સરદેસાઈ, ગોવિંદ સખારામ

January, 2007

સરદેસાઈ, ગોવિંદ સખારામ (. 17 મે 1865, હાસોલ, જિ. રત્નાગિરી, મહારાષ્ટ્ર; . 29 નવેમ્બર 1959) : મહાન મરાઠી ઇતિહાસકાર, તેમણે 1884માં રત્નાગિરિ હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની અને 1888માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. તેઓ 1 જાન્યુઆરી 1889થી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના રીડર તરીકે જોડાયા. તે પછી તેઓ રાજકુમારોના ટ્યૂટર અને છેલ્લે મહારાજાના ખાનગી હિસાબનીસ તરીકે સેવા આપીને 1925માં નિવૃત્ત થયા. આ દરમિયાન તેમને સમગ્ર ભારતનો તથા ચાર વાર યુરોપનો પ્રવાસ કરવાનો લાભ મળ્યો. તેઓ વિવિધ પ્રકારના લોકોના સંપર્કમાં આવ્યા અને તેમની દૃષ્ટિ વિશાળ થઈ.

ગોવિંદ સખારામ સરદેસાઈ

સયાજીરાવે સોંપવાથી, તેમણે મેકિયાવેલીના ગ્રંથ ‘પ્રિન્સ’નો મરાઠી અનુવાદ ‘રાજધર્મ’ નામથી અને સીલીના ગ્રંથ ‘એક્સપાન્શન ઑવ્ ઇંગ્લૅન્ડ’નો મરાઠી અનુવાદ ‘ઇંગ્લૅન્ડ દેશાચા વિસ્તાર’ નામથી કર્યો. આ બંને પુસ્તકો રાજ્ય સરકારે પ્રગટ કર્યાં.

રાજકુમારોને ઇતિહાસ ભણાવવા વાસ્તે તેમણે મરાઠીમાં નોંધો તૈયાર કરી. તેમાંથી 1898માં ‘મુસલમાની રિયાસત’ના બે ગ્રંથો પ્રગટ થયા. ‘મરાઠી રિયાસત’ તરીકે જાણીતા આઠ ગ્રંથોમાં તેમણે મરાઠાઓનો સળંગ ઇતિહાસ લખ્યો. આ ગ્રંથોએ તેમને ‘રિયાસતકાર’ તરીકે જાણીતા કર્યા. તેમની પહેલાં મરાઠી ભાષામાં મરાઠાઓનો આવો સળંગ ઇતિહાસ કોઈએ લખ્યો ન હતો. આ ગ્રંથો માટે તેમણે સાને, રાજવડે, ખેર અને પરસનીસે લખેલા સાધનસામગ્રીના ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો.

શિવાજી, સંભાજી, સંતાજી, ધનાજી, બાજીરાવ અને મહાદજી સિંધિયાનાં વીરતાભર્યાં પરાક્રમોનો ઇતિહાસ સૌપ્રથમ તેમણે વાચકોને ઉપલબ્ધ કર્યો. આ કાર્ય પછી તેમણે ‘બ્રિટિશ રિયાસત’ના બે ગ્રંથો લખ્યા.

સરદેસાઈ અને જદુનાથ સરકારના સમાન હેતુઓ હોવાથી તેઓ પરસ્પર સંપર્કમાં આવ્યા, મિત્રો બન્યા અને પરસ્પર ઉપયોગી થયા. જદુનાથના સૂચનથી તેમણે મરાઠા ઇતિહાસ વિશે પટણા યુનિવર્સિટીમાં સાત પ્રવચનો આપ્યાં, જે ‘મેઇન કરન્ટ્સ ઑવ્ મરાઠા હિસ્ટરી’ શીર્ષક હેઠળ પ્રગટ થયાં.

સરદેસાઈ વડોદરા રાજ્યની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ, જદુનાથના સૂચનથી મુંબઈ સરકારે તેમને પુણેમાં રાખેલા ‘પેશવા દફતર’નું સંપાદનકાર્ય સોંપી, તેના મુખ્ય સંપાદક નીમ્યા. સરદેસાઈ અને તેમના સાથીઓ કે. પી. કુલકર્ણી, એમ. વી. ગુજર, વી. જી. દિઘે અને વાય. એન. કેલકરે 34,972 પોટલાંમાંથી પ્રકાશન માટે દસ્તાવેજો પસંદ કરી, તેનું વર્ગીકરણ કરીને સાલવારી પ્રમાણે ગોઠવ્યા. તેને ‘પેશવા દફતર’ તરીકે 45 ગ્રંથોમાં 8650 દસ્તાવેજો, 7801 પૃષ્ઠોમાં પ્રગટ કર્યા. તે દરેક ગ્રંથની ટૂંકી પ્રસ્તાવના સરદેસાઈએ લખી.

ઉપર્યુક્ત કાર્ય બાદ, સરદેસાઈ અને જદુનાથ સરકારે સંયુક્ત રીતે ‘પૂના રેસિડેન્સી કૉરિસ્પોન્ડન્સ’ના 15 ગ્રંથોનું સંપાદન કર્યું. તેમાં કુલ 4159 ઉપયોગી દસ્તાવેજો પ્રગટ કર્યા. જદુનાથ તથા સરદેસાઈએ મરાઠા ઇતિહાસમાં આવતાં સ્થળો, તારીખો તથા વ્યક્તિઓ વિશેના અનેક ગૂંચવણભર્યા મુદ્દાઓ સહચર્ચાથી ઉકેલ્યા હતા. ‘પેશવા દફતર’ના સંપાદન વિશે પણ જદુનાથે પત્રો દ્વારા સરદેસાઈને વિગતવાર સૂચનાઓ આપી હતી. આમ હોવા છતાં તેઓ બંને હંમેશાં સરખું દૃષ્ટિબિંદુ ધરાવતા ન હતા.

પોતાના જીવનનાં એંસી વર્ષ પૂરાં કરતી વખતે તેમણે ‘ધ ન્યૂ હિસ્ટરી ઑવ્ ધ મરાઠાઝ’ લખવાની જવાબદારી લીધી. ‘મરાઠી રિયાસત’ના આઠ ગ્રંથોમાં આપેલો મરાઠાઓનો ઇતિહાસ તેમણે અંગ્રેજીમાં સંક્ષિપ્ત કરીને, ત્રણ ગ્રંથોમાં આપ્યો છે. આ ગ્રંથો અંગ્રેજીમાં લખવાનો તેમનો ઇરાદો સમગ્ર દેશના ઇતિહાસકારો તથા વાચકોને મરાઠાઓ વિશે સત્ય માહિતી જણાવવાનો હતો.

સંશોધકોને મરાઠી દસ્તાવેજો ઉપલબ્ધ કરવા વાસ્તે તેમણે ટી. એસ. શેજવળકર, ડી. વી. આપ્ટે તથા વી. એસ. વાકસ્કરની સાથે 1924માં ‘મરાઠ્યાંચે ઇતિહાસાચે સાહિત્ય’ શીર્ષકથી સાધનસામગ્રીનો ગ્રંથ પ્રગટ કર્યો.

મરાઠાઓના ઇતિહાસના દસ્તાવેજો પ્રગટ કરવા ‘કાવ્યેતિહાસ સંગ્રહ’ નામનું જર્નલ 1878માં શરૂ થયું અને કેટલાક સમય પછી બંધ થયું હતું. તેના અંકો અપ્રાપ્ય હતા. તેથી સરદેસાઈ, વી. એસ. વાકસ્કર અને વાય. એમ. કાલેએ તેમાં પ્રગટ થયેલા મહત્ત્વના દસ્તાવેજોનો સંક્ષેપ ‘કાવ્યેતિહાસ સંગ્રહાત પ્રસિદ્ધ ઝાલેલે ઐતિહાસિક પત્ર યાદી વગેરે લેખ’, 1930માં પ્રગટ કર્યા. તેમણે 1933માં કે. પી. કુલકર્ણી તથા વાય. એમ. કાલે સાથે ‘ઐતિહાસિક પત્રવ્યવહાર’નો ગ્રંથ પ્રગટ કર્યો.

લોકોએ તથા સરકારે સરદેસાઈના કાર્યની યોગ્ય કદર કરી હતી. ‘પેશવા દફતર’ના સંપાદનનું કાર્ય ચાલતું હતું ત્યારે સરકારે તેમને ‘રાવસાહેબ’નો ખિતાબ આપ્યો. પાંચ વર્ષ પછી, તે કામ પૂરું થયું તે પછી તેમને ‘રાવબહાદુર’નો ખિતાબ આપવામાં આવ્યો. ભારતની સરકારે 1957માં, તેમના કામની કદર કરીને ‘પદ્મભૂષણ’નો ઇલકાબ આપ્યો. ભોંસલે પરિવારનો ઇતિહાસ લખીને તેમણે તે કુટુંબની મહાન સેવા કરી હતી. તેથી સતારાના રાજાએ તેમને પોતાના મહેલમાં નિમંત્રીને, 1937માં ‘સાડે તીન વસ્ત્રે’નો અને ભોરના સચિવે 1952માં તેમને ‘મહાવસ્ત્ર’નો શિરપાવ આપ્યો. ધૂળેના રાજવડે સંશોધન મંડળે 1946માં એક ખાસ સમારંભ યોજીને તેમને ‘ઇતિહાસમાર્તંડ’નો ખિતાબ આપ્યો. યુનિવર્સિટી ઑવ્ પુણેએ 1957માં તેમને ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ની ઉપાધિ આપી.

જયપુરમાં 1951માં ભરાયેલ ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસની 14મી બેઠકનું પ્રમુખપદ તેમણે સંભાળ્યું. નેવું વર્ષ પૂરાં કર્યા પછી, તેમણે ‘માઝી સંસારયાત્રા’ નામથી 1956માં પોતાની આત્મકથા લખી. ‘પેશવા દફતર’નું કામ મુંબઈ સરકારે તેમને સોંપ્યું ત્યારે મહારાષ્ટ્રમાં વિવાદ થયો હતો. તેનો આત્મકથામાં તેમણે ઉલ્લેખ કર્યો નથી. પુણેના ઇતિહાસકારો તેમને ‘સંકલનકર્તા’ કહેતા, ત્યારે જદુનાથ સરકાર તેમને મહાન મરાઠા ઇતિહાસકાર કહેતા હતા. સરદેસાઈએ મરાઠાઓના ઇતિહાસના સ્રોતો જદુનાથને પૂરા પાડ્યા. તેમને મહારાષ્ટ્રમાં ઐતિહાસિક સ્થળો બતાવવા સાથે લઈ ગયા, ઇતિહાસમાં ઉલ્લેખ કરેલ સ્થળોનું ચોક્કસ સ્થાન નિશ્ચિત કર્યું. તેઓ બંને પોતપોતાની રીતે મહાન ઇતિહાસકારો હતા, પરંતુ તેમની સુમેળભરી મૈત્રીએ તેઓને વધુ મહાન બનાવ્યા. મરાઠાઓના ઇતિહાસના અભ્યાસ વાસ્તે સરદેસાઈ અને જદુનાથ સરકારની મૈત્રી આશીર્વાદ સમાન પુરવાર થઈ.

જયકુમાર ર. શુક્લ