સરદાર સરોવર બહુલક્ષી સિંચાઈ પરિયોજના

January, 2007

સરદાર સરોવર બહુલક્ષી સિંચાઈ પરિયોજના : નર્મદા નદીનાં નીર વડે ગુજરાતના વિકાસનો ધોધ વહાવતી, ભારતની વિશાળ જળસંસાધન વિકાસ-યોજનાઓ પૈકીની ગુજરાતમાં આવેલી એક યોજના. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવાં ભારતનાં પશ્ચિમી રાજ્યો માટેની સંયુક્ત સાહસરૂપ બહુહેતુક યોજના. આ માટેનો મુખ્ય બંધ ગુજરાતમાં નર્મદા નદી પર કેવડિયા ખાતે આવેલો છે. સરદાર સરોવર બંધ ભાખરા અને લખવટ બાદ, ભારતમાં ત્રીજો ક્રમ ધરાવતો સૌથી ઊંચો કૉંક્રીટ ગુરુત્વ બંધ ગણાય છે. બંધમાં વપરાયેલ કૉંક્રીટના જથ્થાની દૃષ્ટિએ, 6.82 મિલિયન ઘનમીટર જેટલા કુલ જથ્થા સાથે, તે યુ.એસ.ના ગ્રાન્ડ કોલ બંધ બાદ, વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો બંધ છે. ચીનના ગઝેમ્બા અને બ્રાઝિલના તકરી પછી 30 લાખ ક્યુસેકથી પણ વધુ, બંધનું વધારાનું પાણી વહાવી શકવાની ક્ષમતા સાથે આ બંધ દુનિયાભરમાં ત્રીજા ક્રમે આવે છે.

ગુજરાત માટે સવિશેષ મહત્ત્વ ધરાવતું, કેટલીક ચોક્કસ પ્રાદેશિક જરૂરિયાતો સંતોષે એવું, રાષ્ટ્રીય પ્રકલ્પ તરીકે નર્મદા નદી પર સરોવર-યોજના આકાર લે એવું અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે જે સ્વપ્ન સેવેલું તે ફળીભૂત થયું છે. આ કારણે તેમની સ્મૃતિ જળવાઈ રહે તે માટે આ યોજનાને ‘સરદાર સરોવર પરિયોજના’ નામ અપાયું છે. એ હકીકત છે કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અનિયમિત રહે છે. દર દસ વર્ષે સરેરાશ 3 વર્ષ દુકાળનાં આવે છે. જળસંસાધનોની વહેંચણી અસંતુલિત છે, લોકો દ્વારા ભૂગર્ભજળનો વધુ પડતો ઉપયોગ થવાને કારણે તેમાં દર વર્ષે અંદાજે બે મીટર જેટલી જળસ્તરસપાટી ઊંડી ઊતરતી જાય છે. ઉત્તર ગુજરાતમાં તો ભૂતળજળ 300થી 400 મીટર જેટલાં ઊંડાં ઊતરી ગયાં છે, દરિયાકિનારાનાં સ્થળોમાં વર્ષે 2 કિમી. જેટલા ઊંચા દરે ક્ષારીય જળનો પગપેસારો થતો જાય છે… આવાં અનેક કારણોનો કોઈ કુદરતી ઉકેલ ન હોવાથી રાજ્ય સરકાર પર આર્થિક બોજ વધે છે. નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે, તેનું 90 % પાણી સમુદ્રમાં વહી જતું હતું. આ વહી જતા પાણીને ઉપયોગમાં લેવા માટે આ યોજના તૈયાર થઈ રહી છે. આવાં અનેક કારણોથી નર્મદા નદી ગુજરાતની જીવાદોરી બનશે.

મધ્યપ્રદેશના અમરકંટક નજીકથી નીકળીને કુલ 1,312 કિમી.નો પ્રવાહપથ પસાર કરી, નર્મદા નદી ખંભાતના અખાત ખાતે અરબી સમુદ્રને મળે છે. તેના ડાબા કાંઠે 22 અને જમણા કાંઠે 19 મળીને 41 જેટલી સહાયક નદીઓ મળે છે. તેનો સ્રાવવિસ્તાર 97,410 ચોકિમી. જેટલો છે. તેનો સરેરાશ પ્રવાહ ઉત્તર ભારતની રાવી, બિયાસ અને સતલજના કુલ પ્રવાહથી પણ વધુ છે, તેનો સ્રાવવિસ્તાર ભારતમાં આઠમા ક્રમે આવે છે. ઉપયોગપાત્ર પ્રવાહની દૃષ્ટિએ તેનું સ્થાન ગંગા, ગોદાવરી, કૃષ્ણા અને મહાનદી પછી પાંચમા ક્રમે આવે છે.

નર્મદા નદીના જળનો ગૃહવપરાશ તથા સિંચાઈ અને ઊર્જા માટે સદુપયોગ કરવાની યોજનાનો વૈચારિક આરંભ 1946માં થયેલો; પરંતુ તેની શિલારોપણ વિધિ 5 એપ્રિલ, 1961ના રોજ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કરેલી. ત્યારબાદ તેના જળરાશિનો યોગ્યતમ ઉપયોગ થાય તે માટે બંધની ઊંચાઈ ક્રમશ: વધારવાની વિચારણા પણ થયેલી. પરંતુ આ માટે કોઈ સમજૂતી ન સધાતાં છેવટે ‘નર્મદા વૉટર ડિસ્પ્યૂટ ટ્રિબ્યૂનલ (NWDT) 1960માં રચાયું. આ ટ્રિબ્યૂનલે નર્મદા નદી પરના તમામ પ્રકલ્પોનાં આયોજન, તેમજ તેમને સંબંધિત પર્યાવરણ અને પુનર્વસન જેવાં મહત્ત્વનાં પાસાંઓનો વ્યવસ્થિત અભ્યાસ કરીને અંતિમ નિર્ણય આપ્યો છે. તે અનુસાર, નર્મદા નદીખીણના વિકાસ માટે 30 મોટા, 135 મધ્યમ અને 3,000 નાના બંધોનું બાંધકામ કરવાનું નિયત થયું છે. 30 મોટા બંધ પૈકી ગુજરાત પૂરતી તો એકમાત્ર સરદાર સરોવર યોજના જ છે. તેના બંધનું બાંધકામ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આયોજન મુજબ ચાલી રહ્યું છે. જૂન 2004માં 110.64 મીટરની ઊંચાઈ પૂરી કરાઈ છે. ત્યારબાદ (2006) સર્વોચ્ચ અદાલતે આ બંધની ઊંચાઈ 121.92 મીટર સુધી લઈ જવાની પરવાનગી આપી છે.

સરદાર સરોવર બંધ (નર્મદા યોજના)

આ યોજનાનું આયોજન એ રીતનું કરવામાં આવેલું છે કે વધુ પાણી ધરાવતા નર્મદા સ્રાવ ક્ષેત્રના તૈયાર થયેલા જળાશયમાંથી ગુજરાતના દૂર દૂરના પ્રદેશો સુધી તેમજ રાજસ્થાન સુધી કે જ્યાં પાણીની કાયમી અછત રહેતી હોય છે ત્યાં પૂરતા જથ્થામાં પાણી પહોંચાડી શકાય. 500 કિમીથી પણ વધુ લાંબી બંધાનાર નર્મદા મુખ્ય નહેર મહી, સાબરમતી, બનાસ, રૂપેણ, ખારી, સરસ્વતી વગેરે જેવી ગુજરાતની નદીઓને ઓળંગશે અને તેમાં પાણી ઠલવાશે. યોજનાની સમગ્ર ગૂંથણી એ રીતે આકારી છે કે માત્ર ગુજરાતમાં જ 18 લાખ હેક્ટરથી પણ વધુ જમીનના વિસ્તારમાં સિંચાઈ ઉપલબ્ધ થઈ શકશે. આ રીતે નર્મદા યોજના ‘નૅશનલ ઇન્ટરરિવર ગાર્લેન્ડિગ સ્કીમ’માં અગ્રેસર બનશે.

નર્મદા યોજનાની મુખ્ય નહેરો દર્શાવતો નક્શો

સૌરાષ્ટ્ર અને કચ્છનાં સિંચાઈક્ષેત્રો માટે ઉદ્વહન દ્વારા પાણી લઈ જવાની બાબત આ યોજના અંતર્ગત વિચારાયેલી છે. 14,500 ક્યુસેક્સ (425 ક્યુમેક્સ) ક્ષમતા સાથેની સૌરાષ્ટ્ર શાખા નહેર અને 7,770 ક્યુસેક્સ (220 ક્યુમેક્સ) ક્ષમતા સાથેની કચ્છ શાખા નહેર એક તરફ ગુજરાત અને બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છ વચ્ચેની મુખ્યભૂમિ-(નીચાણવાળી ભૂમિ)ને પાર કરશે. ભારતીય અને ઇટાલિયન સહયોગના ઉપક્રમે પાંચ ઉદ્વહન-કેન્દ્રો પર 20 ક્યૂબિક મીટરની ક્ષમતાના એક એવા 65 કૉંક્રીટ વોલ્યુટના પંપ (ઉપરાંત પાંચ ક્યુમેક્સ ક્ષમતાના 22 વર્ટિકલ ટર્બાઇન પંપ) સાથે પંપ-મથકો તૈયાર કરવાનું કામ અમલ હેઠળ છે. આ પંપ-મથકો ભારતમાં અમલીકરણ હેઠળના સૌથી વિશાળ પંપ-મથકો હશે. ઉપર્યુક્ત બાબતોના પરિપ્રેક્ષ્યમાં સરદાર સરોવર યોજના ભારતની એક અનોખી યોજના છે.

યોજનાની લાક્ષણિકતાઓ

મુખ્ય બંધ :
પ્રકાર કૉંક્રીટ ગુરુત્વ પ્રકાર
લંબાઈ 1210 મીટર
સૌથી ઊંડા પાયાના તળથી મહત્તમ ઊંચાઈ 163 મીટર
બંધના મથાળાનું રોડલેવલ 146.5 મીટર
બંધના ઉપરવાસમાં નદીનો સ્રાવવિસ્તાર 88,000 ચોકિમી.
જળાશયની લંબાઈ 214 કિમી.
જળાશયની મહત્તમ પહોળાઈ 16.1 કિમી.
જળાશયની સરેરાશ પહોળાઈ 1.77 કિમી.
જીવંત જળસંગ્રહક્ષમતા 0.58 MHAM (4.7 MAF)
સ્પિલવે દરવાજા : (છલતી)
સ્યુટ સ્પિલવે 7 નંગ (18.29 મીટર x 18.29 મીટર)
સર્વિસ સ્પિલવે 23 નંગ (18.29 મીટર x 16.76 મીટર)
સ્પિલવે ક્ષમતા 84,950 ક્યુમેક્સ (30 લાખ ક્યુસેક્સ)

વીજમથકો : આ યોજનામાં બે વીજમથકો રખાયાં છે.

સરદાર સરોવર

1) રીવર બેડ પાવર હાઉસ : 1,200 મૅગાવૉટ. આ વીજમથક બંધની જમણી બાજુ, ભૂમિતળથી નીચે, 165 મીટરને અંતરે ભૂગર્ભ વીજમથક તરીકે કાર્યરત થશે. તેમાં 200 મૅગાવૉટનું એક એવા 6 એકમો હશે. અહીં ફ્રાન્સિસ ટાઇપ રિવર્સિબલ ટર્બાઇન જનરેટર્સ બેસાડાશે. ભારતમાં પંપ-સંગૃહીત યોજનાઓમાં આ સૌથી મોટી સંસ્થાપિત ક્ષમતા ધરાવતી યોજના છે. વીજ-ઉત્પાદન એકમોનું કદ પણ વિશાળ છે. આ વીજમથકના બે એકમ કાર્યરત થયેલાં છે.

(2) કૅનાલ હેડ વીજમથક : 250 મૅગાવૉટ. આ વીજમથક નદીને જમણે કાંઠે ભૂમિસ્થિત છે. તેમાં 50 મૅગાવૉટ ક્ષમતાનું એક એવાં પરંપરાગત કાપ્લાન પ્રકારનાં પાંચ જનરેટર છે. તે વડગામ સૅડલ ડૅમના નીચે તરફના ભાગમાં ગોઠવવામાં આવેલ છે અને કાર્યરત છે.

નર્મદા મુખ્ય નહેર : નર્મદા મુખ્ય નહેર વિશ્વની સૌથી મોટી અસ્તરબદ્ધ પાકી સિંચાઈ નહેર છે.

લાક્ષણિકતાઓ :
1. હેડ રેગ્યુલેટર ખાતે પૂર્ણ પુરવઠા-સ્તર (FSL) 91.44 મીટર
2. ગુજરાત-રાજસ્થાન સરહદ સુધીની લંબાઈ 458 કિમી.
3. રાજસ્થાનમાં લંબાઈ 74 કિમી.
4. શરૂઆતમાં તળિયાની પહોળાઈ 73.01 મીટર
5. પૂર્ણ જળસપાટી સુધીની ઊંડાઈ (FSD) 7.60 મીટર
6. આલેખિત જળવહનક્ષમતા
   (i) શરૂઆતમાં 1133 ક્યુમેક્સ (40,000 ક્યુસેક્સ)
    (ii) ગુજરાત-રાજસ્થાન સરહદ ખાતે 71 ક્યુમેક્સ (2,500 ક્યુસેક્સ)

રાજસ્થાનની સરહદ સુધી આ નહેર ભૂમિ, આબોહવા તેમજ કૃષિની વિવિધતા ધરાવતા પ્રદેશોમાંથી પસાર થશે; અસંખ્ય નદી-નાળાં તથા નાની-મોટી નદીઓને પાર કરશે. મુખ્ય નહેરની સાથે સાથે, બધાં મળીને વિવિધ પ્રકારનાં અંદાજે 600 જેટલાં માળખાં બંધાશે, તેમાં તેને આંતરતાં નદી-નાળાં પરનાં નહેર-ક્રૉસિંગ-માળખાં, નિયમન-માળખાં, નિયંત્રણ-માળખાં વગેરેનો સમાવેશ થશે.

નહેર-વિતરણ પદ્ધતિ :
(1)  શાખા-નહેરો 40
(2)  શાખા-નહેરો, પ્રશાખાઓ, નાની નહેરો, પેટા નાની નહેરો – સમગ્ર ગૂંથણી(નેટવર્ક)ની લંબાઈ 66,000 કિમી.
(3) ગુજરાતમાં વાર્ષિક સિંચાઈ 18 લાખ હેક્ટર

નહેરવિતરણ વ્યવસ્થાકાર્યશીલતા : મુખ્ય નહેરમાંથી 40 શાખા-નહેરો નીકળશે. તેમાં મિયાગામ, વડોદરા, સૌરાષ્ટ્ર અને કચ્છની શાખા-નહેરોનો સમાવેશ થશે. તેની ક્ષમતા 75 ક્યુમેક્સ (2,650 ક્યુસેક્સ) કરતાં વધુ હશે. શાખા-પ્રશાખા નહેરો, નાની નહેરો, પેટા નહેરો વગેરેથી બનેલી પ્રવહન અને વિતરણ વ્યવસ્થાના 66,000 કિમી.ની ગૂંથણી (નેટવર્ક) દ્વારા 8 જેટલાં હેક્ટર ઘટકોને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવશે.

આ વ્યવસ્થા સંપૂર્ણપણે કમ્પ્યૂટર-સંચાલિત હશે. વળી 300 ક્યુસેકની ક્ષમતા સુધી તેનું દૂરસંવેદન-રિમોટ પદ્ધતિથી સંચાલન થશે. ભૂતળનાં પાણીના સંયોજિત ઉપયોગ વિશે પણ વિચારવામાં આવ્યું છે.

લોકભાગીદારી આ યોજનાનું મહત્ત્વનું પાસું છે.  શાખા-નહેરના મથાળેથી પ્રશાખા-નહેર સુધી તથા ઢાળિયાં(ફિલ્ડ ચેનલ)નું વિતરણ માળખું જે તે ગ્રામસેવાવિસ્તારની પિયત સહકારી મંડળી દ્વારા સંભાળવામાં આવશે. પાણીનું વિતરણ, વ્યવસ્થાપન તથા નહેરની જાળવણી, નિભાવ તેમજ મરામતની કામગીરી મંડળી સંભાળશે. ઢાળિયાં ખેડૂતો દ્વારા અથવા મંડળી દ્વારા કરવામાં આવશે.

નહેર

આયોજિત કાર્યક્રમ : વર્ષ 2004 મુજબ નર્મદા મુખ્ય નહેરનું 0.00થી 263 કિમી. સુધીનું કામ પૂર્ણ થયેલું છે. મુખ્ય નહેર 263થી 357 કિમી. સુધીનું કામ મહદ્અંશે પૂર્ણ થયેલું છે. મુખ્ય નહેર 357થી 458 કિમી સુધી એટલે કે રાજસ્થાન સરહદ સુધીનાં કામોનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તે 2006-07 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

ફેઝ-1 અને ફેઝ-2માં વિતરણકાર્ય તથા વિસ્તાર-વિકાસનાં કાર્યો હાથ પર છે, જે 2007-08 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

યોજનાનાં આકર્ષણો :

(1) 532 કિમી.ની લંબાઈ ધરાવતી, પ્રારંભિક 40,000 ક્યુસેક જળક્ષમતા ધરાવતી, 40 શાખાઓ તેમજ 66,000 કિમી.માં જળવિતરણની ગૂંથણી ધરાવતી દુનિયાની સૌથી મોટી પાકી સિંચાઈ નહેર.

(2) માર્ગમાં આવતી નદીઓને પાર કરવા મોટી કાંસ (Aquaduct) અને સાઇફનો બાંધવામાં આવેલ છે.

(3) ભૂગર્ભીય વીજમથક ભારતમાંની પંપ-સંગૃહીત યોજનાઓમાં સૌથી વધુ સંસ્થાપિત ક્ષમતાધારક.

(4) સંપૂર્ણ કમ્પ્યૂટરાઇઝ્ડ તેમજ રિમોટ-સંચાલિત પદ્ધતિ પાણીને ભરોસાપાત્ર રીતે અને સમયસર પહોંચાડવા માટે માપસરનો જળપુરવઠો નક્કી કરશે.

(5) દેશની વર્તમાન યોજનાઓનો અસરગ્રસ્ત તેમજ લાભાર્થી વસ્તીનો સામાન્ય ગુણોત્તર આશરે 4 % છે, જ્યારે આ યોજનાનો ગુણોત્તર 0.3 % છે. વળી લાભાર્થીઓ અને વિસ્થાપિતોનો ગુણોત્તર 100 : 1 જેટલો ઊંચો છે, જે આ યોજનાનાં ઊજળાં પાસાં દર્શાવે છે.

(6) આ યોજના અંતર્ગત પાણીની સમાન વહેંચણી થશે, જે વ્યક્તિગત રૂપે ખેડૂતોને બદલે સહકારી મંડળીઓ મારફતે ગ્રામસેવા-વિસ્તારોના 8 જેટલાં હેક્ટર-ઘટકોને શાખા-નહેરો, પ્રશાખા-નહેરો, નાની નહેરો અને પેટા નહેરોની બનેલી વિતરણપદ્ધતિની ગૂંથણી દ્વારા સિંચાઈ પૂરી પાડશે.

(7) યોજનામાં સિંચાઈના પાણીની વિતરણ-વ્યવસ્થા ગ્રામસેવા-વિસ્તારોમાં મથાળેથી ઢાળિયાં સુધી પિયત સહકારી મંડળી સંભાળશે. આમાં લોકભાગીદારીને સામેલ કરાશે.

(8) ભૂગર્ભજળનો સંયોજક ઉપયોગ કરવાનું આયોજન છે.

(9) નર્મદા બંધ તથા નહેરની આજુબાજુના રમણીય પ્રાકૃતિક વિસ્તારનો પ્રવાસન-સ્થળો તરીકે વિકાસ કરવાનું પણ આયોજન છે.

(10) નર્મદાજળ અન્ય નદીઓમાં ઠલવાતાં ત્યાંનાં ભૂગર્ભજળસ્તર ઊંચાં આવવાની સંભાવના છે.

પિયતવિસ્તારવિકાસ : સરદાર સરોવર યોજનાના 18 લાખ હેક્ટરના પિયત-વિસ્તારમાં વિકાસનાં કાર્યો આધુનિક ટૅક્નૉલૉજી તેમજ અદ્યતન ખેતપદ્ધતિ દ્વારા હાથ ધરવામાં આવ્યાં છે. લોકભાગીદારી દ્વારા લાભાર્થી ખેડૂતો માટે સિંચાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પિયત સહકારી મંડળી દ્વારા જળવિતરણ તથા નહેર મથાળેથી છેક ઢાળિયાં સુધીના માળખાની સિંચાઈનો વહીવટ થશે.

ગ્રામસેવા-વિસ્તાર મુજબ પિયત સહકારી મંડળીની રચના થશે. ખેડૂતોને જાણકારી આપવા, સક્રિય કરવા ગ્રામસભા અને બેઠકોની ઝુંબેશ થશે. પેટાનહેરો, ઢાળિયાં, નીકોનું કામ ખેડૂતોને હસ્તક રહી શકશે. ગ્રામસેવા-વિસ્તારની નહેરોનું માળખું તૈયાર થયા બાદ, પિયત સહકારી મંડળીને સહભાગી બનાવી વ્યવસ્થા સોંપી શકાશે. ખેત-ઊપજમાં વૃદ્ધિ માટે સંશોધનકેન્દ્રોને કાર્યરત કરાશે. ટપકપદ્ધતિ અને છંટકાવ વગેરેનો ઉપયોગ કરવાનું સમજાવાશે. લાભાર્થી ખેડૂતોને સિંચાઈ તથા અદ્યતન કૃષિપદ્ધતિની જાણકારી મેળવવા તાલીમની વ્યવસ્થા કરાશે. પાણીનું વિતરણ લોકભાગીદારી દ્વારા થશે. સિંચાઈ માટે જળજથ્થો માપીને અપાશે. ખેડૂતોને વારાબંધી મુજબ પાણી અપાશે. મર્યાદિત પાણીથી બહોળા વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવાશે. વધુ પાણીની જરૂરિયાતવાળા પાકોને પ્રોત્સાહિત ન કરતાં, આર્થિક રીતે લાભદાયક વાવેતરને ઉત્તેજન અપાશે.

પુનર્વસન : પુનર્વસન-નીતિ ચુકાદાની માર્ગદર્શક રૂપરેખા મુજબ ઘડવામાં આવી છે. અસરગ્રસ્ત કુટુંબોને યોજનાના લાભાર્થી તરીકે ગણ્યા છે. આ નીતિ એવા બધા જ જમીનધારકો માટે છે, જેમને જળાશયના કારણે ડૂબમાં જવાથી તેમની 25 %થી વધુ જમીન ગુમાવવી પડી છે. અસરગ્રસ્ત કુટુંબોની તમામ શ્રેણીઓના 1-1-1987 સુધીના વયસ્ક પુત્રોને બે હેક્ટર જમીન માટે યોગ્યતાપાત્ર ઠરાવ્યા છે. સંયુક્ત જમીનધારકો ઉપરાંત દબાણ કરનારાઓ અને જમીનવિહોણા ખેતમજૂરો પણ બે હેક્ટર ખેતીની જમીન મેળવવાને પાત્ર છે. લાભાર્થીઓથી વિસ્થાપિતોનો ગુણોત્તર 100 : 1 જેટલો ઊંચો છે. સરદાર સરોવર યોજનાથી અસરગ્રસ્તોનું પુનર્વસન કરવામાં આવ્યું છે. રસ્તા, શાળાઓ, આરોગ્યસેવાઓ વગેરે જેવી માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. તેમને પૂરતા નાણાકીય લાભો તેમજ દીર્ઘકાલીન આવક-ઉપાર્જનનાં પૅકેજ પણ પૂરાં પાડવામાં આવ્યાં છે.

પર્યાવરણની ઉન્નતિ : વનીકરણની વિસ્તૃતિ : કપાયેલા પ્રત્યેક વૃક્ષની બદલીમાં 85 વૃક્ષો ઉગાડાઈ ચૂક્યાં છે. ડૂબ હેઠળ ગયેલી કે ફાળવાયેલી જંગલની પ્રત્યેક હેક્ટર જમીનની બદલીમાં જંગલ સિવાયની એક હેક્ટર જમીન પર તેમજ જંગલની બે હેક્ટર જમીન પર વળતરરૂપ વનીકરણ કર્યું છે. ધોવાણ પામેલાં જંગલોના 9,300 હેક્ટર વિસ્તાર તેમજ બંધની આસપાસના 552 હેક્ટર વિસ્તારમાં પુનર્વનીકરણ કર્યું છે. નહેરકાંઠા પરની આશરે 3,510 હેક્ટર જમીન પર વૃક્ષો રોપવાનું કામ પૂર્ણ થયું છે. સ્રાવ-વિસ્તારના 29,157 હેક્ટર વિસ્તારને નવસાધ્ય કર્યો છે, જેનાથી જળાશય વિસ્તારમાં જીવન વિકસશે. કચ્છની 4,650 હેક્ટર ઉજ્જડ જમીન પર વૃક્ષરોપણી કરવામાં આવી છે. આ યોજનાથી નળસરોવર, વેળાવદર કાળિયાર, રાષ્ટ્રીય ઉદ્યાન, શૂલપાણેશ્વર રીંછ અભયારણ્ય તેમજ નાના રણના ઘુડખર અભયારણ્યને ફાયદો થશે. કચ્છમાં સુધરેલી વસાહતથી લગભગ નામશેષ થઈ ચૂકેલું ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ આકર્ષાયું છે. નળિયામાં 1982માં માત્ર એક જ છીંકારું નજરે પડેલું, તેની સામે હવે 40થી પણ વધુ છીંકારાનું જૂથ થયેલું જોવા મળે છે. જળાશયની વિસ્તાર-વૃદ્ધિથી જળજીવનમાં સુધારો જોવા મળ્યો છે. સ્થાનિક લોકો અને પશુઓને વિપુલ જથ્થામાં ઘાસ ઉપલબ્ધ થયું છે.

યોજનાના લાભ : સરદાર સરોવર યોજનાથી ગુજરાતના 15 જિલ્લાઓના 73 તાલુકાઓનાં 3,112 ગામોની 1,793 મિલિયન હેક્ટર જમીનમાં સિંચાઈ ઉપલબ્ધ થશે. રાજસ્થાનમાં બાડમેર અને જાલોર જેવા શુષ્ક વિસ્તારમાં આવેલા વ્યૂહાત્મક જિલ્લાઓની 2.46 લાખ હેક્ટર જમીન અને મહારાષ્ટ્રના પહાડી આદિવાસી વિસ્તારોની 37,500 હેક્ટર જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવાશે.

ગુજરાતનો આશરે 75 % જેટલો વિસ્તાર દુકાળ-પ્રભાવિત છે. સિંચાઈનો લાભ મેળવનારા મોટાભાગના લોકો નાનાસીમાંત ખેડૂતો છે; એટલું જ નહિ, તે પૈકીના ઘણાખરા અનુસૂચિત જાતિ-જનજાતિના ખેડૂતો છે.

ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની આશરે 46 લાખ એકર ફળદ્રૂપ જમીનને સિંચાઈ પૂરી પાડીને તેમજ દુકાળના પ્રભાવથી મુક્ત કરીને અનાજ, ખાદ્યતેલ તેમજ કપાસના ઉત્પાદનને આશરે 4 મિલિયન ટન સુધી પહોંચાડી દેશે. વસ્તીવૃદ્ધિની સ્થિતિમાં તે દેશને પૂરતું અનાજ પૂરું પાડવામાં અને સ્વનિર્ભર બની રહેવામાં મદદરૂપ બનશે.

ગુજરાતનાં 8,215 ગામો અને 135 શહેરી વિસ્તારો તેમજ રાજસ્થાનનાં 131 ગામોને પીવાના સલામત પાણીનો પુરવઠો પૂરો પડશે. ગુજરાતનાં 7,491 સ્રોતરહિત ગામોને પીવાનું પાણી ઉપલબ્ધ થશે. આ ગામો પૈકી 2,218 ગામોના પાણીમાં નાઇટ્રેટનું વધુ પડતું પ્રમાણ છે, જ્યારે 641 ગામો ક્ષારભૂમિવાળાં છે. વર્ષ 2011માં 24.3 મિલિયન તથા વર્ષ 2021માં 29.26 મિલિયન જેટલી અંદાજિત વસ્તીને પાણી મળી શકશે.

1,450 મૅગાવૉટની સંસ્થાપિત ક્ષમતા સાથે વીજઉત્પાદનનો લાભ મળશે, તેમાંથી મધ્યપ્રદેશને 57 %, મહારાષ્ટ્રને 27 %, જ્યારે ગુજરાતને 16 % જેટલો વીજઉત્પાદનનો હિસ્સો મળશે.

પૂરનિયંત્રણ, રણવિસ્તારવૃદ્ધિ, ક્ષારપ્રસાર અને પાણીની અછત અને તેનાથી થતા ફરજિયાત સ્થળાંતર પર નિયંત્રણ આવશે.

દૂર દૂરથી પીવાનું પાણી લાવવામાં અને તેનો સંગ્રહ કરવામાંથી મુક્તિ મળશે. પાણીથી ફેલાતા રોગોના પ્રમાણમાં ઘટાડો થશે. આરોગ્યપ્રદ પીવાલાયક પાણી મળવાથી બાળમૃત્યુદર ઘટશે. ગ્રામવિસ્તારોમાં મત્સ્યઉદ્યોગ વિકસી શકશે. ભૂમિ હરિયાળી બનશે. કૃષિ આધારિત ઉદ્યોગો વિકસશે. યોજનાની અસર હેઠળ આવતાં 3,400થી વધુ ગામોના અર્થતંત્રને વેગ મળશે અને જીવનધોરણ સુધરશે.

સિદ્ધિઓ : નર્મદા પંચામૃતરૂપી બે શક્તિઓ-જળશક્તિ અને ઊર્જાશક્તિનો સમન્વય એટલે સરદાર સરોવર યોજના.

250 મૅગાવૉટની ક્ષમતાધારક કૅનાલ હેડ વીજમથક કાર્યરત થઈ ગયેલ છે. નદીતળ વીજમથકના બે એકમો પણ કાર્યાન્વિત થયા છે. નર્મદા મુખ્ય નહેરનું બાંધકામ 263 કિમી. સુધી પૂર્ણ થઈ ગયું છે, નહેર પણ કાર્ય કરતી થઈ ગઈ છે. 263થી 357 કિમી. સુધીનું કાર્ય મહદ્અંશે પૂર્ણ થયું છે. 357થી 458 કિમી.(રાજસ્થાન સરહદ સુધી)નું કાર્ય શરૂ થઈ ગયું છે, જે 2006-07માં પૂરું કરવાનું આયોજન છે.

ગાંધીનગર-અમદાવાદ શહેર સહિતના શહેરી વિસ્તારો, સેંકડો ગામો તેમજ પાણીની અછતવાળાં સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર અને રાજકોટ જિલ્લાઓમાં નહેર દ્વારા નર્મદાજળ પહોંચ્યાં છે.

ઔદ્યોગિક એકમોને ઔદ્યોગિક વપરાશ માટે પાણી આપવાનું શરૂ કર્યું છે.

2004-05 દરમિયાન યોજના-વિસ્તારની 96,293 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ અપાયો છે. 4.55 લાખ હેક્ટર વિસ્તારમાં વિકાસકાર્યો ચાલે છે.

3.27 લાખ વૃક્ષો વાવીને વનીકરણને વેગ અપાયો છે.

સાબરમતી અને મહી નદી સહિત 10 જેટલી નદીઓમાં પાણી છોડવાથી તે નવપલ્લવિત થઈ છે. અનેક કૂવા અને 600 ગામતળાવોમાંનાં જળ તેમજ ભૂગર્ભજળ ઊંચાં આવ્યાં છે.

યોજનાના કાબૂ હેઠળના વિસ્તારના પ્રથમ તબક્કામાં કુલ 1,192 પિયત સહકારી મંડળીઓની નોંધણી કરવાની થાય છે. તે પૈકી 1,186 મંડળીઓની નોંધણી થઈ ચૂકી છે. તબક્કા 2માં 504 પિયત-મંડળીઓની નોંધણી કરવાની થાય છે, તે પૈકી 196 મંડળીઓની નોંધણી થઈ ચૂકી છે.

આ યોજનાની અસરકારકતા તેમજ કરેલ ખર્ચ સામે આર્થિક વળતરનો પ્રશ્ન ઉપભોક્તાઓની મંડળીઓનું સુયોગ્ય ગઠન થાય અને સાથોસાથ પાણીની વપરાશમાં બગાડ ન થાય તે જોવાની તત્પરતા પર આધારિત છે. (વધુ વિગત માટે જુઓ : (1) બંધો, (2) ગુજરાત-અર્થતંત્ર)

ગિરીશભાઈ પંડ્યા