સરપંચ : ગ્રામકક્ષાએ કામ કરતી લોકશાહીની પાયાની સંસ્થા ગ્રામપંચાયતનો વડો. ગ્રામકક્ષાએ લોકશાહીનું સ્વરૂપ ગ્રામપંચાયતની રચનામાં જોવા મળે છે. પંચાયતમાં પ્રતિનિધિઓને ચૂંટીને મોકલવાનું કામ ગામના મતદારો કરે છે. આથી જેમણે પંચાયતમાં સરપંચ કે સભ્ય થવું હોય તેમણે ચૂંટણી કેમ થાય છે, પોતે ચૂંટાવા માટે શું કરવું જરૂરી છે તે જાણવું અગત્યનું છે. ગામમાં વસતી 18 વર્ષની ઉંમરની તમામ વ્યક્તિઓ મતદાર હોય છે. મતદારયાદીઓ દર વરસે સુધારાવધારા કરી તૈયાર કરવામાં આવે છે. મતદાર હોય તે જ મતદાન કરી શકે છે કે સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. સરપંચ ગામની પ્રતિનિધિ સભાનો વડો છે અને સીધી ચૂંટણીથી ચૂંટાય છે. ગામના તમામ મતદારો સરપંચ માટે મતદાન કરી શકે છે. બહુમતી મત મેળવનાર ઉમેદવાર સરપંચ બને છે. ગ્રામપંચાયતના સભ્યો માટે વૉર્ડવાર ચૂંટણી થાય છે. ચૂંટાયેલા સભ્યોની ગ્રામપંચાયત બને છે. આ ગ્રામપંચાયતની પ્રથમ બેઠકમાં ગ્રામપંચાયતના ઉપસરપંચની ચૂંટણી કરવામાં આવે છે.

જે તારીખે સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોનાં નામો કલમ 15 હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવે તે તારીખથી ચાર અઠવાડિયાંની અંદર યોગ્ય સત્તાધિકારી ઠરાવે તે તારીખે બેઠક યોજવામાં આવે છે. ઉપર્યુક્ત ચાર અઠવાડિયાંની મુદતની અંદર, કોઈ તારીખ ઠરાવવામાં ન આવે તો યોગ્ય સત્તાધિકારીએ, રાજ્ય સરકારને અથવા રાજ્ય સરકારે અધિકૃત કરેલ અધિકારી અથવા સત્તાધિકારીને સદરહુ હકીકત જણાવવાની રહે છે અને રાજ્ય સરકાર અથવા યથાપ્રસંગ, સદરહુ અધિકારી અથવા સત્તાધિકારી નિર્દિષ્ટ કરે તે તારીખે બેઠક યોજવાની રહે છે.

સરપંચની ચૂંટણી ન થાય ત્યારે અથવા ચૂંટાયેલ સરપંચ હોદ્દો લેવા માગતો ન હોય ત્યારે, આવી ગ્રામપંચાયતની પહેલી બેઠકનું અધ્યક્ષસ્થાન યોગ્ય સત્તાધિકારી આ અર્થે હુકમ કરીને નીમે તેવા અધિકારી લે છે. એવા અધિકારીને ઠરાવવામાં આવે તે સત્તા મળે છે અને એ અધિકારીએ ઠરાવેલી કાર્યરીતિને અનુસરવાનું રહે છે, પણ તેમને મત આપવાનો હક હોતો નથી.

ગ્રામપંચાયતની પહેલી બેઠકમાં, ઉપસરપંચની ચૂંટણી સિવાયનું બીજું કશું કામકાજ કરી શકાતું નથી.

ઉપર્યુક્ત કલમની પૂર્વવર્તી જોગવાઈઓ હેઠળ ચૂંટણીના કાયદેસરપણા બાબત તકરાર ઉપસ્થિત થાય ત્યારે તે તકરાર ચૂંટણીના પરિણામની જાહેરાતની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર યોગ્ય સત્તાધિકારીને નિર્ણય માટે મોકલવી જરૂરી બને છે. યોગ્ય સત્તાધિકારીનો નિર્ણય છેવટનો ગણાય છે અને એવા કોઈ નિર્ણયના સંબંધમાં કોઈ દાવો અથવા બીજી કાર્યવહી કોઈ કોર્ટમાં થઈ શકતી નથી.

ગ્રામપંચાયતના સભ્યોની કુલ સંખ્યાના ત્રીજા ભાગની બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. કુલ બેઠકોમાંની 10 % બેઠકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામત હોય છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કલેક્ટર કુલ વસ્તીમાં તેમની વસ્તીના પ્રમાણમાં અનામત બેઠકો ફાળવે છે. આ અનામત બેઠકો વારાફરતી જુદા જુદા વૉર્ડમાં ફાળવવામાં આવે છે.

સરપંચના હોદ્દામાં પણ કુલ સરપંચોની સંખ્યાના ત્રીજા ભાગના હોદ્દા વારાફરતી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. તાલુકાની વસ્તીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તીના પ્રમાણમાં સરપંચના હોદ્દાની જગ્યા માટે આ જાતિઓ માટે અનામત રાખવામાં આવે છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે સરપંચના 10 % પદ અનામત રાખવામાં આવે છે. જે તે વર્ગની અનામત બેઠકો ઉપર અન્ય કોઈ વર્ગનો ઉમેદવાર ચૂંટણી લડી શકતો નથી; પરંતુ સામાન્ય બેઠકો ઉપર દરેક વર્ગના ઉમેદવારને ઉમેદવારી કરવાની છૂટ હોય છે.

મુદત : ગ્રામપંચાયતની મુદત પાંચ વર્ષની હોય છે. દર પાંચ વર્ષે રાજ્ય ચૂંટણીપંચ ચૂંટણી યોજે છે ને નિષ્પક્ષ અને તટસ્થ રીતે તે કરાવે છે. સરપંચની મુદત પણ પાંચ વર્ષની હોય છે.

ગુજરાતમાં પંચાયતી રાજ સને 1963થી અમલમાં આવ્યું હતું. આ પંચાયતી રાજ ગુજરાત પંચાયત અધિનિયમ 1961 મુજબ ચાલતું હતું; પરંતુ 1992નો 73મો બંધારણીય સુધારા અધિનિયમ અમલમાં આવતાં તેની મહત્ત્વની જોગવાઈઓને સમાવીને સને 1993માં નવો પંચાયત ધારો ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ઘડવામાં આવ્યો. આ નવા કાયદાની જોગવાઈઓ 73મા બંધારણીય સુધારા સાથે સુસંગત છે.

સરપંચનાં કાર્યો : ગ્રામપંચાયતની વહીવટી સત્તા સરપંચને મળેલી છે. તેમણે વહીવટી કાર્યો ઉપરાંત વિકાસનાં કાર્યોનો અમલ કરવાનો હોય છે. તેમનાં કાર્યો નીચે મુજબ હોય છે : (1) પંચાયતની બેઠકો બોલાવવી, તેનું પ્રમુખસ્થાન લેવું અને તેનું સંચાલન કરવું;

(2) પંચાયતના બધા કર્મચારીઓનાં કાર્યો ઉપર દેખરેખ રાખવી;

(3) પંચાયતના ખર્ચનાં બિલ મંજૂર કરવાં, ચુકવણીના ચેક લખવા અને જરૂરી હોય ત્યાં રકમ પરત (રિફંડ) આપવા સહિત પંચાયત-ફંડનો વહીવટ કરવો; (4) પંચાયતનાં નાણાંની સુરક્ષા માટે યોગ્ય પ્રબંધ કરવો; (5) પંચાયતનાં વહીવટ અને વિકાસકાર્યો માટે જરૂરી પત્રકો અને રેકર્ડ તૈયાર કરાવવાં; (6) પંચાયતની બચત-રકમોનું યોગ્ય રોકાણ કરવું; (7) પંચાયત-મંત્રીની રજા મંજૂર કરવી તથા તેનો ખાનગી અહેવાલ ભરવો; (8) પંચાયતના મંત્રી પોતાની ફરજો બજાવવા અસમર્થ હોય કે તેમની ફરજો પ્રત્યે બેદરકારી દાખવવા બદલ દોષિત ઠરેલ હોય ત્યારે સરપંચ પંચાયતમાં બે તૃતીયાંશ બહુમતીથી ઠરાવ પસાર કરીને તેમને મંત્રી તરીકે દૂર કરવા કે તેમની સામે શિસ્તભંગનાં પગલાં માટે સરકારને ભલામણ કરી શકે છે.

સરપંચની જવાબદારીઓ અને ફરજો

(1) (2) (3) (4)
આયોજનની જવાબદારીઓ નાણાકીય જવાબદારીઓ વહીવટી ફરજો પરચુરણ ફરજો
1. બજેટ નાણાકીય આયોજન કરી 31 માર્ચ પહેલાં મંજૂર કરવું. નાણાં ક્યાં રોકવાં તે નક્કી કરવું. નોકરો ઉપર દેખરેખ રાખવી. અહેવાલો તૈયાર કરવા, મોકલવા.
2. ગ્રામસભા નિયત મુદતોમાં યોજવી અને તેમાં તાલુકાના પ્રતિનિધિઓ બોલાવવા. જામીન લીધેલ માણસોને જ કામ સોંપવાં. ખર્ચ અને ઊપજ ઉપર દેખરેખ રાખવી. પંચાયત-સભ્યનાં રાજીનામાં સ્વીકારવાં.
3. મિટિંગો નિયમિત ભરવી. દર માસે બેઠક ભરવી જોઈએ. તસલમાત જેવી બિનજરૂરી પુરાંત હાથ પર ન રાખવી. પંચાયતનાં કામો અટકાવી શકે છે તેથી સતત દેખ- રેખ રાખી ગેરરીતિ રોકવી.

 

પંચાયત-સદસ્યે ગેરલાયકાત વહોરી હોય તો તે અંગે તકેદાર રહેવું અને પગલાં લેવાં.
4. જવાબદારીઓ-વાળાં કેટલાંક કામોની સભ્યો વચ્ચે વહેંચણી કરવી. નાણાં ઉપાડવાં, મૂકવાં. આકસ્મિક ખર્ચ કરવા હુકમો કરવા. દબાણો અટકાવવાં, માલિકોના વાંધા કલેક્ટરને મોકલવા.
5. વસૂલાતનું કામ ગોઠવવું. જમીન-મહેસૂલનું ભરણું કરવું. પરચુરણ ખર્ચ મંજૂર કરવું. ઢોર-ડબા ઉપર દેખરેખ રાખવી.

બલદેવ આગજા