસ્વતીની પવિત્રતાને કારણે આ રીતે તેને સંબદ્ધ કરાઈ હોય એ સંભવિત છે.

બ્રાહ્મણગ્રંથોમાં સરસ્વતીને વાચ્ સાથે જોડવામાં આવી છે. વૈદિક કાળ પછીના સાહિત્યમાં તે બુદ્ધિ અને વાણીની દેવી બની છે, જેનું વિદ્યાની દેવી રૂપે આહ્વાન કરાય છે.

સરસ્વતી
(પારંપરિક રેખાંકન)

સરસ્વતીની ઉત્પત્તિ બ્રહ્માના મુખમાંથી થઈ છે. સૃદૃષ્ટિ રચવા માટે તત્પર થયેલ બ્રહ્માના મનમાં ધ્યાનાવસ્થા દરમિયાન સત્ત્વગુણ ઉદ્રેક પામ્યો ને એક કન્યા ઉત્પન્ન થઈ. બ્રહ્માએ તેના પરિચય અંગે પૃચ્છા કરી તો તેણે જણાવ્યું કે, હું તમારામાંથી જન્મી છું તો હવે તમે મને સ્થાન આપો અને કાર્ય સોંપો. પછી બ્રહ્માએ તેને ‘સરસ્વતી’ એવું નામ આપ્યું અને દરેકની જિહ્વા ઉપર રહેવાનું સ્થાન આપ્યું. પછી જણાવ્યું કે, ખાસ કરીને વિદ્વાનોની જિહ્વા ઉપર તું રમજે. વળી, પૃથ્વી ઉપર તું નદી રૂપે પણ રહેશે અને ત્રીજા સ્વરૂપે તું મારામાં પણ રહેશે. આમ, સરસ્વતી એ બ્રહ્માનો જ અંશ છે, તેમની પુત્રી છે અને તેમના ઉત્તમ શિક્ષણના બળે જ તે અનેક વિદ્યા મેળવવાને સમર્થ બની છે.

એક કથા અનુસાર બ્રહ્મા પોતાની પુત્રી સરસ્વતી પ્રત્યે આસક્ત થયા ને તેની પાસે ગમન માટે તત્પર બન્યા. ત્યારે બધા પ્રજાપતિઓએ તે કર્મની હીનતા દર્શાવી તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો. તેથી લજ્જિત થઈ બ્રહ્માએ શરીરનો ત્યાગ કર્યો, જે ધુમ્મસ કે અંધકાર રૂપે ચોમેર ફેલાઈ ગયું.

મત્સ્યપુરાણ અનુસાર બ્રહ્માએ સૃદૃષ્ટિરચના માટે તપસ્યા આરંભી ત્યારે તેમના શરીરના બે ભાગ થયા – અડધું પુરુષરૂપ ને અડધું સ્ત્રીરૂપ. પુરુષરૂપ તે મનુ અને સ્ત્રીરૂપ તે શતરૂપા સરસ્વતી. આ સરસ્વતીના સૌન્દર્યથી બ્રહ્મા મોહિત થયા. સરસ્વતી પિતાને પ્રણામ કરી તેમની પ્રદક્ષિણા કરી રહી હતી તો બ્રહ્માના મુખની જમણી બાજુ એક બીજું મુખ પ્રગટ્યું, પછી પાછળની બાજુ ત્રીજું અને ડાબી તરફ ચોથું મુખ પ્રગટ્યું. સરસ્વતી જ્યારે સ્વર્ગ તરફ જવા લાગી તો બ્રહ્માના મસ્તક ઉપર પાંચમું મુખ પ્રગટ્યું. પછી બ્રહ્માએ મનુને સૃદૃષ્ટિરચના માટે પૃથ્વી પર મોકલી પોતે સરસ્વતી સાથે લગ્ન કર્યાં. સરસ્વતી એ બ્રહ્માનું અનિવાર્ય અંગ હતી તેથી તથા વેદોમાં બ્રહ્મા અને સરસ્વતીનો જે અમૂર્ત નિવાસ છે તે પ્રકારે તે બંનેની અમૂર્ત સ્થિતિ સર્વત્ર અનિવાર્ય હોવાથી બ્રહ્માને તે કુકર્મનો દોષ ન લાગ્યો. આ સરસ્વતી પાછળથી ‘સાવિત્રી’, ‘ગાયત્રી’ અને ‘બ્રહ્માણી’ નામે પ્રસિદ્ધિ પામી.

પદ્મપુરાણમાં પણ સરસ્વતીને બ્રહ્માની પત્ની કહી છે તથા જ્ઞાનશક્તિ, સાવિત્રી, ગાયત્રી, વાચ્ વગેરે અન્ય નામે નિર્દેશી છે. જોકે સ્કંદપુરાણ મુજબ સાવિત્રી અને ગાયત્રી સરસ્વતીથી જુદાં છે. એટલે કે, સરસ્વતી બ્રહ્માની ત્રણ પત્નીઓ પૈકી એક છે.

દેવીભાગવતમાં સરસ્વતીને વિષ્ણુપત્ની કહી છે. વિષ્ણુની ત્રણ પત્નીઓ – લક્ષ્મી, સરસ્વતી ને ગંગા પૈકી ગંગાએ જ્યારે વિષ્ણુ પ્રતિ પ્રેમકટાક્ષપૂર્વક જોયું તે સરસ્વતીથી સહન ન થયું. આ પ્રસંગે ગંગાની નિર્લજ્જતા ને લક્ષ્મીનું મૌન જોઈ ગુસ્સે થઈ સરસ્વતીએ શાપ આપ્યો. પરિણામે લક્ષ્મી વૃક્ષરૂપ પામ્યાં ને ગંગા નદી રૂપે અવતરી. ગંગાએ પણ ગુસ્સે થઈ સરસ્વતીને નદી બની પૃથ્વી ઉપર જવાનો શાપ આપ્યો. પછી વિષ્ણુએ જણાવ્યું કે, સરસ્વતી પૃથ્વી ઉપર નદી રૂપે અવતરશે અને તેનું દિવ્ય રૂપ સત્યલોકમાં પાછું ફરી બ્રહ્માની પત્ની બનશે.

અન્ય એક કથા મુજબ જ્યારે ભાર્ગવો અને હૈહયો વચ્ચે યુદ્ધ થયું ત્યારે વડવાગ્નિ જન્મ્યો. આ વડવાગ્નિ દ્વારા જ્યારે જગત નાશ પામી રહ્યું હતું ત્યારે ઇન્દ્રે સરસ્વતીને કહ્યું : ‘તું આ અગ્નિને સમુદ્રમાં લઈ જા.’ તે સમયે સરસ્વતીએ જણાવ્યું કે, ‘હું સ્વાયત્ત નથી. પિતાની મરજી વિના હું કંઈ કરી ન શકું. એટલે તમે બીજો ઉપાય વિચારો.’ પછી દેવો બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માના કહેવાથી અનિચ્છાએ તે કરવાને સરસ્વતી સંમત થઈ અને અગ્નિને સમુદ્રમાં લઈ ગઈ. તેને પરિણામે તે નદીરૂપ પામી.

એક કથા એવી પણ છે કે, વેદજ્ઞાતા પુરુરવા અને સરસ્વતીના મિલનથી સરસ્વાન્ નામે પુત્ર જન્મ્યો હતો. તે અંગેની જાણ થતાં, બ્રહ્માએ સરસ્વતીને મહાનદી થવાનો શાપ આપ્યો. ભયભીત સરસ્વતી ગંગાને શરણે ગઈ તો ગંગાના કહેવાથી બ્રહ્માએ તેને શાપમુક્ત કરી. શાપને લીધે જ તે પૃથ્વીલોક પર ક્યાંક દૃદૃશ્ય ને ક્યાંક અદૃદૃશ્ય બને છે.

એક કથા અનુસાર, ગંધર્વોને સૌપ્રથમ જ્યારે સોમપ્રાપ્તિ થઈ ને દેવતાઓ તેથી ચિંતિત થયા તો સરસ્વતીએ ચાલાકી કરી સ્ત્રીઓના ચાહક ગંધર્વોને ભોળવી પોતાના બદલામાં દેવોને સોમ અપાવ્યો ને પછી પોતે પણ દેવો પાસે ચાલી ગઈ.

યજુર્વેદમાં સરસ્વતી દેવી તરીકે મહત્ત્વ પામી હોવાનું વર્ણન મળે છે. તૈત્તિરીય સંહિતાની બે અધ્યયન-પદ્ધતિઓ પૈકી એક સારસ્વતપાઠ નામે જાણીતી છે. કથામાં જણાવ્યા મુજબ, એક વાર દુર્વાસાના શાપથી સરસ્વતી નદી વિલુપ્ત થઈ ગઈ અને પછી તે માનવીય રૂપ ધારણ કરી આત્રેયવંશીય બ્રાહ્મણને ઘેર અવતરી. પછી તે બ્રાહ્મણ દ્વારા સરસ્વતીએ સારસ્વત નામે પુત્રને જન્મ આપ્યો, જેને તેણે સંપૂર્ણ વેદવિદ્યા શીખવી હતી.

આ રીતે, સરસ્વતીનું દેવીસ્વરૂપ અને નદીરૂપ બંને પરસ્પર ઓતપ્રોત છે. મહાભારતમાં પણ તેનો નદી અને વાગ્દેવી એ બંને સ્વરૂપે નિર્દેશ મળે છે. ‘ભીષ્મપર્વ’ અનુસાર અચ્યુતે સરસ્વતી અને વેદોની ઉત્પત્તિ પોતાના મનથી કરી હતી. બ્રહ્માની પુત્રી ને કૃષ્ણની વાણીરૂપ સરસ્વતી નારાયણની જિહ્વા તરીકે પણ જાણીતી હતી. એક સ્થળે તેને શિવની વાણી પણ કહી છે. શાન્તિપર્વ મુજબ, પૂર્વયુગમાં બ્રહ્મકલ્પમાં બ્રહ્મર્ષિઓની સભામાં લોકસૃદૃષ્ટિના વિષયમાં જ્યારે સંદેહ ઉત્પન્ન થયો ત્યારે એ બ્રહ્મર્ષિ સો દિવ્ય વર્ષો સુધી મૌન રહી ધ્યાનસ્થ બન્યા; તે સમયે તેમના કાને બ્રહ્મવાણી પડી ને આકાશમાં દિવ્ય સરસ્વતી પ્રગટ થઈ અને તેમને પંચ મહાભૂતોની ઉત્પત્તિનું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું. વનપર્વમાં જણાવ્યા પ્રમાણે, તાર્ક્ષ્ય મુનિએ ગોદાન, અગ્નિહોત્ર વગેરે અંગે સરસ્વતીને પ્રશ્નો પૂછ્યા હતા ને સરસ્વતીએ તેમને ઉપદેશ આપ્યો હતો. યાજ્ઞવલ્ક્યમુનિએ એક વાર સરસ્વતીને યાદ કરી તો તે સ્વરો અને વ્યંજનો તથા ૐકારનાં આભૂષણ પહેરી તેમની સમક્ષ પ્રગટ થઈ જેના મહાવીર્યની કૃપાથી શતપથ બ્રાહ્મણની રચના થઈ. શ્વેતકેતુ મુનિએ પણ માનવરૂપ ધરનાર તે દેવીનાં સાક્ષાત્ દર્શન કર્યાં હતાં. ત્રિપુરદાહ પ્રસંગે સરસ્વતી શિવજીના રથને આગળ વધવા માટે માર્ગરૂપ બની હતી. દંડથી ધર્માચરણ થતું જાણી શંકરે સરસ્વતીરૂપ દંડનીતિની ઉત્પત્તિ કરી. ભીષ્મે દંડનીતિના વર્ણનમાં તેને બ્રહ્મકન્યા કહીને એનાં અન્ય નામ લક્ષ્મી, સરસ્વતી ને જગદ્ધાત્રી બતાવ્યાં છે.

પુરાણો તથા મહાભારતમાં પ્રાપ્ત થતાં આ વર્ણનો પરથી જણાય છે કે, સરસ્વતી બ્રહ્માના અંશમાંથી જન્મી છે ને બ્રહ્માની શક્તિસ્વરૂપા છે. સાથે જ તે વિષ્ણુની અને શિવની પણ શક્તિ મનાઈ છે.

શુભ્ર શ્વેત વસ્ત્રો ધારણ કરનારી, શ્વેત કમળ ઉપર બિરાજતી, ચાર ભુજાઓમાં વીણા, પદ્મ, પુસ્તક ને કમંડલ-પાત્રને ધારણ કરતી સરસ્વતી ક્યારેક મયૂર તો ક્યારેક હંસ ઉપર સવારી કરતી વર્ણવાઈ છે. આથી તે ‘હંસવાહિની’, ‘વીણાધારિણી’, ‘શ્વેતવસના’ જેવાં અનેક નામે પ્રસિદ્ધિ પામી છે.

સરસ્વતી દેવીની પૂજાનો પ્રારંભ શ્રીકૃષ્ણ દ્વારા થયો છે. એક વાર સરસ્વતીએ રાધાના જિહ્વાગ્ર ઉપરથી પ્રગટ થઈ કામવશ શ્રીકૃષ્ણને પતિ તરીકે ઇચ્છ્યા તો કૃષ્ણે તે માટે પોતાની અસમર્થતા દર્શાવી તેને નારાયણ પાસે જવા સૂચન કર્યું ને જણાવ્યું કે, મહામાસની શુક્લ પંચમીએ તારું પૂજન લાંબા કાળ સુધી થતું રહેશે અને તે વિદ્યારંભનો દિવસ ગણાશે. આથી જ ગ્રંથારંભે પણ ગણપતિની જેમ સરસ્વતીની સ્તુતિ કરવામાં આવે છે. વાલ્મીકિ, બૃહસ્પતિ, ભૃગુ વગેરેને અનુક્રમે નારાયણ, મરીચિ, બ્રહ્મા વગેરેએ સરસ્વતીપૂજાનો બીજમન્ત્ર આપ્યો હતો.

જાગૃતિ પંડ્યા