સરસ્વતીચંદ્ર

January, 2007

સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠીની એકમાત્ર નવલકથા. એમાં એમની પરિણત પ્રજ્ઞા અને પ્રતિભાનું સારસર્વસ્વ ઊતર્યું છે. આ કૃતિ બેએક હજાર પૃષ્ઠમાં પથરાયેલી અને ચાર ભાગમાં વહેંચાયેલી છે. એનો પહેલો ભાગ ઈ. સ. 1887માં અને ચોથો ભાગ 1901માં પ્રગટ થયો હતો. એ રીતે ગુજરાતી સાહિત્યમાં જેને પંડિતયુગ તરીકે અને સાંસ્કૃતિક સંદર્ભમાં સંક્રાન્તિકાળ તરીકે ઓળખવામાં આવે છે એ કાળની આ કૃતિ છે. એ યુગનું યથાર્થ અને ઇષ્ટ ચિત્ર આલેખીને પ્રાચીન પૂર્વ – અર્વાચીન પૂર્વ અને અર્વાચીન પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કમાં મુકાઈને કિંકર્તવ્યમૂઢ બનેલા સમાજને માર્ગદર્શન કરાવવું એ ‘સરસ્વતીચંદ્ર’કારને ઉદ્દિષ્ટ હતું. એથી એમની દૃષ્ટિ સંસ્કૃતિ ત્રિવેણીના સંગમ અને સંઘર્ષથી પ્રભાવિત રાજ્ય, ગૃહ, ધર્મ એમ સમાજજીવનનાં સર્વ ક્ષેત્રોને વ્યાપક અને સૂક્ષ્મ રીતે આવરી લે છે અને એના ગ્રાહ્ય તથા ત્યાજ્ય અંશોનું વિવેકદૃષ્ટિથી સૂચન કરે છે. આથી વિવેચકોએ ‘સરસ્વતીચંદ્ર’ માટે ‘મહાનવલ’, ‘મહાકાવ્ય’, ‘પુરાણ’, ‘સકલકથા’ જેવી સંજ્ઞાઓ યોજી છે અને ગોવર્ધનરામને ‘પ્રબોધમૂર્તિ’ કહીને ઓળખાવ્યા છે.

ગોવર્ધનરામ ત્રિપાઠી
(‘સરસ્વતીચંદ્ર’ના રચયિતા)

ગુજરાતી ભાષામાં ‘સરસ્વતીચંદ્ર’ની પહેલાં નવલકથા તરીકે ઓળખાવાયેલી કેટલીક કૃતિઓ પ્રગટ થઈ હતી ખરી. દેશી રાજ્યની સ્થિતિ અને અંગ્રેજી શાસન, લગ્ન અને દામ્પત્યજીવન, સ્ત્રીઓની અવદશા જેવાં ‘સરસ્વતીચંદ્ર’માં જોવા મળતા વસ્તુસામગ્રીના અંશો કે પાત્રોનાં યથાગુણ-નામ જેવાં લક્ષણ પૂર્વપ્રકાશિત આ કૃતિઓમાં જોવા મળે છે ખરાં. પરંતુ નવલકથાના સ્વરૂપ અને વસ્તુની માવજતને જોતાં આ કૃતિઓ ‘સરસ્વતીચંદ્ર’ની નજીક પણ જઈ શકે એમ નથી. એ રીતે ગુજરાતી ભાષામાં ‘સરસ્વતીચંદ્ર’ અપૂર્વ અને અનન્ય નવલકથા બની રહે છે. એટલું જ નહિ, સમગ્ર ભારતીય સાહિત્યમાં પણ નવલકથાનો આટલો સમર્થ પ્રારંભ બીજી કોઈ પણ ભાષામાં થયેલો નથી.

સમગ્ર કથાનું શીર્ષક જેના પરથી અપાયું છે તે સરસ્વતીચંદ્ર એનો નાયક છે અને કથાનું મુખ્ય સૂત્ર છે સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીની પ્રેમકથા. કથાના ઉદ્દિષ્ટને અનુસરીને એ સૂત્રની સાથે બીજાં અનેક કથાસૂત્રો ગૂંથાતાં આવે છે. એ કારણે કથાના જુદા જુદા ભાગમાં જુદાં જુદાં પાત્રો અને તેને લગતું કથાનક આગળ આવે છે. એ રીતે દરેક ભાગનાં ઉપશીર્ષકો પણ બદલાય છે અને કૃતિ પ્રેમકથા જ ન રહેતાં સંસ્કૃતિકથા બને છે.

આ સંસ્કૃતિકથા એક રીતે વિદ્યાર્થીમાંથી અનુભવાર્થી બનેલા સરસ્વતીચંદ્રની અનુભવકથા બને છે; કેમ કે પિતાનાં કટુ વચનો સાંભળીને વાગ્દત્તા કુમુદના ભાવિ અંગે ચિંતિત સરસ્વતીચંદ્ર ગૃહત્યાગ કરે છે. લેખકે કથામાં પછીથી એવો નિર્દેશ પણ કરેલો છે કે એના પ્રકૃતિગત વૈરાગ્યભાવને આ રીતે ચાલના મળે છે.

સરસ્વતીચંદ્રના ગૃહત્યાગની સાથે જ કથા એની ભ્રમણકથાનું રૂપ લે છે. સરસ્વતીચંદ્રની સાથે સાથે કથા પણ ગતિ કરતી રહે એવી એની નિરૂપણરીતિ છે. એમાં કાળની ગતિને આઘીપાછી કરતા રહીને લેખકે વ્યતીતની વાતને વર્તમાન સાથે ક્યાંક ગૂંથી છે તો ક્યાંક સાંધી છે. સરસ્વતીચંદ્ર સાથે સંપર્કમાં મુકાયેલાં કે એની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ ધરાવતાં પાત્રો અને એમનું કથાનક પ્રસ્તુત બનતું જાય એવી વસ્તુસંયોજના છે. આ કારણે આ કથા ઘટનાબહુલ અને પાત્રબહુલ બની છે. એમાં ઘટનાઓ વાર્તારસ ખીલવે છે – પહેલા ભાગમાં એ ભરપૂર પ્રમાણમાં છે; બીજા અને ચોથા ભાગમાં ઘટનાતત્ત્વને પરિસ્થિતિમાં રૂપાંતરિત થયેલું જોઈ શકાય છે. અલબત્ત, એથીય વાર્તારસ પોષાય છે. પરંતુ આખી કથામાં પ્રાધાન્ય પાત્રોનું છે.  પાત્રાલેખન પાછળ દૃષ્ટિ ‘ઈશ્વરલીલાનું સદર્થે ચિત્ર’ આપવાની છે. એટલે પાત્રસૃદૃષ્ટિ જેમ વિશાળ છે તેમ વૈવિધ્યવંતી પણ છે. આ સૃદૃષ્ટિમાં સ્ત્રી અને પુરુષજગતનાં લગભગ બધા સ્તરનાં અને વર્ગનાં પાત્રો સમાવિષ્ટ છે  જમાલ અને મેરુલા જેવાં છેક પ્રાકૃત વર્ગનાં, સરસ્વતીચંદ્ર, બુદ્ધિધન, વિદ્યાચતુર જેવાં શિષ્ટ સમાજનાં અને વિષ્ણુદાસ જેવા અધ્યાત્મરંગી પુરુષપાત્રો છે તો કુમુદ-કુસુમ, અલકનંદા કે રૂપાળી, સૌભાગ્યદેવી કે ગુણસુંદરી અને ચંદ્રાવલી જેવાં સ્ત્રીપાત્રો છે. રાજા છે તેમ બહારવટિયા પણ છે. કથાના પ્રયોજનને અનુલક્ષીને લેખકે એમનું વાસ્તવરંગ્યું અને આદર્શરંગ્યું ચિત્રણ કરેલું છે. એટલે પાત્રો બહુધા એકપાર્શ્ર્વી છે, પરંતુ એમની જીવંતતા જોખમાતી નથી. વિભિન્ન અને વિલક્ષણ પરિસ્થિતિમાં મુકાતાં પાત્રોનાં સ્વભાવ અને ક્ષમતાનું સૂઝ અને સમજપૂર્વક પ્રગટીકરણ થતું રહે છે. કુમુદસુંદરીનું દારુણ મનોમંથન કરુણરસની પ્રભાવક નિષ્પત્તિ કરે છે અને કુમુદની કરુણ સ્થિતિનો સાક્ષી બનતો સરસ્વતીચંદ્ર પણ એને માટે પોતે કારણભૂત હોઈ કઠોર યંત્રણાનો અનુભવ કરતો રહે છે. આ મુખ્ય પાત્રો જ નહિ; બુદ્ધિધન, અલકકિશોરી જેવા સમગ્ર કથાના સંદર્ભમાં ગૌણ કહેવાય એેવાં પાત્રોના મનોઆવેગો અને સંઘર્ષોની ક્ષણો પણ આમાં ઝિલાઈ છે. મનોવિશ્લેષણ તો અનેક પાત્રોનું થતું રહે છે અને ‘સારાસારની મેળવણી’ જેવાં પાત્રોનો ચિતાર આપણને મળતો રહે છે. લેખકની મૂલ્યનિષ્ઠ દૃષ્ટિને કારણે અમુક પાત્રોને એમની સહાનુભૂતિનો લાભ પણ મળ્યો છે. તદ્દન ગૌણ પાત્રનાં સ્વભાવ, વ્યક્તિત્વ કે વર્તનની વિલક્ષણ રેખા પકડીને એ તેને જીવંત કરી મૂકે છે. આ આખીય પાત્રસૃદૃષ્ટિમાં માનચતુરનું પાત્ર એના વિલક્ષણ વ્યક્તિત્વને લઈને જુદું તરી આવે છે અને ચરિત્રની સંકુલ રેખાઓ ઉપસાવવાની લેખકની શક્તિનો પરિચય કરાવે છે.

હકીકતે, નવલકથા લખવા પાછળનો પોતાનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે લેખકે પોતાની પાત્રકલ્પકશક્તિને કથામાં સક્રિય કરેલી છે. સંક્રાન્તિકાલીન પરિસ્થિતિમાં દેશોદ્ધાર કરી શકે એવા નવયુવકની ગોવર્ધનરામની પરિકલ્પના સરસ્વતીચંદ્ર રૂપે આકાર પામી છે. તેના ગૃહત્યાગની ઘટનાથી આરંભાયેલી આ કૃતિ ચૈતસિક પરિપક્વતા સાથે તે પાછો ફરે એ ઘટના સાથે પૂર્ણ થાય એવો ઉપક્રમ રખાયો છે. તેની કલ્યાણગ્રામની યોજના એ જાણે તેની ફળશ્રુતિ છે. વિધવા કુમુદને બદલે કુસુમ સાથે સરસ્વતીચંદ્રનાં લગ્નની ઘટનાથી દામ્પત્યના ઉચ્ચાશયનો સંદર્ભ પણ એની સાથે જોડાય છે એ સૂચક છે.

સંવાદરચના, વર્ણનકલા અને ભાષાશૈલીની વિલક્ષણતા ને ઉત્તમતાને લગતાં પણ અનેક દૃષ્ટાંતો મળે છે, જેમાં નવલકથાકાર ગોવર્ધનરામના કૌશલનો પરિચય થાય છે. ઉદ્ગારરૂપ બેએક શબ્દોનો ઉચ્ચાર કે તર્કપૂત દલીલો રજૂ કરતી દીર્ઘ ઉક્તિ બંને પ્રકારનાં ષ્ટાંતો સુલભ છે, અને એમાં લેખકે પાત્રના વ્યક્તિત્વને પ્રસંગ અને પરિસ્થિતિના ઔચિત્યને લક્ષમાં લીધું જણાય છે. એટલે એ કાર્યસાધક અને પ્રભાવક નીવડે છે.

પ્રસંગવર્ણનમાં તાદૃશતા, પાત્રવર્ણનમાં સુરેખતા, સ્થળવર્ણનમાં વીગતખચિત ચોકસાઈ, પ્રકૃતિવર્ણનમાં ઔચિત્ય અનુસાર સંયમ-વિસ્તાર અને ભવ્યતાનાં સુલભ ઉદાહરણો ગોવર્ધનરામની વર્ણન-શક્તિનો ખ્યાલ આપે છે.

ગુજરાતી ગદ્ય ભાખોડિયાં ભરતું હતું એ સમયે ‘સરસ્વતીચંદ્ર’માં રહેલી ભાષાસમૃદ્ધિ ધ્યાન ખેંચે છે. બોલચાલના લહેકા સાથેના તળપદા શબ્દપ્રયોગો અને રૂઢિપ્રયોગો, તત્સમ શબ્દપ્રયોગો, સમાસપ્રાચુર્ય અને પ્રલંબ વાક્યાવલિ, વાગ્મિતા અને અલંકારછટા, સંસ્કૃત કે અંગ્રેજીમાં લખાયેલાં વાક્યોનાં વાક્યો, એમ ‘સરસ્વતીચંદ્ર’માં પ્રયોજાયેલી ગોવર્ધનરામની ભાષા અનેકવિધ તરાહો, સ્તરો અને લઢણો પ્રગટ કરે છે.

‘સરસ્વતીચંદ્ર’ની નિરૂપણરીતિ ત્રીજા પુરુષનો પ્રયોગ કરતી સર્વજ્ઞ-કથનની છે પણ એમાં વસ્તુસંકલના કે પાત્રાલેખનની જરૂરિયાત અનુસાર પીઠઝબકાર (ફ્લૅશ બૅક), સ્મૃતિ, સ્વપ્ન, પત્ર, રૂપક જેવી પ્રયુક્તિઓ યોજાતી રહી છે.

નવલકથાનાં જે સ્વરૂપલક્ષણોમાં ગોવર્ધનરામની સર્જકતા ઉત્તમ રીતે પ્રગટે છે એમાં એની ક્ષતિઓ પણ જોવા મળે છે; જેમ કે વસ્તુસંકલનાની શિથિલતા, ક્યાંક ઘેરાં થઈ ગયેલાં પ્રસંગનિરૂપણો, પાત્રોના વ્યવહારમાં આવી જતી કૃતકતા, ચર્ચાઓ અને મીમાંસાઓ, ચિંતનભાર, ભાષામાં આવી જતી દુર્બોધતા – આવી આવી ક્ષતિઓ ‘સરસ્વતીચંદ્ર’ને કલાકૃતિ તરીકે વણસાડે છે. વક્તવ્યના સંદર્ભમાં વિચારીએ તોપણ લગ્ન, દામ્પત્ય અને કુટુંબ વિશેની ગોવર્ધનરામની વિચારણા સમતોલ, અને તેથી સ્વીકૃત જણાય છે. એટલી રાજકીય વિચારણા નથી લાગતી.

‘સરસ્વતીચંદ્ર’ એના સમયમાં ઘણી લોકપ્રિય નીવડી હતી. દરેક પેઢીના વિવેચકોના વિવિધ અભિગમોથી થયેલાં વિવેચનનો લાભ એને મળેલો છે અને એને વિશે સામસામા છેડેના અભિપ્રાયો ઉચ્ચારાતા રહ્યા છે. પરંતુ એમાં જોવા મળતી ગોવર્ધનરામની અસાધારણ સર્ગશક્તિની પ્રતીતિ લગભગ સૌ કોઈને થઈ છે અને કલાદૃષ્ટિએ એમાં જ્યાં ઊણપ વરતાઈ છે ત્યાં એનું કારણ એની જીવનનો ઉત્કર્ષ સાધતી હેતુલક્ષિતામાં રહ્યું હોવાનું સમજી શકાયું છે, અને ગુજરાતી ભાષાના ગૌરવગ્રંથ તરીકે એનો સ્વીકાર થતો રહ્યો છે.

ધીરેન્દ્ર મહેતા