સરસવ

દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસીકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica campestris Linn. syn. B. rapa Linn. (સં. સર્ષપ; હિંદી. સરસોં, લાહી, લુટની, માઘી, તોરિયા; મ. શિરસી; બં. સ્વદા રાઈ; અં. ફિલ્ડ મસ્ટાર્ડ, ઇંડિયન કોલ્ઝા) છે. તે એક બહુશાખી, અતિ પરિવર્તી (variable), એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ, 90 સેમી.થી 1.5 મી. ઊંચી શાકીય વનસ્પતિ છે. તેનું ભારતમાં શિયાળા દરમિયાન વાવેતર થાય છે. સોટીમૂળ ત્રાકાકાર (fusiform) કે કંદિલ (tuberous) હોય છે. તેનાં તલસ્થ ભાગનાં પર્ણો સાદાં, એકાંતરિક વીણાકાર  દીર્ઘ પિચ્છાકાર (lyrate-pinnatifid) અને 25.0 સેમી. જેટલાં લાંબાં હોય છે. પર્ણદંડ તરફ જતાં ખંડોનું કદ ઘટે છે. પર્ણો નીલાભ (glaucous) અને અરોમિલ (glabrous) હોય છે અને ખાસ કરી શિરાઓની સાથે થોડાક કેશ (bristle) જેવા રોમ ધરાવે છે. નીચેનાં સ્તંભીય (cauline) પર્ણો બહુખંડી અને ઉપરનાં સ્તંભીય પર્ણો અદંડી, સ્તંભાલિંગી (amplexicaul) લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) અને તીક્ષ્ણ દંતુર (dentate) હોય છે. પુષ્પો પીળા રંગનાં હોય છે અને કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ કૂટપટી (siliqaua) પ્રકારનું, 50 મિમી. 100 મિમી. x 2.5 મિમી.  4.0 મિમી. હોય છે. ફળનો ટોચ પરનો ભાગ પાતળી 5 મિમી. – 30 મિમી. લાંબી ચપટી ચાંચ જેવો હોય છે. બીજ શ્લેષ્મી (mucilagenous) કે શ્લેષ્મવિહીન (non-mucilagenous) હોય છે. સરસવની બે જાતો થાય છે. પીળી કે સફેદ અને બદામી કે રાતી. સફેદ સરસવ શ્રેષ્ઠ હોઈ ઔષધિ તરીકે તે વપરાય છે.

આકૃતિ 1 : પીળી સરસવ (brassica campestris)

બાહ્યાકારવિદ્યા(morphology)ની દૃષ્ટિએ સરસવનાં સ્પષ્ટપણે ત્રણ જૂથ બને છે : પીળી સરસવ, બદામી સરસવ અને તોરિયા. આ ત્રણેય જૂથનાં વિશિષ્ટ લક્ષણો સારણી 1માં આપવામાં આવ્યાં છે.

સારણી 1 : બદામી સરસવ, તોરિયા અને પીળી સરસવનાં બાહ્યાકારવિદ્યાકીય તફાવત દર્શાવતાં લક્ષણો

લક્ષણ બદામી સરસવ તોરિયા પીળી સરસવ
લોટની તોરા
પર્ણો આછાં નીલાભ, પાતળાં, તલસ્થ અર્ધ ભાગમાં પર્ણદલનો અભાવ લોટની જેવાં પર્ણો અને પ્રકાંડ નીલાભ, પર્ણો માંસલ ઘેરાં નીલાભ, માંસલ અને દૃઢ સ્તંભાલિંગી, પર્ણના તલ-ભાગેથી સ્પષ્ટ, વિકસિત પર્ણદલ
પરાગાશય બહિર્મુખી, સ્વઅસંગત (selfincompatible) અંતર્મુખી, સ્વસંગત (ertrose) (introse) બહિર્મુખી, સ્વઅસંગત (self-in compatible) અંતર્મુખી, સ્વસંગત
ફળ પાતળું, સાંકડું, મણકામય (torulose) કદી પણ બહુ કપાટી (multi valveel) હોતાં નથી. કદી બહુકપાટી

હોતાં નથી

પાતળું-સાંકડું, મણકામય, કદી પણ બહુકપાટી હોતું નથી. જાડું, પહોળું, કદી પણ મણકામય હોતું નથી, કેટલીક વાર બહુકપાટી
બીજ ઘેરાં બદામી અથવા રાતાં બદામી, શ્લેષ્મી શ્લેષ્મવિહીન આછાં બદામી, શ્લેષ્મવિહીન, સૂક્ષ્મ-રુક્ષ પૃષ્ઠી (finely-rugose) આછો પીળાં કે પીળાં શ્લેષ્મ- વિહીન, લીસાં.
પરિપક્વતા 110-150 દિવસ 110-140 દિવસ 90-100 દિવસ 130-150 દિવસ

પ્રજનન અને સુધારણા : જુદાં જુદાં સંશોધનકેન્દ્રો દ્વારા પ્રજનનની પ્રણાલિકાગત (conventional) પદ્ધતિઓની મદદથી બદામી સરસવ અને પીળી સરસવની અનેક વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવવામાં આવી છે. પ્રણાલિકાગત પદ્ધતિઓમાં પસંદગી (selection), વામનીભવન (dwarfing), વિકૃતિ (mutation), જનનરસ(germplasm)નું એકત્રીકરણ અને પ્રવેશ (indroduction), સંકરણ અને સાંશ્લેષિત (synthetic) જાતોના નિર્માણનો સમાવેશ થાય છે. કેટલીક અગત્યની વધારે ઉત્પાદન આપતી જાતો સારણી 2માં આપવામાં આવી છે.

આકૃતિ 2 : બદામી સરસવ (B. campestris)

આબોહવા અને ઋતુ : ભારતમાં તે રવિપાક તરીકે ઉગાડવામાં આવે છે. ચોમાસાની ઋતુ દરમિયાન ભેજનો વધારેમાં વધારે સંગ્રહ થયેલો હોવો જરૂરી છે. સંતોષકારક વૃદ્ધિ માટે તેને ઠંડી આબોહવા અનિવાર્ય છે અને મોટેભાગે તેને ભારતના ઉપોષ્ણકટિબંધીય ભાગોમાં ઉગાડવામાં આવે છે. હિમ દરમિયાન બીજનો વિકાસ અવરોધાય છે, તેથી અન્ય શિયાળુ તેલીબિયાંના પાકો કરતાં વહેલા ઉગાડવામાં આવે છે. સરસવ ઑક્ટોબરના મધ્યથી માંડી નવેમ્બરની શરૂઆતમાં વવાય છે. પીળી સરસવને પાકતાં 120-160 દિવસ અને બદામી સરસવને 105-145 દિવસ લાગે છે.

મૃદા : સરસવ માટે હલકી ગોરાડુ મૃદા યોગ્ય છે. શિયાળામાં ભારે વરસાદથી બનતી જલાક્રાન્ત (water logged) મૃદા ખૂબ નકસાન કરે છે. ઉત્તર ગુજરાતમાં લવણતાની અસરવાળી મૃદા સરસવ કરતાં રાઈને વધારે અનુકૂળ છે.

ભૂમિની તૈયારી : સારા અંકુરણ માટે ધરુવાડિયું સારું હોવું જોઈએ. સિંચાઈના વિસ્તારમાં મધ્યમ કદના, મૃદા ઉપર-તળે કરતા હળ વડે ખેડ કરવામાં આવે છે, ત્યારબાદ ‘દેશી’ હળ વડે કે કૃષિયંત્ર (cultivator) વડે બેથી ચાર વાર ખેડ કરવામાં આવે છે. દરેક ખેડ પછી પ્લૅન્કિંગ (planking) કરવામાં આવે છે. વરસાદ આધારિત વિસ્તારોમાં દેશી હળ વડે કે કૃષિયંત્ર વડે એક કે બે વાર ખેડ કરવામાં આવે છે, પ્રત્યેક ખેડ પછી પ્લૅન્કિંગ કરવામાં આવે છે.

વાવણી : મિશ્ર પાકમાં મુખ્ય પાકના પ્રમાણ પર આધાર રાખીને સરસવનાં બીજનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. શુદ્ધ પાકમાં 5 કિગ્રા. પ્રતિ હેક્ટરના દરે બીજનો ઉપયોગ કરવામાં આવે છે.

મિશ્ર પાક તરીકે સરસવની વાવણીનો આધાર મુખ્ય પાકની વાવણીના સમય પર રહેલો છે. જો મુખ્ય પાક તરીકે ઘઉં હોય તો સરસવનું વાવેતર 25 સપ્ટેમ્બરથી 15 ઑક્ટોબર સુધીમાં કરવામાં આવે છે. સારું અંકુરણ અને વહેલી અંકુરજીવનશક્તિ (vigour) મેળવવા, વાવતાં પહેલાં બીજને પાણીમાં પલાળી રાખવાં જોઈએ. બીજને ભીના કંતાન કે ભીની કોથળી વડે ઢાંકવાથી સારું અંકુરણ મળે છે.

વધારે ઉત્પાદન મેળવવા છોડની ઇષ્ટતમ સંખ્યા (વસ્તી) જળવાવી જોઈએ. એક હેક્ટરમાં 5 કિગ્રા. બીજ પૂરતાં છે. જો મૃદામાં પાણીનું પ્રમાણ પૂરતું હોય તો બીજનો દર ઘટાડીને 4 કિગ્રા./હે. કરી શકાય છે. મિશ્ર પાકમાં સરસવને સિંચાઈના પાણીની જરૂરિયાત રહે છે. પ્રથમ બે સિંચાઈ હળવી હોવી જોઈએ અને બાકીની પ્રત્યેક સિંચાઈ દીઠ 75 મિમી. પાણી આપવું જોઈએ. પ્રથમ સિંચાઈ બને તેટલી મોડી આપવામાં આવે છે. તેનાથી શાખાઓ વધારે ઉત્પન્ન થાય છે, જેના લીધે પુષ્પનિર્માણ અને ફળનિર્માણ વધારે પ્રમાણમાં થાય છે. પ્રથમ સિંચાઈનો શ્રેષ્ઠ સમય જ્યારે પુષ્પનિર્માણની ક્રિયા પૂરતા પ્રમાણમાં આગળ ધપી હોય, તે છે. બીજી સિંચાઈ ફળનિર્માણ સમયે આપવામાં આવે છે. એટલે કે વાવણી બાદ આશરે 55થી 60 દિવસે સિંચાઈ કરવામાં આવે છે.

સિંચાઈના પાક તરીકે સરસવ બિહાર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ઉગાડવામાં આવે છે.

ખાતર : સરસવ માટે વરસાદ આધારિત અને સિંચિત ક્ષેત્ર માટે ખાતરની સૂચવવામાં આવેલી માત્રાઓ સારણી 3માં આપવામાં આવી છે.

સારણી 3 : સરસવ માટે વરસાદઆધારિત અને સિંચિત ક્ષેત્ર માટે ખાતરની માત્રાઓ (સક્રિય પોષક કિગ્રા./હે.)

રાજ્ય વરસાદ-આધારિત ક્ષેત્ર સિંચિત ક્ષેત્ર
N P K N P K
બિહાર 40 20 20 80 40 40
ગુજરાત 50 50
હરિયાણા 40 20 60 30
મધ્ય પ્રદેશ 30 20 10 60 30 20
ઓરિસા 30 15 15 60 30 30
પંજાબ 40 20 60-100 20-50
રાજસ્થાન 30 20 60 40
ઉત્તરપ્રદેશ 60 20 20 120 40 40
પશ્ચિમ બંગાળ 40 20 20 80-120 40 40

સરસવ કાર્બનિક અને અકાર્બનિક ખાતરો માટે સારો પ્રત્યુત્તર આપે છે. નાઇટ્રોજનયુક્ત ખાતર ઍમોનિયમ સલ્ફેટના સ્વરૂપમાં આપવામાં આવે, તો લાભદાયી છે. નાઇટ્રોજનયુક્ત ખાતરની અસરનું ઇષ્ટતમીકરણ મૃદા વિનિયોગ(application)ની સાથે પર્ણીય છંટકાવ સંયોજિત કરવામાં આવે છે. અડધી માત્રા વાવેતર દરમિયાન ભૂમિમાં ચાસ પાડી આપવામાં આવે છે. બાકીની અડધી માત્રા પર્ણીય છંટકાવ (1.5 %થી 2.0 %) સ્વરૂપે આપવામાં આવે છે. પ્રથમ છંટકાવ પુષ્પનિર્માણના આરંભ દરમિયાન આપવામાં આવે છે. 50 કિગ્રા./હે. નાઇટ્રોજન અને 20-30 કિગ્રા./હે. ફૉસ્ફરસ ચાસ પાડીને આપતાં સારાં પરિણામો મળે છે. 25 કિગ્રા. ઝિંક સલ્ફેટની સાથે 40 કિગ્રા. ઍમોનિયમ સલ્ફેટ સલ્ફરની ત્રુટિવાળી મૃદામાં આપતાં વધારે ઊંચું ઉત્પાદન મળે છે.

લઘુપોષકો : તેલીબિયાંના પાકને તેમની વૃદ્ધિ અને વિકાસ માટે ભિન્ન ભિન્ન લઘુપોષકો પૂરતી માત્રામાં મળવાં જરૂરી છે. આ તત્ત્વો સીધી કે આડકતરી રીતે ઉત્સેચકોને અને તેલ-સંશ્લેષણને સક્રિય બનાવે છે. ઝિંક આપવાથી 27 %થી 70 % જેટલું ઉત્પાદન વધે છે. અન્ય તત્ત્વોમાં મોલિબ્ડેનમ (0.5 પી.પી.એમ.), બોરોન (22 પી.પી.એમ.), તાંબું (20 પી.પી.એમ.) આપવાથી ઉત્પાદન સારા પ્રમાણમાં વધે છે. 20 કિગ્રા. સલ્ફરની સાથે 1 કિગ્રા. બોરોન મૂળભૂત માત્રા ગણવામાં આવે છે.

સારણી 4 : કેટલાંક રાજ્યોમાં સસ્યનનો ક્રમ

રાજ્ય વરસાદઆધારિત સિંચિત
બિહાર બદામી સરસવ/પીળી સરસવ મકાઈ બદામી/પીળી સરસવ-મગ
ગુજરાત      – બદામી સરસવ-બાજરી

બદામી સરસવ-મગફળી

હરિયાણા બદામી સરસવ બદામી/પીળી સરસવ-મગફળી
જમ્મુ-કાશ્મીર બદામી સરસવ-ચોખા
મધ્ય પ્રદેશ ફેલો-તોરિયા/બદામી સરસવ

ફેલો-મસ્ટાર્ડ/બદામી સરસવ

પંજાબ બદામી સરસવ-મકાઈ
બદામી/પીળી સરસવ-બાજરી બદામી/પીળી સરસવ

ઉનાળુ, મગ

બદામી/પીળી સરસવ વહેલો ચારો

રાજસ્થાન બદામી સરસવ

બદામી સરસવ-બાજરી

બદામી સરસવ-મગ/અડદ

બદામી સરસવ-તુવેર

ત્રિપુરા પીળી સરસવ-ઓસ ચોખા-અમન ચોખા
પૂર્વીય ઉત્તર બદામી/પીળી સરસવ-મગ
પ્રદેશ બદામી/પીળી સરસવ-મકાઈ

બદામી/પીળી સરસવ-ચોખા

બદામી/પીળી સરસવ-બાજરી

બદામી/પીળી સરસવ-અડદ

બદામી/પીળી સરસવ-તલ

મધ્ય ઉત્તરપ્રદેશ બદામી/પીળી સરસવ-મકાઈ બદામી/પીળી સરસવ-મગ-મકાઈ
પશ્ચિમ ઉત્તરપ્રદેશ બદામી/પીળી સરસવ બદામી/પીળી સરસવ-મગ-મકાઈ
પશ્ચિમ બંગાળ પીળી સરસવ/શણ/ચોખા (અપલેંડ) પીળી સરસવ-ઉનાળુ ચોખા- ખરીફ ચોખા
પીળી સરસવ-તુવેર/જુવાર/ પીળી સરસવ-મગ/શણ-
મકાઈ ચારા માટે ખરીફ ચોખા
પીળી સરસવ-શણ પીળી સરસવ-શણ/ઓસ ચોખા-ખરીફ ચોખા
પીળી સરસવ-ચોખા પીળી સરસવ-શણ-ચોખા
દિલ્હી ફૅલો મસ્ટાર્ડ/બદામી સરસવ બદામી/પીળી સરસવ ઉનાળુ મગ

પાકની ફેરબદલી અને વચલી ફસલ : ભારતમાં મોટાભાગના વિસ્તારમાં મિશ્ર પાક લેવામાં આવે છે. મિશ્ર પાક લેવાનું મુખ્ય કારણ પાકની સંપૂર્ણ નિષ્ફળતા સામે રક્ષણ આપવાનું છે. ઍફિડની અતિસંવેદનશીલતાને પરિણામે, સરસવનો પાક લગભગ પૂરો નિષ્ફળ જાય છે, પરંતુ મિશ્ર પાક લેવાથી લઘુતમ નુકસાન થાય છે. સરસવ ચણા, બટાટા, શેરડી, ઘઉં, જવ અને વટાણાની સાથે વાવવામાં આવે છે. ભારતનાં કેટલાંક રાજ્યોમાં સસ્યન(cropping)નો ક્રમ સારણી 4માં આપવામાં આવ્યો છે.

અપતૃણ નિયંત્રણ : છોડ વચ્ચે 10-15 સેમી.નું અંતર જાળવવા વાવણી પછી 15-20 દિવસ બાદ પાકનું વિરલન (thinning) કરવામાં આવે છે. વરસાદ-આધારિત પરિસ્થિતિમાં ગીચ વનસ્પતિ- સમૂહ ઘણી વાર તીવ્ર સ્પર્ધામાં પરિણમે છે, તેને પરિણામે વનસ્પતિના ઉપરના જ ભાગમાં નાની શિંગો બેસે છે. તેથી વાવણી પછી 20-25 દિવસે અપતૃણોનો નાશ કરવામાં આવે છે, જેથી જમીનમાં ભેજ સંગ્રહાઈ શકે. વિરલન પછી તરત જ અપતૃણનાશન કરવામાં આવે છે. અપતૃણોને કારણે સરસવના ઉત્પાદનમાં આશરે 17.41 % ઘટાડો થાય છે. અપતૃણ નિયંત્રણ માટે ફ્લુક્લોરેલિન (0.72), ટ્રાઇફ્લુરેલિન (0.72), ડાઇનાઇટ્રેમિન (0.25) અને ટર્બ્યુટ્રિન (0.62 કિગ્રા./હે.) જેવા અપતૃણનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે.

સરસવના રોગો : સરસવ પાકમાં ભૂકી છારો, તળ છારો, સફેદ ગેરુ અને અલ્ટરનેરિયા ફૂગનો ઝાળ રોગ અને ફૂગથી થતો થડના સડાનો રોગ મુખ્ય છે. આ ઉપરાંત જીવાણુનો કાળો સડો અને પાનનો ઝાળનો રોગ નોંધાયેલ છે.

  1. 1. ભૂકી છારો (powdery mildew) : આ રોગ Erysiphe polygoni નામની ફૂગ દ્વારા થાય છે. તે છોડના બધા જ ભાગો પર આક્રમણ કરે છે. છોડનો ચેપગ્રસ્ત વિસ્તાર પીળો પડે છે. જેની ઉપર ફૂગની વૃદ્ધિ થતાં તે ભાગો ઉપર ફૂગની કવકજાળ બીજાણુઓ ભૂખરી અને છારી સ્વરૂપે જોવા મળે છે. છોડના કુમળા ભાગો ચીમળાઈને સુકાઈ જાય છે. રોગની શરૂઆત ફૂલ આવ્યા બાદ થાય તો ફૂલો ખરી પડે છે અથવા ફૂલોમાં વિકૃતિ આવે છે.

નિયંત્રણનાં પગલાં : રોગની શરૂઆત જણાય તો પિયતનો સમયગાળો વધારવામાં આવે છે અને ટ્રાયડીમેફોન ડીનોકેપ ફૂગનાશકનો વારાફરતી 10 દિવસના આંતરે બેથી ત્રણ છંટકાવ કરવામાં આવે છે.

  1. 2. તળછારો (downy mildew) : આ રોગ Peronospora brassicae નામની ફૂગથી થાય છે. આ પરોપજીવી ફૂગ બ્રેસીકેસી કુળના ઘણાખરા પાકોમાં તળછારાનો રોગ કરે છે. આ રોગને ભેજવાળી ગરમ ઠંડી ઋતુ અનુકૂળ આવતી હોવાથી ઉત્તર ભારતનાં રાજ્યોમાં ખૂબ જ નુકસાન કરે છે.

આ વ્યાધિજન (pathogen) ફૂગ પાકની કોઈ પણ અવસ્થામાં આક્રમણ કરે છે. ઊગતા બીજાંકુરમાં આક્રમણ થતાં તે ચીમળાઈને મૃત્યુ પામે છે. આ ફૂગ છોડનાં થડ, ડાળી, પાન અને ફૂલો ઉપર આક્રમણ કરે છે. તે પાનની નીચેની સપાટી ઉપર આક્રમણની શરૂઆત કરે છે. આ ચેપગ્રસ્ત પાનના ઉપરના ભાગમાં પીળાં ધાબાં જોવા મળે છે, જ્યારે નીચેના ભાગ ઉપર ફૂગની વૃદ્ધિવાળા ભાગમાં ઝાંખા સફેદ રંગના બીજાણુ દંડ અને બીજાણુ છારી સ્વરૂપે જોવા મળે છે. આ ફૂગનું આક્રમણ નીચેના પાનથી ટોચનાં કુમળાં પાન સુધી ઝડપથી પ્રસરી જાય છે. આ રોગિષ્ઠ પાન પીળાં પડી સુકાઈ ખરી પડે છે. છોડ ઉપર નવી કૂંપળો નીકળતાં તેની ઉપર આક્રમણ થતાં, આવી ચેપગ્રસ્ત કૂંપળો ચીમળાઈ મૃત્યુ પામે છે. જમીન ઉપર ખરી પડેલ રોગિષ્ઠ પાન અને છોડના ભાગોમાં ફૂગનું લિંગી પ્રજનન જન્યુધાનીય સંપર્ક દ્વારા થાય છે. એક ઋતુથી બીજી ઋતુ સુધી રોગિષ્ઠ પાકના અવશેષો જમીનમાં સચવાઈ રહે છે, જે નવા પાકની શરૂઆત થતાં, પ્રાથમિક ચેપ લગાડે છે.

નિયંત્રણનાં પગલાં : (i) આ રોગના બીજાણુ બીજ સાથે જમીનમાં રહેતા હોવાથી, બીજને વાવણી પહેલાં થાયરમ, કેપ્ટાન કે કાર્બનડાઝીમ જેવી ફૂગનાશકનો પટ આપવાથી રોગનો પ્રાથમિક ચેપ અટકાવી શકાય છે.

(ii) પાકની ફેરબદલી બિનબ્રેસીકેસી પાક સાથે કરવામાં આવે છે.

(iii) રોગ જણાય કે તરત જ ડાયફોલેટાન અથવા મેન્કોઝેબ દવાનો છંટકાવ કરવામાં આવે છે.

f આ રોગ Albugo candida નામની પરોપજીવી ફૂગથી થાય છે. આ વ્યાધિજન ફૂગ પાન, થડ અને ડાળી ઉપર આક્રમણ કરી તે ભાગોમાં સફેદ રંગના 1.0-2.0 મિમી. ચેપગ્રસ્ત વ્યાસનાં ચાઠાં કરે છે. આવાં ચાઠાંના ચેપગ્રસ્ત વિસ્તારમાં ફૂગ વૃદ્ધિ પામતાં ચાઠાં એકબીજાંમાં ભળી જાય છે. આવાં પાન પીળાં થઈ ખરી પડે છે. રોગનું આક્રમણ પાકની પાછલી અવસ્થામાં થતાં ફૂલો ખરી પડે છે; અથવા તેમાં વિકૃતિ આવે છે. રોગિષ્ઠ છોડ ઉપર ખૂબ જ નાનાં બીજ તૈયાર થતાં તેના ઉત્પાદન અને ગુણવત્તામાં ખૂબ જ નુકસાન થાય છે.

નિયંત્રણનાં પગલાં : 1.0 કિગ્રા. બીજ દીઠ 3 ગ્રા. કેપ્ટાન કે થાયરમ ફૂગનાશકનો પટ આપી વાવણી કરવામાં આવે છે. પાકમાં રોગ જણાય કે તરત જ મેન્કોઝેબ 0.2 ટકાના દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે. જરૂર જણાય તો બીજા છંટકાવ 10 દિવસના સમયગાળે કરવામાં આવે છે.

  1. 4. અલ્ટરનેરિયાનો ઝાળ (blight) રોગ/પાનનો સુકારો (leaf rot) : આ Alternaria brassicae નામની ફૂગથી થાય છે. તેના યજમાન પાકો છે. આ વ્યાધિજનની વૃદ્ધિ માટે ગરમ હૂંફાળું ભેજવાળું અને કમોસમી વરસાદ તેમજ વાદળછાયું વાતાવરણ ખૂબ જ અનુકૂળ આવે છે. ફૂલો આવી ગયાં બાદ સાનુકૂળ વાતાવરણ મળે તો ખૂબ જ નુકસાન થાય છે અને પાકઉત્પાદન બિલકુલ મળતું નથી.

આ રોગમાં ફૂગ સામાન્ય રીતે પાનની કિનારીથી આક્રમણની શરૂઆત કરે છે. ફૂગનું આક્રમણ થતાં પાન ઉપર ભૂખરા રંગનાં કાળાં ધાબાં થાય છે; જેની પેશીઓ મૃત્યુ પામી અનિયમિત ગોળાકારમાં ભૂખરાં કાળાં ટપકાં કરે છે. આ અનિયમિત ગોળ ભૂખરાં કાળાં ટપકાંની ફરતે પીળો આભાસ જોવા મળે છે. આ ટપકાંમાં અનિયમિત ગોળ વલયો અંકિત થયેલાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આવાં ટપકાંઓ વિકસિત થઈ એકબીજાં સાથે ભળી જતાં પાનનો ઝાળ કે સુકારો સામાન્ય લક્ષણ છે.

આ ફૂગ પાકના રોગિષ્ઠ અવશેષો જમીનમાં અથવા બીજમાં જીવનચક્ર જાળવી રાખે છે.

નિયંત્રણનાં પગલાં : આ રોગ જમીનજન્ય હોવાથી ત્રણથી વધુ વર્ષ માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. રોગ જણાય કે તરત જ મેન્કોઝેબ 0.2 ટકાનો બેથી ત્રણ છંટકાવ 10 દિવસના અંતરે કરવામાં આવે છે.

આ ઉપરાંત સરસવ પાકમાં ઝેન્થોમોનાસ પ્રજાતિના જીવાણુ થડ અને પાનનો કાળો સુકારોનો રોગ કરે છે; જ્યારે યુરોસાયટિસ પ્રજાતિની ફૂગો મૂળ અને થડના કાળા સડાના રોગો કરે છે.

સરસવની જીવાતો : કીટકોનું મોટું સંકુલ ખેતરમાં સરસવના પાકને ભારે નુકસાન કરે છે. મુખ્ય જીવાતોમાં ઍફિડ (Lipaphis pseudobrassicae), કરવત માખી (Athalia lugens proxima), રંગબેરંગી માંકડ (Bragada cruciferarum), વટાણાના પાનનો ખાણિયો (Phytomyza atricornis અને Liriomyza brassicae) ફલી બીટલ (Phyllotreta cruciferae) અને કોબીજની ઇયળ(Pieris brassicae)નો સમાવેશ થાય છે.

ઍફિડ ખૂબ નાનું, 2 મિમી. લાંબું, મૃદુ શરીરવાળું, આછા લીલા રંગનું કીટક છે. સમગ્ર વર્ષ દરમિયાન તે જોવા મળે છે. પરંતુ ડિસે.-ફેબ્રુ.ના ગાળામાં વધારે સક્રિય હોય છે. તેની વસાહતો બ્રેસીકેસીની લગભગ બધી જ વનસ્પતિઓમાંથી પોષણ મેળવે છે. તેઓ વર્ધીબિંદુઓ, પુષ્પવિન્યાસ અને પર્ણની નીચેની બાજુએથી રસ ચૂસી તેમનો નાશ કરે છે. તેથી છોડની વૃદ્ધિ કુંઠિત થાય છે અને ફળનું સર્જન પણ ખૂબ ઓછું થાય છે. બીજ સંકોચાયેલાં હોય છે અને તેઓ ઓછી ગુણવત્તા ધરાવે છે.

તેનું નિયંત્રણ મેટાસિસ્ટ્રોક્સ 25 EC 625 મિલી.નો અથવા ડાઇ-મેથોએટ 0.03 % 850 મિલી.નો 1000 લિ. પાણીમાં 15 દિવસના આંતરે ડિસેમ્બરના અંતથી શરૂ કરીને ત્રણ વાર છંટકાવ કરવામાં આવે છે. છંટકાવ પછી 15 દિવસ સુધી પાકનો ઉપયોગ કરવાનો હોતો નથી. બીજને કાર્બોફ્યુરાનની ચિકિત્સા આપવામાં આવે છે. ઍફિડના વિકાસના મહત્ત્વના તબક્કામાં ડાઇમેથોએટનો પર્ણ પર છંટકાવ સૌથી અસરકારક નિયંત્રણ કરે છે. 0.1 % BHC, 0.1 % ગૅમા BHC, 0.2 DDT, 0.02 % ડાયેઝિનોન, 0.05 % – 0.0625 % મૅલેથિયોન, 0.05 % મેનાઝોન અથવા 0.075 % નિકોટિન સલ્ફેટના છંટકાવની ભલામણ કરવામાં આવે છે.

કરવત માખી બ્રેસીકેસી કુળના પાકો માટે બીજાંકુરણના તબક્કે ગંભીર નુકસાન પહોંચાડતી જીવાત છે. તેને નારંગી-પીળો રંગ અને કાળી શિરાઓવાળી ધૂમિલ (smoky) પાંખો હોય છે. તેના કીડાઓ પર્ણો કોરીને ખાઈ જાય છે અને કાણાં પાડે છે. તેમના ભારે આક્રમણ દરમિયાન તેઓ સમગ્ર પર્ણ ખાઈ જાય છે. તેવે સમયે પાકની ફરીથી વાવણી કરવી પડે છે.

લિન્ડેન અને ફોરેટની 2.5 કિગ્રા. અને 1.0 કિગ્રા.ની ચિકિત્સા દર 100 કિગ્રા. બીજે આપવામાં આવે છે. બીજાંકુરણ પછી 28 દિવસ સુધી કરવત માખીની ઇયળો માટે ઉપર્યુક્ત ચિકિત્સા વિષાળુ રહે છે. Perilisus cingulator, Catheconidia furcellata નામનાં કીટકો આ કીડાઓ પર પરોપજીવી હોય છે.

રંગબેરંગી માંકડ નાનું કીટક છે અને તેનું શરીર કાળું હોય છે, તેના ઉપર પીળાં કે નારંગી ટપકાં આવેલાં હોય છે. તેનાં ડિંભક (nymph) અસંખ્ય આછાં બદામી કે લાલ ચિહ્નો ધરાવે છે. તે છોડના અંકુરો પર અને પાછળથી ફળનિર્માણ સમયે આક્રમણ કરે છે. વિકાસ પામતા છોડ પર તે સફેદ રંગના ડાઘવાળાં ટપકાં ઉત્પન્ન કરે છે. ડિંભક અને પુખ્ત કીટક વનસ્પતિમાંથી રસ ચૂસે છે.

BHC (0.1 % નિલંબન) 550 લિ./હૅક્ટરનો છંટકાવ અથવા 5 % BHC 20 કિગ્રા./હૅક્ટરનું ડસ્ટિંગ અસરકારક અને સસ્તો ઉપાય છે. 0.1 % DDT નિલંબન, 0.025 % પેરાથિયોન પાયસ (emulsion) કે 0.025 % ડાયેઝિનોન પાયસ અને મેલેથિયોન SOEC (0.10 %) 1 લિ.નું 500 લિ. પાણીમાં મિશ્રણ બનાવી તેનો છંટકાવ જીવાતના નિયંત્રણમાં ઉપયોગી છે. આ માંકડ પર Alophora, Guron, Trissolens samueli અને Typhodytes પરોપજીવી છે.

પાનના ખાણિયા વિવિધભક્ષી (polyphagous) છે. તેની ઇયળ લીલાશ પડતી પીળી હોય છે. પુખ્ત માદા કુમળાં પર્ણોમાં અંડનિક્ષેપક (ovipositor) દ્વારા અસંખ્ય સ્થાનોએ છિદ્રો પાડે છે અને સ્રાવોમાંથી પોષણ મેળવે છે અને ઈંડાં મૂકે છે. ઇયળ દ્વારા વધારે ગંભીર નુકસાન પહોંચે છે. તે પર્ણોને ખોતરી નાખે છે.

0-25 % DDTનો પ્રતિ હૅક્ટર 880-1100 લિ.નો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઍફિસમાં દર્શાવેલા નિયંત્રણ માટેના ઉપાયો આ જીવાત માટે પણ યોજી શકાય.

ફલી બીટલ વાદળી પડતું લીલું અને આશરે 2.0 મિમી. લાંબું કીટક હોય છે. નવેમ્બરથી જાન્યુઆરી સિવાય આખું વર્ષ ખેતરમાં હોય છે. નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન તે વનસ્પતિ-કચરાવાળી મૃદામાં સુષુપ્તાવસ્થા ગાળે છે. તે બીજાંકુર અવસ્થામાં આક્રમણ કરે છે. નાજુક પર્ણોને કાતરીને કાણાં પાડે છે. આ કીટના નિયંત્રણ માટે 0.1 % DDT કે BHCનો છંટકાવ 880-1100 લિ./હૅક્ટરના દરે કરવાની ભલામણ કરાય છે. Microctonus indicus ફલી બીટલના પુખ્ત પર પરોપજીવન ગુજારે છે.

કોબીજની નાની ઇયળ આછા પીળા રંગની અને પૂર્ણ વિકસિત ઇયળ લીલાશ પડતી પીળી હોય છે અને કાળાં ટપકાં ધરાવે છે. આ ઇયળો મુખ્યત્વે ફ્લાવર પર આક્રમણ કરે છે, પરંતુ તેની ગેરહાજરીમાં તે રાઈ અને સરસવ પરથી પોષણ મેળવે છે. તે પર્ણ પર જીવે છે અને પાકનું વિપત્રણ (defoliation) કરે છે. તેઓ કોમળ પ્રરોહો, શાખાઓ અને લીલી શિંગો પરથી પણ પોષણ મેળવે છે. 0.2 % DDTના 880-1000 લિ./હૅક્ટરના છંટકાવની ભલામણ કરવામાં આવે છે.

આવૃત બીજધારી પરોપજીવી Orobanche aegyptica સરસવને થોડું નુકસાન પહોંચાડે છે. સ્વચ્છ વાવેતર અને પરોપજીવીઓને બાળી નાંખી નાશ કરવો તે તેના નિયંત્રણના શ્રેષ્ઠ ઉપાયો છે.

લણણી, ઉત્પાદન અને સંગ્રહ : જ્યારે શિંગ પીળી બને, પરંતુ પૂર્ણ પરિપક્વ ન હોય ત્યારે સામાન્યત: પાકની લણણી કરવામાં આવે છે, કારણ કે પછીની અવસ્થામાં ફળ ફાટે છે અને બીજ વિકિરણ પામે છે. વળી, બીજમાં ભેજનું પ્રમાણ લગભગ 40 % જેટલું હોવું જોઈએ. આ તબક્કે તૈલી દ્રવ્ય મહત્તમ હોય છે. 45 %થી વધારે ભેજને કારણે તૈલી દ્રવ્યના ઉત્પાદન અને બીજની જીવનક્ષમતા (viability)માં એકદમ ઘટાડો થાય છે.

પીળી સરસવની જાતો પાકવા માટે 120-160 દિવસ અને બદામી સરસવની જાતો 105-106 દિવસ લે છે. તેમની લણણી ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન કરવામાં આવે છે. સરસવની શિંગો ઝડપથી ફાટતી નહિ હોવાથી પાકના ખાસ નુકસાન સિવાય ખેતરમાં લાંબો સમય રાખી શકાય છે. જોકે ફળ પીળું બને ત્યારે લણણી કરી લેવી વધારે સલામત છે.

લણેલો પાક પૂરતો સુકાય ત્યારે લાકડાના હથોડા વડે ઝૂડવામાં આવે છે. જેથી ફળ ફાટે અને બીજ છૂટાં પડે. સિમેન્ટના ભોંયતળિયા પર બળદ દ્વારા કચડીને શીર્ણન કરવામાં આવે છે. બીજને ફોતરાં કાઢી નાખવા ઊપણવામાં આવે છે. બીજને સૂકવવા બે દિવસ સૂર્યના તાપમાં રાખવામાં આવે છે. સંગ્રહવાના સમયે બીજમાં 8 %થી ઓછો ભેજ હોવો જરૂરી છે.

સારા પાક-પ્રબંધ (crop management) હેઠળ સરસવનું 800થી 1000 કિગ્રા./હૅક્ટર ઉત્પાદન થાય છે. જોકે પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા 2000-2500 કિગ્રા./હૅક્ટર ઉત્પાદન મેળવવામાં આવ્યું છે.

સામાન્ય રીતે બીજને કોથળાઓમાં ભરી પાકા ઓરડામાં સંગ્રહવામાં આવે છે. જીવાત દ્વારા બીજને નુકસાન ન થતું હોવાથી બીજ જો યોગ્ય રીતે સૂકવવામાં આવ્યાં હોય તો કોઈ ખાસ સંભાળ જરૂરી હોતી નથી.

વ્યાપારિક હેતુઓસર સૂકવેલાં બીજને ગુણોમાં ભરી ગોદામોમાં સંગ્રહવામાં આવે છે. ધૂમન (fumigation) જેવી સાવચેતી ભાગ્યે જ લેવામાં આવે છે. બજાર પર આધાર રાખીને સંગ્રહવાનો સમય 1થી 6 માસ સુધીનો હોય છે.

તેલનું નિષ્કર્ષણ : ભારતમાં સરસવના કુલ ઉત્પાદનનો મોટો ભાગ (આશરે 95 %) તેલના નિષ્કર્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. બીજને પીલવા માટે બળદ દ્વારા ચાલતી ઘાણી, વિદ્યુતચાલિત રોટરી મિલ અને બહિષ્કારિત્ર (expellers) વપરાય છે. દ્રાવક નિષ્કર્ષણ (solvent extraction) પદ્ધતિનો માત્ર અલ્પ પ્રમાણમાં ઉપયોગ થાય છે.

તેલનું ઉત્પાદન : જુદી જુદી સરસવની જાતનાં બીજમાંથી તેલનું ઉત્પાદન જુદું જુદું થાય છે. જાડાં, તંદુરસ્ત અને સ્વચ્છ બીજ નુકસાનવાળાં બીજ કરતાં વધારે ટકા તેલ ઉત્પન્ન કરે છે. પીળી સરસવ અને બદામી સરસવનાં બીજ 35 % – 48 % તેલ ધરાવે છે. નિષ્કર્ષણ માટે ઉપયોગમાં લેવાતા યંત્ર પર પણ તેલના ઉત્પાદનનો આધાર છે. બહિષ્કારિત્ર દ્વારા 30 % – 32 % તેલ નિષ્કર્ષિત કરી શકાય છે. બાકી રહેતા અવશેષમાંથી ઘાણી દ્વારા મળતું તેલ 11 %16 %; રોટરી મિલ દ્વારા મળતું તેલ 9 % – 11 % અને બહિષ્કારિત્ર દ્વારા મળતું તેલ 7 % – 8 % છે. ભારતની સુધારેલી જાતોમાં તૈલી દ્રવ્ય 40 % – 48 % જેટલું હોય છે.

ગુણધર્મો : અશુદ્ધ તેલ ઘેરું બદામી, સ્વાદે તીખું અને નાકે બળતરા કરે તેવું હોય છે. તેને સલ્ફયુરિક ઍસિડ વડે પરિષ્કૃત (refined) કરી શકાય છે. સલ્ફયુરિક ઍસિડ અશુદ્ધિઓ અને રંગીન દ્રવ્યોનું અવક્ષેપન કરે છે. ઠર્યા પછી તેલને ગરમ પાણી દ્વારા વારંવાર ધોવામાં આવે છે. જ્યારે તે પરિષ્કૃત થાય છે ત્યારે પીળા રંગનું બને છે. પીળી સરસવ અને બદામી સરસવના તેલની લાક્ષણિકતાઓ સારણી 5માં આપવામાં આવી છે.

સારણી 5 : પીળી સરસવ અને બદામી સરસવના તેલની લાક્ષણિકતાઓ

લાક્ષણિકતા પીળી સરસવ બદામી સરસવ
વિશિષ્ટ ગુરુત્વ 0.914-0.916 0.914-0.916
વક્રીભવનાંક 1.4635-1.4654 1.4640-1.4649
સાબૂકરણ મૂલ્ય 169-171 173-175
આયોડિન મૂલ્ય 99-101 100-103
બાષ્પશીલ તેલ (%) 0.27 0.35

સારણી 6 : પીળી સરસવ અને બદામી સરસવના તેલમાં ફૅટી ઍસિડનું બંધારણ (%)

  તૈલી દ્રવ્ય પામિટિક સિયરિક ઓલિક લિનોલિક લિનોલેનિક ઇકોસેનોઇક બેહેનિક ઇરુસિક
પીળી સરસવ 45.1-48.0 1.9-3.0 1.0-1.6 10.8-14.14 12.0-14.3 8.0-8.8 4.1-7.0 1.0-1.3 50.9-56.2
બદામી સરસવ 43.0-46.5 2.3-3.1 1.2-1.6 12.0-18.7 11.5-14.2 9.2-10.3 6.2-10.5 0.0-1.1 44.0-52.8

પીળી સરસવ અને બદામી સરસવના તેલમાં ફૅટી ઍસિડનું બંધારણ સારણી 6માં આપવામાં આવ્યું છે.

સરસવમાં ઇરુસિક ઍસિડની ઊંચી સાંદ્રતા પ્રાયોગિક પ્રાણીઓની ચયાપચય (metabolism) પર વિવિધ રીતે અસર કરે છે. ઉંદરમાં આંતરડાં દ્વારા થતા ઇરુસિક ઍસિડના શોષણનો દર ખૂબ ધીમો હોવાથી તેની પાચ્યતા (digestibility) ખૂબ ઓછી હોય છે. જોકે તે પછી થયેલાં સંશોધનો દર્શાવે છે કે તે ખૂબ પાચ્ય છે. ઉંદરમાં ઍડ્રીનલ કોલેસ્ટેરોલના વધારાનું કારણ ઇરુસિક ઍસિડ ગણાય છે. વાંદરાઓને 18 % પ્રોટીન અને 20 % તેલ ધરાવતો ખોરાક આપતાં હૃદ્સ્નાયુઓમાં ઇરુસિક ઍસિડ એકત્રિત થાય છે; જે હૃત્પેશીય (myocardial) વ્રણમાં પરિણમે છે. જોકે 5 % અને 10 % તેલનું અંત:ગ્રહણ કરતાં વાંદરાંઓમાં કોઈ હૃત્પેશીય ફેરફાર થતો નથી. આ તેલ ખાતા મનુષ્યમાં ઇરુસિક ઍસિડનું પ્રમાણ ઓછું રહે છે અને તેમને હૃત્પેશીય તંતુમયતા (fibrosis) ઓછી જોવા મળે છે. કૅનેડા અને કેટલાક યુરોપના દેશોમાં ઇરુસિક ઍસિડ નહિ ધરાવતી અને ઓલિક ઍસિડ અને લીનોલિક ઍસિડ વધારે પ્રમાણમાં ધરાવતી જાતો વિકસાવવામાં આવી છે.

સરસવ

સાબુનીકરણ ન પામતાં દ્રવ્યોનું પ્રમાણ 0.6 %થી 1.2 % હોય છે, જેના અડધા ભાગમાં સ્ટેરોલ હોય છે. આ સ્ટેરોલમાં p-સીટોસ્ટેરોલ, કૅમ્પેસ્ટેરોલ અને બ્રૅસિકોસ્ટેરોલ મુખ્ય ઘટકો છે. કૉલેસ્ટેરોલ અને 24-ડીહાઇડ્રોકૅમ્પેસ્ટેરોલ થોડા પ્રમાણમાં હોય છે. તે વનસ્પતિ તેલોમાં સ્ટિગ્મેસ્ટેરોલ સિવાયના સ્ટેરોલ વિપુલ પ્રમાણમાં ધરાવે છે.

અશુદ્ધ ફૉસ્ફેટિડનું પ્રમાણ 0.1 % – 0.2 % જેટલું હોય છે. તે તટસ્થ તેલ ઉપરાંત ફૉરફેટિડિલ ઇથેનોલેમાઇન, ફૉસ્ફેટિડિલ કોલાઇન, ફૉસ્ફેટિડિલ ઇનોસિટોલ અને સ્ટેરોલ ગ્લાયકોસાઇડ (સ્ટેરોલિન) ધરાવે છે. સ્ક્વેલિન, a-અને g-ટૉકોફેરોલ અને પ્લાસ્ટોક્રોમેનોલ-8 અસાબુ-નીકૃત દ્રવ્યમાં હોય છે. ટ્રાઇટર્પેનોઇડમાં લ્યુપીઓલ, a- અને b-એમિરિન, સાયક્લોઆર્ટિનોલ, સાયક્લોઆર્ટિનોન, 24-મિથાઇલ સાઇક્લોઆર્ટિનોલ અને 24-મિથાઇલ-સાઇક્લોઆર્ટિનોનનો સમાવેશ થાય છે.

અપમિશ્રકો (adulterants) : સરસવનું તેલ મગફળી, અળસી અને બીજાં સસ્તાં વનસ્પતિ-તેલો સાથે મિશ્ર કરવામાં આવે છે. કેટલીક વાર તલના તેલ કે રામતલના તેલ સાથે તેનું મિશ્રણ કરાય છે. મોટાભાગના અપમિશ્રકો નુકસાનકારક નથી. તારામીરા તેલની વધારે તીખાશને કારણે તેનો અપમિશ્રક તરીકે ઉપયોગ થાય છે.

દારૂડી (Argemone mexicana) સરસવ અને રાઈનાં ખેતરોમાં ઊગી નીકળે છે. વાવેતર દરમિયાન જો યોગ્ય સંભાળ ન રાખવામાં આવે તો તેનાં બીજ સરસવ અને રાઈનાં બીજ સાથે મિશ્ર થાય છે. કેટલીક વાર દારૂડીનું 3 % – 5 % સરસવના તેલ સાથે અપમિશ્રણ થાય છે, દારૂડીના અપમિશ્રણથી જલશોફ (dropsy) અને ગ્લોકોમા (glaucoma) ફેલાય છે. દારૂડીના તેલની ઊંચી માત્રાથી રેચન (purging) થાય છે. દારૂડીના તેલમાં સેન્ગ્વીનેરિન નામનું ઍલ્કેલોઇડ સક્રિય ઘટક તરીકે રહેલું છે. તે કાર્બોદિતની ચયાપચય પર અસર કરે છે.

ઉપયોગ : સરસવના તેલનો ઉપયોગ મુખ્યત્વે ખાદ્ય હેતુઓ માટે થાય છે, તેનો સામાન્યત: અથાણાં બનાવવામાં અને દીવો સળગાવવામાં ઉપયોગ થાય છે. તેલમાં કુદરતી રીતે રહેલા ટોકોફેરોલનો ઉપયોગ ખોરાકમાં પ્રતિ-ઉપચાયક (antioxidant) તરીકે કરવામાં આવે છે. તેલનો ઉપયોગ મીઠાઈ માટેની ચરબી, કોકો-બટર, આઇસક્રીમ અને ‘વનસ્પતિ ઘી’ બનાવવામાં થાય છે. તેલનો સૌથી અગત્યનો તક્નિકી (technical) ઉપયોગ ઊંજણવર્ધકો (lubricant-additives) બનાવવામાં થાય છે. ઇરુસિક ઍસિડના ઓઝોન-અપઘટન (ozonolysis) દ્વારા પેલાર્ગોનિક અને બ્રેસિલિક ઍસિડ ઉત્પન્ન થાય છે. આ બંને નીપજોની ઉદ્યોગોમાં ખૂબ માગ હોય છે. પેલાર્ગોનિક ઍસિડનો નીચે જણાવેલાં ક્ષેત્રોમાં વ્યાપક ઉપયોગ થાય છે : સુઘટ્યતાકારકો (plasticizers), જલાનુવર્તી (hydrotropic) ક્ષારો, ઔષધો, સાંશ્લેષિત (synthetic) સુગંધ (flavour) અને ગંધ (odour), પ્લવન-પ્રક્રિયકો (flotation agents), કીટ પ્રતિકર્ષકો (insect-repellents) અને જેટ એંજિન ઊંજણ, બ્રેસિલિક ઍસિડ એસ્ટર નાયલોન બનાવવામાં વપરાય છે.

સારણી 7 : સરસવનાં બીજ અને ખોળનું રાસાયણિક બંધારણ અને પાચ્ય પોષકો (%)

શુષ્ક દ્રવ્ય ખનિજ દ્રવ્ય મેદ પ્રોટીન અશુદ્ધ રેસો N-મુક્ત નિષ્કર્ષ કૅલ્શિયમ (CaO) ફૉસ્ફરસ (P2O5) પાચ્ય પ્રોટીન કુલ પાચ્ય પોષકો પોષક ગુણોત્તર
સરસવનું બીજ 96.4 5.8 42.1 20.8 6.0 21.7 0.67 1.53 19.8 104.8 4.5
સરસવનો ખોળ 93.6 8.9 12.8 29.6 10.2 32.1 1.30 2.15 26.9 81.6 2.3

તેલનો ઉપયોગ લોખંડની તક્તીઓ બુઝાવવામાં થાય છે. કાપડના છિદ્ર-પૂરણ (sizing) માટે મૃદુ સાબુ વાપરવામાં થાય છે. તે ખાસ પ્રકારની શાહી અને વાર્નિશ બનાવવામાં ઉપયોગી છે. તે ચામડાને મૃદુ અને વળી શકે તેવું બનાવવામાં વપરાય છે.

તે મંદ રક્તિમાકર (rubefacient) ગુણધર્મો ધરાવે છે. સંધિવાના દુ:ખાવામાં તેનો ચોળવાની દવા તરીકે અને કર્પૂરિત (camphorated) તેલની અવેજીમાં ઉપયોગ થાય છે. તેનું બાષ્પશીલ તેલ શૂલ(colic)માં આપવામાં આવે છે. વધુ માત્રામાં તે અત્યંત વિષાળુ છે અને જઠરાંત્રીય (gastro-entric) શોથ (inflammation) ઉત્પન્ન કરે છે.

સરસવનો ખોળ : તેલનું નિષ્કર્ષણ કર્યા પછી બાકી રહેતો અવશેષ 30 %થી 35 % જેટલું પ્રોટીન ધરાવે છે અને ઢોરોના ખોરાક અને ખાતર માટે વપરાય છે. આ હેતુ માટે ઘાણીનો ખોળ પસંદ કરવામાં આવે છે, કારણ કે તેમાં 11 %થી 16 % જેટલું તેલ હોય છે. બહિષ્કારિત્ર ખોળ(7 %થી 8 % તેલ)ને ‘પાપરી’ ખોળ કહે છે અને તે વધારે સારા ગુણ ધરાવે છે. નીચલી કક્ષાના ખોળનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે નાઇટ્રોજન 4.9 %, P2O5 2.5 % અને K2O 1.5 % ધરાવે છે. સરસવનાં બીજ અને ખોળનું રાસાયણિક બંધારણ અને પાચ્ય પોષકો સારણી 7માં આપવામાં આવેલ છે.

સરસવના ખોળના પ્રોટીનમાં એમિનો ઍસિડનું બંધારણ ખૂબ સંતુલિત હોય છે અને તેની તુલના મગફળીના ખોળ સાથે થઈ શકે. સરસવના ખોળમાં મગફળીના ખોળ કરતાં મિથિયોનિન વધારે હોય છે. લાયસિન પણ સ્વીકૃત સાંદ્રતાએ હોય છે. તે કૅલ્શિયમ, આયર્ન અને ફૉસ્ફરસ જેવાં ખનિજો અને માએસીન અને કોલાઇન અન્ય બીજના ખોળ કરતાં વધારે ધરાવે છે.

ગ્લુકોસીનોલેટ(થાયોગ્લુકોસાઇડ)નાં વ્યુત્પન્નો વિષાળુતા (toxicity) માટે જવાબદાર છે. ભારતીય બ્રેસિકામાં મુખ્ય ગ્લુકોસીનોલેટ ગ્લુકોનેપિન છે અને તેનું તેલમુક્ત ખોળમાં 0.64 %થી 1.8 % જેટલું પ્રમાણ હોય છે. તેના ઉત્સેચકીય જલાપઘટનથી ગ્લુકોઝ, પોટૅશિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને સલ્ફર ધરાવતું સંયોજન ઉત્પન્ન થાય છે. સલ્ફર ધરાવતું આ સંયોજન અંત:આણ્વીય (intramolecular) પુન:ગોઠવણી (rearrangement) પામે છે અને પ્રતિપોષક (antinutritional) કારકો આઇસો-થાયોસાયનેટ અથવા થાયોસાયનેટ ઉત્પન્ન કરે છે. નાઇટ્રાઇલ અને સલ્ફર પણ ઉત્પન્ન થઈ શકે. તે પૈકી નાઇટ્રાઇલ વધારે વિષાળુ છે. બેવડા જલનિષ્કર્ષણ દ્વારા 84 % ઓક્સેલીડીને-થાયોનનો અને 77 % આઇસો-થાયોસાયનેટનો ઘટાડો થાય છે અને ખોળમાં પ્રોટીનનું પ્રમાણ વધે છે.

સરસવના ખોળમાં તેલ કરતાં ફૉસ્ફેટીડનું પ્રમાણ વધારે હોય છે. તેનો ઉપયોગ વ્યાપારિક લેસિથિનના નિષ્કર્ષણ માટે થાય છે. લેસિથિન બેકરી, મીઠાઈ, આઇસક્રીમ, સૌંદર્ય-પ્રસાધનો, રંગકામ, ઔષધો અને રબર જેવા ઉદ્યોગોમાં ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર ધોળા સરસવના દાણા સ્વાદે કડવા-તીખા, ગુણમાં ગરમ, તીક્ષ્ણ, રુક્ષ, વિપાકે કટુ (તીખા), ઉષ્ણવીર્ય, રુચિકર્તા, કફ તથા વાતદોષનાશક, પિત્ત(ગરમી)વર્ધક, બીજ-દોષો ઉખાડનાર (લેખન), શરીરનો રંગ સુધારનાર (વર્ણ્ય) અને લોહીને બગાડનાર, વિદાહી, કૃમિઘ્ન, મંદ હૃદયને ઉત્તેજિત કરનાર, મૂત્ર જન્માવનાર, વાજીકર અને ગર્ભાશયને ઉત્તેજક છે. તે ગંડમાળા, વાતરક્ત (ગાઉટ), હરસ-મસા, સોજા, ત્વચાનાં (કફ-વાતજ) દર્દો, વિષ, વ્રણ (ગડ-ગૂમડાં) અને ગડપીડાનો નાશ કરે છે. સરસિયું તેલ ભૂખ ઉઘાડનાર, દોષો દૂર કરનાર, કંઠ-સ્વર સુધારનાર, તીક્ષ્ણ, કડવું, તીખું, ગરમ, પિત્તકર્તા, લોહી બગાડનાર, તથા પચવામાં હળવું છે. તે વાતવિકાર, કફવિકાર, કૃમિ, કોઢ, કાનની શૂળ કે અવાજ, ખજવાળ, કાનનો મેલ કે કૃમિ (જંતુ) અને કફથી થયેલ બહેરાશ મટાડે છે. તે મેદરોગ, શિરોગ્રહ, હરસ, કુષ્ઠરોગ, સફેદ કોઢ તથા દુષ્ટ વ્રણનો નાશ કરે છે. વૈદ્યો તેને ઍનિમા (બસ્તિ) તથા માલિસ માટે ખાસ વાપરે છે. ઉત્તર ભારતમાં તમામ લોકો શિયાળામાં બારે માસ ખાવા તથા શરીરે માલિસ કરવા માટે આ તેલ જ વધુ વાપરે છે. તે ગરમ હોઈ, ઉત્તર ભારતનાં લોકોના સ્વાસ્થ્યનું ગરમાવો આપીને રક્ષણ કરે છે.

બળદેવપ્રસાદ પનારા

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

બળદેવભાઈ પટેલ