સરસ્વતીચંદ્ર (ચલચિત્ર)

January, 2007

સરસ્વતીચંદ્ર : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1968. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : સર્વોદય પિક્ચર્સ. નિર્માતા-દિગ્દર્શક : ગોવિંદ સરૈયા. કથા : ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠીની મહાનવલ પર આધારિત. પટકથા : વ્રજેન્દ્ર ગૌડ. સંવાદ : અલી રઝા. ગીતકાર : ઇન્દીવર. છબિકલા : નરીમાન ઈરાની. સંગીત : કલ્યાણજી-આણંદજી. મુખ્ય કલાકારો : નૂતન, મનીષ, વિજયા ચૌધરી, રમેશ દેવ, સુલોચના લાટકર, બી. એમ. વ્યાસ, સીમા દેવ, બાબુ રાજે, દુલારી શિવરાજ.

વિશ્વસાહિત્યમાં સ્થાન પામી ચૂકેલી અને લગભગ સો વર્ષ પહેલાં લખાયેલી અને ચાર ભાગમાં વિસ્તરેલી મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ને ત્રણેક કલાકનાં ચિત્રમાં સમાવી લેવી એ મહાપડકાર ઝીલી લઈને દિગ્દર્શક ગોવિંદ સરૈયાએ ઉત્તમ સાહિત્યકૃતિ પરથી કેવું ઉમદા ચિત્ર બનાવી શકાય એ પુરવાર કરી આપ્યું હતું. સો વર્ષ પહેલાંનો ગુજરાતી વેશપરિવેશ બરાબર જળવાઈ રહે તેનો તો ખ્યાલ આ ચિત્રમાં પૂરેપૂરો રખાયો જ હતો, તે ઉપરાંત વસો ગામના દરબારની હવેલી તથા વલસાડ પાસેના ધરમપુરમાં આ ચિત્રનું મોટાભાગનું શૂટિંગ થયું હોવાને કારણે આ ચિત્ર સંપૂર્ણ હિંદી હોવા છતાં તેમાં ગુજરાતી માહોલ પણ જળવાઈ રહે છે.

વિદ્વાન પણ અત્યંત સંવેદનશીલ સરસ્વતીચંદ્રનું સગપણ વિદ્યાચતુરની દીકરી કુમુદસુંદરી સાથે થયું હતું, પણ ઓરમાન માતાની ચડવણીથી પિતા લક્ષ્મીનંદને કહેલાં કડવાં વેણ સહન ન થતાં સરસ્વતીચંદ્ર બધો જ વૈભવ ત્યજીને ગૃહત્યાગ કરી જાય છે. પોતાના સસરાને તે પત્ર લખીને કુમુદને બીજે પરણાવી દેવા વિનંતી કરે છે. કુમુદનાં માતા-પિતાને આ ગમતું નથી. પણ ભારે હૈયે તેઓ કુમુદનાં લગ્ન બુદ્ધિધનના પુત્ર પ્રમાદ્ઘન સાથે કરાવી દે છે. બીજી બાજુ રખડતો રખડતો સરસ્વતીચંદ્ર જે ગામમાં કુમુદ પરણીને આવી હતી તે સુવર્ણપુરમાં જઈ પહોંચે છે. કુમુદને સાસરિયાં તરફથી કોઈ કનડગત નથી, પણ તેના પતિ પાસેથી તે પ્રેમ પામતી નથી. સુવર્ણપુરમાં આવેલો સરસ્વતીચંદ્ર ગામના કારભારી બુદ્ધિધનને ઘેર જ આવી ચઢે છે. કુમુદ અને સરસ્વતીચંદ્ર સામસામાં આવે છે ત્યારે એકબીજાને ઓળખી જાય છે. પણ મર્યાદા જાળવીને તેઓ મોકળાશથી મળી શકતાં નથી. પોતે કુમુદને વગર વાંકે અન્યાય કર્યો એવી લાગણી અનુભવતો સરસ્વતીચંદ્ર સુવર્ણપુર છોડી જાય છે, પણ આ બાજુ કુમુદ પણ વિધવા બને છે, અને અકસ્માતે સાધ્વીઓના મઠમાં પહોંચી જાય છે. સરસ્વતીચંદ્ર પણ યોગાનુયોગ ત્યાં પહોંચી જતાં ફરી બંને મળે છે, પણ હવે કુમુદને સંસારમાં કોઈ સાર દેખાતો નથી, એટલે તેણે વૈરાગ્યનો માર્ગ પસંદ કરી લીધો છે. કુમુદને એક નાની બહેન કુસુમ છે. હવે કુમુદ ઇચ્છે છે કે સરસ્વતીચંદ્ર કુસુમ સાથે લગ્ન કરે અને બંને સુખી થાય. કુમુદની ઇચ્છા મુજબ સરસ્વતીચંદ્ર કુસુમ સાથે લગ્ન કરે છે અને કુમુદની જેમ એ બંને પણ પોતાનું જીવન સેવાકાર્યોને સમર્પિત કરી દે છે. મૂળ વાર્તામાંથી ચિંતનાત્મક ભાગ પડતો મૂકી ચિત્રાંકનને અનુરૂપ ઘટનાઓ-પ્રસંગો તારવીને પટકથા તૈયાર કરાઈ હોવાથી સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીનાં પાત્રોને સમજવા મૂળ કથા વાંચવી અનિવાર્ય જણાય છે.

આ ચિત્રમાં કુમુદસુંદરીનું પાત્ર નૂતને ભજવ્યું હતું, પણ સરસ્વતીચંદ્રના પાત્ર માટે દિગ્દર્શક ગોવિંદ સરૈયાએ એ સમયના કોઈ જાણીતા અભિનેતાને લેવાને બદલે સરસ્વતીચંદ્રની છબિ ખડી થઈ શકે એવા એક ઓછા જાણીતા બંગાળી અભિનેતા મનીષકુમાર પર પસંદગી ઉતારી હતી. ગુજરાતી ગરબાની યાદ અપાવતો હિંદીમાં લખાયેલો ગરબો ‘મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ’ ઉપરાંત ‘ચંદન સા બદન ચંચલ ચિતવન’, ‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં’, ‘છોડ દે સારી દુનિયા કિસી કે લિયે’ જેવાં ગીતો ખૂબ લોકપ્રિય બન્યાં હતાં.

હરસુખ થાનકી