સરવટે, શરદ બાળકૃષ્ણ (જ. 16 મે 1950, નાગપુર) : ખાણ-ઇજનેરી ક્ષેત્રના નિષ્ણાત અને જોખમકારક ગણાતી ઊંચી ઇમારતોનો કુશળતાથી વિધ્વંસ કરવામાં સમગ્ર ભારતમાં નિપુણતા ધરાવતા તજ્જ્ઞ. પિતાનું નામ બાળકૃષ્ણ અને માતાનું નામ શાલિની. પિતા કેન્દ્ર સરકારના મિલિટરી અકાઉન્ટ્સ ખાતામાં નોકરીમાં હતા. શરદ સરવટેનું પ્રાથમિક શિક્ષણ પુણે ખાતે તથા માધ્યમિક શિક્ષણ, વર્ધા જિલ્લાના પુલગાંવ ખાતે સંપન્ન થયું. પુલગાંવ ખાતેની માધ્યમિક શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા 1970માં પાસ કર્યા પછી હાલના મધ્યપ્રદેશના શાહડોલ ખાતેની ટૅક્નિકલ શિક્ષણસંસ્થામાંથી માઇનિંગ અને માઇન-સર્વેઇંગનો ડિપ્લોમા 1972માં પ્રાપ્ત કર્યો. ત્યારબાદ કોલકાતા ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સની એ.એમ.આઇ.ઈ.ની પરીક્ષા 1991માં પ્રથમ વર્ગમાં પસાર કરી અને ધનબાદ બૉર્ડ ઑવ્ માઇનિંગ દ્વારા લેવાતી ઓપનકાસ્ટ મેટાલિફેરસ માઇન્સના વ્યવસ્થાપન અંગેનું સર્ટિફિકેટ ઑવ્ કૉમ્પિટન્સી પણ 1984માં પ્રાપ્ત કર્યું. આમ વ્યવસાયે તેઓ ચાર્ટર્ડ માઇનિંગ-ઇજનેર છે. ડાયમેન્શનલ સ્ટોન માઇન્સ તથા પ્રોસેસિંગ ઑવ્ ડાયમેન્શનલ સ્ટોન્સના વિકાસના ક્ષેત્રમાં તેમણે વિશેષજ્ઞતા (specialisation) પ્રાપ્ત કરેલ છે. હાલ વર્ષ 2005માં તેઓ હૈદરાબાદ ખાતેના મેસર્સ વિજય સ્ટોન્સ ઍન્ડ ક્વૉરિઝ પ્રાઇવેટ લિમિટેડ તથા મેસર્સ સંતોષ લક્ષ્મી ગ્રૅનાઇટ પ્રાઇવેટ લિમિટેડના ટૅક્નિકલ ડિરેક્ટર તરીકે કામ કરે છે. ભૂતકાળમાં 1984થી રાજસ્થાનના કોટા ખાતેની ઉચ્ચ કક્ષાના યાંત્રિકીકરણવાળી ખાણોનું કુશળ વ્યવસ્થાપન તેમણે કરેલું. અત્યાર સુધી(2006)માં તેઓ ખાણ-ઉદ્યોગ ક્ષેત્રનો પચીસ વર્ષનો ઉચ્ચ કક્ષાનો અનુભવ ધરાવે છે.
અત્યંત જોખમકારક ઇમારતોના વિધ્વંસના કામમાં તેઓ સમગ્ર ભારતમાં સર્વોચ્ચ નિપુણતા ધરાવનાર તજ્જ્ઞ ગણાય છે. ઇન્દોર નગરમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ પાંચ માળની એક ઊંચી ઇમારતનો વિધ્વંસ કરવાની કામગીરી 1996માં તેમને સૌપ્રથમ સોંપવામાં આવી હતી. આ ઇમારતની એક તરફ એક પેટ્રોલ પંપ તો બીજી તરફ વ્યાપારી પ્રતિષ્ઠાનો હતાં. છતાં તેમણે તેની આજુબાજુની કોઈ પણ ઇમારતને જરા પણ નુકસાન કર્યા વગર ઉપર્યુક્ત ગેરકાયદેસર ઇમારતને વિસ્ફોટ દ્વારા ધરાશાયી કરવામાં સફળતા મેળવી. ત્યારપછીના નવ વર્ષ(1996-2005)ના ગાળામાં તેમણે દેશનાં જુદાં જુદાં નગરોની 131 જેટલી જોખમકારક ઇમારતોનો વિધ્વંસ કરવામાં સફળતા મેળવી છે. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલ ભયંકર ભૂકંપને કારણે ખંડિયેર હાલતમાં ફેરવાઈ ગયેલી અમદાવાદ, ભુજ અને ગાંધીધામની ઇમારતોનો પણ તેમાં સમાવેશ થાય છે. તેમાંની કેટલીક ઇમારતો તો ગીચ વસ્તીમાં આવેલી હતી. ગુજરાતમાં તેમણે આ કામગીરી સતત પાંચ માસના ગાળામાં પૂરી કરી હતી. તેમણે વિસ્ફોટ દ્વારા 131 ઇમારતોના વિધ્વંસની કરેલી કામગીરી દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ કે જાનમાલની હાનિ થયેલ નથી એ બાબત નોંધપાત્ર છે. ત્યારબાદ ગુજરાત રાજ્ય દ્વારા ડિઝાસ્ટર મૅનેજમેન્ટની યોજના ઘડવાનું જે કાર્ય શાસકીય રાહે હાથ ધરવામાં આવેલું તે માટે રચવામાં આવેલી નિષ્ણાતોની ટુકડીમાં શરદ સરવટેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશની સરકારે પણ તેમને જોખમકારક ઇમારતોના વિધ્વંસની કામગીરી સોંપેલ છે. હાલ (2005) તેઓ ખાણ તથા અન્ય ક્ષેત્રોમાં વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ અને ઉપયોગ કરવા માટે પરવાના આપવાની પ્રક્રિયાનું સંયોજન અને વ્યવસ્થાપન કરી રહ્યા છે.
તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સની ઇન્દોર શાખાની સંચાલન-સમિતિના સક્રિય સભ્ય છે તથા કોલકાતા ખાતે કાર્યરત જિયોલૉજિકલ અને મેટાલર્જિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયાના આજીવન સભ્ય છે.
શોખ ખાતર તેઓ વ્યક્તિત્વ-વિકાસ પર શાળા તથા કૉલેજોમાં વ્યાખ્યાનો આપતા હોય છે. ઇન્દોરની એક જૂની અને નામના ધરાવતી માધ્યમિક શાળાના સંચાલનમાં પણ તેમનો ફાળો ઉત્કૃષ્ટ રહ્યો છે.
વ્યાવસાયિક હેતુઓ માટે તેમણે અમેરિકા, ઇંગ્લૅન્ડ, જર્મની અને ઇટાલી જેવા દેશોનો પ્રવાસ ખેડ્યો છે.
તેમણે જે 131 ઇમારતોનો વિધ્વંસ કરવામાં સફળતા મેળવી છે તેમાં સૌથી ઊંચી ઇમારત દસ માળની હતી (રાજ ટાવર, ઇન્દોર). ‘લિમ્કા બુક્સ ઑવ્ રેકૉર્ડ્ઝ’માં તેમનું નામ ઉમેરવામાં આવ્યું છે અને ‘ગીનેઝ બુક્સ ઑવ્ રેકૉર્ડ્ઝ’માં તેમનું નામ પ્રકાશિત કરવાની વિધિ પૂર્ણ થઈ ગયેલ છે (વર્ષ 2005). અમદાવાદ અને ભુજ ખાતે તેમણે કરેલ વિધ્વંસની કામગીરી પ્રત્યક્ષ નિહાળવા માટે ભારતીય લશ્કરના અધિકારીઓની ટુકડી મોકલવામાં આવી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે